Monday, March 21, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (2) :

 મોટા ભાગનાં ધર્મસ્થાનોની મુલાકાત લેતાં લાગે કે ઈશ્વર (જો હોય તો) બીજે ગમે ત્યાં ભલે હોય, પણ અહીં તો ચોક્કસપણે નહીં હોય. બદ્રીનાથ પણ આમાંથી બાકાત શી રીતે રહી શકે? તેનું ભૌગોલિક સ્થાન સ્વર્ગીય કહી શકાય એવું છે. મંદિરનો ભાગ પણ સુંદર છે. અહીં લગભગ આખા ભારતમાંથી ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે. તેમની વ્યવસ્થા સંભાળવા માટે રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એક જ લાઈનમાં સૌ ઊભા રહી શકે. પણ આપણા લોકોને એક જ લાઈનમાં સરખા ઊભા રહેવું ફાવતું નથી. વ્યવસ્થા જાળવવા માટે ઠેરઠેર પોલિસ ઊભેલા હોય છે.

મંદિરના પ્રવેશદ્વારે વધુ પોલિસો હોય છે, જેઓ એક નિશ્ચિત સંખ્યામાં ભક્તોને અંદર પ્રવેશ આપે અને બાકીનાને અટકાવી રાખે. આને કારણે લાઈન ક્યારેક સ્થગિત થઈ જાય અને ક્યારેક ઝડપભેર આગળ વધે. લાઈન આગળ વધે ત્યારે વાંધો ન આવે, પણ એ સ્થગિત થઈ જાય એટલે દર્શનાર્થીઓની વ્યાકુળતા વધવા લાગે. એક દંપતિ લાંબી લાઈન જોઈને હરેરી ગયું અને લાઈનમાં વચ્ચેથી ઘૂસ મારવા પ્રયત્ન કરવા લાગ્યું. કોઈકે અટકાવ્યા એટલે કાકા શર્ટ ઊંચું કરીને કમરે બાંધેલો બેલ્ટ બતાવવાની ચેષ્ટા કરતાં કહેવા લાગ્યા, 'બિમાર હૂં ઈસલિયે....' જો કે, તેમને જોઈને મને થયું કે મારે પણ ગયા વરસનો હેલ્થ ચેકઅપનો રિપોર્ટ સાથે રાખવા જેવો હતો.
દર્શનાર્થીઓને કષ્ટ ન પડે એ માટે ઊપર પતરાં મૂકાયેલાં છે. આ પતરાં જે થાંભલા પર મૂકાયેલાં છે એ થાંભલાઓ પર શિલાજીત સહિતની અનેક ઔષધિઓ બનાવતી કોઈ ફાર્મસીઓની વિવિધ દવાઓની જાહેરખબર મૂકાયેલી છે. અહીં પણ ફૂલોની માળાઓ, પ્રસાદ, બીબાં વડે કપાળ પર નામ લખી આપનારાઓની અવરજવર સતત ચાલુ હોય. એમનો તો વેપાર જ આસ્થાનો. આ બધું જોતાં જોતાં સમય પસાર થાય અને આપણો નંબર આવશે એમ લાગે.
મંદિરનું પ્રવેશદ્વાર સાવ છેટું હતું ત્યારે ત્યાં લાઈનની બહાર ઊભેલા બે સજ્જનો પોલિસ સાથે કશી માથાકૂટ કરતા હોય એમ લાગ્યું. સહેજ કાન સરવા કર્યા તો સંભળાયું, 'ભૈયા, ઈતની લાઈન મેં હમારા નંબર કબ લગેગા? આપ અપના જો ખર્ચાપાની હોતા હૈ વો લે લો ઔર....' પેલા પોલિસો આનાકાની કરી રહ્યા હતા. 'સા'બ, ઐસા નહીં હોતા. યહાં પર સી.સી.ટી.વી. કૈમરે લગે હૈ....' દર્શનની લ્હાયમાં પેલા ભાઈઓ એ પણ ભૂલી જાય કે સી.સી.ટી.વી.થી પણ મોટી કોઈ આંખ તેમને જોઈ રહી હશે. (ગુર્જરગૌરવના પ્રહરીઓને જણાવવાનું કે એ ભાઈઓ ગુજરાતી નહોતા.) આમ છતાં, પેલા બન્ને ભાઈઓ લાગેલા જ રહ્યા. રેલિગની બહાર આવ્યા પછી થોડો ભાગ એવો છે કે જે ખુલ્લો હોય. અત્યાર સુધી એક જ રહેલી લાઈન અહીં આવતાં બે-ત્રણ થઈ ગઈ. અમાનવીય ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. દરવાજા પાસે ઊભા રહેલા પોલિસનું આ બાબતે ધ્યાન દોર્યું તો એ કહે, 'ક્યા કરેં, સા'બ! લોગ બીચ મેં ઘૂસ જાતે હૈં, સમઝતે હી નહીં હૈ...'
કાકાસાહેબ કાલેલકરે 'બદરીધામ'માં વર્ણવેલો એક કિસ્સો આવો જ હતો. એ તો કેટલાં વરસો અગાઉની વાત છે. તેમણે જણાવ્યા પ્રમાણે હાથમાં પ્રસાદનો થાળ લઈને મંદિરમાં પ્રવેશેલી એક યુવતીને ધક્કો વાગે છે અને થાળમાં રહેલો પ્રસાદ વેરાઈ જાય છે. પેલી યુવતી નિરાશ થઈ જાય છે. કાકાસાહેબ તેને આશ્વાસન આપતાં કંઈક આવું કહે છે, 'તું તો કોઈ પૂજારી દ્વારા પ્રસાદ ચડાવત, પણ ભગવાનની ઈચ્છા એવી છે કે એ સીધો તારા હાથે જ ચડાવાય. આ ભૂમિનો એક એક પથ્થર પવિત્ર છે, તેથી......'
આ બધું જોઈ-વાંચી-સાંભળીને સખત ત્રાસ લાગે, જે પ્રકૃતિની ગોદમાં ગયા વિના હળવો ન થઈ શકે.



(ક્રમશ:) 

1 comment:

  1. મોટા ભાગનાં ધર્મસ્થાનોની મુલાકાત લેતાં લાગે કે ઈશ્વર (જો હોય તો) બીજે ગમે ત્યાં ભલે હોય, પણ અહીં તો ચોક્કસપણે નહીં હોય

    ReplyDelete