Showing posts with label સચિત્ર હાસ્ય. Show all posts
Showing posts with label સચિત્ર હાસ્ય. Show all posts

Friday, June 10, 2022

મધ્યયુગના ઠાકોરનું સર્વકાલીન રજવાડું

 એક મધ્યયુગીન, પીડિત અને ઘસાઈ ગયેલું રજવાડું. નામ એનું ઈડ (Id). ત્યાંનો નામ વિના ઓળખાતો ઠાકોર આપખુદ, કદમાં ઠીંગણો. તેનો ખાસ સહાયક છે એક બુઢ્ઢો જાદુગર (wizard), જે જાતભાતના તંત્રમંત્ર જાણે છે, તેના નિયંત્રણમાં 'સ્પિરિટ' કહેતાં 'આત્માઓ' છે. તેની યુક્તિપ્રયુક્તિઓનું કાયમ સૂરસૂરિયું થઈ જાય છે. તે રાજાને નકામો માને છે, છતાં રાજા તેને પૂછીને કામ કરે છે. આ તાંત્રિક બ્લાન્ચથી દબાયેલો છે. બ્લાન્ચ એટલે એની પત્ની. આ ઉપરાંત બીજા ઘણાં નિયમીત પાત્રોની આવનજાવન ચાલતી રહે છે. મધ્યયુગ આમ ભલે કથાવસ્તુનો કાળખંડ હોય, પણ તેમાં આધુનિક સવલતોય આવી જાય. એટલે તેને લઈને જે વિરોધાભાસ ખડો થાય એની અલગ મઝા, પણ આખરે આ કથામાં મધ્યયુગ એ કથાકાળ નહીં, માનસિકતાનો કાળ લાગે.

બ્રેન્ટ પાર્કર અને જહોની હાર્ટ નામના અમેરિકન કાર્ટૂનિસ્ટો દ્વારા સર્જાયેલી આ પાત્રસૃષ્ટિ એટલે 'The Wizard of Id'. અનેક અખબારોનાં પાને ચિત્રપટ્ટી તરીકે પ્રકાશિત થતી આ કથામાં એવા એવા સટાકા હોય છે કે આફરીન પોકારી જવાય. ઘણી વાર એમ બને કે અમુક શબ્દોનો સંદર્ભ ઝટ ન પકડાય. આમ છતાં, જે પકડાય એ વાંચીને જલસો પડી જાય. ક્યારેક તો થાય કે આ પાત્રો અને પરિસ્થિતિઓ સર્વકાલીન અને સર્વપ્રાંતીય છે.
અહીં કેવળ આસ્વાદ પૂરતા તેના કેટલાક નમૂના.

કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં. ચટ કસોટી ને પટ નિમણૂક.

ફિક્શન ન લખતા લેખકો, પ્લીઝ! તમારા માટે જગ્યા નથી. ખોટી લાઈન ન લગાડશો.

કોણે કહ્યું કે આવું મધ્યયુગમાં જ બને?

આરોપ-બારોપનું તો થઈ પડશે. એક વાર એને હાજર કરો, બસ!

