કાર્ટૂનોમાં એક પ્રકાર ક્રમિક રૂપાંતરણ/Gradual transformation નો હોય છે, જેમાં એક સ્વરૂપમાંથી તબક્કાવાર જે તે વ્યક્તિ કે વસ્તુનું સાવ જુદા સ્વરૂપની વ્યક્તિ કે વસ્તુમાં રૂપાંતરણ થતું બતાવવામાં આવે છે. આવાં કાર્ટૂનોને એકસાથે મૂકીને અભ્યાસ કરવાનું ખાસ્સું રસપ્રદ બની રહે.
અહીં મૂકેલું કાર્ટૂન Sudheer Nath દ્વારા બનાવાયેલું છે, જેઓ Sudhi/ Nath/ Sudheer જેવાં નામે કાર્ટૂન ચીતરે છે. આ કાર્ટૂન 2002માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક Arena of Laughterમાંથી લીધું છે. આજે 2022 ચાલી રહ્યું છે. બસ, એથી વિશેષ કશી ટીપ્પણીની જરૂર નથી.
આ શ્રેણીમાં શ્રેયસ નવરેનાં બે કાર્ટૂન.
મુલાયમ-અખિલેશની જોડીનો ચહેરો તબક્કાવાર કેળામાં રૂપાંતરિત થઈ જાય છે. શાથી એમ થાય છે એ વાંચીને સમજાઈ જાય એવું છે. સૌથી નીચે શ્રેયસના 'કૉમનમેન' એવા 'ઝીરો' નામના ગધેડાની ટીપ્પણી 'નિરુત્તર' કરી દે એવી છે.
બીજા કાર્ટૂનમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘના ચહેરાનુ રૂપાંતર ડુંગળીમાં થતું બતાવાયું છે. અહીં પણ 'ઝીરો'ની શાબ્દિક લાત જોરદાર છે.
કાર્ટૂનમાં થીમની સાથે ચિત્રનું અગત્ય અને એ કરવામાં કાર્ટૂનિસ્ટની નિપુણતા આમાં બરાબર દેખાય છે.
શ્રેયસ નવરેનું વધુ એક કાર્ટૂન.
આ પ્રકારનાં કાર્ટૂનમાં સચોટ વ્યંગ્યની સાથેસાથે રેખાંકનદૃષ્ટિ અતિશય જરૂરી છે એ આ રૂપાંતરણ જોઈને સમજાશે. કાર્ટૂનિસ્ટને પહેલા ચિત્રથી ખબર છે કે તેણે આખરે ક્યાં પહોંચવાનું છે. પણ અચાનક ત્યાં જવાને બદલે દરેક તબક્કે તે નાના નાના પરિવર્તન કરતો જાય છે, અને ચોથા ચિત્રમાં તેને જોઈએ એ સ્વરૂપ તે નીપજાવે છે.
આમ કરતી વખતે પોતાની શૈલી પણ તે જાળવી રાખે છે. શ્રેયસનાં કાર્ટૂન 'ઝીરો' નામના ગધેડાની ટીપ્પણી વિના અધૂરાં ગણાય.
સામાન્ય રીતે ચાર તબક્કામા દેખાડાતા રૂપાંતરણને શ્રેયસ નવરેએ અહીં ત્રણ જ તબક્કામાં કરી દેખાડ્યું છે. બી.એસ.પી.ના 'દાગી' સાંસદ અવધેશકુમાર વર્મા ભા.જ.પ.માં પ્રવેશ્યા એ ઘટનાને અનુરૂપ બી.એસ.પી.ના પ્રતીકનો તેમણે ઉપયોગ કર્યો છે. (રાજકીય ઘટનાઓની મારી જાણકારી મર્યાદિત હોવાથી ભૂલચૂક લેવીદેવી.)
ત્રીજા અને અંતિમ તબક્કામાં કદાચ કારણ કે પરિણામ પણ તેમણે દર્શાવી દીધું છે.
રાબેતા મુજબ 'ઝીરો' નામના ગધેડાની 'લાત' પણ જોરદાર છે.
આ શ્રેણીમાં સુધીર તેલંગનું કાર્ટૂન. સામાન્ય રીતે કોઈના ચહેરાનું અન્ય કોઈ ચીજમાં રૂપાંતર કરવું અઘરું હોવા છતાં એ પ્રકાર મોટે ભાગે અજમાવાયેલો છે.
આ કાર્ટૂનમાં સાવ અલગ ચહેરો ધરાવતી બે વ્યક્તિઓની પસંદગી સુધીરે કરી છે. બન્નેના ચહેરામાં સહેજ પણ સામ્ય નથી, અને છતાં તેમણે એક ચહેરામાંથી બીજો ચહેરો રૂપાંતરીત થતો બતાવ્યો છે. 22 જુલાઈ, 2008ના દિવસે મનમોહનસીંઘની સરકારે વિશ્વાસના મતનો સામનો કરવાનો આવ્યો હતો. તેને અનુલક્ષીને આ કાર્ટૂન છે. આ મુદ્દાની વિગત મને બરાબર યાદ નથી, અને મારે મન તેનું મહત્ત્વ પણ ખાસ નથી. પણ કાર્ટૂનના એક પ્રકાર તરીકે તેને અહીં મૂક્યું છે.
No comments:
Post a Comment