Sunday, September 15, 2013

કૃષ્ણકાન્‍ત (કે.કે.) નો ૯૨ મા વર્ષમાં પ્રવેશ: સૌમ્યતા, સજ્જનતા અને શાલીનતાનો સંગમ


ગુજરાતી, મારવાડી, સિંધી, પંજાબી, બંગાળી જેવી પ્રાંતિક ઓળખ આપણે જે તે પ્રાંતના લોકોને લગાડતા હોઈએ છીએ, અને તેમની વિવિધ લાક્ષણિકતાઓને ઘેરી બનાવીને ઉજાગર કરતા વિવિધ જોક્સ બનાવીને છૂટથી કહેતા હોઈએ છીએ. ખરેખર તો આ લક્ષણો પ્રાંતવિશેષ નહીં, પણ દરેક વ્યક્તિમાં જોવા મળી શકે, પણ અલગ અલગ સમયે.
જેમ કે, એક મારવાડી સજ્જને બહુ તપ કર્યું એટલે તેની પર ભગવાન પ્રસન્ન થયા. રાજી થયેલા ભગવાને વગર માંગ્યે ભગવાને તેને વરદાન આપી દીધું, “તારી સાત પેઢી સુધી ચાલે એટલું ધન તને આપું છું.” ભગવાનને એમ કે આ ભક્ત અત્યંત ખુશ થઈ જશે, અને ભક્તિભાવપૂર્વક તેમના પગ પકડી લેશે. તેને બદલે તેમનું મોં પડી ગયું. ભગવાને ચિંતાથી પૂછ્યું, “વત્સ, શું થયું? તારી સાત પેઢી ચાલે એટલું ધન તને આપી દીધું તોય તું દુ:ખી કેમ જણાય છે?” પેલા સજ્જને ચિંતાગ્રસ્ત ચહેરે ભગવાનને પૂછ્યું, “મારી આઠમી પેઢીનું શું થશે?”
આમ જોઈએ તો આ જોક બહુ સામાન્ય છે, પણ એમાં મારવાડી ભક્તને ખોટા બદનામ કરાયા છે. એની જગાએ કોઈ પણ હોઈ શકે. બીજાની વાત જવા દઈએ, આપનો વિશ્વાસુ એટલે કે આ બ્લોગર પણ એક વખત આ ભૂમિકામાં આવી ગયેલો. એ શી રીતે? ક્યારે?
**** **** ****
સુરતના અભિનેતા-દિગ્દર્શક કૃષ્ણકાન્‍ત (કે.કે.)ના નામ અને કામથી આ બ્લોગના વાચકો પરિચીત છે. તેમનાં ફિલ્મી જીવનનાં છ દાયકાનાં સંભારણાંનું આલેખન કરતા પુસ્તક ગુઝરા હુઆ ઝમાનાના કામનો આરંભ થયો એ તબક્કાથી તેની વિવિધ વાતો અહીં વહેંચી છે. પુસ્તકનું સંપાદનકાર્ય પૂરું થયું એ અંગેની સૌ પ્રથમ જાણ અહીં કરવામાં આવી હતી. (એ પોસ્ટ અહીં  ક્લીક કરવાથી વાંચી શકાશે.)
છએક મહિનાનો સમય વીત્યો. હસ્તપ્રત તૈયાર થયા પછી તેના પ્રકાશન અંગેની ગતિવિધીઓ ચાલતી રહી. છઠ્ઠી એપ્રિલ, ૨૦૧૩ના દિવસે સાર્થક પ્રકાશન દ્વારા આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું. પણ ખરી કમાલ સર્જી કે.કે.ના સુરતના ચાહકોએ. ૨૦ એપ્રિલ, ૨૦૧૩ના દિવસે સુરતમાં યોજાયેલા આ પુસ્તકના લોકાર્પણ સમારંભમાં સૌ ઉલટભેર ઉમટ્યા. આ પુસ્તકની પહેલી આવૃત્તિ એ દિવસે, એટલે કે લગભગ પંદરેક દિવસની અંદર મોટે ભાગે વેચાઈ જવા આવી. (પુસ્તકનિર્માણના તબક્કાની થોડી વાતો અને સુરતના એ કાર્યક્રમનો અહેવાલ અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.)

