Friday, October 15, 2021

'પ્રભુ'ની વિદાય

આજે સવારે જ શ્રી જગદીશ પટેલ દ્વારા સમાચાર મળ્યા કે રમેશ પટેલે વિદાય લીધી. જગદીશભાઈના તો એ મોટાભાઈ. હવે તો જગદીશભાઈ સાથે મિત્રતા કહી શકાય એવા સંબંધ છે, પણ રમેશ પટેલનો પરિચય મને તેમનાથી પહેલાં થયેલો.

પરોક્ષ પરિચય રજનીકુમાર પંડ્યાએ તેમના વિશે લખેલા લેખ થકી હતો જ. લંડનમાં શુદ્ધ ગુજરાતી ભોજન પીરસતી હોટેલ 'મંદિર'ના સંચાલકનો પરિચય કરાવતો એ લેખ રજનીકુમારની 'રંગતરંગ'ની કોલમ 'ખોલો બંધ પટારા'માં પ્રકાશિત થયેલો. એ રીતે રમેશ પટેલ સ્મૃતિમાં હતા. એ પછી તેઓ ભારત આવીને, વડોદરા ખાતે વસ્યા એની મને ખબર નહોતી. શ્રી નવનીતભાઈ મદ્રાસીની જીવનકથાના મેં લખેલા પુસ્તક 'પડકાર સામે પુરુષાર્થ' નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં રમેશભાઈ પહેલી વાર મળ્યા ત્યારે રજનીકુમાર પણ એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. એ વખતે મને ખબર પડી કે આ 'મંદિર'વાળા જ રમેશભાઈ.

એક કૉમન મિત્ર થકી અકોટા વિસ્તારમાં રહેતા રમેશભાઈને ત્યાં પણ પછી જવાનું બન્યું. ત્યારે ધ્યાને આવ્યું કે રમેશભાઈનું પ્રિય સંબોધન 'પ્રભુ' છે. એ કહે, 'પ્રભુ, આપણે તો મળેલા છીએ. તમારા કાર્યક્રમમાં...' આમ અમારો પરિચય દ્વિપક્ષી થયો, પણ એ આગળ વધવામાં નિમિત્ત બન્યા બીજા એક મિત્ર રાજેશ દાણી. રાજેશ દાણીએ એક વાર રજનીકુમારને ફોન કર્યો અને જણાવ્યું કે તેમના એક મિત્રની જીવનકથાનું આલેખન કરાવવું છે. રજનીકુમારે રાજેશભાઈને જણાવ્યું કે તે મારો સંપર્ક કરે, કેમ કે, હું પણ વડોદારામાં જ છું. એ પછી રાજેશભાઈનો ફોન આવ્યો, તેમણે વિગતે વાત કરી, અને અમે એક નિર્ધારીત દિવસે મળવાનું ઠરાવ્યું. ત્યાં સુધી ન મેં પૂછેલું કે ન તેમણે જણાવેલું કે કોની જીવનકથાનું આલેખન કરાવવાનું છે. અમે બન્ને નિયત સ્થળે મળ્યા અને આગળ વધ્યા. એક પરિચીત સોસાયટીમાં પ્રવેશ્યા એટલે મેં રાજેશભાઈને પૂછ્યું, 'આપણે રમેશભાઈને ત્યાં જવાનું છે?' રાજેશભાઈ કહે, 'તમે એમને જાણો છો?'
આમ, એ મુલાકાત સરળ રહી. 'પ્રભુ'ની જીવનકથા એકદમ ચડાવઉતારવાળી હતી. તેમને એનું આલેખન પણ વ્યાવસાયિક ઢબે કરાવવું હતું. એ પહેલી મુલાકાત પછી મેં તેમને વિગતે રૂપરેખા મોકલી આપી. એ પછી અમારી વધુ એક મિટિંગ થઈ. 'પ્રભુ'એ મારી તમામ બાબતો મંજૂર રાખેલી, પણ તેમણે મને નિખાલસભાવે પૂછેલા પ્રશ્નના જવાબમાં મેં પણ એવો જ જવાબ આપતાં એમને જણાવ્યું કે આ પુસ્તક પ્રકાશિત કર્યા પછી એના વેચાણમાંથી એનો નિર્માણખર્ચ નીકળી રહે એ અહીં શક્ય નથી. એ પછી અમે થોડો વિચારવિમર્શ કર્યો, અને આખરે એ પ્રકલ્પ પડતો મૂકવાનું નક્કી કર્યું. પણ એ પછી અમારી વચ્ચેનો પરિચય વધુ ગાઢ બન્યો. મેં સામે ચાલીને તેમને આપેલા વાસ્તવિક સૂચનને કારણે કદાચ તેમને મારા માટે એક વિશેષ ભાવ થઈ આવ્યો એમ મને લાગતું.
હાડોહાડ સંગીતપ્રેમી એવા રમેશભાઈએ પોતાના બંગલામાં એક હૉલ બનાવેલો, જેનું નામ 'બૈજુ બાવરા- તાના રીરી હૉલ' હતું. એમાં દર સપ્તાહે નિયમિતપણે ગીતસંગીતના કાર્યક્રમ થતા. દોઢસો એક શ્રોતાઓની ક્ષમતાવાળો એ હૉલ પૂરેપૂરો ભરાઈ જતો. અમારા મહેમદાવાદી મિત્ર- કવિ અને સંગીતકાર મયંક ઓઝાનો કાર્યક્રમ પણ એક વાર એમાં યોજાયેલો.



