Friday, March 25, 2022

કાર્ટૂનમાં કૉમનમેન (3) : બાબુજી

લક્ષ્મણનો કૉમનમેન અતિશય પ્રસિદ્ધિ પામ્યો, પણ શું એ કોઈ ભારતીય કાર્ટૂનિસ્ટ દ્વારા દોરાયેલો પહેલવહેલો કૉમનમેન હતો? 'ભારતમાં પૉકેટ કાર્ટૂનના પિતામહ' તરીકે ઓળખાવાયેલા કાર્ટૂનિસ્ટ થોમસ સેમ્યુઅલના ફાળે ભારતીય કાર્ટૂનજગતનો પહેલવહેલો કૉમનમેન સર્જવાનું બહુમાન જાય છે. 'ટી. સેમ્યુઅલ' તરીકે ઓળખાતા આ કાર્ટૂનિસ્ટ હિન્દીમાં સહી કરતા ત્યારે 'સામુ' કે 'સામુએલ' તરીકે કરતા. 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં અને 'ઈન્ડિયન એક્સપ્રેસ'માં તેમણે કામ કર્યું. તેમણે સર્જેલા કૉમનમેનનું નામ હતું 'બાબુજી'. આ બાબુજી આગળ જતાં પ્રચલિત બનેલા અન્ય કૉમનમેનની સરખામણીએ યુવાન હતો. તે પેન્ટ-શર્ટ પહેરતો. હીટલરકટ મૂછો અને વ્યવસ્થિત ઓળેલા લાંબા વાળ. એ મધ્યમવર્ગીય હતો અને કોઈક ઑફિસમાં ક્લાર્ક હતો. એ બોલતો હતો, પોતાની સમજણ મુજબ સૂચનો પણ આપતો હતો, અને હસતોરમતો હતો. આમ, જોઈ શકાય છે કે મોટા ભાગના કૉમનમેન મધ્યમવર્ગનું પ્રતિનિધિત્વ કરતા બતાવાયા છે. એ કદાચ કાર્ટૂનિસ્ટોની પોતાની પૃષ્ઠભૂમિનો પ્રભાવ હોઈ શકે. કહેવાય છે કે પોતાના પાત્રના અભ્યાસ માટે સેમ્યુઅલ એક ક્લાર્કને ઘેર પણ રહ્યા હતા અને વિવિધ નિરીક્ષણ કર્યાં હતાં. ટાઈમ્સમાં 'ધીસ ઈઝ દિલ્હી' અને (પાકિસ્તાનના અખબારમાં) 'ધીસ ઈઝ લાહોર' નામે પૉકેટ કાર્ટૂન શરૂ કર્યા પછી તેમણે આ પૉકેટ કાર્ટૂનનું નામ જ 'બાબુજી' રાખી દીધું. આગળઉપર તેમણે 'ગરીબ' નામે કાર્ટૂનપટ્ટી ચીતરવાનું શરૂ કર્યું. 'ધર્મયુગ'માં આવતી આ કાર્ટૂનપટ્ટીની રાહે આબિદ સુરતીની 'ઢબ્બુજી' પણ ચાલી.

સેમ્યુઅલના બાબુજીની ઝલક અહીં જોઈ શકાશે.





No comments:

Post a Comment