સુરતના કાર્યક્રમની એક ઝલક 

સાર્થક પ્રકાશને એક મહિનામાં જ આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. એ જાણીને ક્ષણિક પેલા મારવાડી ભક્તની મનોદશામાં પ્રવેશી જવાયું. મનમાં થયું, “પહેલી આવૃત્તિ એક મહીનામાં વેચાઈ ગઈ, એ રીતે બીજી આવૃત્તિ થોડી વેચાઈ જવાની છે?” પછી તરત થયું કે આપણે કેમ પેલા જોકમાં આવતા મારવાડી ભક્ત જેવા બની ગયા?  
**** **** ****
આજે હવે જુદા કારણસર ગુઝરા હુઆ ઝમાનાને યાદ કરવાની છે. મૂળ વિચાર એવો હતો કે એક વાર પુસ્તક આવી જાય એ પછી તેની પ્રક્રિયા  અંગેની કેટલીક વાતો લખીશું. વિચાર આવવાનું કારણ એ કે આ વાતો એવી હતી કે જેનો ઉલ્લેખ પુસ્તકમાં ક્યાંય થયો ન હોય કે એવા સંજોગોય ન હોય. નિર્માણસંબંધી અનુભવ મોટે ભાગે યાદગાર બની રહેતો હોય છે- સારી રીતે કે ખરાબ રીતે. આમ છતાંય તેની પ્રગાઢતા સમયાંતરે ઓસરતી જાય છે. આવા સમયે તે સમયસર લખાઈ જાય તો એમાં રસ પડે એ તો ખરું જ, પણ અંગત રીતેય એ બાબતનું દસ્તાવેજીકરણ થઈ જાય એ પણ એક વાત ખરી. અહીં માત્ર બે-ત્રણ કિસ્સા. 
**** **** ****

રમાશંકર ચૌધરી:
મૂળ આ ફોટો
મૂકવાનું
વિચારેલું. 
આ પુસ્તકના પહેલવહેલા પ્રકરણનું નામ ગુઝરા હુઆ ઝમાના છે, જેમાં વીતેલા સમયના ખ્યાતનામ દિગ્દર્શક રમાશંકર ચૌધરીની વાત કરવામાં આવી છે. મૂંગી ફિલ્મોના જમાનામાં ચૌધરીસાહેબનો કેવો દબદબો હતો! પાન ખાવાના શોખીન એવા ચૌધરીસાહેબ અતિ વ્યસ્ત રહેતા, ઉપરાંત સ્વભાવે ધૂની અને અતડા. કે.કે.એ એપ્રેન્ટીસ આસિસ્ટન્‍ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું એ ફિલ્મ આદાબ અર્ઝના દિગ્દર્શક રમાશંકર ચૌધરી હતા.

એપ્રેન્ટીસ આસિસ્ટન્‍ટ ડિરેક્ટર નો સાદી ગુજરાતીમાં અનુવાદ એટલે મફતમાં ઢસરડા કરનાર મદદનીશ. વરસો વીત્યાં. કે.કે.ની કારકિર્દી ચરિત્ર અભિનેતા તરીકે આગળ વધી. અને ચૌધરીસાહેબ? કે.કે. એક વખત પોતાની કારમાં પસાર થતા હતા. તેમણે ચૌધરીસાહેબને બસસ્ટેન્‍ડે લાઈનમાં ઉભેલા જોયા. કે.કે.એ કાર નજીક લીધી અને ચૌધરીસાહેબને જ્યાં જવું હોય ત્યાં ઉતારી દેવાની ઑફર મૂકી. “બેટે, કૌન હો તુમ?” પૂછતાંય ચૌધરીસાહેબને ઓળખાણ ન પડી કે આ કોણ હતું જે તેમના આવા સમયમાં કારમાં બેસવાની ઑફર કરતું હતું. અચકાતા અચકાતા એ અંદર ગોઠવાયા. થોડી વારમાં તેમને ઉતરવાનું ઠેકાણું આવ્યું એટલે તેમણે કાર થોભાવવા કહ્યું. કે.કે.એ કાર થોભાવી એટલે એ નીચે ઉતર્યા. પછી કહ્યું, “બેટા, એક કામ હૈ. મુઝે દસ રૂપિયા દોગે? મૈં તુમ્હેં બાદ મેં દે દુંગા.” આ સાંભળીને કે.કે.ના કાળજે કેવો ચિરાડો પડ્યો હશે એ સમજી શકાય છે. બાદ મેં એટલે ક્યારેય નહીં. પણ એક સમયના ટોચના દિગ્દર્શકની આ હાલત? તેમણે દસ રૂપિયા આપ્યા.
આ આખો કિસ્સો અમે ફોન પર વાંચ્યો. વાંચ્યા પછી બે ઘડી સ્તબ્ધ થઈ જવાયું. છેવટે મૌન તોડતાં મેં કે.કે.ને કહ્યું, “ચૌધરીસાહેબનો એકમાત્ર ફોટો અત્યાર સુધી ઉપલબ્ધ છે. મારી પાસે એ છે. આપણે અહીં એ મૂકીએ તો વાત વજનદાર બને અને વાંચનારને તરત જ અનુસંધાન સધાય.”
આ સાંભળીને કે.કે.એ ક્ષણનાય વિલંબ વિના કહ્યું, “ચૌધરીસાહેબ માટે મને બહુ આદર છે, કેમ કે તેમની ફિલ્મથી મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેમનો ફોટો મૂકવો મને સામાન્ય સંજોગોમાં ગમ્યો હોત, પણ આ પ્રકરણમાં તેમના અસ્તાચળની વાત આવે છે, એટલે તેમનો ફોટો મૂકીને તેમનું ગૌરવભંગ કરવાનું મને નહીં ગમે.” 