રમેશભાઈ પોતે કવિ હતા. તેમનો મુખ્ય રસ પ્રકૃતિ અને અધ્યાત્મનો. તેમણે પોતે લંડન હતા ત્યારે 'હૃદયગંગા' નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કરેલો. પોતાના હૉલમાં યોજાતા કાર્યક્રમ વિશે એક વાર મેં વાતવાતમાં કહેલું, 'તમારે ત્યાં યોજાતા કાર્યક્રમ સેન્ડવીચ જેવા હોય છે.' એ કહે, 'પ્રભુ, સમજાવો. આમાં સમજણ ન પડી.' મેં કહ્યું, 'વચ્ચેનો સ્ટફ બદલાતો જાય, પણ કાર્યક્રમના આરંભે અને અંતે તમારું જ ગીત હોય.' આ સાંભળીને એ હસી પડ્યા. કાર્યક્રમનો આરંભ અને અંત 'હું તો નદી બનીને દોડું, જે તરસ્યા હો તે આવો' ગીતના સમૂહગાનથી થતો, અને ઉપસ્થિત શ્રોતાઓમાં તેનો પાઠ અપાતો.
'કુશલ ફાર્મસી'વાળા ડૉ. કિશોરભાઈ ઠક્કુર પણ તેમના મિત્ર. ઠક્કુરસાહેબના દવાખાને અમસ્તા વાતો કરવા મારે પણ જવાનું બનતું. એ રીતે વધુ એક પરિમાણ અમારા પરિચયમાં ઉમેરાયું. એક વખત ડૉ. કિશોરભાઈ, રમેશભાઈ અને મેં- સુરત ઉપાડી. ડૉ. કિશોરભાઈની તીવ્ર ઈચ્છા કે.કે.સાહેબને મળવાની હતી. એ અરસામાં જ પ્રકાશિત મારા દ્વારા સંપાદિત પુસ્તક 'ગુઝરા હુઆ જમાના' તેમણે સાદ્યંત વાંચેલું. અમે નક્કી કરીને સુરત ઉપડ્યા અને રોહિતભાઈ મારફતિયાની 'વીન્ટેજ વેટરન્સ'માં હાજરી આપી. કે.કે.સાહેબ પણ ત્યાં જ મળી ગયા. સુરત જતાં અને આવતાં રમેશભાઈનું સાન્નિધ્ય મળ્યું. તેમનાં ગીતો સાંભળવા મળ્યાં. તે 'પ્રેમોર્મિ'ના ઉપનામથી ગીતો લખતા હતા.
થોડા સમય પછી વળી તેમણે મને યાદ કર્યો. તેમનાં ગીતોનાં પુસ્તક 'હૃદયગંગા'ની સર્જનયાત્રા તેમણે છૂટકછૂટક લખી હતી. એ તમામ સામગ્રી તેમણે મને આપી અને એનું શું થઈ શકે એ વિશે અમે ચર્ચા કરી. એ સામગ્રી વાંચતાં જ એનો નકશો મારા મનમાં સ્પષ્ટ થયો. એનું સંપાદન કરીને, એને પ્રકરણવાર મૂકવાનું મેં સૂચન કર્યું એટલે રમેશભાઈ કહે, 'પ્રભુ, હવે એ તમે જાણો કે શું કરવાનું છે. બસ, તમને આપ્યું.' સામાન્ય રીતે વ્યાવસાયિક બાબતોની અગાઉથી ચર્ચા કરીને હું એમાં આગળ વધવાનું નક્કી કરતો હોઉં છું. પણ 'પ્રભુ' પાસે એ થાય?
એ પુસ્તકમાં તેમને એ પુસ્તક નિમિત્તે મળેલા પ્રતિભાવો, તેમણે પોતે ચીતરેલાં ચિત્રો પણ અમે મૂક્યાં. એ પુસ્તકનાં પ્રકરણોનું વિભાજન ગંગોત્રીથી ગંગાસાગરની ગંગાની સફરમાં આવતાં તીર્થ મુજબ કર્યું એ જાણીને તે બહુ રાજી થયા હતા.


