Thursday, August 20, 2015

કા'ન્‍ટ સ્માઈલ, પ્લીઝ!


આપણા જીવનમાં કેટલીય વ્યક્તિઓની આવનજાવન થતી રહેતી હોય છે. સગાં, સ્નેહી, મિત્રો, પરિચીતો વગેરે જીવનમાં તબક્કાવાર ઉમેરાતાં-નીકળતાં રહે છે. પણ અમુક વ્યક્તિઓ સાથેનું જોડાણ વિશિષ્ટ બની રહેતું હોય છે. તેમને એવું અને એટલું મળવાનું ન થાય, અને મળવાનું થાય ત્યારે પણ એવી અને એટલી વાત ન થાય, છતાં એક પ્રકારની આત્મીયતાની અનુભૂતિ થતી રહે.
અમારો કોઠારી પરિવાર વરસોથી મહેમદાવાદસ્થિત છે, પણ અસલમાં એ નડીયાદનો. અને ત્યાંથી મારા દાદા ચીમનલાલ કોઠારી મહેમદાવાદ સ્થાયી થવા આવેલા. નડીયાદના પી.પી.પરીખ, ગોપાલભાઈ જેવા પરિવારો સાથે બે પેઢી સુધી સંબંધો જળવાયેલા રહ્યા. મારા દાદાએ નડીયાદના એક સજ્જન શ્રી ચોકસી સાથે ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરેલો. આ સજ્જન અમારા પરિવારમાં ચોકસીકાકા તરીકે જ ઓળખાતા. બન્નેએ ભાગીદારીમાં પેટ્રોલ પંપ શરૂ કરેલો. આ વાત ૧૯૩૩ની છે. મારા પપ્પાની ઉંમર ત્યારે એક વર્ષની, પણ મારા મોટા કાકા સુરેન્‍દ્ર કોઠારી ત્યારે પાંચેક વર્ષના હશે, એટલે તેમને એ બરાબર યાદ હતું.
પેટ્રોલપંપ ઉપરાંત શેવ્રલેની ટ્રકના ઓટો પાર્ટ્સની એજન્‍સી પણ હતી. જો કે, બહુ ઝડપથી આ વ્યવસાય પણ મારા દાદાએ અજમાવેલા અનેક નિષ્ફળ વ્યવસાયોની યાદીમાંનો એક બનીને રહી ગયો. બાકી રહી ગયો તે બેકગ્રાઉન્‍ડમાં શેવ્રલે ઓટો પાર્ટ્સના બોર્ડની આગળ ઉભા રહીને પડાવેલો એક ગ્રુપ ફોટો અને ચોકસીકાકાના પરિવાર સાથેનો સંબંધ, જે છેક બીજી-ત્રીજી પેઢી સુધી લંબાયો.
હાર પહેરેલા કદાચ 'શેવ્રલે'ના અધિકારીઓ છે. ડાબેથી બીજા ચોકસીકાકા (કોટ, ધોતી
અને ટોપી પહેરેલા) અને જમણેથી ત્રીજા (કોટ, ધોતી, ટોપીવાળા) ચીમનલાલ કોઠારી 
આ ચોકસીકાકાના એક દીકરા મનહરની ઉંમર મારા મોટા કાકા સુરેન્‍દ્ર કોઠારી જેટલી. મનહરભાઈ પહેલેથી, એટલે કે મને સમજણ આવી ત્યારથી ફોટોગ્રાફર બની ગયેલા. નડીયાદ-મહેમદાવાદ વચ્ચે અવરજવર સામાન્ય  રહેતી. મનહરકાકા મહેમદાવાદમાં ક્યાંય પણ આવ્યા હોય, ચીમનકાકાને ત્યાં એટલે કે અમારે ઘેર અચૂક મળવા આવે જ. હું ફક્ત સાત મહિનાનો હતો ત્યારે તેમણે મારા બે ફોટા પાડેલા, એક ફોટામાં ચોકડીવાળા ચોરસાના બેકગ્રાઉન્‍ડમાં મને ચત્તો સૂવાડેલો.
મારી સાત મહિનાની ઉંમરે મનહર ચોકસીએ લીધેલી તસવીર 
બીજા ફોટામાં સાદી આરામખુરશીમાં એ જ બેકગ્રાઉન્‍ડ મૂકીને મને ગોઠવ્યો હતો. 
એ જ સિરીઝની મનહર ચોકસીએ લીધેલી બીજી તસવીર, જે
ફ્રેમ કરીને અમારા ઘરમાં વરસો સુધી રહી.
એ ફોટો તેમણે એન્‍લાર્જ કરીને માઉન્‍ટ કરાવી ફ્રેમ સાથે મહેમદાવાદ મોકલેલો, જે કેટલાય વરસો સુધી મારા ઘરમાં ભીંત પર લગાવેલો હતો. તેના તળિયે જમણા ખૂણે નાનકડી લંબચોરસ, ત્રાંસી ટીકડીમાં મનહર ચોકસી, નડીયાદ લખેલું હતું, જે હું વાંચતાં શીખ્યો ત્યારથી ઉકેલતો અને વાંચતો આવ્યો છું.
મારા દીકરા ઈશાનનો જન્મ થયો અને તે છ-સાત મહિનાનો થયો ત્યારે ઘરનાં સૌ કહેવા લાગ્યાં કે એ મારા જેવો દેખાય છે. આ વાતની ખાતરી કરવા માટે ભીંત પરથી મારો એ જ અવસ્થાનો મનહરકાકાએ પાડેલો ફોટો ઉતારવામાં આવ્યો અને ઈશાનને તેની સાથે ગોઠવીને તેનો ફોટો લેવામાં આવ્યો.
ઈશાન મારા જેવો દેખાય છે કે કેમ? આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન.
એ દરમિયાન વચ્ચે વચ્ચે મનહરકાકા મહેમદાવાદ આવતા રહ્યા હશે, પણ હું બે વરસનો હતો ત્યારે તેમણે મારો વધુ એક ફોટો પાડ્યો. એ ફોટો પણ હજી મારી અને તેમની યાદગીરીરૂપે ઘરમાં સચવાયેલો છે. 


