Monday, March 25, 2013

પાઉલભાઈ: હવે માત્ર સ્મરણ?



કનુકાકા અંગેના ત્રણ હપ્તાઓ પછી ચોથા હપ્તાનું લેખન ચાલી રહ્યું હતું, ત્યાં જ સમાચાર મળ્યા કે પાઉલભાઈનું આજે સવારે ૨૫ માર્ચ, ૨૦૧૩ના રોજ અવસાન થયું. પાઉલભાઈ એટલે કનુકાકાના હાથ નીચે તૈયાર થયેલા શિક્ષક. સૌજન્ય, વિનમ્રતા અને શિષ્ટતાના સાકાર સ્વરૂપ જેવા પાઉલભાઈ અને તેમના પરિવાર સાથે જે સંબંધ બંધાયો અને છેક ત્રીજી પેઢી સુધી તે લંબાયો એ અલાયદા આલેખનનો વિષય છે. (ઉર્વીશ દ્વારા લખાયેલા એ લેખની લીન્‍ક: http://urvishkothari-gujarati.blogspot.in/2013/03/blog-post_25.html ) 


પાઉલભાઈની અનેક સ્મૃતિઓ મનમાં ઉમટી આવે છે. પણ આજે તાત્કાલિક તો તેમના વ્યક્તિત્વનો, અમારી સાથેના તેમના વિશિષ્ટ સંબંધોના પરિમાણનો અંદાજ આવી શકે એ હેતુથી બે પત્રો જ અહીં જેમના તેમ મૂકું છું.

પાઉલભાઈ સાથેની અમારી  એક વિશિષ્ટ તસવીર:
(ડાબેથી): બીરેન, પાઉલભાઈ અને ઉર્વીશ. 

આ પત્રો ટાઈપ કરતી વખતે કેટલીય વખત આંગળાં અટકી ગયાં. એકે એક વાક્યનો સંદર્ભ યાદ આવે અને ફિલ્મોમાં પત્ર વંચાતો દેખાય ત્યારે એ લખનારનો ચહેરો દેખાડાય છે એ રીતે પાઉલભાઈ જાણે કે એ વાક્ય કહી રહ્યા હોય એવી અનુભૂતિ થતી રહી. પત્રનું ટાઈપીંગ પહેલાં પૂરું કરવું કે પછી મનના ભાવોને આંખો વાટે પહેલાં વહી જવા દેવા એ નક્કી જ ન થઈ શક્યું. બન્ને સમાંતરે થતું રહ્યું.

ખેર! પત્ર લખાયાનો સંદર્ભ એટલો જ છે કે શિક્ષક તરીકે પાઉલભાઈ નિવૃત્ત થયા ત્યારે મેં તેમને એ પ્રસંગે પત્ર લખ્યો હતો. (એની ઝેરોક્સ સાચવી રાખી હતી, જે આ સાથે મૂકી છે.) પત્રમાં આવતા અન્ય સંદર્ભો સમજાઈ જાય એવા છે. મારો લખેલો એ પત્ર પાઉલભાઈનો કંઈક અંશે પરિચય આપે છે. આ પત્રનો પાઉલભાઈએ પાઠવેલો જવાબ પણ પછી મૂક્યો છે, જેમાં પાઉલભાઈના વ્યક્તિત્વનો અને તેમના શીલનો સુપેરે પરિચય મળે છે.

**** **** **** 

(પાઉલભાઈની નિવૃત્તિવેળાએ તેમને લખાયેલો મારો પત્ર) 





૨૫/૧૦/૯૭
બીરેન કોઠારી.
બી-૭૧૨, સેક્ટર-૧,
પો.ઓ.પેટ્રોકેમિકલ્સ ટાઉનશીપ,
વડોદરા-૩૯૧ ૩૪૨.

