Sunday, October 30, 2022

લપડાકનો બદલો આવો?

 આપણા જીવનની સફરમાં કેટકેટલા સહપ્રવાસીઓ આપણને મળતા રહે છે. કોઈ ટૂંકા સમય માટે કે કોઈ લાંબા સમય માટે અમુક પંથ સાથે કાપે અને પછી કાળના પ્રવાહમાં સહજપણે વિખૂટા પડે છે. વરસો પછી તેમના વિશે કશુંક જાણીએ, સાંભળીએ કે તેમને મળવાનું બને ત્યારે મીઠો રોમાંચ થતો હોય છે. ક્યારેક એમ ન પણ બને.

અમારા છઠ્ઠા ધોરણના વર્ગમાં એક છોકરો નવો આવેલો. બહુ નહીં, પણ સહેજ માંજરી આંખો, લંબચોરસ ચહેરાની સરખામણીએ એના હોઠ સહેજ જાડા અને પક્ષીની ચાંચની જેમ આગળ ઊપસેલા. નવા વિદ્યાર્થીનાં લક્ષણ પણ આવતાંવેંત પરખાઈ જાય, એમ બહુ ઝડપથી એની દોસ્તી અમુક તોફાની વિદ્યાર્થી સાથે થઈ ગઈ. થોડા પરિચયે ખબર પડી કે અમારી સોનાવાલા હાઈસ્કૂલથી સાવ નજીક, પાંચેક મિનીટના પગપાળા અંતરે, બગીચાની સામે આવેલી 'ગાર્ડની ચાલી'માં તે રહેતો હતો, જે 'ગ્યાડની ચાલી'ના નામે ઓળખાતી હતી. તેના પપ્પા રેલ્વેમાં નોકરી કરતા હતા. તેનાથી મોટા બે-એક ભાઈઓ હતા, અને એ ભાઈઓએ પણ આ જ શાળામાં પ્રવેશ લીધો હતો. એનું નામ હતું દીપક ભગવતપ્રસાદ દવે. જો કે, આવાં અઘરાં નામ બોલવાં કોઈને ફાવે નહીં, એટલે બહુ ઝડપથી એ 'દીપ્કા' તરીકે ઓળખાવા લાગ્યો. પણ નામમાં હજી કંઈક ખૂટતું હોય એમ સૌને લાગતું હતું. તેની પૂર્તિ થોડા સમયમાં થઈ ગઈ. પી.ટી.ના પિરીયડમાં અમે સૌ લંગડી રમતા ત્યારે દીપ્કાની દોડવાની સ્ટાઈલ બધાથી અલગ પડતી. અમસ્તો પણ એ તોફાની ગણાતો, એટલે એનું નામ પડી ગયું 'દીપ્કો બંદર'. આઠમા ધોરણમાં અમે આવ્યા ત્યારે અમારા પ્રિય શિક્ષક એવા મગનભાઈ પટેલે વળી એક નવું નામ એને આપ્યું. મગનભાઈને અમુક હોંશિયાર વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ લગાવ હતો, તેમ અમુક તોફાની વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ ભાવ હતો. જેમ કે, અમારા મુકલા (મુકેશ પટેલ) માટે તેમને એ હદે ભાવ કે એમના વર્ગમાં મુકલો રીતસર ઊંઘે તો પણ મગનભાઈ સાહેબ એને કંઈ ન કહે અને ઊપરથી કહે, 'જુઓ ને, મારો બેટો મઠિયો (મુકાનું એમણે આપેલું નામ) કેવો ઊંઘે છે!' મગનભાઈ સાહેબ એમની કડકાઈ માટે જાણીતા. ગણિત અને રસાયણવિજ્ઞાન તેઓ ભણાવતા. કોઈને કંઈ ન આવડે એટલે મગનભાઈ સાહેબ રીતસર તેના પર તૂટી પડતા. આમ છતાં, તેઓ આવા વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી પણ રાખતા. તેમણે 'દીપ્કા'નું નામકરણ કર્યું 'મિસ્ટર જમ્બુ'.

એ સમયે 'મોનીટર'ની પ્રથા ચલણી હતી. ઘણી વાર તો જે તે તાસ માટે હંગામી ધોરણે મોનીટર નીમવામાં આવતો. એ રીતે એક વાર મને મોનીટર નીમવામાં આવ્યો, સાથે સત્તા પણ આપવામાં આવી કે જે કોઈ 'અવાજ કરે' એને એક લગાવી દેવી. બીજી ચિંતા કરવી નહીં. કયા શિક્ષકે મને નીમેલો એ અત્યારે યાદ આવતું નથી, પણ મારા હવાલે વર્ગને મૂકવામાં આવ્યો. મેં જોયું કે દીપ્કો અને એના મિત્રો પાછલી બેન્ચ પર બેઠા બેઠા અકારણ હસ્યા કરતા હતા. મેં એમને અવાજ કરવાની ના પાડી. પણ પ્રતિબંધ મૂકાતાં તેમનું હાસ્ય ઓર વિફર્યું. તેઓ હોઠ દાબીને હસવા જાય અને એ રીતે અવાજ આવે. મને મળેલી સત્તાનો મેં ઊપયોગ કરવા ધાર્યો, અને ત્યાં જઈને દીપ્કાને ગાલે ટપલી લગાવવાની ચેષ્ટા કરી. પણ સત્તાના આવેશમાં એ ટપલી તમાચો બનીને દીપ્કાને ગાલે પહોંચી. ગાલ પર હથેળી પડ્યાનો અવાજ આવ્યો, અને સહુ ચોંકી ઊઠ્યા. દીપ્કો હસવાનું ભૂલીને હવે રડવા લાગ્યો. તેને કેમ છાનો રાખવો એ મારી સત્તામાં આવતું ન હોવાથી મને આવડતું ન હતું. પણ પછી વર્ગમાં શાંતિ છવાઈ ગઈ.

પછી રિસેસમાં દીપ્કાને મળીને મેં સમજાવવા પ્રયત્ન કર્યો હશે. મને હવે બીક એ પેસી ગઈ કે દીપ્કાના બન્ને મોટા ભાઈઓ આ જ શાળામાં ભણે છે. દીપ્કો એમને વાત કરે અને એ બન્ને આવે તો? એકાદ વાર રિસેસમાં દીપ્કાને મેં એના મોટાભાઈ સાથે વાત કરતો જોયો. હું વર્ગમાં જ હતો. બન્ને ભાઈઓ ચાલતા ચાલતા અમારા વર્ગ તરફ આવતા હતા. મને થયું કે હવે મારું આવી બનવાનું! પણ પછી તેનો ભાઈ બીજી તરફ ફંટાઈ ગયો અને મને હાશ થઈ. એ સાથે જ ખાત્રી પણ થઈ કે દીપ્કાએ એના ભાઈને પેલી વાત કરી નથી.

વિજ્ઞાનપ્રવાહના વિષયોને કારણે અમે ઘણા સહાધ્યાયીઓ ચાર-પાંચ વરસ સાથે રહ્યા પછી વિખૂટા પડ્યા. એ પછી ઘણા વખત સુધી ગામમાં ને ગામમાં જ રહેવાનું થયું હોવાથી મોટા ભાગનાઓને મળવાનું પણ બનતું રહેતું. વચગાળાનો દોઢ-બે દાયકો એવી વીત્યો કે જેમાં સંસારજીવન અને કારકિર્દીમાં વ્યસ્ત થઈ જવાયું. એવે સમયે બહુ જ નજીકના મિત્રો હતા એમની સાથે જ સંપર્ક ચાલુ રહ્યો. આ નજીકના મિત્રોમાંના અમે મોટા ભાગના બીજા કે ત્રીજા ધોરણથી સાથે છીએ. હવે અમારી મૈત્રી વ્યક્તિગત મટીને પારિવારિક બની ગઈ છે, અને હવે અમે ઈચ્છીએ તો પણ એને તોડી શકીએ એમ નથી. આવો જ એક મિત્ર અજય પરીખ છે, જેનો મહેમદાવાદ સાથેનો જીવંત વ્યવહાર છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ મારી સવાર એના ફોનથી પડે એમ બનતું હોય છે. કોઈ પણ જૂની ઘટનામાં આનુષંગિક સંદર્ભ માટેનો મારો સૌથી હાથવગો સ્રોત એ છે. તેનો વ્યવસાય મહેમદાવાદમાં જ હોવાથી તે અમારા ઘણા સહાધ્યાયીઓના સંપર્કમાં છે, અથવા તો તેમના વિશે જાણકારી ધરાવે છે, તેમજ અવારનવાર અપડેટ પણ આપતો રહે છે.

30 ઑક્ટોબર, 2018ની સવારે જ તેનો ફોન આવ્યો, અને કહે, 'દીપક દવેને ઓળખું ને?' મેં કહ્યું, 'દીપક ભગવતપ્રસાદ દવે? શું છે એનું? તને હમણાં મળ્યો કે શું?' અજયે કહ્યું: 'એ ગુજરી ગયો. આજે પાંચ-છ દિવસ થયા. તે મુંબઈ રહેતો હતો.'

વચ્ચેના દોઢ-બે દાયકા હું દીપ્કાને સાવ વીસરી ગયેલો. તે ક્યાં છે, શું કરે છે એ જાણવાની તસ્દી લીધી નહોતી. મારા મનમાં હજી એ જ આઠમા-નવમામાં અમારી સાથે ભણતા દીપ્કાની છબિ સચવાયેલી છે. બીજો પણ એક દીપ્કો આ સાથે યાદ આવે છે, જેને 'દીપ્કો માંજરો' કહેતા. આ દીપ્કાઓ જંપીને બેસતા નથી, અને એક વાર યાદ આવે એટલે આપણને જંપવા દેતા નથી.

Saturday, October 29, 2022

દર્શનથી અર્પણ સુધી

 હજી ગયા સપ્તાહે જ, ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત, રજનીકુમાર પંડ્યાએ લખેલું પુસ્તક 'ફિલ્માકાશ' પ્રકાશિત થયું. ઘણાં વરસોથી પ્રતિક્ષીત એવું આ પુસ્તક દોઢેક દાયકા પછી પ્રકાશિત થયું એ ઘણા આનંદની વાત છે, પણ એ પુસ્તક ઉઘાડતાં જ મને એક હળવો રોમાંચ થઈ આવ્યો. એ રોમાંચનું કારણ જાણવા માટે ત્રણ- સવા ત્રણ દાયકા પાછા જવું પડે એમ છે.

1988-89 ના અરસામાં, એટલે કે મારી 23-24ની અને ઉર્વીશની 16-17ની વયે એક નવા શોખનો આરંભ થયેલો. વાંચન તરફ બે-ત્રણ વરસથી આકર્ષાયેલા, પણ હવે અમને થયું કે આટલું પૂરતું નથી. ગમતા કે ન ગમતા લેખકોને પત્ર લખીને આપણી લાગણી એમને પહોંચાડવી જોઈએ. એ ક્રમમાં પહેલવહેલો પત્ર પ્રિયકાન્ત પરીખને લખેલો, અને એમના પછીનો પત્ર રજનીકુમાર પંડ્યાને લખ્યો.