'આદાબ અર્ઝ'ની બુકલેટનું કવર: છેવટે
આ મૂકીને સંતોષ માનવો પડ્યો. 
પોતે જેમના હાથ નીચે કામ શીખ્યા તેમનું ગૌરવ જાળવીનેય સાચી વાત લખવી એવા કે.કે.ના આગ્રહને માન આપવું જ પડે. છેવટે અમે ચૌધરીસાહેબના ફોટાની જગાએ આદાબ અર્ઝની બુકલેટનું કવરપેજ મૂક્યું.
**** **** ****
પુસ્તકનું સંપાદન કરવાનું હોય અને એ વિષય ગમતો હોય તો બસ! એમ થાય કે બને એટલી વધુ વિગતોનો સમાવેશ એમાં કરીએ. કેમ કે, આપણને ખુદને જ એટલી બધી જિજ્ઞાસા હોય કે ન પૂછો વાત! એક લીટીમાં લખાયેલી સીધીસાદી જણાતી વાત કે માહિતી મેળવવા પાછળ ઘણીવાર કેવી કવાયત કરવી પડે એ કહ્યા વિના અંદાજ ન આવે. એ કવાયતની પણ મઝા હોય છે!
દેવર ફિલ્મ્સ 
ગુઝરા હુઆ ઝમાનામાં એક પ્રકરણ છે તકદીર કા સારા ખેલ હૈ યે’. ફિલ્મની દુનિયામાં તકદીર કેવો ભાગ ભજવે છે એ દર્શાવતા કેટલાક સ્વતંત્ર કિસ્સાઓનું તેમાં આલેખન કરાયું છે. આમાં સૌથી મહત્વનો અને રસપ્રદ કિસ્સો છે દેવરસાહેબનો. રાજેશ ખન્નાની સુપરહીટ ફિલ્મ હાથી મેરે સાથીના નિર્માતા તરીકે તેમની ઓળખ આપવી વધુ યોગ્ય ગણાય.
સેન્‍ડો એમ.એમ.એ. ચિનપ્પા દેવર જેવું આખું નામ ધરાવતા આ નિર્માતાના આરંભકાળના આકરી ગરીબીના દિવસોનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. ભગવાન મુરૂગનમાં અતૂટ અને અખૂટ આસ્થા ધરાવતા દેવરને એક તબક્કે ત્રણ-ચાર દિવસ લગી અન્ન નસીબ થતું નથી. અચાનક અણધારી સહાય તેમને પ્રાપ્ત થાય છે. તે પ્રતિજ્ઞા લે છે કે પોતે જે કંઈ કમાણી કરશે એમાંથી પચીસ ટકા હિસ્સો ભગવાન મુરૂગનને ચરણે ધરશે.
નસીબનું ચક્ર પલટાય છે અને દેવરસાહેબ ફાઈટ માસ્ટરમાંથી એનિમલ ટ્રેનર અને એ પછી નિર્માતા બને છે. પોતાની પહેલવહેલી તમિળ ફિલ્મ બનાવે છે, જે સુપરહીટ થાય છે. આવા વર્ણનને અંતે પ્રકરણમાં લખ્યું છે: "ભગવાન મુરૂગનની આસ્થાને વણી લેતી વાર્તા પર આધારીત તમિળ ફિલ્મ તેમણે બનાવી, જે સુપરહીટ થઈ." 
આ રસપ્રદ કિસ્સો વિગતે આ પ્રકરણમાં આલેખાયો છે. પણ લખાણમાં તમિળ ફિલ્મનું નામ નહોતું લખવામાં આવ્યું. પણ આ પ્રકરણ અંગે વાત કરતી વખતે મને સવાલ થયો કે દેવરની એ ફિલ્મ કઈ? તેનું નામ શોધીને લખવું જોઈએ. કે.કે.સાહેબને પૂછી જોયું, પણ તેમને એ ફિલ્મનું નામ ખબર નહોતી. નામ ન લખીએ તો ચાલે એમ હતું, પણ એમ કરવાથી એક અધૂરપ લાગતી હતી. ફિલ્મ તમિળ હતી એટલે પૂછવુંય કોને? છતાંય કે.કે.સાહેબે એક દિવસની મુદત માંગી. મને મનમાં થયું કે એક દિવસમાં તે શું દેવરના પ્લેન્‍ચેટનું આવાહન કરીને તેને નામ પૂછશે?
બીજે દિવસે અમારા ત્યારના નિત્યક્રમ મુજબ કે.કે.નો ફોન આવ્યો એટલે તેમણે જણાવ્યું, “પહેલાં પેલી તમિળ ફિલ્મનું નામ લખી લો.” આશ્ચર્ય વચ્ચે મેં પૂછ્યું, “અરે, ક્યાંથી મેળવ્યું આ નામ?” એની કથા કંઈક આવી હતી.
