ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. બન્ને એક જ માનાં સંતાન જેવાં કહી શકાય. હિમાલયની ગિરિમાળાઓમાં આવેલા આ પ્રદેશો હોવા છતાં બન્નેમાં ઘણો તફાવત જોઈ શકાય. વહીવટી રીતે જોઈએ તો હિમાચલ પ્રદેશની સરખામણીએ ઉત્તરાખંડ રાજ્ય ઘણું નવું ગણાય. અગાઉ તે ઉત્તર પ્રદેશનો હિસ્સો હતું. આ કારણે ઘણી બધી રીતે તે હિમાચલ પ્રદેશની સરખામણીએ પાછળ રહ્યું. એ જો કે, વહીવટી વાત થઈ. ભૂગોળની રીતે પણ આ પ્રદેશોમાં ફરક જોવા મળે. હિમાચલના લોકો વધુ મળતાવડા, હસમુખા અને સુંદર લાગે. કદાચ પ્રવાસીઓને તેમણે અનિવાર્ય અતિથિ તરીકે સ્વીકારી લીધા હોવાથી એમ હોઈ શકે. ઉત્તરાખંડમાં હજી એ ધીમે ધીમે થશે એમ લાગે છે.
બન્ને પ્રદેશમાં આવેલા પર્વતોમાં ખાસ તફાવત ન હોવો જોઈએ એમ મને હતું, પણ એ લાગ્યો. ઉત્તરાખંડના પહાડો પર વૃક્ષો અને જંગલોનું પ્રમાણ સાવ ઓછું જણાયું. સરખામણીએ હિમાચલમાં તે વધુ લાગે. ખાસ કરીને દેવદારનાં વૃક્ષો તેની ઓળખ સમાં છે, જેનું પ્રમાણ ઉત્તરાખંડમાં ઓછું જણાય. બોલીનો ફરક પણ ઊડીને આંખે વળગે. હિમાચલના લોકોની બોલીમાં પંજાબી છાંટ જણાય.
હિમાલયના પહાડોમાં મુખ્ય ત્રણ ભાગ તેની ઊંચાઈ મુજબ પાડવામાં આવ્યા છે- નિમ્ન, મધ્યમ અને ઉચ્ચ. દસેક હજાર ફીટની ઊંચાઈવાળા પહાડો નિમ્નની શ્રેણીમાં આવે છે. ઉત્તરાખંડમાં, ખાસ કરીને બદ્રીનાથ વિસ્તારના પહાડોનું બંધારણ જોઈને એમ જ લાગે કે એ હમણાં જ ફસકી પડશે.
વચ્ચે મોટા મોટા પથ્થરો દેખાય, છતાં દૂરથી જોતાં એ માટીના ઢગ જેવા જ લાગે. આ વિસ્તારમાં ભૂસ્ખલનનો પ્રકોપ અવારનવાર થતો રહે છે, તેનું કારણ પણ આ ખડકો જોઈને સમજાઈ જાય.
ભારત ઊપરાંત પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, તિબેટ, ભૂતાન જેવા દેશોને પણ હિમાલય સ્પર્શે છે. જો કે, તેનો સૌથી વધુ ભૌગોલિક લાભ ભારતને મળે છે. હિમાલયની મુલાકાત વખતે શાળામાં ભણેલી ભૂગોળલક્ષી અનેક બાબતો પણ યાદ આવતી રહે અને ખ્યાલ આવે કે એ સમયે આવી મુલાકાત ગોઠવવામાં આવી હોત તો કેવી મઝા આવત!
હિમાલયના ખડકો મુખ્ય ત્રણ પ્રકારના છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત. અમે પચમઢી ગયા ત્યારે ત્યાંના ગાઈડે દેખાડેલું કે પચમઢીમાંના સાતપૂડાના પહાડોનું બંધારણ પણ હિમાલયના પહાડોને મળતું આવે છે.
આપણે આ અદ્ભુત અને શ્રેષ્ઠતમ પર્વતને શી રીતે જોઈએ છીએ? ટૂંકમાં કહીએ તો, આપણે ત્યાં જઈએ છીએ, બે હાથ જોડીને શિશ નમાવીએ છીએ અને આપણા ભાગનો કચરો આ નગાધિરાજને અર્પણ કરીને, હળવા થઈને, કોરાકટ પાછા વળીએ છીએ.
(ક્રમશ:)
No comments:
Post a Comment