પ્રિય પાઉલભાઈ,
કુશળ?
૨૨/૧૦/૯૭એ સાંજે અમે મહેમદાવાદ આવ્યા ત્યારે જાણ થઈ કે તે જ સવારે શાળામાં તમારો નિવૃત્તિ સમારંભ હતો. પહેલો વિચાર એ આવ્યો કે પાઉલભાઈ એટલી વારમાં નિવૃત્ત પણ થઈ ગયા? હજી તેઓની સાથેનાં સંભારણાં અકબંધ છે, હજીય મળે ત્યારે પહેલાંની જેમ જ, તેમની સ્થગિત થઈ ગયેલી ઉંમર જોઈને, હું પણ તેઓ ભણાવતા હતા તે વખતનો વિદ્યાર્થી બની જાઉં છું. અને તેમનો નિવૃત્તિકાળ આવી ગયો?




પણ વાસ્તવિકતાથી પ્રેરાયેલો બીજો વિચાર આવી જ જાય કે- સમય સમયનું કામ કરતો રહેવાનો. આશ્વાસન એ વાતનું કે- તમે શાળાકીય જીવનમાંથી નિવૃત્તિ લીધી છે. આપણા સંબંધમાં તેથી શું ફરક પડે? બહુ બહુ તો શાળામાં આવો અને સમય મળ્યે આપણે મળતાં, તે કદાચ થોડું ઓછું થશે, કદાચ!
ઘણી વાતો યાદ આવે છે: સંગત-અસંગત, હાસ્યમિશ્રિત અને બહુધા સુખદ્‍! આજે ઉંમરલાયક છોકરાંઓને શાહમૃગ, ગેંડો વિ. પશુપંખીઓનાં અંગ્રેજી શબ્દો બાબતે મૂંઝાતા જોઉ છું, ત્યારે મનમાં થાય છે કે આટલું સરળ આમને કેમ નહીં આવડતું હોય!
પણ પછી તરત થાય કે – તેમને ક્યાં બાળપણમાં પાઉલભાઈ મળ્યા હતા? પાઉલભાઈએ અંગ્રેજીનો પાયો નાંખી આપ્યો. જેથી અંગ્રેજી પ્રત્યેનો હાઉ તો કદી લાગ્યો જ નથી. પણ એ જ પાઉલભાઈ (મને) દસમા ધોરણનું અંગ્રેજી ભણાવતી વખતે મારા જેટલી જ અજ્ઞાનતાથી ડીક્શનેરીમાં શબ્દોના અર્થ શોધવા લાગે અને કોઈને કહે કે-  અમે બંને સાથે જ શીખીએ છીએ’, ત્યારે તેમની નિખાલસતા બેજોડ લાગે.
સંગીત, સાહિત્ય, ફિલ્મ પ્રત્યે અમારી જે રુચિ ઘડાઈ એમાં સીધો યા આડકતરો ફાળો તમારો જ. છતાં અત્યારે સાથે મળીને આપણે રેકોર્ડ પર દિલીપકુમારના કોઈક ગીતનો આસ્વાદ લેતાં હોઈએ ત્યારે પાઉલભાઈ કહે, “ફિલ્મસંગીત બાબતમાં મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું.” આ જ તો ખૂબી છે. પોતાના શિષ્ય પાસે જરૂર પડ્યે તેઓ (પોતે) પણ શિષ્યપણું દાખવી દે.
નિર્દોષ હસીમજાક, વિશેષ તો નિર્દંશ, એ વિશિષ્ટતા. જો કે, છેલ્લા થોડા વરસોમાં, નડીયાદના તેમના મકાન (કે સોસાયટી)ના કોઈક કેસ બાબતે થોડા કડવા બનતા જોયા છે અને ત્યારે સામેવાળા પર તિરસ્કાર જાગ્યો છે કે- પાઉલભાઈ જેવાને પણ જે કડવા બનાવી દે, તેને શું કહેવું? દુષ્ટ કહીંનો.”
