Showing posts with label સેલ્ફી. Show all posts
Showing posts with label સેલ્ફી. Show all posts

Friday, March 6, 2015

જીવ માત્ર, 'સેલ્ફી'ને પાત્ર


લોભ, લાલચ, ક્રોધ, દયા, માયા જેવા ગુણો વ્યક્તિવિશેષના હોતા નથી, પણ જીવમાત્રમાં હોય છે. તેનું પ્રમાણ સમયાંતરે વત્તુંઓછું થયા કરે છે. લોભ કે લાલચ કોઈ ભૌતિક ચીજ અંગે જ હોય એ જરૂરી નથી. જેમ કે, પોતાની જાતને નિહાળવાની આદત. નાર્સિસસ/Narcissus માં એ વધુ પડતી હતી, પણ એનો અર્થ એ નથી કે આપણા સૌમાં એ બિલકુલ નથી. જાતને નિહાળવાની આ આદતને ટેકનોલોજીનો મોટો સહારો મળ્યો અને પોતાની જાતની તસવીર જાતે જ ખેંચીને તેને જોવાનો, જાહેર કરવાનો જે પ્રવાહ શરૂ થયો, તેનો ચેપ સહુ કોઈને વળગ્યો. જાતે જ તસવીર ખેંચવાનું ફોનમાં કેમેરા આવતાં ઘણું સરળ થઈ ગયું. આ રીતે લીધેલી તસવીર ‘સેલ્ફી’/selfie તરીકે ઓળખાવા લાગી અને આ શબ્દનું ચલણ એ હદે વ્યાપક બની ગયું કે ‘ટાઈમ’ મેગેઝીને/ Time magazine ૨૦૧૨માં ચલણી બની રહેલા ટોપ ટેન શબ્દો/Top ten buzzwords માં તેને સ્થાન આપ્યું. ‘સેલ્ફી’નો ક્રેઝ એ હદે વ્યાપેલો છે કે ઘણા લોકોએ સ્થળકાળ જોયા વિના ‘સેલ્ફી’ લેવાનો પ્રયત્ન કરતાં તેમને જાનથી હાથ ધોવાનો વારો આવ્યો.

અત્યાર સુધી જે વાત કરી એ માણસોને લાગુ પડતી હતી. પણ ‘સેલ્ફી’નો ક્રેઝ ફક્ત માણસોમાં જ છે, એવું માની લેવાની જરાય જરૂર નથી. જીવમાત્રમાં આ લાલસા પડેલી છે. અહીં વિવિધ જીવો ‘સેલ્ફી’ ખેંચે તો કેવી તસવીર આવે એની કલ્પના કરેલી છે. ખરેખર તો ફરીદ શેખ જેવા કોઈ ચિત્રકાર મિત્ર પાસે આ ચિત્રો કરાવવાં જોઈએ, પણ તેમની વ્યસ્તતા જોતાં થયું કે ‘સેલ્ફી’ જ મચી પડીએ. કહેવાનું એટલું જ કે ચિત્રો મારા બનાવેલા હોવાથી તેમાંથી ભૂલો શોધવાને બદલે મારી કલ્પના શી છે એ જાણવાનો પ્રયત્ન કરશો તો વધુ મઝા આવશે. તો પહેલાં ‘સેલ્ફી’ ખેંચો, અને પછી ઓળખવાનો પ્રયત્ન કરો કે કયા પશુ, પક્ષી, જળચર અને કીટકની આ ‘સેલ્ફી' છે. 

આસમાન સે ઊંચા 'જિરાફ'ની સેલ્ફી 

મદમસ્ત ગજરાજની સેલ્ફી 

જાનના જોખમે 'સેલ્ફી' લેતો રક્તપિપાસુ મચ્છર 

મોં છુપાવીને સેલ્ફી લેવામાં માનતું શરમાળ શાહમૃગ 

બિચારા ગેંડાની સેલ્ફી 

'સ્ટાર' લેતા હોય તો 'સ્ટારફીશ' સેલ્ફી કેમ ન લે? 

આ કીંગફીશરને સેલ્ફી લેતાં ખુદ માલ્યા પણ ન  રોકી શકે. 

બાળવયે 'સેલ્ફી'ગ્રસ્ત બનેલું કાંગારૂબાળ 

કીડીને સેલ્ફીમાં બેકગ્રાઉન્‍ડ પણ યોગ્ય જોઈએ. 

છીંકાટા વધુ પડતા જોરથી થઈ ગયા. 

વડોદરા સિવાયના મગરો સેલ્ફી ખેંચે તો આવી આવે. 

સ્પીલબર્ગ ડાયનોસોરને જીવતાં કરે, પણ સેલ્ફી
તો જાતે જ લેવી રહી.  

વ્હેલ પણ સેલ્ફીનો જુગાડ કરી લે. 

આ કોઈ એબ્સ્ટ્રેક્ટ ડ્રોઈંગ નથી,
ઝેબ્રાની સેલ્ફી છે. 

હજી પણ તમે 'સેલ્ફી' ન લીધી હોય તો કઈ હદે પાછળ ('સેલ્ફી'ના શોખીનોના મતે 'પછાત') રહી ગયા છો એનો અંદાજ આવી શકશે. માટે હે જીવ ! ઉઠો, જાગો અને પોતાના મોબાઈલ ફોનમાં સુવિધા ન હોય તો બીજા કોઈકના મોબાઈલમાં 'સેલ્ફી' ખેંચાવો નહીં ત્યાં સુધી મંડ્યા રહો.