ભૂપેન ખખ્ખરની જીવનકથાના પુસ્તકનું વિમોચન આમ તો માર્ચ, 2025માં વડોદરા ખાતે યોજાઈ ગયું હતું. એ પછી તેના વિશે વાર્તાલાપનો કાર્યક્રમ વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સ ખાતે થયો. આ ઉપક્રમમાં મદદરૂપ થનાર 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાનું સૂચન એવું કે શક્ય એટલી ફાઈન આર્ટ્સ કોલેજોમાં આ પુસ્તક વિશે વાર્તાલાપ રાખીએ. સૂચનનો અમલ કરતાં તેમણે સુરતની 'સાર્વજનિક કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ'માં એના આયોજન વિશે વાત કરી. ત્યાં રાજર્ષિ સ્માર્તે જરૂરી ફોલોઅપ કર્યું અને એ મુજબ કાર્યક્રમની તારીખ 23 સપ્ટેમ્બર, 2025 ને મંગળવારના રોજ નક્કી થઈ. કોઈ આયોજનબદ્ધ રીતે નહીં, પણ પછીના દિવસોમાં એવો યોગાનુયોગ ગોઠવાયો કે આ જ દિવસ આ સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહના કાર્યકાળનો આખરી દિવસ હતો. વધુમાં આ સંસ્થાના વિનિમય કાર્યક્રમ મુજબ રોમાનિયાથી આવેલા બે સંશોધકો અહીં એકાદ વરસ માટે રોકાવાના હતા અને એ એમનો પહેલો દિવસ હતો. આથી પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે 'બુક ટૉક'ના કાર્યક્રમને 'બુક લૉન્ચ'માં તબદીલ કરી દીધો. કોઈ બાળકનો જન્મદિન તેના પોતાના ઘેર ઊજવાય, અને એ પછી મોસાળમાં પણ તેની ઉજવણી થાય એના જેવું!
Thursday, September 25, 2025
પુસ્તક'જન્મ'ની ઉજવણી: પહેલાં ઘરમાં અને પછી મોસાળમાં
આમાં પાછું થયું એવું કે આ આયોજન પાછળ રહેલા હીતેશ રાણા જોડાઈ શકે નહીં એવા એમના સંજોગો ઊભા થયા. એ રીતે અમરીશભાઈ કોન્ટ્રાક્ટર અને હું સવારના સાડા સાથે સુરત જવા રવાના થયા. અમરીશભાઈ કોન્ટ્રાક્ટર ભૂપેન ખખ્ખરના પુસ્તકના પ્રેરક છે, અને એમના પિતાજી વલ્લવભાઈ શાહ તેમજ ભૂપેન ખખ્ખરની દોસ્તીના તર્પણરૂપે તેમના મનમાં આ પુસ્તકનો વિચાર આવેલો.
સવારના પોણા અગિયારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે રાજર્ષિ(રાજા) સ્માર્ત અમને આવકારવા ઊભા જ હતા. હોલમાં સૌ વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. અમે પણ ફ્રેશ થઈને તરત જ હોલમાં ગયા. હોલ તરફ જતાં મિત્ર નીકી ક્રિસ્ટી આવેલા, એ પણ મળ્યા. હિન્દી ફિલ્મોના વાદ્યસંગીતમાં અઠંગ રસ ધરાવતા, અને એવા અનેક વાદકો સાથે સંબંધ ધરાવતા નીકીભાઈ આ સંસ્થાના સંચાલક મંડળમાં પણ છે. ધીમે ધીમે સૌ મંચ પર ગોઠવાયા. વડીલમિત્ર અને આ કાર્યક્રમના મુખ્ય વક્તા બકુલભાઈ ટેલર પણ આવી પહોંચ્યા.
બાજુમાં એક સ્ક્રીન પર ભૂપેનનાં ચિત્રો અને તસવીરો રજૂ થતાં રહે એવી વ્યવસ્થા ગોઠવાયેલી. પ્રાચાર્ય પર્સી એન્જિનિયરે બહુ રસપ્રદ રીતે, અનાયાસે ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી. તેઓ આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા એ સમયગાળામાં એક સિનીયર આર્કિટેક્ચરે તેમને સ્થાપત્યનો અભ્યાસ કરવા માટે ભૂપેન ખખ્ખરના બંગલે જવાનું સૂચવેલું. કારણ એ કે 'આપણે ક્લાયન્ટ માટે મકાન ડિઝાઈન કરતા નથી, પણ ક્લાયન્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરી આપીએ છીએ'. આ શી રીતે થાય એ જોવા માટે ભૂપેનના બંગલાની મુલાકાત લેવાની હતી. કશી ઓળખાણપિછાણ વિના પર્સીભાઈ ત્યાં ગયા અને એ પછી ભૂપેન સાથેની તેમની મૈત્રી આરંભાઈ. સમયના વહેણમાં તેઓ અલગ દિશામાં ફંટાયા, પણ આ સંભારણું અકબંધ રહેલું. એ પછી આટલા વરસે આમ ભૂપેનની જીવનકથાના પુસ્તક પરના વાર્તાલાપ વિશે પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે બહુ ઉમળકાથી એનું આયોજન કર્યું, એટલું જ નહીં, વાર્તાલાપને વિમોચનમાં તબદીલ કરી દીધો.