શાસ્ત્રો/સંતોએ સદ્‍ગુરુનો મહિમા ગાયો છે. સદ્‍નસીબે અમને સદ્‍ગુરુઓ મળ્યા છે, મળી રહ્યા છે. પાઉલભાઈ, કનુકાકા, રજનીકુમાર પંડ્યા, નલિન શાહ (ખાસ વાત એ કે તેઓએ પણ અમને શિષ્યરૂપે સ્વીકાર્યા છે.)
બીજા ધોરણના વિદ્યાર્થીઓને જે સહજતાથી ભણાવાય, તે જ સહજતાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા એ અઘરું કહેવાય. પણ નિષ્ઠાવાન અભિગમથી આમ થઈ શકે તે પાઉલભાઈએ સહજતાથી કર્યું. ફિલ્મવિષયક ઘણાં નિરીક્ષણો તેમણે અમને કહેલાં, જેમાંના બે-એક નમૂના...[શબ્દશ: નહીં, પણ ભાવશ:]  
·         જે જે હીરોએ ફિલ્મમાં તલવાર પકડી એ બધાની કારકિર્દી તે પછી આથમવા માંડી. (દા.ત.સૂરજમાં રાજેન્‍દ્રકુમાર..)
·         કપૂર ખાનદાનમાં બધા કપૂરોએ (પડદે) ચોળી પહેરી છે. [પછી બધાંનાં ઉદાહરણ, જેમ કે, રફુચક્કરમાં રીશી કપૂર]
ફિલ્મો પ્રત્યેની અગાધ રુચિ આમાં દેખાય છે.
અન્ય એક વાત યાદ આવે છે. એક શિક્ષકના નિવૃત્તિ સમારંભમાં (મોટે ભાગે વાઈસ પ્રિન્‍સીપાલ આર.આર.મહેતાના) પાઉલભાઈએ સ્વરચિત ગીત પ્યારાં પ્યારાં મહેમાનો પ્યારાં, દિલડાં અમારાં લુભાવે ગવડાવ્યું હતું. (નોંધ: 'પૂનમ' ફિલ્મના લતાએ ગાયેલા અદ્‍ભુત ગીત 'આઈ આઈ રાત સુહાની, સૂન લે તૂ દિલ કી કહાની'ની ધૂન પર આ ગીત હતું.) સર્જનશક્તિ હતી, પણ જાતે કરીને જ મર્યાદિત રાખી.બાકી જ્યારે અન્ય શિક્ષકો તરફથી હેરાનગતિ થતી હતી ત્યારે ગાલોં પર લગાયા જાતા હૂં, (ફિર ભી) પાઉડર નહીં હૂં જેવું કંઈક લખેલું, જે મને સાંભળવા મળેલું.
પ્રિય પાઉલભાઈ (સાહેબ (((માફ કરજો, પૂજ્ય લખવાનું નહીં ફાવે) આવી ઘણી વાતો, સ્મૃતિઓ અકબંધ છે. આ તબક્કે વાગોળવી ગમે પણ છે. આ તો આપની ઔપચારિક નિવૃત્તિ નિમિત્તે મને થયું, થોડુંક યાદ કરી લઈએ, તો અનાયાસે યાદ આવી ગયું. સ્થળસંકોચ (જો કે, પહેલેથી લાંબો કાગળ લઈને લખી શકાયું હોત)ને કારણે અહીં અટકું. નિવૃત્તિ એટલે વધુ પ્રવૃત્તિ, તેવું કનુકાકાએ સાબિત કરી આપ્યું છે. અમે આપને માટે કંઈ કરી શકીએ એમ હોય તો જરૂરથી જણાવશો. બાકી તો આપણે મળતાં રહીશું, પહેલાંની જેમ જ! (અને હવે ગાડીના સમય સિવાય બીજો કોઈ સમય સાચવવાનો નહીં રહે.) ચાની ચુસ્કીઓ, આગનું કાહે કોયલ શોર મચાયે રે.. ગીત સાથે નિરાંતે બેસી શકાશે.