આગલે દિવસે મારી સાથે વાત પત્યા પછી કે.કે.સાહેબે ફોન લગાવ્યો હતો ચેન્નાઈમાં રહેતા એચ. વિજયકુમારને. મૂળ ગુજરાતી એવા એચ. વિજયકુમાર દક્ષિણ ભારતમાં વરસોથી વસેલા છે અને દક્ષિણના ઘણા નિર્માતાઓ સાથે કામ કરી ચૂક્યા છે. સ્વાર્થ અને મતલબની ગણાતી ફિલ્મી દુનિયામાંથી પોતે નિવૃત્ત થઈ ગયા પછી આટલા વરસેય કે.કે.સાહેબે પોતાના સંપર્કો જીવંત રાખ્યા હતા. એચ. વિજયકુમાર સાથે પણ તેમનો સંપર્ક જીવંત હતો. ફોન પર તેમણે તરત જ દેવરની એ સૌ પ્રથમ ફિલ્મનું નામ જણાવી દીધું. એ નામ અમે યોગ્ય જગાએ મૂકી દીધું. ફિલ્મનું નામ હતું દૈવમ’.
એક સહજ ક્રમમાં વાક્યમાં આવતું આ નામ વંચાઈ જાય, ત્યારે ભાગ્યે જ ખ્યાલ આવે કે આ એક નામ શોધવા અને લખવા માટે આવી મગજમારી કરી હશે.
**** **** ****
નિતીન બોઝ વિષેના અદ્‍ભુત પ્રકરણનું વાંચન અમે ફોન પર પૂરું કર્યું. કોલકાતાના એક જમાનાના ટોચના આ દિગ્દર્શક મુંબઈ આવ્યા અને એ પછી તેમની ફિલ્મો ઉપરાઉપરી નિષ્ફળ ગઈ. તેમના એ દિવસોનું વર્ણન બહુ સચોટ રીતે કે.કે.એ કર્યું છે. પ્રકરણના પુન:આયોજન પછી વાત આવી તેનું શિર્ષક આપવાની. નિતીન બોઝ દ્વારા દિગ્દર્શીત ફિલ્મ દુશ્મનનું કુંદનલાલ સાયગલે ગાયેલું અમર અને અવિસ્મરણીય ગીત કરું ક્યા આસ નિરાસ ભઈ આ પ્રકરણ માટે મને તદ્દન બંધબેસતું લાગ્યું. એટલે કંઈક આ રીતે પ્રકરણનું નામ લખવાનું સૂચન કર્યું: નિતીન બોઝ:કરું ક્યા આસ નિરાસ ભઈ’.
નિતીન બોઝ: આસ નિરાસ ભઈ? 
કે.કે.ને પણ શીર્ષક યોગ્ય લાગ્યું. પણ તેમણે કહ્યું, “નિતીન બોઝ મારા માટે બહુ આદરણીય દિગ્દર્શક હતા, એ ઉપરાંત મારા ગુરુ પણ હતા. હું જે કંઈ પણ શીખ્યો એ તેમની પાસેથી શીખ્યો છું. તેમના વિષે આવું નકારાત્મક શીર્ષક આપવું મને ગમતું નથી. વાત ભલે સાચી હોય, પણ આજેય હું તેમને ગુરુભાવે સ્મરું છું. એટલે મારો એ ભાવ પ્રગટ થાય એવું સીધુંસાદું શીર્ષક આપીએ.” કે.કે.ની લાગણીની જાણ હોવાથી એ બાબતે દુરાગ્રહનો કોઈ સવાલ નહોતો. એ શીર્ષકને બદલે મારા ગુરુ નિતીન બોઝ જેવું સીધુંસાદું, પણ કે.કે.ની ખરા હૃદયની લાગણી સૂચવતું શીર્ષક રાખવામાં આવ્યું.
**** **** ****
આવી અનેક નાનીનાની વાતો હતી, પણ આ તમામમાં એક ગુણ કે.કે.નો સતત જોવા-અનુભવવા મળ્યો તે એમની શાલીનતા અને ગરવાઈનો. સામાન્યપણે ફિલ્મના પુસ્તકમાં અનિવાર્ય ગણાય એવી ગોસિપનો આમાં કોઈ ઉપક્રમ જ નહોતો. પોતાની આસપાસનાં પાત્રો, એ સમયગાળો, કાર્યપદ્ધતિ વગેરે અનેક બાબતોના એ સક્રિય સાક્ષી રહ્યા હતા, તેનું આલેખન કરવાનો આશય મુખ્ય હતો, જે ફળીભૂત થઈ શક્યો છે એમ અમને લાગ્યું છે.