મારી બે વર્ષની ઉંમરે મનહર ચોકસીએ લીધેલી તસવીર 
હું સમજણો થયો ત્યારે મારા મનમાં મનહર ચોકસીનું નામ પૂરેપૂરું રજિસ્ટર થઈ ગયેલું, પણ તેમનો ચહેરો બહુ મોડો જોવા મળ્યો.
એકદમ પાતળા, લાંબા અને લંબચોરસ મોં ધરાવતા શ્યામવર્ણા મનહરકાકાને એક વાર જોયા હોય તો ભાગ્યે જ ભૂલી શકાય. કદાચ મેં પહેલી વાર તેમને જોયા ત્યારે રવિવાર હતો અને એ મહેમદાવાદ આવેલા. રવિવાર હોવાથી પપ્પા પણ ઘેર હતા. તેમણે મારા કાકા અને ફોઈની ખબર પૂછી. નિરાંતે બેઠા. મારો ફોટો તેમણે પાડ્યો હતો એમ મને જણાવવામાં આવ્યું. મારા ઘરમાં મારા દાદાજીનું એક ઓઈલ પેઈન્‍ટીંગ પણ હું વરસોથી જોતો આવ્યો હતો. મનહરકાકાની નજર એ તરફ ગઈ અને તેમણે કહ્યું, ચીમનકાકાનું આ પેઈન્‍ટીંગ જૂનું થઈ ગયું છે. એને નવેસરથી માઉન્‍ટ કરાવી દઈએ. માઉન્‍ટ, ફ્રેમ એવા શબ્દો હજી અમારા માટે અજાણ્યા હતા. તેમણે સામે ચાલીને એ મોટી ફ્રેમ ઉતારાવડાવી અને પોતાની સાથે તેને નડીયાદ લઈ ગયા. થોડા દિવસો પછી તેનું માઉન્‍ટ બદલીને તેમણે એ ફ્રેમ પાછી મોકલી આપી.