-     બીરેન કોઠારી

ઘરનાં સર્વે- પૂ. સુમનભાઈ, શાન્‍તાબેન, ભાઈ જશુ, સ્મિતાભાભી, બીરેન, બીમલ, ચિ.નિધિ.. દરેકને યથાયોગ્ય.



(આ પત્રનો પાઉલભાઈએ પાઠવેલો જવાબ) 



નડિયાદ.
તા. ૨૯/૧૦/૯૭.
ચિ. પ્રિય બિરેન, ચિ.અ.સૌ. કામિનીદેવી, ચિ.શચિ,
આપનો સુખદ સંસ્મરણોસભર પત્ર મળ્યો. ખૂબ આનંદ થયો. અત્રે સર્વે કુશળ હોતાં આપ સૌની કુશળતા માટે પ્રાર્થું છું. પ્રભુપિતા પરિપૂર્ણ કરો. અત્યારે દિવાળી વેકેશન હોઈ રસોડામાં બેસીને પત્ર પાઠવી રહ્યો છું ત્યારે તમારી બે વરસની ઉંમરની મુખાકૃતિ અને સાયકલ પર નિર્ભયપણે તમારું બેસવું (મારી સાથે)યાદ આવે છે ત્યારે હું ધ્રુજી જાઉં છું. કદાચ અકસ્માત થાય (થાત) તો શું બને? તમોને કંઈ થઈ ગયું તો મારા જીવનમાં મને કેટલો રસ રહેત? આ એટલા માટે કહું છું કે મારી સરોજને સાયકલ પર બેસાડી બજારમાંથી પસાર થતો હતો ત્યારે એક સંન્યાસી (ફાધર) એ મને ઉભો રાખી કહ્યું હતું કે મારી દીકરી હોત તો હું આવી જોખમી મુસાફરી (સાયકલ પર) ન કરત. ઈશ્વરે આપણને સૌને બચાવ્યા છે.
મારો નિવૃત્તિસમારંભ ઘણો સારો રહ્યો. મુ. કનુકાકા અને ઉર્વિશે સારી રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા. મારા મિત્ર શ્રી ગઢવીસાહેબનું પ્રવચન પણ મનનીય રહ્યું. મારા બાપુજીએ ભાઈશ્રી મલેકની આંખો ભીંજવી નાંખી. (તેમના) પિતા યાદ અપાવી દીધા. એમણે (મારા બાપુજીએ) કહ્યું હતું, “આજથી આડત્રીસ વરસ પહેલાં હું મારા પાઉલને મહેમદાવાદ બસ સ્ટેશને મૂકવા આવ્યો હતો. આજે હું મારા પાઉલને ઘેર લઈ જવા આવ્યો છું. મુ. સદરૂચાચા હોત તો ભાઈ મલેકને પણ લેવા આવ્યા હોત.”


