Wednesday, March 9, 2022

અધૂરી સફરની અધૂરી વાત (2)


(ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ, વડોદરા) 

આ શ્રેણીના બીજા હપ્તામાં ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના મારા સમયગાળા દરમિયાન મેં કરેલા કામના એક પ્રકાર વિશે વાત. 

ગમે તે શાખામાં પ્રવેશ લીધો હોય, પણ પહેલા વર્ષે બાકીની શાખાઓમાં દરેક સત્રમાં પંદર પંદર દિવસ ગાળવાનું ફરજિયાત હતું. હું પેઈન્ટીંગનો વિદ્યાર્થી હોવા છતાં અમારે એપ્લાઈડ આર્ટ્સ, સ્કલ્પચર (શિલ્પકળા)માં પંદર પંદર દિવસ ગાળવાના હતા. એપ્લાઈડ આર્ટ્સ એટલે કે કમર્શિયલ આર્ટ્સમાં ત્યારે અમને કેલીગ્રાફી અને ટૉકિંગ ટાઈપોગ્રાફી શીખવવામાં આવી હતી, જેમાં વૉટરપ્રૂફ કાળી શાહીનો ઉપયોગ કરવાનો હતો. આ બન્નેમાં મને બહુ રસ પડ્યો. ખાસ કરીને, ટૉકિંગ ટાઈપોગ્રાફીમાં.

તેમાં એબીસીડીના અક્ષરો એક નિર્ધારીત માપમાં લખવા પડતા. આ અક્ષરો લાંબાટૂંકા કે ત્રાંસા કરી શકાય, પણ તેમાં વધારાની એક લીટીનું ચીતરામણ ઉમેરી ન શકાય. બીજા અનેક શબ્દોની સાથેસાથે મને રસ પડ્યો પશુપક્ષીઓના નામ 'ટૉકિંગ ટાઈપોગ્રાફી'માં લખવાનો. આમાં અક્ષરોની ગોઠવણી બદલી શકાય, પણ જે તે પ્રાણીનું મુખ્ય કેરેક્ટર આ ગોઠવણી થકી દેખાય, એ વિચાર કેન્દ્રસ્થાને હતો. એ વખતે 'ફોન્ટ' શબ્દ સાવ અજાણ્યો હતો. આજે આ રીતે હાથ વડે કરેલી 'ટૉકિંગ ટાઈપોગ્રાફી'નું ચલણ નીકળી ગયું હશે એમ માનું છું. 
અહીં પ્રસ્તુત છે 'ટૉકિંગ ટાઈપોગ્રાફી'માં લખેલાં કેટલાંક પશુપક્ષીઓનાં નામ.





ટૉકિંગ ટાઈપોગ્રાફીના કેટલાક વધુ નમૂના, એપ્લાઈડ આર્ટ્સના પંદર દિવસ દરમિયાન કર્યા હતા. આમાં કેટલાક સામાન્ય શબ્દો ટાઈપોગ્રાફીમાં લખ્યા છે. અગાઉ જણાવ્યું એમ, અક્ષરને લાંબાટૂંકા, જાડાપાતળા કે ત્રાંસા કરી શકાય, પણ શબ્દનો અર્થ દેખાડવા માટે વધારાની એક લીટી પણ ચીતરવાની નહીં.
ખરી મઝા એ આવે કે દરેક જણ પોતે પસંદ કરેલો શબ્દ કાગળ પર યોગ્ય રીતે દોરીને બીજા મિત્રને બતાવે ત્યારે મોટે ભાગે 'વાઉ!', 'વન્ડરફુલ' જેવા અભિપ્રાયો સાંભળવા મળે, પણ એ જ શબ્દ કિરણ (શાહ) સરને બતાવતાં તેઓ કહે, 'અહીં સ્પેસ વધારે છે.' અથવા 'આ બે અક્ષર બહુ નજીક આવી ગયા છે.' અને એક વાત લગભગ દરેકને મંત્રની જેમ કહેવાતી, 'બે અક્ષર વચ્ચે અમુક જગા રાખવી એ બરાબર, પણ સૌથી પહેલાં તો એનું વીઝ્યુઅલ બેલેન્સ જોઈ લેવાનું. દેખીતી નજરે એ બરાબર લાગે છે કે નહીં.'
એપ્લાઈડ આર્ટ્સના આ એસાઈનમેન્ટની પ્રેકટિસ આ પછી કદી થઈ નહીં, પણ અહીંથી પ્રાપ્ત થયેલો 'વીઝ્યુઅલ બેલેન્સ' શબ્દ મનમાં બરાબર ચોંટી ગયો. ઘરમાં દીવાલ પર લોલકવાળું ઘડીયાળ ગોઠવવાનું હોય, છાજલી પર પિત્તળના પેચવાળા લોટાઓને હારબંધ ગોઠવવાના હોય કે કોઈ પુસ્તકના ટાઈટલ વિષે કલાકાર મિત્ર ફરીદ શેખ સાથે ચર્ચા કરવાની હોય, ફાઈન આર્ટ્સમાંથી મળેલા આ શબ્દનો ઉપયોગ અચૂક થાય જ. (તમે પણ વાપરી જોજો. એનાથી જાણકાર હોવાની છાપ પડે છે.)





ટાઈપોગ્રાફી ઉપરાંત બીજી મહત્ત્વની જે ચીજ એપ્લાઈડ આર્ટ્સમાં શીખ્યા એ કેલીગ્રાફી. અલબત્ત, ફક્ત પંદર દિવસમાં તેનો પ્રાથમિક પરિચય જ થઈ શકે. ઈન્ડીયન આર્ટ પેપર પર કાળી વૉટરપ્રૂફ શાહી વડે બરુના કિત્તા વડે પહેલાં તો બે-ત્રણ જાતના સ્ટ્રોક્સ અને વળાંકની પ્રેકટીસ કરાવવામાં આવતી. બરુનો કિત્તો (રીડ પેન) એક કે બે રૂપિયાનો એક આવતો, જે સાદી ગોળાકાર પોલી લાકડી જ હોય. પણ તેની ધાર કાઢીને, તેની અણીને સપાટ અને સહેજ ત્રાંસી બનાવાતી. અંગ્રેજી અને ગુજરાતી અક્ષરલેખન માટે ત્રાંસની દિશા અલગ અલગ રખાતી. ત્યાર પછી શાહીની ડબ્બીમાં તે બોળીને કેલીગ્રાફીનું કામ શરૂ થતું. કેલીગ્રાફીમાં સીધાં વાક્યો લખવાનાં રહેતાં.
ટાઈપોગ્રાફીમાં થતું એમ અહીં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જે તે લખાયેલું વાક્ય વાંચીને 'વાઉ!' કહી ઉઠતા. (ત્યારે 'ઓસ્સમ'ની શોધ થઈ ન હતી.) પણ સર એકદમ નિસ્પૃહપણે જણાવતા કે માત્ર સુઘડ લખવું પૂરતું નથી. વાક્યને ક્યાંથી તોડવું, સ્પેસીંગ કેવું રાખવું એ પણ એટલું જ, બલ્કે વધુ જરૂરી છે.
મને કેલીગ્રાફીમાં બહુ રસ પડ્યો. બરુના કિત્તા અને વૉટરપ્રૂફ શાહી ઉપરાંત ઘરે ફાઉન્ટન પેન હતી તેની 'સ્ટીલ'ની અણીને કાપીને સપાટ બનાવી અને તેનાથી કેલીગ્રાફીનો પ્રયાસ કરી જોયો. મઝાની વાત એ હતી કે એમાં સાદી શાહીથી પણ લખી શકાતું હતું.
થોડા વરસો પછી કેલીગ્રાફી માટેની ચપટી અણીવાળી સ્કેચપેનોનો સેટ નીકળ્યો ત્યારે એ પણ ખરીદી લીધો અને જાતે બનાવેલા કાર્ડ પર કેલીગ્રાફી કરીને કાર્ડ મેળવનારને ચકિત કર્યા.
અઠંગ ચિત્રપ્રેમી મિત્ર નિલેશ પટેલને થોડા સમય માટે યુ.કે. જવાનું થયું ત્યારે તેની પાસેનો 'શેફર'નો કેલીગ્રાફી પેનનો સેટ તે મને આપતો ગયેલો, જેનો મેં ઠીક ઉપયોગ કર્યો. 'કેલીગ્રાફર' જેવો કોઈ વ્યવસાય હોય છે એ ખબર તો બહુ મોડી પડી. પણ નરેન્દ્રકાકાને ઘેર એક વખત મોટી ટેલીફોન ડાયરી જોઈ. તેમાં તેમણે કોઈ કેલીગ્રાફર પાસે પોતાના તમામ સંપર્કોના નામ લખાવ્યા હતા. કેલીગ્રાફીનો આવો વ્યવહારુ ઉપયોગ એ વખતે પહેલી વાર જોયો.
હવે કમ્પ્યુટરની કળ પર અનેકવિધ ફોન્ટ જુદા જુદા આકારમાં આસાનીથી ઉપલબ્ધ છે, ત્યાં હાથે કેલીગ્રાફી કરવાની ઝંઝટમાં કોણ પડે?
(કેલીગ્રાફીમાં લખેલાં બીજાં ઘણાં વાક્યો મારી પાસે છે, પણ એમાં કેલીગ્રાફીને બદલે લોકો વાક્યના પ્રેમમાં પડી જાય અને ક્વોટ તરીકે ફેરવવા માંડે એ બીક હોવાથી આવું સાદું વાક્ય લીધું છે.)




(ક્રમશ:) 

(નોંધ: ફેસબુક પર વખતોવખત લખાતી આ વિષયની નોંધોને અહીં એક સાથે સંકલિત કરીને મૂકેલી છે.) 

આ શ્રેણીની પહેલી કડી અહીં અને ત્રીજી કડી અહીં વાંચી શકાશે. 

1 comment:

  1. "અહીંથી પ્રાપ્ત થયેલો 'વીઝ્યુઅલ બેલેન્સ' શબ્દ મનમાં બરાબર ચોંટી ગયો. ઘરમાં દીવાલ પર લોલકવાળું ઘડીયાળ ગોઠવવાનું હોય, છાજલી પર પિત્તળના પેચવાળા લોટાઓને હારબંધ ગોઠવવાના હોય કે કોઈ પુસ્તકના ટાઈટલ વિષે કલાકાર મિત્ર ફરીદ શેખ સાથે ચર્ચા કરવાની હોય, ફાઈન આર્ટ્સમાંથી મળેલા આ શબ્દનો ઉપયોગ અચૂક થાય જ. (તમે પણ વાપરી જોજો. એનાથી જાણકાર હોવાની છાપ પડે છે.)"Wow! Awesome!!!!!

    ReplyDelete