આજે ૧૫ મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ કે.કે. એકાણું વર્ષ પૂરાં કરીને ૯૨ મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે,  કે.કે.ના અભિનયની, તેમની કારકિર્દીનો લાંબો પટ દર્શાવતી કેટલીક વીડીયો ક્લીપ્સ તેમજ કે.કે.નું પ્રદાન દર્શાવતી ફિલ્મોગ્રાફી બે વરસ પહેલાં આ જ દિવસે મૂકી હતી, જે  અહીં  ક્લીક કરવાથી જોઈ શકાશે.

૯૨મા વર્ષમાં પ્રવેશ 
સુરતમાં નિવાસ કરતા ગુજરાતના ખરા અર્થમાં ગૌરવરૂપ આ અભિનેતા-દિગ્દર્શકને આજે ૯૨ મા વરસમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
તેમને  ફોન દ્વારા શુભેચ્છા પાઠવવા ઈચ્છતા મિત્રો-શુભેચ્છકો +૯૧- ૨૬૧- ૨૨૫૯ ૩૦૯ (ભારતમાંથી ફોન કરનાર મિત્રો માટે ફક્ત ૦૨૬૧- ૨૨૫૯ ૩૦૯) પર પાઠવી શકે. 
                                            **** **** ****

અભિનય-દિગ્દર્શન ક્ષેત્રે છ દાયકાની સફર તય કરનાર કૃષ્ણકાન્‍ત (કે.કે.)નાં સંભારણાં
ગુઝરા હુઆ ઝમાના' (આલેખન: કૃષ્ણકાન્‍ત, સંપાદન: બીરેન કોઠારી, બીજી આવૃત્તિ: મે, ૨૦૧૩, પૃષ્ઠસંખ્યા: ૩૦૪, કિંમત: ૩૦૦ રૂ., કદ: ૮.૫ ઈંચ બાય ૫.પ ઈંચ, સાર્થક પ્રકાશન) 
વિક્રેતા: 'બુકશેલ્ફ', સાર્થ ૧૬, સીટી સેન્‍ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી.રોડ, અમદાવાદ- ૩૮૦ ૦૦૯  
બુકશેલ્ફનો ઈ-મેલ: bookshelfa@gmail.com અથવા 'સાર્થક પ્રકાશનનો ઈ-મેલ: spguj2013 @gmail.com 
ફોનસંપર્ક: +91 90990 00362 (બુકશેલ્ફ),  +91 98252 90796 (શ્રી કાર્તિકભાઈ શાહ, સાર્થક પ્રકાશન) 

Friday, September 13, 2013

મધુબાલા ઝવેરીનો સ્વરવિલય

મધુબાલા ઝવેરી 


૧૯-૦૫ -૧૯૩૫થી ૧૧-૦૯-૨૦૧૩ 

પચાસ અને સાઠના દસકાના હિન્‍દી ફિલ્મસંગીતના જાણકાર પ્રેમીઓ ઘણા છે. એમ રેડિયો સિલોનના અઠંગ શ્રોતાઓનો પણ બહોળો વર્ગ છે. આ બન્ને પ્રકારના સંગીતપ્રેમીઓ વચ્ચે એવોય મોટો વર્ગ છે, જેમને પચાસ-સાઠના દસકાના હિન્‍દી ફિલ્મસંગીતમાં રસ તો છે, પણ એ ગાળાના સંગીતની ઓળખ કેવળ લતા મંગેશકર કે આશા ભોંસલે કે બહુ બહુ તો ગીતા દત્ત કે શમશાદ બેગમના કંઠ સુધીની છે. આ દાયકાનાં અન્ય ઘણાં અદ્‍ભુત ગાયક-ગાયિકાઓથી તે ખાસ પરિચીત નથી, અથવા તો કેવળ નામપૂરતા જ પરિચીત છે. પોતાના મધુર અવાજ વડે સંગીતપ્રેમીઓનો આગવો ચાહકવર્ગ ઉભો કરનાર આ ગાળાનાં એક ગાયિકા હતાં મધુબાલા ઝવેરી, જેમનું ગઈ કાલે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ મુંબઈ ખાતે ૭૮ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.