**** **** ****

અમારા ઘરમાં લગ્નપ્રસંગો ઓછા આવ્યા છે. તેમાં મનહરકાકાની હાજરી હોય કે ન હોય, પણ અમારા કૌટુંબિક મૃત્યુના દરેક પ્રસંગે અચૂક મળવા આવતા. આવે એટલે શાંતિથી બેસાય એ રીતે જ આવે અને બધાંનાં સમાચાર પૂછે. મનહરકાકાનાં પત્ની સુમતિકાકીના અવસાન પછી મારાં મમ્મી અને કાકા તેમને મળવા ગયાં હતાં. 
ઘણા વરસો પછી ઉર્વીશને પત્રકારત્વમાં આવવાનું થયું. આ ક્ષેત્રમાં આવવાને કારણે નડીયાદના હસિત મહેતા સાથે અભિન્ન દોસ્તીનો આરંભ થયો. હસિત નડીયાદમાં અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અને બીજાં અનેક કામો સાથે સંકળાયેલા. મનહરકાકા સાથે તેમનો સંબંધ ન હોય તો જ નવાઈ. એ રીતે ઉર્વીશનો પણ મનહરકાકા સાથે પરિચય નવેસરથી થયો. સલીલ દલાલ ત્યારે નડીયાદ હતા,એટલે તે પણ આ વર્તુળમાં હતા. યાદ છે ત્યાં સુધી ઉર્વીશે પહેલી વાર પોતાની ઓળખાણ આપી ત્યારે મનહરકાકાએ પૂછેલું, મેં ફોટો પાડેલો એ તું જ?’ ઉર્વીશને એ અરસામાં કોઈક પુરસ્કાર મળેલો. તેની નોંધ સલીલભાઈએ પોતાના 'નવજીવન એક્સપ્રેસ' નામના અખબારમાં વિસ્તૃત રીતે લીધી હતી, જેમાં તેમણે મારા સહિત હસિત મહેતા અને મનહર ચોકસીનું નામ પણ સાંકળી લીધું હતું. 

નડીયાદમાં કોઈ પણ મહત્ત્વનો કાર્યક્રમ હોય એટલે સ્ટેજની આસપાસ કોઈ લાંબી આકૃતિ લાંબી લાંબી ડાંફો ભરતી, સ્ટેજ આગળથી કમરેથી નીચા ઝૂકીને આમતેમ ફરતી દેખાય એટલે આપણે કોઈ પણ હરોળમાં બેઠા હોઈએ પણ ખબર પડી જાય કે મનહર ચોકસી હાજર છે. તેમને વરસોથી એકસરખા શારિરીક બાંધાવાળા અને એવા જ સ્ફૂર્તિવાન જોયા છે. એ ચાલે તો પણ દોડતા હોય એમ લાગે.