સંગીત બાબતે તેઓ અનેક પ્રયોગો કરતા રહેતા હતા. ભારતીય સંસ્કૃતિ વિશેના તેમના પોતાના ખ્યાલ હતા.


જો કે, થોડા સમયમાં તેમણે વડોદરા ખાતેનો બંગલો વેચીને પોતાના વતન કરમસદમાં સ્થાયી થવાનું નક્કી કરેલું. એ સાંભળીને અનેક લોકોને પોતાનું એક ઠેકાણું વિલાઈ રહ્યું હોવાનું લાગેલું.
કરમસદમાં તેમણે નવેસરથી મકાન તૈયાર કરાવ્યું અને એમાં પણ સંગીતના કાર્યક્રમ યોજવાના શરૂ કરેલા. ત્યાં ગયા પછી અમારો સંપર્ક પ્રમાણમાં ઓછો રહ્યો, પણ અમુક અંતરાલે 'શું ચાલે છે, પ્રભુ!' પૂછતા તેમના ફોન આવતા રહેતા.
થોડા દિવસો અગાઉ જગદીશભાઈ સાથે વાત થતાં જાણ થઈ કે રમેશભાઈને દવાખાનામાં દાખલ કરેલા છે. એ પછી તેમના એક મિત્રે મને સમાચાર આપ્યા કે રમેશભાઈને બ્રેઈન હેમરેજ થયું છે. એ જ ક્રમમાં આજે જગદીશભાઈએ તેમના દેહાવસાનના સમાચાર આપ્યા.
રમેશભાઇનાં સંતાનો વિદેશમાં છે. અહીં તેમનો પરિવાર વિસ્તૃત હતો. કેટલાય સંગીતપ્રેમીઓને, મારા જેવા મિત્રોને તેમની વિદાયથી એક સ્વજન ગુમાવ્યાની અનુભૂતિ થશે. 
સ્વર્ગના પ્રવેશટાણે જ રમેશભાઈ કહેશે, "આવી ગયો છું, પ્રભુ!" અને પ્રભુ કહેશે, "ભલે પધાર્યા, પ્રભુ!"