બિરેન, આડત્રીસ વર્ષ અને ૧ માસની મારી શિક્ષણયાત્રામાં મેં જે કંઈ ભૂમિકા ભજવી છે તેનાથી મને સંતોષ છે. મને નિવૃત્ત થતાં દુ:ખ નહોતું થતું, પણ બાળકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે, તેનું દર્દ જરૂર થયું છે. હવે પછી આ હસતા ચહેરા, પ્રેમસભર નજરોથી દૂર થવાનું છે. કદી નિવૃત્ત ન થવાનું હોત તો આ બધાંની વચ્ચે રહેવાનું સદ્‍ભાગ્ય મળત. મને ગ્રામ્યવિસ્તારનાં અબુધ બાળકોએ પણ ભરપૂર પ્રેમ આપ્યો છે અને શહેરનાં શરારતી,ચપળ, હોંશિયાર બાળકો (યુવાનો)નો પ્રેમ પણ મળ્યો છે અને તે મારી મૂડી છે. મને મારા શિક્ષકમિત્રો કહેતા કે Be Jesus but don’t be Jesus Christ. રાજકપૂરની માફક મૂર્ખામીની હદ સુધી હું મારા વલણમાં મક્કમ રહ્યો છું.
આપના કુટુંબનો હું ઋણી છું. પૂ. કપિલાબેને મને પોતાનો ચોથો દીકરો ગણી અભ્યાસની સુવિધાઓ આપી. કોઠારી બિલ્ડીંગના ત્રીજા માળે ભૂખ્યો પાડો રજકો ચરે તેટલી ભૂખે ને ઝડપે મેં અભ્યાસ કર્યો છે. જીવનનાં ૧૨ વર્ષ-૧૯૬૪થી ૭૬ સુધીમાં ઘણી બધી ઉપાધિઓ વચ્ચે મેં શિક્ષણની સ્નાતક-અનુસ્નાતકની ઉપાધિઓ મેળવી છે, જેનું મને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિતનું વળતર મળી ગયું. (બાળકોનો પ્રેમ). શિક્ષકગણે પણ મને ભરપૂર પ્રેમ આપ્યો છે. પણ મારે મન તમારા જેવા બાળકોનો પ્રેમ સવિશેષ આનંદ આપે છે. મુ. કનુકાકાએ મારું જીવનઘડતર કર્યું. તમારાં મમ્મીપપ્પાએ મારી જરૂરિયાતો સંતોષી છે, જે ઉપકાર હું ભૂલી શકું તેમ નથી. ચિ. ઉર્વિશે જ્યારે પ્રવચન આપ્યું ત્યારે તેના અક્ષરેઅક્ષરને હું પી રહ્યો હતો. મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે. અને પરિવાર તરફથી પણ અમોને સંસ્કારભાથું મળ્યું છે. આ બધું વાગોળવાનો હવે મારી પાસે ભરપૂર સમય છે. પણ ઈશ્વરપિતાએ મારા માટે શું આયોજન કર્યું છે તેની મને ખબર નથી. હવે પછીનું મારું જીવન ઈશ્વરપિતાની નિગેહબાનીમાં દોરાશે. મારા પરિવારમાં પણ મને ભરપૂર પ્રેમ મળ્યો છે અને મારું દાંપત્યજીવન પણ એટલું જ મધુર રહ્યું છે. હવે પુત્રો જાન્યુઆરીમાં પરણી ઉઠશે પછી સાંસારિક જવાબદારીઓ પણ નહીંવત રહેશે. હજી (મહેમદાવાદની) સોનાવાલા હાઈસ્કૂલ મને બોલાવે છે. કદાચ બે-ત્રણ માસ માનદ્‍સેવા આપીશ.
મને યાદ કરી, પત્ર પાઠવી, મારા આનંદને વધારવા બદલ આપનો આભાર માનું છું. ઈશ્વરપિતાને પ્રાર્થના કરું છું કે પ્રભુ આપનું પારિવારિક જીવન ખૂબ સુખસભર, શાંતિસભર અને સમૃદ્ધિસભર બનાવે તેમજ દાંપત્યજીવનની મધુરતાની ચરમસીમાને આંબી જાવ એવી અંતરની શુભકામનાઓ.

-     પાઉલભાઈ અને પરિવારનાં સ્નેહવંદન


**** **** **** 

આવતી કાલે ૨૬ માર્ચ, ૨૦૧૩, મંગળવારની સવારે ૧૦.૦૦ વાગ્યે નડીયાદ ખાતે પાઉલભાઈના નશ્વરદેહની અંતિમવિધિ થવાની છે. દિલમાં સદાય જીવંત રહેનારા પાઉલભાઈ માટે શ્રદ્ધાંજલિ શબ્દ વાપરવાનું મન થતું નથી. 

Tuesday, March 5, 2013

એક સોમો મુકામ: તૂને કાજલ લગાયા...



પ્રાચીન યુગના દેવતાઓ ભારે તપ કર્યા પછી રીઝતા હતા. એ પછી તે એકાદું વરદાન માંગવાનું કહેતા હતા. ક્યારેક કોઈક દેવતા વધુ રીઝે તો એકથી વધુ વરદાન માગવાનું પણ કહેતા. મર્યાદિત વરદાનને કારણે પ્રાચીન કાળના વાણિયાઓ એક જ વરદાનમાં અનેક બાબતો ચતુરાઈથી વણી લેતા હોવાની કથાઓ બહુ જાણીતી છે. 

પણ આ ડીજીટલ યુગમાં એ બાબતે નિરાંત છે. ગૂગલ દેવતા સદા મહેરબાન રહે છે. નથી તે કશી તપશ્ચર્યા માંગતા, કે નથી તેમને અપેક્ષા કશી આરાધનાની. તે કાયમ માંગ માંગ, માંગે તે આપુંની ભૂમિકામાં હોય છે. એટલું જ નહીં, હંમેશાં તે આપણને એકાધિક વિકલ્પની ઓફર કરે છે. બસ, આપણું સંધાન તેમની સાથે રહેવું જોઈએ  એટલી જ પૂર્વશરત. સવાલ હવે માંગનારને પક્ષે આવીને ઉભો રહે છે કે તેણે શું માંગવું.

"માંગે તે આપું અને ન માંગે તે પણ આપું." 
સામાન્ય રીતે આ દેવતા પાસે પોતાના ખપની ચીજો માંગતો ભક્તજન એટલે કે વપરાશકર્તા ક્યારેક પોતાના નામનું પણ ગૂગલિંગ કરી લે છે અને જોઈ લે છે કે પોતાના નામની ગૂગલ’/ Google માં કોઈ એન્‍ટ્રી છે? અને છે તો કઈ અને કેવી છે? ગુપ્ત રીતે કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ કમ્પ્યુટર/computer અને ઈન્‍ટરનેટ/internet  વાપરતા દરેક જણે પોતાનું નામ ગૂગલમાં નાંખીને જોયું હશે. આ બ્લોગર એટલે કે આપનો વિશ્વાસુ પણ આ બન્નેનો ઉપયોગ કરતો હોય છે, એટલે એનાથી બાકાત શી રીતે હોઈ શકે? પણ મન નામનું માંકડું એવું અવળચંડું છે કે એ ઉછળકૂદ કર્યા જ કરે અને જંપીને બેસવાને બદલે કંઈક ને કંઈક સળી કરતું રહે.

**** **** ****

તૂને કાજલ લગાયા તો
બાગોં મેં બહાર આઈ 
૧૨ જૂન, ૨૦૧૧ના દિવસે આ બ્લોગ પર પહેલવહેલી પોસ્ટ મૂકાઈ હતી. આજે લગભગ પોણા બે વરસે આ પોસ્ટ સાથે એ આંકડો સો પર પહોંચી રહ્યો છે. આપ સૌ મિત્રોની શુભેચ્છાઓ અને લાગણી સાથે છે જ અને તેનો અહેસાસ અવારનવાર થતો રહે છે. પણ બધું સારું હોય ત્યારે ગાલે કાજળનું ટપકું કરવાની આપણે ત્યાં પ્રથા છે. આ બ્લોગની પહેલી વર્ષગાંઠે ઘણા મિત્રોએ કમેન્‍ટ સ્વરૂપે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. (એમ તો આ બ્લોગની પાંચમી પોસ્ટમાં કેટલાક સ્વર્ગીય મહાનુભાવોએ પણ કમેન્‍ટ દ્વારા પોતાના પ્રતિભાવ આપ્યા હતા. http://birenkothari.blogspot.in/2011/06/blog-post_26.html ) એટલે આ વખતે સોમી પોસ્ટ નિમિત્તે એમ થયું કે સારું, શુભ અને સોજ્જું બહુ થયું. હવે કાજળનું એકાદું ટપકુંય થવું જોઈએ. પણ કાજળનું ટપકું આપણે પોતે કરીએ એ ઠીક નહીં. અને એ કરવાનું એમ સામે ચાલીને કરવાનું કોઈને કહેવાય શી રીતે? એ તો સામાવાળાના મનમાં ઉગવું જોઈએ. તકલીફ એ કે સામાવાળાના મનમાં ઉગ્યું એ આપણે શી રીતે જાણી શકીએ? આપણે કંઈ અંતર્યામી તો છીએ નહીં. આમ વિચારતાં સ્મરણ થયું અર્ધઅંતર્યામી એવા ગૂગલદેવતાનું. એ આપણા મનની વાત તો આખેઆખી જાણી લેતા નથી, પણ મનની વાતનો પહેલો અક્ષર લખવામાં એટલે કે ટાઈપ કરવામાં આવે તો અવશ્ય એ જાણી લે છે.
માટે પેલા કાજળના ટપકા શોધવા માટે છેવટે ગૂગલદેવતાની મનોમન આરાધના કરી. તેમની શોધપેટીમાં બીરેન કોઠારી કે બીરેન કોઠારી ઉર્વીશ કોઠારી’/ Biren Kothari Urvish Kothari  ટાઈપ કરી જોયું. તેના જવાબમાં જે પરિણામ દેખાયાં એમાંથી કાજળનાં કાળાં ટપકાં જોયાં અને વીણીવીણીને તેને અહીં મૂક્યાં.
બસ, એ રીતે વીણેલાં આ કાજળનાં ટપકાં છે. એ ભલે મારા પર અંગત ધોરણે કરવામાં આવ્યાં હોય, પણ આ બ્લોગના વાચક હોવાના નાતે આપ સૌને પણ એ ટપકામાં ભાગીદાર બનાવીને આ બ્લોગની સોમી પોસ્ટની ઉજવણી કરવાની ઈચ્છા છે.