વરસોથી એકધારી ફોટોગ્રાફી, અને એ પણ પ્રેસ માટે કરવાને કારણે મનહરકાકા પાસે અનેક ઐતિહાસિક પ્રસંગોનું તસવીરી દસ્તાવેજીકરણ થયેલું હતું. નામ, તારીખ, પ્રસંગ સહિતના સંદર્ભોવાળી નેગેટીવ્સ અને તસવીરો એમની પાસે બરાબર સચવાયેલી. સાચવેલી નેગેટીવ યોગ્ય પ્રસંગે કાઢવાની એમની સૂઝ પણ ગજબની. 
૧૯૫૩માં પૃથ્વીરાજ કપૂર નાટકો લઈને નડીયાદ આવેલા ત્યારે મનહરકાકાએ તેમની તસવીરો લીધેલી એ વાત જાણીતી છે. પણ એ ઘટનાના વરસો પછી પૃથ્વીરાજ કપૂરની પ્રપૌત્રી કરીશ્મા (કે કરીના) કપૂર નડીયાદ આવી ત્યારે તેને એ તસવીરો દેખાડીને મનહરકાકાએ આશ્ચર્યચકિત કરી મૂકી હતી. પોતાના પરદાદાની તસવીરો એ મુગ્ધભાવે જોતી હોય એવા ફોટા પણ મનહરકાકાએ લીધેલા. 
ડિસેમ્બર, ૨૦૧૪ના ઈન્‍દોર ખાતે ભરાયેલા સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાંય મનહરકાકા આલ્બમ સાથે હાજર હતા, જેમાં નડીયાદમાં ભરાયેલા જ્ઞાનસત્રની તસવીરો હતી.
કામગરા, અને પોતાના કામના પ્રકારને કારણે માથું મારીને જગા કરી લેવાના અભિગમને કારણે ક્યારેક તે અણગમતા લાગ્યા હશે, પણ તેમના વિના કોઈને ચાલે નહીં એ એવી જ વાસ્તવિકતા. તેમનો અતિ વ્યાવસાયિક અભિગમ પણ ઘણી વાર ટીકાનો વિષય બનતો હશે, પણ તેમની સમજ બહુ સ્પષ્ટ હતી. ફોટો પડાવવા ઘણા તૈયાર હોય, પણ પછી તેના માટે નાણાં ચૂકવવાનું મન ઝટ ન થાય અને એ ફોટોગ્રાફરની ફરજમાં જ આવે એવું માનનારા હજી આજેય છે. કદાચ આ કારણે તે આગોતરી સાવચેતી રાખતા હોય એમ બને.
મિત્ર વિવેક દેસાઈએ ઉર્વીશ સાથે મળીને મનહરકાકાની તસવીરોને સંકલિત કરીને પુસ્તકરૂપે મૂકવાનો ઉમદા વિચાર કર્યો હતો. વિવેકે એ અંગે મનહરકાકા સાથે વાત પણ ચલાવી હતી. મનહરકાકા છેક સુધી જે રીતે સક્રિય હતા એ જોતાં એમ જ લાગે કે ઠીક છે, ફરી મળીએ ત્યારે વાત. એમ ક્યાં એ જતા રહેવાના છે?
તેમને જેટલી વાર મળવાનું બને એટલી વાર હું મારી ઓળખાણ આપું, કેમ કે, ચહેરો એ ભૂલી ગયા હોય. પણ નામ કહું એટલે તરત જ ઓળખી જાય અને પ્રેમથી બધાને યાદ કરે. તેમની સાથે ફોટો પડાવવાની મારી બહુ ઈચ્છા હતી, પણ એક યા બીજા કારણે રહી જતું હતું. છેવટે ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ હસિતને ત્યાં જ એક કાર્યક્રમમાં એ મળી ગયા ત્યારે કેમેરા ન હોવા છતાં ધરાર બિનીત પાસે મેં ફોનના કેમેરા વડે આ ફોટો લેવડાવી લીધો. તેમનું અવસાન ૧૮ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ ૮૬ વર્ષની વયે થયું અને હવે તો આ ફોટો જ કાયમી સંભારણું બની રહ્યો.
બિનીત મોદીએ લીધેલી મનહરકાકા સાથેની મારી આ તસવીર
તેમનું કાયમી 
સંભારણું 
મનહરકાકાની તસવીરોને, અને એ રીતે તેમણે દસ્તાવેજીકરણ કરેલા ઈતિહાસને ગ્રંથસ્થ કરવાનું કામ કરવા જેવું છે. તેને કળાના ધોરણે નહીં, તેમાં સચવાયેલા સમયખંડના ધોરણે મૂલવાય એ જરૂરી છે. એક આખા પ્રદેશના વિવિધલક્ષી ઈતિહાસની આ તસવીરો ટાઈમકેપ્સુલ છે.

મનહર ચોકસીને ચરોતર વિસ્તારના એક અનન્ય તસવીરકાર તરીકે યાદ કરાશે જ, પણ મને એ મારા જન્મ પછી મારી પહેલવહેલી તસવીર ખેંચનાર મનહરકાકા તરીકે વધુ યાદ રહેશે.