સંગીતપ્રેમીઓના દિલમાં તેમનાં ગીતોનું આગવું સ્થાન હતું. ગિરગાંવ (મુંબઈ)ના પિતા વનજીવન ઝવેરી ગુજરાતી હતા. મધુબાલાએ માતા હીરાબાઈ અને માસી શ્યામલા મઝગાંવકર પાસેથી સંગીતની તાલિમ લીધી હતી.  એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. શ્યામલાએ ૧૯૨૯માં શ્રી સ્વામી સમર્થ સંગીત વિદ્યાલયનો આરંભ કર્યો હતો. મહિલાઓને સંગીત શીખવતી એ ત્યારે પહેલી સંસ્થા હતી. મધુબાલાએ મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિ.માંથી સંગીત વિશારદ થયાં હતાં.

માત્ર પંદર- સોળ વર્ષની ઉંમરે સંગીતકાર મનોહરે તેમને ભૂલે ભટકેમાં ગાવાની તક આપી. બન્યું એવું કે ભૂલે ભટકે પછી રાજપૂતમાં હંસરાજ બહલે તેમની પાસે ચાર ગીતો ગવડાવ્યાં હતાં, જેમાં એક ગીત એકલગાન અને બાકીનાં ગીતોમાં મન્નાડે, તલત મહેમૂદ અને મહંમદ રફી જેવા ધુરંધર ગાયકો તેમના સહગાયક તરીકે હતા. પછી મળેલી ફિલ્મ રાજપૂત’(૧૯૫૧) પહેલી રજૂ થઈ ગઈ, અને પહેલી મળેલી ફિલ્મ ભૂલેભટકે’(૧૯૫૨) પછી રજૂ થઈ.

રાજપૂત’(૧૯૫૧)નું આ ગીત મધુબાલા ઝવેરીની સાથે મન્નાડે અને તલત મહેમૂદે ગાયું છે, જેના સંગીતકાર છે હંસરાજ બહલ.


આ ગાયિકાના અવાજે સંગીતકારોનું તેમજ સંગીતપ્રેમીઓનું ધ્યાન આકર્ષિત કર્યું. હંસરાજ બહલનાં તો એ પ્રિય ગાયિકા બની રહ્યાં. ૧૯૫૨માં રજૂઆત પામેલી જગ્ગુ ફિલ્મમાં કુલ સાત ગીત હતાં, જેમાંના પાંચ ગીત હંસરાજ બહલે મધુબાલા પાસે ગવડાવ્યાં હતાં.
આમાંનું એક અદ્‍ભુત ગીત મધુબાલા ઝવેરીના અવાજમાં.


૧૯૫૮માં તેમનાં લગ્ન મદનમોહન ચાવલા સાથે થયાં. ત્યાર પછી તે મધુબાલા ચાવલા બન્યાં, પણ સંગીતપ્રેમીઓ માટે તે સદાય મધુબાલા ઝવેરી જ રહ્યાં. તેમનાં સંતાનોમાં દીકરો રાજીવ અને દીકરીઓ માધવી તેમજ તેજશ્રી છે.

પોતાની કારકિર્દીના ટોચના ગાળામાં તેમને એક ગીત ગાવા બદલ અઢીસો રૂપિયા મળતા હતા.
ઑલ ઈન્‍ડીયા રેડીયો, મુંબઈ ખાતે તેમણે ગુજરાતી, મરાઠી, હિન્‍દી અને કોંકણી ગીતો પ્રસ્તુત કર્યાં હતાં. ૧૯૬૦માં તેમણે મહંમદ રફી, સંગીતકાર બેલડી હુસ્નલાલ ભગતરામ, શાર્દૂલ ક્વાત્રા સાથે આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. એ પછી ૧૯૮૧માં તેમણે અમેરિકાનો સંગીતપ્રવાસ કર્યો હતો અને વિવિધ સ્થળે કાર્યક્રમ આપ્યા હતા.

મધુબાલા ઝવેરી દ્વારા ગવાયેલાં ગીતોની સંખ્યા ૧૦૦ થી ૧૧૦ની આસપાસ હશે. છતાં તેમનાં ગીતોને સંગીતપ્રેમીઓ આજેય ભૂલ્યા નથી. 
તેમણે હિન્‍દી અને મરાઠી ઉપરાંત મૂળુ માણેક’(૧૯૫૫), નાગદેવતા’(૧૯૫૫), સતી આણલદે’(૧૯૫૬) જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયાં હતાં.