ડાકૂ બન ગયે ટોલ કલેક્ટર

Monday, August 21, 2017

બસોમી પોસ્ટ: હાંસિયાનું હાસ્ય


'પેલેટ' નામના આ બ્લૉગની આ બસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011 ના રોજ પહેલવહેલી પોસ્ટ 'કોંકણ ડાયરી-1 મૂકાઈ હતી. ત્યાર પછી નિયમીતપણે અનિયમીત લખાતા રહેલા આ બ્લૉગમાં રસના અનેક વિષયોનો સ્વૈરવિહાર થતો રહ્યો છે. પચીસ, પચાસ, સો, સવાસો જેવા આંકડા ગુણવત્તાસૂચક બિલકુલ નથી, પણ સંખ્યાત્મક અવશ્ય છે. આંકડાઓના આવા એક મુકામે પહોંચીને પાછળ નજર કરીએ તો એ ખ્યાલ આવે છે કે ભલે અનિયમીત તો અનિયમીત, પણ સાતત્યથી લખાતું રહ્યું છે, અને મઝા પડી રહી છે. આ સફરના મારા અનેક સાથીઓ હશે. ઘણા અહીં કમેન્‍ટરૂપે દેખા દે છે, તો મોટા ભાગના અદૃશ્ય વાચક તરીકે. એ સૌનો આભાર.
લેખન જ્યારે શોખ મટીને વ્યવસાય બને ત્યારે બ્લૉગ પર કેવળ નિજાનંદ ખાતર લખવું મુશ્કેલ બને છે. વૃત્તિની નહીં, સમય ફાળવવાની સમસ્યા મુખ્ય હોય છે. પહેલાં બે વરસોમાં જે નિયમીતતાથી લખાયું, એ પછીનાં વરસોમાં જાળવી ન શકાઈ. આમ છતાં, મનમાં અનેક વિષયો ચાલ્યા કરતા હોય.
સોમી પોસ્ટની ઉજવણી વખતે મને લગાડેલાં કેટલાંક કાજળનાં ટપકાં વીણીને પોસ્ટ તરીકે મૂક્યાં હતાં. બસોમી પોસ્ટમાં એક એવી ચીજ મૂકવાનું વિચાર્યું કે જે મેં પોતે આટલા ધ્યાનથી આ નિમિત્તે જ જોઈ. તેની વાત કરું.
**** **** ****

અમેરિકન હાસ્ય સામયિક મૅડ’/MAD મારું અતિ પ્રિય છે. તેમાં સચિત્ર હાસ્ય નિયમીતપણે પીરસવામાં આવે છે, અને તેના કટાક્ષકારો માટે કોઈ કહેતાં કોઈ પવિત્ર ગાય નથી. આ સામયિકની ગુણવત્તા જળવાઈ રહેવાનું સૌથી મહત્ત્વનું કારણ મારી દૃષ્ટિએ એ છે કે તેમાં હાસ્યલેખક અને વ્યંગ્યચિત્રકાર બન્ને અલગ અલગ હોય છે. અહીં મોર્ટ ડ્રકર/Mort Drucker, જેક ડેવિસ/Jack Davis, અલ જેફી/Al Jaffee, ડૉનમાર્ટિન/Don Martin, સર્જિયો એરેગોનસ/Sergio Aragones, ડેવ બર્ગ/Dave Berg, ડૉન ડક એડવિંગ/Don Duck Edwing, એન્‍જેલો ટોરસ/Angelo Torres, એન્‍તોનિયો પ્રોહીસ/Antonio Prohias સહિત અનેક કલાકારો સ્ટારનો દરજ્જો ભોગવે છે અને આ સામયિકની અનુક્રમણિકામાં તેમનો સાગમટે ઉલ્લેખ ‘The usual gang of idiots’ તરીકે થાય છે. 


દરેક કલાકારની આગવી શૈલી અને ખાસિયત છે, જેને કારણે વ્યંગ્યની ધાર બેવડાઈ જાય છે.
નીચે મૂકેલા આ પાનામાં પહેલી નજરે અનેક ઈલસ્ટ્રેશન દેખાશે, જે મુખ્ય કથાનો ભાગ હોવાથી વાચક અવશ્ય વાંચવાનો છે. પણ એ સિવાય વચ્ચે રાખેલી હાંસિયાની જગ્યાઓ જુઓ. પાનની શરૂઆતમાં, ટોચે, વચ્ચે કે તળીયે આવી જગ્યાઓ (space) કોઈ પણ સામયિકમાં હોય જ. તેમાં દોરાયેલાં ચિત્રો તરફ ભાગ્યે જ ધ્યાન જશે.


આ હાંસિયાઓમાં પણ નાનાં નાનાં વ્યંગ્યચિત્રો બનાવાયાં છે, જે મોટે ભાગે સર્જિયો એરેગોનસ દ્વારા ચીતરાયેલાં છે. નીચેના પૃષ્ઠ પર આવાં ચિત્રો પર લાલ નિશાની કરવામાં આવી છે, જેથી તેમનું મૂળ કદ સમજાશે.


સામયિકની અનુક્રમણિકામાં આ વિભાગનો ઉલ્લેખ ‘Marginal Thinking Department’ તરીકે નિયમીતપણે કરવામાં આવેલો હોય છે. 


આ વ્યંગ્યચિત્રો જોવા માટે બિલોરી કાચ જ જોઈએ. અને દર વખતે તે હાથવગો હોય નહીં. પછી જોઈશું એમ વિચારીને પછી એ રહી જ જાય. આથી વિચાર આવ્યો કે આ હાંસિયાનાં કેટલાંક ચિત્રોને મોટાં કરીને મૂકીએ. પૈસાવસૂલ હાસ્ય આપવું એટલે શું એનો નમૂનો મૅડનું એકાદું પાનું જોઈએ તો સમજાય.