'બોલ મેરી તકદીર મેં ક્યા હૈ' 

કાજળનાં એ ટપકાં અહીં મૂકું એ અગાઉ થોડી સ્પષ્ટતા.

  • અહીં ફક્ત જે તે વ્યક્તિએ કરેલી મારા વિષેની નકારાત્મક કમેન્‍ટ જ મૂકી છે. કમેન્‍ટ કરનારનું નામ તેમજ એ કમેન્‍ટ ક્યા સ્થળે મૂકી છે એ અહીં જણાવ્યું નથી. અલબત્ત, મૂળ સ્રોત પર જતાં મને એ વિષે ભાળ મળે એ સ્વાભાવિક છે.
  • આ કમેન્‍ટ/comment આ બ્લોગ પર કરવામાં આવી નથી, પણ અન્યત્ર કરવામાં આવી છે. એ બ્લોગ/બ્લોગ્સ  હું વાંચતો નથી કે નથી મેં ત્યાં જઈને કશી કમેન્‍ટ લખી. મતલબ કે આ કમેન્‍ટ પ્રતિક્રિયા’/reaction નથી, બલ્કે શુદ્ધ અને નિર્ભેળ ક્રિયા’/action જ છે.
  • કમેન્‍ટનો સંદર્ભ જાણીજોઈને આપ્યો નથી, કેમ કે એ કશા સંદર્ભ વિના પણ એ સ્પષ્ટ છે.
  •  આ કમેન્‍ટનો કશો જવાબ મેં આપ્યો નથી, કેમ કે મારી પાસે કે મારા બ્લોગ પર એ માંગવામાં આવ્યો નથી. ફક્ત ગૂગલીંગ કરતાં જ એ દેખાઈ છે અને ત્યાંથી કમેન્‍ટના સ્રોત પર જઈને એ લીધી છે.
  • એડીટીંગ ફક્ત એટલું જ કર્યું છે કે જે તે બ્લોગરને ઉદ્દેશીને લખાઈ હોય ત્યાં બ્લોગરનું નામ કાઢી નાંખ્યું છે તેમજ કોઈ આનુષંગિક કમેન્‍ટમાં કમેન્‍ટ કરનારના નામનો ઉલ્લેખ હોય તો ત્યાં નામને બદલે ***** નિશાની મૂકી છે.
  • આ કમેન્‍ટને અહીં મૂકવા પાછળનો આશય કેવળ (મારું) મનોરંજન જ છે અને કંઈક અંશે કૂતુહલ, કે આપણા વિષે ગૂગલ પર શું ઉપલબ્ધ છે. કોઈને શરમિંદા કરવાનો કે ઉઘાડા પાડવાનો ઈરાદો પણ નથી, કેમ કે કમેન્‍ટ કરનાર એકાદ જણ સિવાય મોટા ભાગનાને હું ઓળખતો નથી.

બસ, તો સોમી પોસ્ટની આ કાજળના ટપકા જેવી ટીપ્પણીઓ તમે પણ માણો. 


**** **** ****



ટપકું નં.૧:  ત્રાસવાદીઓની વહારે


Now again the so-called ‘baudhdhiko’ like Prakash N Shah, Urvish Kothari, Biren Kothari, Madhusudan Mistry, etc. will jump in to save the terrorists. It is surprising to see how those people eat of our country and still betray the Indians.


  *

ટપકું નં.૨: બૌદ્ધિકોની પંગતમાં પાટલો  

I was also feeling disheartened to read these so-called baudhdhiks (yes, I agree with the above people – Mr Urvish Kothari, Prakash N Shah, Biren Kothari, Teesta Setalwaad, etc. are truely the traitors of the country) writing against Anna Hazare’s movement recently and pseudo-secularism always.