મહેમદાવાદ જેવા નાનકડા નગરના બે સાવ અજાણ્યા, લબરમૂછિયા વાચકોને રજનીકુમારે અતિશય સૌજ્ન્ય તેમજ પ્રેમપૂર્વક પ્રતિભાવ પાઠ્વ્યો. એ પછી તેમના અમને ગમેલા લેખો વિશે પત્રો લખવાનો સીલસીલો ચાલ્યો. આ જ અરસામાં અમને જૂનાં હિન્દી ફિલ્મસંગીત પ્રત્યે આકર્ષણ થતું ચાલેલું. એ વખતે એસ.ડી.બર્મન અને ઓ.પી.નય્યરે સંગીતબદ્ધ કરેલાં ગીતો એની શૈલી પરથી ઓળખી શકાય એ રીતે કર્ણેન્દ્રીય વિકસી રહી હતી. આથી અમે એસ.ડી. બર્મન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મોની યાદી બનાવવાનું શરૂ કર્યું. યાદી કેમ? ભવિષ્યમાં અમે એ ફિલ્મોનાંં તમામે તમામ ગીતો વસાવી શકીએ એટલા માટે. આ યાદી 52 ફિલ્મોએ પહોંચેલી. એ અરસામાં ગુજરાતી 'ટાઈમ્સ ઑફ ઈન્ડીયા'માં રજનીકુમારની 'ગુંજન' નામની કટાર આવતી હતી, જેમાં તેઓ કોઈ એક ગીતનો આસ્વાદ કરાવતા અને તેની વિગતો આપતા. આ કટારમાં તેમણે એક વાર 'બંદિની'ના ગીત 'ઓ રે માઝી' વિશે લખ્યું, જેમાં તેના સંગીતકાર એસ.ડી.બર્મને કુલ 89 ફિલ્મોમાં સંગીત પીરસ્યું હોવાનું જણાવેલું. અમે તેમને પોસ્ટકાર્ડ દ્વારા પૂછાવ્યું કે અમે 52 ફિલ્મોની યાદી બનાવી શક્યા છીએ. બાકીની ફિલ્મોનાં નામ મળે? તેમનો જવાબ ન આવ્યો, પણ થોડા જ દિવસમાં અમારા સરનામે એક દળદાર એન્વેલપ આવ્યું. ખોલીને જોયું તો એમાં વિશ્વનાથ ચેટર્જીએ તૈયાર કરેલી બર્મનદાદાની તમામ ફિલ્મોગ્રાફી હતી. અમે રોમાંચિત થઈ ગયા, કેમ કે, જગતમાં આ રીતે (ફિલ્મોગ્રાફી બનાવવી અને પોતાન ખર્ચે એ મોકલવી) પણ કામ થઈ શકે છે એ અમારા માટે કલ્પનાતીત હતું.

ઉર્વીશને અને મને જૂના ફિલ્મસંગીતના મહાસાગરના કિનારેથી પહેલો ધક્કો આ રીતે રજનીકુમારે માર્યો. આગળ જતાં નલિન શાહ જેવા ગુરુ મળ્યા. આ બન્ને ગુરુઓનું રસક્ષેત્ર જૂના ફિલ્મસંગીતનું ખરું, પણ સમયગાળો અલગ અલગ. નલિન શાહ મુખ્યત્વે ત્રીસી અને ચાળીસીના દાયકાના જાણકાર, રજનીકુમારની વિશેષ રુચિ પચાસના દાયકાની. સદ્ભાગ્યે અમને બન્નેનો લાભ મળતો ગયો.


અમારા જેવા કેટલાય વાચકોના પત્રો
તેમણે આ રીતે સાચવેલા હશે.

આગળ જતાં ઉર્વીશ અને હું બન્ને લેખનના ક્ષેત્રે પ્રવેશ્યા ત્યારે સૌથી વધુ આનંદ બન્ને ગુરુઓને થયો હોય એ સ્વાભાવિક છે.

દરમિયાન રજનીકુમારનું ફિલ્મવિષયક લેખન ચાલતું રહ્યું હતું. તેમનું પુસ્તક 'આપ કી પરછાંઈયાં' આજે પણ એટલું જ પ્રિય છે, જેટલું એ પહેલી વાર વાંચેલું. તેની પ્રસ્તાવના તો એમણે હસ્તપ્રતમાંથી અમને વાંચી સંભળાવી હતી, જેનો રોમાંચ હજી અકબંધ છે.