Friday, October 1, 2021

હોમાય વ્યારાવાલા: પત્રો અને પ્રસંગો (15)

વાસ્તવદર્શિતાની દૃષ્ટિએ એકદમ કઠોર કહી શકાય એવાં હોમાય વ્યારાવાલાએ પોતાના મૃત્યુ બાબતે ન વિચાર્યું હોય એમ બને? પારસીઓની પરંપરાગત અંતિમ વિધિની તેમની ઈચ્છા નહોતી. એનું કારણ એમના મતે સ્પષ્ટ હતું. ગીધની સંખ્યા ઘટી રહી હોવાને કારણે પોતાનો દેહ એમને કામમાં આવે નહીં, અને એ પડ્યો પડ્યો સડતો રહે. તેને બદલે અગ્નિસંસ્કાર બહેતર ગણાય. અલબત્ત, એક તબક્કે મારાં ઘરનાં સભ્યોએ (કનુકાકા, પપ્પા, મમ્મી, ઉર્વીશ અને સોનલ) દેહદાન માટેનું ફોર્મ ભર્યું એ અંગે તેમને મેં જણાવ્યું. તેમને પણ એ યોગ્ય લાગ્યું. આથી તેમણે મારી પાસે એ ફોર્મ મંગાવ્યું અને ભર્યું પણ ખરું. જો કે, એ પછી કયા કારણસર એ ફોર્મ સંબંધિત સ્થળે ન મોકલાવ્યું એ અત્યારે હું ભૂલી ગયો છું.

પરેશ પ્રજાપતિની તેમની સાથેની નિકટતા વધી એ પછી એક સમયગાળો એવો હતો કે તે પોતાના અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ અંગે તેની સાથે વાત કરતાં રહેતાં. આ વાત પરેશ માટે જીરવવી બહુ કપરી હતી. જો કે, હોમાયબેન બહુ હેતુલક્ષિતાપૂર્વક, જરાય લાગણીશીલ થયા વિના એ વાત કરતાં. એ અરસામાં તેમણે બે લખાણનો મુસદ્દો લખી રાખેલો, જેને તેમણે એ પછી સહેજ ફેરફાર સાથે વીલમાં સમાવેલો. એક મુસદ્દો હતો પોતાના અંતિમ સમય વિશેનો, જ્યારે બીજો મુસદ્દો હતો પોતાના અંતિમ સંસ્કાર અંગેનો.

મૂળ અંગ્રેજીમાં લખાયેલા એમાંના એક મુસદ્દાનો ગુજરાતી અનુવાદ અહીં મૂકું છું.

"હું, હોમાય વ્યારાવાલા, આ મારા સ્વસ્થ અને સાબૂત તનમન સાથે લખી રહી છું.

મને મૃત્યુનો ડર નથી, મને ડર છે પીડાનો. મારા જીવનની અંતિમ ક્ષણો દરમિયાન મારે પીડાનો ભોગ બનવાનું આવે અને મારી મેળે નિર્ણય લેવાની સ્થિતિમાં હું ન હોઉં તો દવા તરીકે કેવળ પેઈનકીલર્સ આપીને, જીવન લંબાવતાં આધુનિક ઉપકરણોના ઉપયોગ વિના, ગરિમાપૂર્ણ મૃત્યુની હું વિનંતી કરું છું.

મને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં ન આવે, પણ કૅરટેકરની મદદથી ઘેર જ સારવાર કરવામાં આવે. તેનો તમામ ખર્ચ તેમજ મારા દેહની અંતિમ વિધિનો ખર્ચ મારી સંપત્તિમાંથી ચૂકવવામાં આવશે.

મારા મૃત્યુ બાદ મારા દેહના નિકાલ માટે તેને કોઈ માન્ય સ્મશાનગૃહે લઈ જવામાં આવે. પણ એમ કરતાં અગાઉ કોઈ ડૉક્ટરનો સંપર્ક કરીને એ તપાસવામાં આવે કે મારું કોઈ અંગ પ્રત્યારોપણ માટે ઉપયોગ થઈ શકે એમ છે કે કેમ. યોગ્ય લાગે તો એ લેવું.

મારા મૃત્યુ બાદ કોઈ ધાર્મિક વિધિ કરવાની હોય તો એને એક વર્ષના ગાળામાં જ સંપન્ન કરવી- એ પછી કશું જ નહીં.

મારી ઈચ્છાઓને માન આપશે એમને મારો અંતરાત્મા આશીર્વાદ આપશે.

હોમાય વ્યારાવાલા

-------------------

17-6-06


No photo description available.