બસોમી પોસ્ટની ઉજવણી નિમિત્તે મને એ વ્યંગ્યચિત્રો જોવા મળે અને તમને પણ માણવા મળે એ આશયે કેટલાંક પસંદગીયુક્ત વ્યંગ્યચિત્રો અહીં મૂક્યાં છે.

હાંસિયાની જગ્યામાં આ ચિત્રોને એ રીતે દોરવામાં આવે છે કે લખાણ પણ તરત શરૂ થઈ જાય. આ કારણે ચિત્રને આખું લેવા જતાં લખાણનો અમુક ભાગ ક્યાંક આવી જાય એમ બન્યું હશે. પણ અહીં કેવળ ચિત્રનું જ મહત્ત્વ છે, એ ધ્યાનમાં રાખવું. વધુમાં વધુ એક આંગળીની પહોળાઈ અને એક વેઢાથી લઈને ત્રણ વેઢા સુધીની લંબાઈમાં આ ચિત્રો ગોઠવાયેલાં હોય છે.

આ ચિત્રો હાથે ચડ્યાં એ મૂકી દેવાને બદલે જે મને વધુ ગમ્યા, અને મારે કશું લખ્યા વિના પણ સમજાઈ જાય એવાં હોય એ રીતે પસંદ કરીને મૂક્યાં છે. આમ છતાંઅમુક ચિત્રો સમજવા માટે વધુ પડતાં નાનાં લાગે તો તેને જતાં કરવાને બદલે ડાઉનલોડ કરીને એન્‍લાર્જ કરીને જોજો. છતાં કશી તકલીફ હોય અને મને પૂછશો તો હું ચોક્કસ જણાવીશ. આશય એટલો જ કે મઝા આવવી જોઈએ.


અકલ્પનીય વિષયો અને પરિસ્થિતિઓ આ વ્યંગ્યકારોની ખાસિયત છે.  











'મૅડ'ના હાસ્યના પ્રેમમાં પડ્યા પછી 'સર્વ જગ થયું ખારું' લાગે એવો એનો પ્રતાપ છે.

(નોંધ: 'મૅડ'નાં તમામ વ્યંગ્યચિત્રો: અંગત સંગ્રહમાંથી) 

Sunday, June 28, 2015

મહામૉલની મહાનિષ્ફળતા અને તેનાં મહાકારણો


એસ્કિમોને પણ રેફ્રીજરેટર વેચી શકવા માટે ખ્યાતનામ મહાજાતિની ખરીદશક્તિ એટલી પ્રચંડ છે કે ધારે તો એ પૃથ્વી પર બેઠે બેઠે આખેઆખા મંગળ ગ્રહનો સોદો પાડી દે. અને તેની ખરીદવાની આદત એવી કે મરચાં ખરીદવા નીકળ્યા હોય ને મંગળનો તોડ કરી દે. આ પ્રજાનું માનસ માપવામાં ભલભલા ખેરખાંઓ થાપ ખાઈ ગયા છે. 

આ પ્રજાની આવી લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને તેના એક મહાનગરમાં એક મહામૉલ ખૂલ્યો. દિવસો વીત્યા, પણ આ મહામૉલમાં કોઈ મહાભીડ ઉમટતી નહોતી. જાતજાતની સ્કીમો રજૂ કરવામાં આવી, પણ કેમેય કરીને ગ્રાહકો ફરકતા જ નહોતા. છેવટે આ મૉલને તાળું દેવાનો વખત આવ્યો.

એ પહેલાં માર્કેટીંગના મહાનિષ્ણાતોની બનેલી એક મહાસમિતિ મૉલની મુલાકાતે આવી. તેમણે જાતજાતનું સંશોધન કર્યું, પણ રાબેતા મુજબ તેમને કશું કારણ ન જડ્યું. એ સમિતિએ બીજું કશું કરવાને બદલે કેવળ એ મહામૉલની અમુક દુકાનોનાં પાટીયાં પર જ નજર નાંખી હોત તો બીજું કશું શોધવાની જરૂર જ ન પડત. 

એ પાટીયાંઓમાં જોડણીની ભૂલો ન હતી. પાઠ્યપુસ્તકોમાં પણ જોડણીની ભૂલો ઉદારદિલે ચલાવી લેનાર મહાજાતિ કંઈ દુકાનનાં પાટીયાંની ભૂલોને મન પર ન લે. ખરેખર તો દુકાનોનાં પાટીયાં શુદ્ધ ગુજરાતીમાં ચીતરાયાં હતાં. સમિતિ છેવટે કશું તારણ શોધ્યા વિના પાછી ફરી, પણ એમને જે ન જડે એ આપણને ન જડે એવું થોડું હોય? 

તમે પણ વાંચો મૉલની કેટલીક દુકાનો પરનાં પાટીયાંઓનાં લખાણ. તમને તરત સમજાઈ જશે કે આવી દુકાનો, ઑફિસો કે સંસ્થાઓ બંધ ન થાય તો જ નવાઈ! 

પૈસા પાછા આપવાની ગેરંટી હોવા છતાં..... 

ગ્રાહકની બધી સુવિધા સાચવવાની તત્પરતા છતાં.... 
                                                        
દર્શકની અનુકૂળતા મુજબ શો ગોઠવવાની સવલત આ જમાનામાં કોણ આપે? તોય... 

હીરોઈન જેવું દેખાવાનું તો દરેકનું સપનું હોય.... 

ભારતભરમાં આ સર્વિસ વ્યાપેલી હતી, પણ... 

બિચારા અંબુ મહારાજ...! 

આ સ્કૂલ શરૂ કરવી એટલે આત્મઘાતી પગલું

કેવો ઉમદા હેતુ! પણ શા કામનો? 

તો શું 'ફક્ત મસાજ'થી હીટ અને ફીટ રહેવાનું? 

(Note: Images used in this post have been taken from net) 

Friday, March 6, 2015

જીવ માત્ર, 'સેલ્ફી'ને પાત્ર


લોભ, લાલચ, ક્રોધ, દયા, માયા જેવા ગુણો વ્યક્તિવિશેષના હોતા નથી, પણ જીવમાત્રમાં હોય છે. તેનું પ્રમાણ સમયાંતરે વત્તુંઓછું થયા કરે છે. લોભ કે લાલચ કોઈ ભૌતિક ચીજ અંગે જ હોય એ જરૂરી નથી. જેમ કે, પોતાની જાતને નિહાળવાની આદત. નાર્સિસસ/Narcissus માં એ વધુ પડતી હતી, પણ એનો અર્થ એ નથી કે આપણા સૌમાં એ બિલકુલ નથી. જાતને નિહાળવાની આ આદતને ટેકનોલોજીનો મોટો સહારો મળ્યો અને પોતાની જાતની તસવીર જાતે જ ખેંચીને તેને જોવાનો, જાહેર કરવાનો જે પ્રવાહ શરૂ થયો, તેનો ચેપ સહુ કોઈને વળગ્યો. જાતે જ તસવીર ખેંચવાનું ફોનમાં કેમેરા આવતાં ઘણું સરળ થઈ ગયું. આ રીતે લીધેલી તસવીર સેલ્ફી’/selfie તરીકે ઓળખાવા લાગી અને આ શબ્દનું ચલણ એ હદે વ્યાપક બની ગયું કે ટાઈમ’ મેગેઝીને/ Time magazine ૨૦૧૨માં ચલણી બની રહેલા ટોપ ટેન શબ્દો/Top ten buzzwords માં તેને સ્થાન આપ્યું. સેલ્ફીનો ક્રેઝ એ હદે વ્યાપેલો છે કે ઘણા લોકોએ સ્થળકાળ જોયા વિના સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતાં તેમને જાનથી હાથ ધોવાનો વારો આવ્યો.