જાન્યુઆરી, 2001 થી રજનીકુમારની 'ફિલ્માકાશ' શ્રેણીનો આરંભ 'કુમાર'માં થયો. તેનો મૂળ ઉદ્દેશ્ય 1931થી 1941ના- એટલે કે હિન્દી બોલપટના સૌ પ્રથમ દાયકાના ઈતિહાસને સળંગસૂત્રે મૂકી આપવાનો હતો. આ શ્રેણી જુલાઈ, 2007 સુધી એટલે કે સાડા છ વરસ ચાલી. એ દરમિયાન આવતા તેના અનેક પ્રતિભાવો, પૂરક વિગતો અને વાચકો તેમાં જીવંત રસ લેતા એનો હું અમુક હદે સાક્ષી રહ્યો છું. આ શ્રેણીનું સમાપન થયું એ સાથે જ તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવાની માંગ ઉઠી અને આયોજન પણ એવું જ હતું. આમ છતાં, એક યા બીજા કારણોસર એ ઠેલાતું જ રહ્યું. મુંબઈના એક વાચક પ્રદ્યુમ્ન કાપડીયા કાયમ તેના વિશે પૂછપરછ કરતા. રજનીકુમારે 'વચગાળાની રાહત' તરીકે તેમને 'આપ કી પરછાંઈયાં' મોકલી આપેલું, પણ છેવટે જૂન, 2020માં તેમના પુત્ર ઉન્મેષનો સંદેશો મળ્યો કે પ્રદ્યુમ્નભાઈનું અવસાન થયું છે. તેમણે રજનીકુમારને લખેલું, 'તમારા આવનાર પુસ્તકની પપ્પા અવારનવાર પુછપરછ કરતા હતા તે છપાઈને બહાર પડે તો એનું નામ જણાવવા વિનંતી એમની યાદ માટે પણ હું એ પુસ્તક ખરીદીશ ને એમના પુસ્તકસંગ્રહમાં રાખીશ.'
આવા તો અનેક વાચકો આ પુસ્તક માટે પ્રતીક્ષામાં હતા અને હજી હશે. આખરે અમદાવાદના 'ઝેન ઓપસ' દ્વારા તેનું પ્રકાશન હાથ ધરાયું, જે હવે સૌ કોઈ માટે ઉપલબ્ધ છે.

પુસ્તક વિશેની વિગતો

આ પુસ્તકના પ્રકાશનનો રોમાંચ તો ખરો જ, પણ એમાં 'સરપ્રાઈઝ' તત્ત્વ એ છે કે આ પુસ્તક ઉર્વીશને અને મને અર્પણ કરવામાં આવ્યું છે. આમ, જે વ્યક્તિ થકી અમને જૂના ફિલ્મસંગીતના આ બ્રહ્માંડનું 'વિરાટદર્શન' પ્રાપ્ત થયું, તેમણે એ પુસ્તક અમને અર્પણ કર્યું ત્યારે જાણે કે એક આખા વર્તુળનું સમાપન થયું હોવાનો અહેસાસ થાય છે.

અર્પણપૃષ્ઠ

{પુસ્તકની વિગતો: ફિલ્માકાશ (બોલતી ફિલ્મોના આરંભ 1931થી 1941 સુધીનાં અગિયાર વર્ષની હિંદી સિનેમાની વર્ષવાર યાત્રા) લેખક: રજનીકુમાર પંડ્યા, પૃષ્ઠસંખ્યા: 356, પ્રકાશક: ઝેન ઓપસ, અમદાવાદ, કિંમત: 600/રૂ.}

Thursday, October 27, 2022

અનેકોને લખતા કરનારની વિદાય

'નેટવર્ક' ('ગુજરાત સમાચાર) થી જાણીતા થયેલા ગુણવંત છો. શાહ (અમદાવાદ)નું 27 ઑક્ટોબર, 2016ના રોજ અવસાન થયું. તેમનું ઓછું જાણીતું પ્રદાન એ કે વિનોદ ભટ્ટ અને તેમના જેવા અનેક ખ્યાતનામ લેખકોને ગુણવંતભાઈએ સાવ આરંભે બ્રેક આપીને લખતા કર્યા હતા. પોતાને બ્રેક આપવામાં ગુ.છો.શાહ કારણભૂત હોવાનો વિનોદ ભટ્ટ જાહેરમાં સ્વીકાર કરે છે. પોતાના પુસ્તકમાં પણ તેમણે આ વાત લખી છે. નહીંતર ઘણા એવા લેખકો છે, જેમને પ્લેટફોર્મ આપવામાં ગુ.છો. નિમિત્ત બન્યા હોય, તેનો એમને પોતાને ભાર ન હોય, અને છતાં આગળ જતાં આ પ્લેટફોર્મના આધારે પોતાની ખ્યાતિ થઈ જાય પછી આ લેખકો કદી ગુ.છો.નો ઉલ્લેખ સુદ્ધાં ન કરે.
વરસોથી એક જ સ્થાને તેઓ એકધાર્યું, આખું પાનું ભરીને લખતા રહ્યા. જૂના ફિલ્મસંગીતના અઠંગ ચાહક ગુ.છો.શાહની કોલમ 'નેટવર્ક' વાંચનારા કાં તેમના પ્રશંસક બની જાય, કાં આકરા ટીકાકાર. મનોરંજનની અવેજીમાં પણ ઘણા તે વાંચતા. વિવિધ આંકડાઓની પાછળ મીંડા મૂકવાની તેમની શૈલી ઉપરાંત 'કોના બાપની દીવાળી', 'ડીંડક', 'એક અફવા, કદાચ સાચી પણ હોય' જેવા પેટાવિભાગોમાં સાવ બોલચાલની શૈલીએ તેઓ લખતા.
તેમના પરિચયમાં વિનોદભાઈએ એક પુસ્તકમાં લખ્યું છે: 'જેને અંગ્રેજી વાંચતા, હિન્દી બોલતાં અને ગુજરાતી લખતાં નથી આવડતું, છતાં અત્યંત લોકપ્રિય એવા ગુણવંત છો. શાહ."
આ વાંચીને ગુ.છો.શાહે તેમની લાક્ષણિક અદામાં કહેલું, 'લ્લે!' પોતાને ખબર ન હોય એવી વાત જાણવા મળે ત્યારે 'લ્લે....!' બોલવાનો તેમનો આગવો લહેકો હતો.
તેમના વીઝીટીંગ કાર્ડમાં અંગ્રેજીમાં લખાયેલું તેમનું નામ ધ્યાનાકર્ષક છે. વડોદરાના લેખક ગુણવંત શાહના નામ સાથે તેમના નામની ભેળસેળ અને ગેરસમજ મોટા ભાગે થતી અને એમ બનતું કે તેઓ મુખ્ય મહેમાન હોય એવા સમારંભોમાં તેમના પરિચયમાં આયોજકો વડોદરાના ગુણવંત શાહના લેખોના અવતરણો ઠઠાડતા. જો કે, ગુણવંતભાઈ નિર્લેપભાવે તે માણતા.
સદ્ગતને શ્રદ્ધાંજલિ.


Tuesday, October 25, 2022

જો ભી કહના હૈ ગાકે કહીએ

 'સુલોચનાબહેન, તમારી દીકરીઓને કહી દો કે મને ચીડવે નહીં.'

સુલોચનાબહેન એટલે મારાં ફોઈ, જેમને અમદાવાદ પરણાવેલાં. શાહપુર મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્યારે તે રહેતાં. મહેશભાઈના ત્યારે સંઘર્ષના દિવસો. તે મોટે ભાગે ગરબાના કાર્યક્રમો કરતા. વિસ્તારની રીતે ફોઈના પાડોશી ગણાય. ફોઈની દીકરીઓ તેમને ચીડવતી હોવાથી તે મારાં ફોઈને આવી ફરિયાદ કરતા એવી વાત જાણેલી.

ફોઈને ત્યાં સમૃદ્ધિ હતી. તેમને ત્યાં એ સમયે કાર અને ડ્રાઈવર હતા. એમાં એક ડ્રાઈવર નામે મહંમદ હતો, જે હબસી હતો અને ગુજરાતી બોલતો. તેના વિશિષ્ટ દેખાવને કારણે સગાંવહાલાંઓમાં પણ તે જાણીતો બની ગયેલો. એ પણ ફોઈના ત્યાં વારેવારે આવતા સગાંને નામથી ઓળખતો. ઠીક ઠીક સમય રહ્યા પછી મહંમદ દેખાતો બંધ થયો. આથી સગાં પૂછતાં, 'મહંમદને બદલી કાઢ્યો કે શું?' ફોઈને ત્યાંથી જવાબ મળતો, 'હા. એ હવે મહેશકુમારને ત્યાં કામે લાગ્યો છે.'

એ અરસામાં મહેશ-નરેશ એન્ડ પાર્ટીનું નામ ઘણું જાણીતું બનવા લાગેલું. અખબારોમાં તેની જાહેરખબર આવતી. 'સાથે જૉની જુનિયર' લખેલું રહેતું. જો કે, અમારા માટે એ પાર્ટી જોવા જવું મુશ્કેલ હતું. મોટે ભાગે અમદાવાદમાં રાતનો શો હોય એટલે રાત્રે મોડા પાછા આવવા કોઈ ટ્રેન ન મળે. કોઈ સગાને ત્યાં રાત રોકાવું પડે. આ ઉપરાંત તેની મોંઘી ટિકિટ પણ મુખ્ય કારણ. તેને કારણે એ જોવાનું શક્ય ન બન્યું.

