Monday, March 28, 2022

અનાયાસે‌‌‌‌‌‌ સાંપડેલાં અનુસંધાનો : ઉમેદગઢ

'સાગર મુવીટોન' પુસ્તક સાથે સંકળાયેલી અનેક નાની નાની વાતો છે, જેનું આમ કશું મહત્ત્વ નથી, છતાં પુસ્તક આલેખન દરમિયાન થતા અનુભવ લેખે યાદગાર છે. એમાંની એક અહીં લખું.
લેખક-દીગ્દર્શક રામચંદ્ર ઠાકુરનો ફિલ્મજગતમાં પ્રવેશ 'સાગર મુવીટોન' દ્વારા થયેલો. પોતે પાલી ભાષાના સ્નાતક હોવાને કારણે તેમને અવઢવ હતી કે કારકિર્દી અધ્યાપક તરીકે બનાવવી કે ફિલ્મમાં. છેવટે ફિલ્મના માધ્યમ પ્રત્યેના પ્રચંડ આકર્ષણને તે ખાળી ન શક્યા. આગળ જતાં ઠાકુરસાહેબે 'બૈજુ બાવરા' જેવી સુપરહીટ ફિલ્મ લખી. તેમના ભાઈ મુરલી ઠાકુર જાણીતા કવિ હતા. આ બન્ને ભાઈઓ સાબરકાંઠા વિસ્તારના હતા એટલી ખબર હતી અને ઉપેન્દ્ર ત્રિવેદીના તેઓ મામા થતા.

રામચન્દ્ર ઠાકુર

રામચન્‍દ્ર ઠાકુર એક સમયે 'અખંડ આનંદ'માં 'ગિરજો ગોર'ના પાત્રને કેન્‍દ્રમાં રાખીને વાર્તાઓ લખતા. 

ગિરજો ગોર પુસ્તકનું પૃષ્ઠ 

ઠાકુરસાહેબ તો દિવંગત થઈ ગયા હતા, પણ તેમનાં વયસ્ક પુત્રી માધવીબેન વ્યાસને મળવાનું અમે ગોઠવેલું. 'પ્રિયદર્શિની પાર્ક'ની સામે આવેલા 'જલદર્શન' બિલ્ડીંગમાં તેમને મળવા અમે ગયા.
અમીત જોશી સાથે વાત કરતાં માધવીબહેન વ્યાસ

માધવીબેન સાથે વાતવાતમાં ખબર પડી કે તેમનું મૂળ વતન સાબરકાંઠાનું ઉમેદગઢ ગામ, અને ત્યાં તેમનું પૈતૃક મકાન આજે પણ છે. આ સાંભળીને મને હળવો રોમાંચ થઈ આવ્યો, કેમ કે, આ ગામના બે બંધુઓ મારા પરમ મિત્રો હતા. ઉમેદગઢના એ બે બ્રાન્ડ એમ્બેસેડરબંધુઓ અમિત જોશી અને કિરણ જોશીમાંના અમિત જોશી(દિલ્હી)ને માધવીબેનને ત્યાંથી જ ફોન લગાડ્યો અને પરસ્પર પરિચય આપીને તેમની વાત કરાવી. ત્યાર પછી બીજી મુલાકાતમાં કિરણ (વિદ્યાનગર)ની વાત માધવીબેન સાથે કરાવી અને ઉમેદગઢમાં માધવીબેનના પૈતૃક મકાનનું લોકેશન સમજી લેવા માટે કહ્યું. કિરણે ફોન પર એ બરાબર સમજી લીધું. એ વાત થયા પછી ઉમેદગઢની હવે પછીની મુલાકાત વખતે કિરણને એ ઘરનો ફોટો પાડી લાવવા માટેની વરધી પણ આપી.
સદાઉત્સાહી એવા કિરણે એ કામ નિષ્ઠાપૂર્વક કર્યું અને ઉમેદગઢ ગયો ત્યારે ફોટા પાડીને મને મેલથી મોકલી આપ્યા, જે મેં માધવીબેનને ફોરવર્ડ કર્યા.
રામચન્‍દ્ર ઠાકુરનું ઉમેદગઢમાંનું પૈતૃક મકાન 
માધવીબહેનનું અવસાન 15 જૂન, 2015ના રોજ થયું.




No comments:

Post a Comment