પહેલાં મધુબાલા ઝવેરીએ ગાયેલાં કેટલાંક ગીતોની ઝલક: 

પ્યાર કી રુત દોરંગી સાજન (અપની ઈઝ્ઝત, ૧૯૫૨) તલત  મહેમૂદસાથે 


*** 
જાયેગા જબ યહાં સે (મોતીમહલ, ૧૯૫૨) રફી સાથે


***
ઠહર જરા ઓ જાનેવાલે (બૂટ પોલિશ, ૧૯૫૩) મન્નાડે, આશા સાથે


*** 

                                              દેખો ચંદા સે ખેલે સિતારે (દોસ્ત, ૧૯૫૪)


*** 

એ જજ્બા-એ-દિલ, બેજાર ન હો (શિશે કી દીવાર, ૧૯૫૪)


*** 

આયે જી આયે, દિન પ્યારે પ્યારે (ગીતાદત્ત સાથે, રિયાસત, ૧૯૫૫)


*** 

સબ શિકવે મિટે દિલ કે, આપસ મેં ગલે મિલ કે (મુકેશ સાથે, ખૈબર, ૧૯૫૫) 


*** 

'ખૈબર'ના મુકેશ સાથેના આ ગીત વિના મધુબાલા ઝવેરીની વાત અધૂરી ગણાય. 


*** 

એ મેરી મહેબુબ માંગ લે જો તુઝકો હો મંજૂર  (મ. રફી સાથે, અંધકાર ૧૯૫૫)ભાષા કોઈ પણ હોય, મધુબાલા ઝવેરીના સ્વરનો જાદુ એવો ને એવો રહ્યો છે. એ હકીકતનો અહેસાસ 
કરાવતાં આ બે મરાઠી ગીતો. 

एका तळ्यात होती (फिल्म:सुखाचे सोबती,1958)


*** 

गडे पाहुनका


'મૂળુ માણેક'(૧૯૫૫) માટે મધુબાલા ઝવેરીએ ગાયેલી કવિ કરસનદાસ માણેકની અમર ગુજરાતી રચના 'મને એ જ સમજાતું નથી' ને ઈન્‍દુકુમાર પારેખે સંગીતબદ્ધ કરી છે.
[ (મને સમજણ ન પડે એવા કોઈ) ટેકનીકલ કારણોસર આ લીન્‍કની યૂ ટ્યુબ વિડીયોમાં અવાજ સંભળાતો નથી, પણ આ લીન્‍ક પર ક્લીક કરીને સીધા યૂ ટ્યુબ પર જવાથી ગીત સાંભળી શકાશે.]


મધુબાલા ઝવેરીનાં ગીતો જે હિન્‍દી ફિલ્મોમાં લેવાયેલાં છે તેની યાદી આ મુજબ છે. કૌંસમાં સંગીતકારનાં નામ જણાવેલાં છે. તેના પરથી અંદાજ આવી શકશે કે તેમણે કેટલાં વૈવિધ્યપૂર્ણ ગીતો ગાયાં છે. 
આ ગીતો ઉપરાંત બે વર્ઝન ગીતો પણ મધુબાલા ઝવેરીએ ગાયાં હતાં. એક હતું 'ચાચા ચૌધરી'(૧૯૫૩)નું 'હંસના ગાના મૌજ મનાના', જે અસલમાં આશા અને મ.રફીએ ગાયું હતું. બીજું ગીત હતું 'પતિતા'(૧૯૫૩)નું 'કિસીને અપના બના કે મુઝકો મુસ્કુરાના સીખા દિયા', જે મૂળ લતાએ ગાયું હતું. 

૧૯૫૧:

રાજપૂત (હંસરાજ બહલ)

૧૯૫૨:

ભૂલે ભટકે (મનોહર), અપની ઈઝ્ઝત(હંસરાજ બહલ), જગ્ગુ(હંસરાજ બહલ), મોતીમહલ(હંસરાજ બહલ), રાજરાની દમયંતી(અવિનાશ વ્યાસ), રેશમ(હંસરાજ બહલ), લંકાદહન(હંસરાજ બહલ), હમારી દુનિયા (શ્યામબાબુ પાઠક)

૧૯૫૩:

ચાર ચાંદ(મનોહર), ઝાંઝર(સી.રામચંદ્ર), દાનાપાની(મોહન જુનિયર), ધર્મપત્ની(જમાલ સેન), નૌલખા હાર(ભોલા શ્રેષ્ઠ), ભાગ્યવાન(અવિનાશ વ્યાસ), મલિકા સલોમી(કૃષ્ણ દયાલ), બૂટ પોલિશ(શંકર જયકિશન) 

૧૯૫૪:

કસ્તૂરી(જમાલ સેન), ખૈબર(હંસરાજ બહલ), ગોલકુંન્‍ડા કા કેદી(દત્તા ડાવજેકર/જગન્નાથ), દોસ્ત(હંસરાજ બહલ), પેન્‍શનર(હંસરાજ બહલ), રમ્મન(વિનોદ), શીશે કી દીવાર(શંકર દાસગુપ્તા), સંગમ(રામ ગાંગુલી), હનુમાનજન્મ (ઉર્ફે સતી અંજની, હંસરાજ બહલ)