રાજર્ષિ સ્માર્તનું સંચાલન બે વક્તાઓ વચ્ચે સેતુરૂપ હતું. પર્સીભાઈએ પૂર્વભૂમિકા બાંધ્યા પછી મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. આપેલી સમયમર્યાદામાં કહી શકાય એ રીતે મેં એ કરી, અને જીવનચરિત્રના આલેખનની સફરનું વર્ણન કર્યું. હીતેશભાઈ રાણાના પ્રદાનને પણ યાદ કર્યું. એ પછી ભરતભાઈ શાહનું ઉદ્બોધન હતું. તેમણે સૌ કોઈ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને જીવનમાં બને એટલા ઊપયોગી થવાની સૌને અપીલ કરી.
બકુલભાઈ ટેલર ભૂપેનના ખાસ મિત્ર રહી ચૂકેલા. આથી ભૂપેન વિશે કઈ વાત કરવી અને કઈ ન કરવી એની મીઠી મૂંઝવણ હતી. તેમણે ભૂપેનની કેટલીક લાક્ષણિકતાઓની વાત કરી. સાથે એ પણ જણાવ્યું કે ભૂપેનને ગુજરાતીમાં લખવું બહુ ગમતું, એમ પોતાને વિશે ગુજરાતીમાં લખાય એ પણ. (એવી ફરિયાદ પણ ખરી કે કોઈ એમના વિશે ખાસ લખતું નથી) તેમણે કહ્યું કે ભૂપેન હોત તો પોતાના જીવન પર ગુજરાતીમાં લખાયેલું આ પુસ્તક જોઈને રાજી થાત.
છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાના પિતાજીની અને ભૂપેનની દોસ્તીની હૃદયસ્પર્શી વાત કરી. આ પુસ્તક બન્ને દોસ્તોની મૈત્રીના તર્પણરૂપે તૈયાર કરાયું હોવાની તેમની વાત સૌને સ્પર્શી ગઈ.
આભારવિધિ પછી કાર્યક્રમ ઔપચારિક રીતે પૂર્ણ થયો. પણ અનૌપચારિક વાતચીતનો દોર એ પછી લંબાયો. પર્સીભાઈની ઓફિસમાં સૌ બેઠા અને ગપસપ ચાલી. રોમાનિયન મહેમાનો પુસ્તક જોતા હતા, અને તેમાં મૂકાયેલાં ભૂપેનનાં ચિત્રો જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. પોતે ગૂગલ લેન્સથી ટ્રાન્સલેટ કરીને એ પુસ્તક વાંચશે એમ તેમણે જણાવ્યું. દરમિયાન 'ટાઈમ્સ' સાથે સંકળાયેલો મિત્ર વિશાલ પાટડીયા પણ આવ્યો. આ ઊપરાંત ભૂપેન સાથે સંકળાયેલા કલાકાર કૌશિક ગજ્જર સાથે હતા. સૌ સાથે ભોજન લીધું, જેમાં સંસ્થાના બીજા સહયોગીઓ પણ હતા. ભોજન દરમિયાન પણ અનેકવિધ વિષયો પર વાતો ચાલુ રહી. તેને કારણે ભૂખ ઊઘડી અને સરખું જમાયું પણ ખરું.
બપોરના અઢી આસપાસ અમે વડોદરા પાછા આવવા રવાના થયા ત્યારે એક સરસ સ્નેહમિલનની સૌરભ મનમાં પ્રસરેલી હતી. ભાઈ રાજર્ષિ સ્માર્ત આ આખા કાર્યક્રમમાં સેતુરૂપ બની રહ્યા અને તેમની સાથે એ નિમિત્તે પરિચય થયો એનો આનંદ.
(તસવીરસૌજન્ય: રાજર્ષિ સ્માર્ત)
Labels:
Bhupen Khakhar,
Book,
report,
Surat,
અહેવાલ,
પુસ્તક,
ભૂપેન ખખ્ખર,
સુરત
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment