Sunday, March 20, 2022

બર્ફીલું ધામ બદ્રીનાથ (1)

(2018ના એપ્રિલ, મે દરમિયાન અમે બદ્રીનાથનો પ્રવાસ કર્યો હતો. ત્યાંથી આવ્યા પછી ફેસબુક પર છૂટકછૂટક લખાયેલા સંસ્મરણોને અહીં એક સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો છે.) 

અમારા મહેમદાવાદના ઘરની સામે આજે જ્યાં બિપીનભાઈ શ્રોફનું નિવાસસ્થાન છે, ત્યાં અસલમાં એક ખરી (ખળી) હતી. જેનો દરવાજો ક્યારેક ખૂલતો. આ ખરીની દિવાલ પર મહેમદાવાદની ત્યારની એક માત્ર ટૉકીઝ 'આશા'માં રજૂ થતી ફિલ્મોનાં પોસ્ટરો લાગતાં. જો કે, આ દિવાલ એવી હતી કે એક વાર લાગેલું પોસ્ટર વરસો સુધી લાગેલું રહેતું. એ રીતે 'અપના દેશ'નું પોસ્ટર કેટલાય વખત સુધી રહેલું. સવારે જાગીને છજામાં ઉભા રહીએ કે સીધી નજર ત્યાં જ પડે એવું એનું સ્થાન રહેતું. પછી એ પોસ્ટર ફાટતું, ચીરાતું, અને તેની હાલત એવી થઈ જતી કે તેની નીચે લગાડેલું અગાઉની ફિલ્મનું પોસ્ટર પણ અડધુંપડધું દેખાતું હોય. મારી સાવ બાલ્યાવસ્થામાં કેટલાંક દૃશ્યો મને બરાબર યાદ રહી ગયાં છે એમાંનું એક તે 'બદ્રીનાથ યાત્રા' ફિલ્મનું પોસ્ટર. 1967 માં રજૂઆત પામેલી આ ફિલ્મ મહેમદાવાદમાં કદાચ ત્રણ-ચાર વર્ષ પછી, એટલે કે મારી ચાર-પાંચ વર્ષની ઉંમરે આવી હશે. કેટલું ચાલી હશે એ ખબર નથી, પણ તેનું પોસ્ટર મારા એ સમયની યાદગીરીનો હિસ્સો બની રહ્યું હતું. પોસ્ટરમાંના એક પણ ચહેરાને હું જાણતો નહોતો. મને તેમાં પર્વત પર જતા એક યાત્રાળુનું છાયાચિત્ર બરાબર યાદ રહી ગયું છે. બદ્રીનાથ એટલે શું અને તે ક્યાં આવ્યું એ પણ ખબર નહોતી. પણ એટલી ખબર આ પોસ્ટર દ્વારા પડેલી કે તે કોઈક પર્વત પર આવેલું હશે.


ત્યાર પછી ફરતા થયા, પ્રવાસ કરતા થયા અને જાણતા થયા એમ ખ્યાલ આવ્યો કે બદ્રીનાથ ચાર ધામ પૈકીનું એક મહત્ત્વનું ધામ છે. જો કે, મારો મુખ્ય રસ પ્રવાસનો હોવાથી ધાર્મિક સ્થળ પ્રાથમિકતામાં જલ્દી ન આવે એ સ્વાભાવિક છે. આવામાં એક તક મળી બદ્રીનાથની 'યાત્રા' કરવાની. જો કે, આ 'યાત્રા'માં જોડાતા પૂર્વે એટલું સ્પષ્ટ હતું કે અમારા માટે તે યાત્રા ઓછી અને પ્રવાસ વધુ હતો. અમારા સગાં ગૌરાંગ શાહ અને ભાવિની શાહે બદ્રીનાથમાં શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું, અને ઓછામાં ઓછા દોઢસો સ્વજનોને લઈ જવાનું તેમણે ગોઠવ્યું હતું. અમારા અભિગમને જાણતા હોવાથી અમને 'એ બહાને ત્યાં ફરાશે'ની છૂટ આપવામાં આવી હતી, જેનો અમે ભરપૂર લાભ લીધો.
આમ, નાનપણમાં વરસો સુધી અનાયાસે જે નજરે પડતું રહ્યું હતું એ 'બદ્રીનાથ યાત્રા'નું પોસ્ટર જીવંત બની ગયું. અમે ચારેએ આ પ્રવાસનો આનંદ લીધો અને બરાબર રખડપટ્ટી કરી. તેનો તસવીરી- સચિત્ર અહેવાલ.
**** 
પહાડ તરફની સફર ગજબ હોય છે. જતી વખતે સાવ મેદાની પ્રદેશમાંથી પહાડી પ્રદેશમાં પ્રવેશ કરીએ એ સાથે જ વાંકાચૂકા રસ્તાઓ અને ચઢાણ શરૂ થઈ જાય અને અચાનક જ અત્યાર સુધીની શુષ્ક લાગતી મુસાફરી જીવંત બની જાય. દરેક વળાંકે બારીની બહાર જોતાં દૃશ્યો બદલાતાં રહે. જો કે, મેદાની પ્રદેશમાંથી આવતા જાગ્રત માવતરો પોતે કે પોતાના બાળકને બારીએ બેસવાનો આગ્રહ કરે ત્યારે એમ લાગે કે તેમની સૌંદર્યદૃષ્ટિ સારી કહેવાય! પણ બહુ ઝડપથી બારીએ બેસવાનું રહસ્ય સમજાઈ જાય. 'સહદેવસિન્ડ્રોમ' મુજબ તેમને પહેલેથી જ્ઞાન હોય કે વાંકાચૂકા રસ્તે પેટમાં દુ:ખે, ચક્કર આવે અને 'વૉમિટ જેવું' લાગશે. આગોતરા ઊપચાર તરીકે જાતભાતની ચૂસવાની ગોળીઓ પાઉચમાં મૂકેલી હોય એ મોંમાં મૂકાઈ જાય. ત્યાર પછી બારીએ બેસીને, અગાઉ જણાવેલાં લક્ષણો દેખા દે તેની બંધ આંખે રાહ જોયા કરવાની. આમાંનું કોઈ લક્ષણ દેખા ન દે તો અસુખ થઈ જાય. બારી નજીક બેસવાનું મુખ્ય કારણ પણ એ જ કે 'કંઈક' થાય તો બારી હાથવગી હોય.

બદ્રીનાથને રસ્તે 

આ કારણે રસ્તે આવતાં અનેક સ્થળો અને તેનું સૌંદર્ય ભાગ્યે જ માણી શકાય. ખાસ કરીને હિમાલયના ચઢાણ વખતે તો હિમશિખરોનાં પહેલવહેલાં દર્શન થાય એ સાથે જ અનેરો રોમાંચ અનુભવાય. તેની ટોચ માત્ર દેખાતી હોય તો વાંકાચૂકા વળીને પણ એ જોયા કરવાનું મન થતું રહે. ઊંચાઈ વધતી જાય એમ વાતાવરણ બદલાય અને વનસ્પતિની ઘટ્ટતા પણ ઓછી થાય. પણ સૌથી વિસ્મય પમાડે એવું કશું હોય તો અહીંનું હવામાન, તેમાં ઊગતાં ફૂલો અને ફળોની વિપુલતા. 
સાવ સાદા, ટીનના ડબલાઓમાં ફૂલો ઊગાડેલાં હોય અને છતાં આખો છોડ ફૂલોથી રીતસર લચી પડ્યો હોય. સામાન્યમાં સામાન્ય મકાનોમાં પણ આવાં ડબલાં જોવા મળે. અહીંના લોકો ફૂલોના શોખીન હશે કે પછી એક રિવાજ લેખે તે ઊગાડાતા હશે એ ખબર નથી, પણ તેને કારણે મકાનનો આખો દેખાવ જ બદલાઈ જાય.
બદ્રીનાથને રસ્તે

અહીં મૂકેલી બન્ને તસવીરો બદ્રીનાથ જતાં અને આવતાં રસ્તે આવેલા કોઈ મકાનની છે. દિવાલનો ભૂરો રંગ બહુ સામાન્ય છે. તેનું પણ એક રીતે ચલણ જ હશે. પણ મને તો એ રંગ અહીંના આકાશ સાથે અનુસંધાન સાધતો હોય એવો જણાયો. સમાજવિજ્ઞાનીની શૈલીએ એવી થિયરી આપી શકાય કે વિશાળ આસમાન તળે રહેતા હોવાથી અહીંના લોકો પોતાના મકાનની દિવાલો પર પણ એ જ રંગ લગાવે છે.
મેદાની પ્રદેશોમાં રહેતા આપણા જેવા લોકો અહીં આવાં અઢળક ફૂલો જોઈને શું કરતા હશે એનું સહેલાઈથી અનુમાન કરી શકાય એમ છે.
ગમે તે હોય, પહાડી સ્થળ તરફ જવાની સફરનો જે રોમાંચ હોય છે એવો અને એટલો રોમાંચ ત્યાંથી પાછા ફરતી વેળા જળવાતો નથી.
**** 
બદ્રીનાથ આશરે દસેક હજાર ફીટની ઊંચાઈએ વસેલું છે, છતાં તેની ચોફેર પર્વતો હોવાથી તે ખીણમાં હોવાનું જણાય. મોટા ભાગના પર્વતોની ટોચ હિમચ્છાદિત હોય અને એટલી નજીક લાગે કે જાણે ચાલીને ત્યાં પહોંચી જઈએ એમ થાય.
વડોદરાના 43 અંશ તાપમાનમાંથી છૂટીને દિલ્હી-શ્રીનગર (ઉત્તરાખંડ) માં રોકાણ કરીને બદ્રીનાથ પહોંચ્યા ત્યારે જાણે કે ઓવનમાંથી નીકળીને સીધા ફ્રીઝમાં આવી ગયા હોઈએ એમ લાગ્યું. અમે પહોંચ્યા એના બે-એક દિવસ અગાઉ જ હિમવર્ષા થઈ હતી, જેની નિશાનીરૂપે રસ્તાની કોરે બરફના થર જોવા મળતા હતા. બહાર ઉભા રહીએ તેના કરતાં રૂમમાં વધુ ઠંડી લાગતી હતી. ફ્રીઝમાં મૂકેલી ચીજવસ્તુઓની જેમ રૂમમાં પડેલી એકે એક વસ્તુઓ ઠંડીગાર લાગતી હતી.
ખીણમાં હોવાને કારણે અહીં અજવાળું સવારના પાંચેક વાગ્યે થઈ જતું, પણ સૂર્યોદય સાતની આસપાસ થતો. અમારો ઊતારો બદ્રીનાથના પ્રવેશમાં જ આવેલા આંતરરાજ્ય બસ સ્થાનકની સામે આવેલા સદ્ગુરુ આશ્રમમાં, ત્રીજા માળે હતો. આ રૂમમાં ફોલ્સ સિલીંગ હતી, પણ તેની પર આવેલા છાપરે બરફના થર જામેલા હતા, જેને કારણે રૂમનું તાપમાન બહાર કરતાં પણ ઓછું જણાતું. (સેલફોનમાં એક સવારે તે 1 અંશ બતાવતું હતું.)
આમ છતાં, સવારની એક અલગ મઝા હતી. અમારી રૂમની પાછળ થતા સૂર્યોદયને કારણે રૂમની સામે આવેલા હિમશિખરો પર સૂર્યનો સીધો પ્રકાશ પડતો હોવાથી ત્યાંથી ખસવાનું મન જ ન થતું. છેક ઊપલા માળેથી જોતાં જાણે કે આપણે આપોઆપ સાક્ષીભાવમાં આવી જતા હોઈએ એમ લાગતું. નીચે રોજિંદી ચહલપહલ શરૂ થઈ જતી.
આવી એક સવારનું અમારા રૂમની બારીમાંથી દેખાતું દૃશ્ય, જે અમે પહોંચ્યા પછીના ત્રીજા દિવસની સવારે ચીતર્યું હતું.

ત્રીજે માળે આવેલા ઉતારામાંથી બારીબહાર દેખાતું દૃશ્ય 



(ક્રમશ:) 

No comments:

Post a Comment