અત્યાર સુધી જે વાત કરી એ માણસોને લાગુ પડતી હતી. પણ સેલ્ફીનો ક્રેઝ ફક્ત માણસોમાં જ છે, એવું માની લેવાની જરાય જરૂર નથી. જીવમાત્રમાં આ લાલસા પડેલી છે. અહીં વિવિધ જીવો સેલ્ફી ખેંચે તો કેવી તસવીર આવે એની કલ્પના કરેલી છે. ખરેખર તો ફરીદ શેખ જેવા કોઈ ચિત્રકાર મિત્ર પાસે આ ચિત્રો કરાવવાં જોઈએ, પણ તેમની વ્યસ્તતા જોતાં થયું કે સેલ્ફી જ મચી પડીએ. કહેવાનું એટલું જ કે ચિત્રો મારા બનાવેલા હોવાથી તેમાંથી ભૂલો શોધવાને બદલે મારી કલ્પના શી છે એ જાણવાનો પ્રયત્ન કરશો તો વધુ મઝા આવશે. તો પહેલાં સેલ્ફી ખેંચો, અને પછી ઓળખવાનો પ્રયત્ન કરો કે કયા પશુ, પક્ષી, જળચર અને કીટકની આ સેલ્ફી' છે

આસમાન સે ઊંચા 'જિરાફ'ની સેલ્ફી 

મદમસ્ત ગજરાજની સેલ્ફી 

જાનના જોખમે 'સેલ્ફી' લેતો રક્તપિપાસુ મચ્છર 

મોં છુપાવીને સેલ્ફી લેવામાં માનતું શરમાળ શાહમૃગ 

બિચારા ગેંડાની સેલ્ફી 

'સ્ટાર' લેતા હોય તો 'સ્ટારફીશ' સેલ્ફી કેમ ન લે? 

આ કીંગફીશરને સેલ્ફી લેતાં ખુદ માલ્યા પણ ન  રોકી શકે. 

બાળવયે 'સેલ્ફી'ગ્રસ્ત બનેલું કાંગારૂબાળ 

કીડીને સેલ્ફીમાં બેકગ્રાઉન્‍ડ પણ યોગ્ય જોઈએ. 

છીંકાટા વધુ પડતા જોરથી થઈ ગયા. 

વડોદરા સિવાયના મગરો સેલ્ફી ખેંચે તો આવી આવે. 

સ્પીલબર્ગ ડાયનોસોરને જીવતાં કરે, પણ સેલ્ફી
તો જાતે જ લેવી રહી.  

વ્હેલ પણ સેલ્ફીનો જુગાડ કરી લે. 

આ કોઈ એબ્સ્ટ્રેક્ટ ડ્રોઈંગ નથી,
ઝેબ્રાની સેલ્ફી છે. 

હજી પણ તમે 'સેલ્ફી' ન લીધી હોય તો કઈ હદે પાછળ ('સેલ્ફી'ના શોખીનોના મતે 'પછાત') રહી ગયા છો એનો અંદાજ આવી શકશે. માટે હે જીવ ! ઉઠો, જાગો અને પોતાના મોબાઈલ ફોનમાં સુવિધા ન હોય તો બીજા કોઈકના મોબાઈલમાં 'સેલ્ફી' ખેંચાવો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. 

Tuesday, November 13, 2012

સાપેક્ષ દુર્ગુણો



બ્લોગના મુલાકાતી સૌ વાચકમિત્રોને દિવાળીની શુભેચ્છાઓ તેમજ નૂતન વર્ષ મુબારક. 


"સદ્‍ગુણ કે દુર્ગુણ જેવું વાસ્તવમાં કશું હોતું નથી. દુનિયામાં બધું સાપેક્ષ હોય છે."  
આવું કોઈ અવતરણ આઈન્‍સ્ટાઈનના નામે છે નહીં. પણ તેથી શું થઈ ગયું? આઈન્‍સ્ટાઈન, ન્યૂટન, આર્કિમિડીઝ કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિક એવું કહે ત્યાં સુધી રાહ શા માટે જોવી? 
અહીં દર્શાવેલા કેટલાક પ્રચલિત દુર્ગુણોની ઝલક પ્રથમ ચિત્રમાં જુઓ. અને બીજા ચિત્રમાં તેની સાપેક્ષતા જાણો. પછી તમને લાગશે કે આવું અવતરણ પોતાના નામે ચડાવવા જેવું છે ખરું. 

કંજૂસાઈ 




*** 

ઈર્ષ્યા 




*** 

છેતરપિંડી



એક મહિના પછી... 


*** 

ક્રોધ 



*** 

લાલચ 



*** 

લોભ 



(નોંધ: 'આરપાર'ના ૨૦૦૪ના દિવાળી અંક માટે આ આઈટમ તૈયાર કરી હતી, જેનાં ચિત્રાંકનો રાજેશ રાણાએ કર્યાં હતાં.)