અલબત્ત, જોઈ ન શકાયેલી 'મહેશકુમાર એન્ડ પાર્ટી'નું અનેકગણું સાટું પછી વળી ગયું. મારા મિત્ર મયુર પટેલના લંડનસ્થિત મામા 'જે.સી.મામા' મયુરને ત્યાં એક કેસેટ મૂકી ગયેલા. આ કેસેટમાં 'મહેશકુમાર એન્ડ પાર્ટી'નો આખો પ્રોગ્રામ રેકર્ડ કરેલો હતો. અમે મિત્રો ભેગા મળીને એ સાંભળતા. વારેવારે સાંભળતા. એ કેસેટ એમાંના ગીતોના ક્રમ, ડાયલોગ અને મીમીક્રીની આઈટમો સહિત અમને સૌને મોઢે થઈ ગયેલી એમ કહું તો ખોટું નહીં. એમાંની સૌથી પ્રિય હતી બાંકેલાલની આઈટમ- 'જો ભી કહના હો, ગા કે કહીએ.'

એ અરસામાં મારા મામા અરવિંદમામા અને ગીતામામી સાથે નડિયાદના વૈશાલી સિનેમામાં 'વણઝારી વાવ' જોવા જવાનું બન્યું. તેના ટાઈટલ થકી એ ખ્યાલ આવ્યો કે મહેશ-નરેશની જોડી ફિલ્મમાં સંગીત પણ પીરસે છે, અને ફિલ્મનું નિર્માણ પણ કરે છે.

આમ છતાં, મહેશકુમારને મળવાનું બને એવી કશી શક્યતા નહોતી.


**** **** ****

ઉપેન્દ્ર ત્રિવેદીની જીવનકથાનું કામ ઘણુંખરું પૂરું થઈ ગયું હતું, પણ તેનું નિર્માણ થયું ન હતું એ અરસામાં એક સાંજે રજનીકુમાર પંડ્યાનો ફોન આવ્યો. મહેશભાઈ અને નરેશભાઈ કનોડિયા બન્ને તેમને ત્યાં મળવા આવેલા હતા. તેઓ પોતાની જીવનકથાનું આલેખન કરાવવા ઈચ્છતા હતા. એ કાર્યમાં પોતાના સહયોગી લેખે રજનીકુમારે ફોન પર નરેશભાઈ સાથે વાત કરાવીને મારો પરિચય કરાવ્યો હતો. આ બન્ને ભાઈઓની જીવનકથા આલેખવા જેવી હતી, ખાસ કરીને સંઘર્ષકથા, પણ પછી સમજાયું કે તેમના મનમાં પુસ્તક અંગે જુદો ખ્યાલ હતો. આથી એ કામ પછી આગળ ન વધ્યું. અલબત્ત, બીજા એક સજ્જને એ પુસ્તક કર્યું ખરું.
મહેશકુમારનું આ હતું મારું 'દૂરદર્શન'.
ઘણા ખરા કલાકારો સાથે એવી અંગતતા સાધવી અઘરી હોય છે, છતાં દૂર રહ્યે રહ્યે એક જાતનો પરિચયભાવ, આત્મીયભાવ અનુભવાતો હોય છે. મહેશ-નરેશની ફિલ્મો ગમે કે ન ગમે, તેમનો પરિચય જાણે કે તેમના સંઘર્ષકાળથી હોય એવું મને લાગતું રહ્યું છે.
મહેશકુમાર તો ગયા, તેમની સંઘર્ષકથાનો હજી ઈંતેજાર છે.

(મહેશ કનોડિયાનું 25 ઑક્ટોબર, 2020ના રોજ અવસાન થયું. એ પછી બે જ દિવસમાં, 27 ઑક્ટોબર, 2020ના દિવસે તેમના ભાઈ નરેશ કનોડિયાનું અવસાન થયું.)