૧૯૫૫:

ખાનદાન(એ.આર.કુરેશી), જય મહાદેવ(મન્નાડે), જાસૂસ(ઈકબાલ), દરબાર(હંસરાજ બહલ), બિન્‍દીયા(સ્નેહલ ભાટકર), માનો ન માનો (યાનિ અંધકાર, હંસરાજ બહલ)), રિયાસત(અવિનાશ વ્યાસ), શાહ બહરામ(હંસરાજ બહલ), પોસ્ટ માસ્ટર(રામ ગાંગુલી), સલામ-એ-મહોબ્બત (બિપીન-બાબુલ)

૧૯૫૬:

અનુરાગ(મુકેશ), અનોખા જંગલ(ઈકબાલ), આસ્તિક(નારાયણ), દીવાલી કી રાત(સ્નેહલ ભાટકર), નકાબપોશ(ઘૂમીખાન), બાદલ ઔર બીજલી(બિપીન-બાબુલ), સુલતાના ડાકૂ(બિપીન-બાબુલ)

૧૯૫૭:

આદમી(રામનાથ), કૃષ્ણસુદામા(હુસ્નલાલ-ભગતરામ), જીવનસાથી(બુલો સી.રાની), નાગપદમિની(સન્મુખબાબુ ઉપાધ્યાય), જિપ્સી(ઈકબાલ)

૧૯૫૮:

ગૌરીશંકર(શિવરામ), કલ ક્યા હોગા (નિસાર)

૧૯૫૯:

હીરો નં.૧ (ઈકબાલ)

૧૯૬૧:

અપ્સરા(હુસ્નલાલ-ભગતરામ), ભગવાન બાલાજી(પી.નાગેશ્વરરાવ), મુરાદ (હનુમાનપ્રસાદ  ત્રિલોકી)

૧૯૬૮:

લંદન એક્સપ્રેસ (રોબીન બેનર્જી)

**** 

તેમની મરાઠી ફિલ્મોની યાદી પણ આ મુજબ છે, જે હિન્‍દી ફિલ્મોની યાદીની જેમ જ હરીશ રઘુવંશીએ તૈયાર કરી છે. 


मधुबाला झवेरी की मराठी फिल्में:

1954:

संसार करायचाय मला

1956:

देवघर, कांही खरं नाही, पसंत आहे मुलगी, वाकडं पाउल

1957:

प्रिती संगम, नवरा म्हणू नये आपला, झाकली मूठ, देवाघरचे लेणं, आई माला क्षमा कर

1958:

सुखाचे सोबती, धाकटी जाउ

1959:

सांगते ऐका 

1960:

वनकेसरी, संगत जडली तुझी आन्‍ माझी, सख्या सावरा मला, पैशाचा पाउस, पंचारती, अवधाची संसार

1961:

वैजयंता, शाहीर परशुराम

1962:

प्रिती विवाह, भाग्यलक्ष्मी

1964:

काय हो चमत्कार

1966:

तुंच माझी वहीणी

1970:

झाला महार पंढरीनाथ

1974:
सौभाग्यकांक्षिणी 

૫ એપ્રિલ, ૧૯૯૭ના દિવસે મુંબઈના બીરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલા હિન્‍દી ફિલ્મ ગીતકોશના તૃતીય ખંડના દ્વિતીય સંસ્કરણના વિમોચન પ્રસંગે હાજરી આપવાનું બન્યું હતું. આ પ્રસંગે મધુબાલા ઝવેરી સહિત એ ગાળાની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. એ પ્રસંગે લીધેલી મધુબાલા ઝવેરીની તસવીર.

મધુબાલા ઝવેરી 

(ડાબેથી): મધુબાલા ઝવેરી (ચાવલા), મનોહર મહાજન,
સુલોચના કદમ (ચવ્હાણ) 

પચાસ-સાઠના દાયકાના સંગીતનો જાદુ બરકરાર રહેશે ત્યાં સુધી મધુબાલા ઝવેરીનાં ગીતો પણ સંગીતરસિયાઓના હૈયે ગૂંજતાં રહેશે.

(માહિતી અને  ફિલ્મોગ્રાફી: હરીશ રઘુવંશી, સુરત)

 (વિશેષ આભાર: અમદાવાદના સંગીતપ્રેમી-લેખક ડૉ. પદ્મનાભ જોશીનો, જેમણે 'મૂળુ માણેક'ના ગુજરાતી ગીતના ઓડિયો ફોર્મેટને જહેમતપૂર્વક વિડીયો ફોર્મેટમાં ફેરવીને મોકલી આપ્યું.) 

(તસવીરો‌ બીરેન કોઠારી)