  • ટપકું નં.૩: ખુલ્લા પડી ગયા 

Very nice article indeed. I had read this article when it was first published. Many different thoughts are coming to my mind.
Things have drastically changed except since then. But the pseudo-secularists have been still shitting from their mouth.
Narendra Modi has taken a very bold step by doing the Sadbhavana fast. As you rightly said, NM is the leader. The Gujarat Congress is as usual the moron follower here. Nobody trusts the traitor Shankarsinh Vaghela, nobody knows Shaktisinh Gohil, Siddharth Patel, Solanki etc. if one doesn’t address their second (father’s) name, nor anybody thinks that Arjun Modhwadia has anything but negativity about everything about him! Mr Bhaven Kutchchhi (or someone else, I don’t remember now) rightly analysed: Narendra Modi’s has a clear reason for doing the fast, Sadbhavana in Gujarat. But why are Shankarsinh Vaghela and Arjun Modhwadia doing the fast? They are doing it only for the politics!!!
Not only the industrialism and hence massive employment are the achievements of Narendra Modi, but also initiatives like Shalaa Gunotsav, Vaanche Gujarat, Kanya Kelavani, Beti Bachavo, Saagarkhedu Yojna, etc. have made the people attached to Narendra Modi.
Anyway, at least the psuedo-secularists like Prakash N Shah, Urvish Kothari, Biren Kothari, Mallika Sarabhai, Teesta Setalwaad, Arundhati Roy, Medha Patkar etc. have got completely exposed now in these years.
It is the writers like you, Chandrakant Baxi, ******
, etc. who have always put forward all the Gujaratis' concerns and thoughts boldly. The Gujarati readers are also indebted to these writers. 

  • ટપકું નં.૪: બચાવપક્ષ 
અરે મિત્ર! તમારી બધી વાતો હરી ફરી ને ઉર્વીશ કોઠારી વગેરે વગેરે તરફ જ જતી રહે છે. એ લોકો પણ કઈ બધી બાબતે એ ખોટા ન હોઈ સકે. ( **** જ કહે છે કે કોઈ માણસ સંપૂર્ણ સાચો કે ખોટો ન હોઈ સકે.) અને એક હિંદુ હોવા છતાં કહું છું કે ગોધરાકાંડ ખોટો હતો. પણ તેથી કંઈ તેના રીએક્શન માફ ન કરી શકાય. અને ભારત દેશ માં તો ટી.વી. પર લાઈવ હત્યા કરનાર પણ સાક્ષી અને પુરાવાના અભાવે નિર્દોષ છૂટી શકે છે. (જેસિકા લાલ હત્યા યાદ છે? માયા કોડનાની કયા પક્ષના છે? આર.એસ.એસ. અને વી.એચ.પી. કોને સપોર્ટ કરે છે? આજે પણ યુટ્યુબ પર તે લોકોના ઉશ્કેરીજનક ભાષણ સાંભળવા મળે છે. લોકો મોદી-ભક્તિ માં એટલા પાગલ થઈ જાય છે કે તટસ્થતા તો ભૂલાઈ જ જાય છે. અને પછી એલા-પેલા ગુજરાત વિરોધી છે એવી બધી સાંભળવામાં ચટપટી વાતો કરવા લાગે છે. અમે પણ બીજા રાજ્ય ના લોકો ના સંપર્ક માં આવ્યા છે પણ તે લોકો ભાંડે છે તો મોદી અને ગુજરાત ને નહિ તમારી જાણ સારું.

*

  • ટપકું નં.૫: આસ નિરાસ ભઈ  
I will ans Biren in person sometime about all his points here.
Only thing that, I felt disappointed with these two brothers as they have selected to be no different than other hords of writers in Gujarati. Thanks anyway.


  • ટપકું નં. ૬: તલવારબાજ 


આવું જ બન્યુ ઉર્વિશભાઈની એમના બ્લોગ પરની તાજેતરની પોસ્ટ "રંગીન પોલીસ સ્ટેશન" વિશે. માત્ર હું એક નહીં પરંતુ ઉર્વિશભાઈને વાંચતા કોઈપણને પુછો કે તેઓ ગમે તે વિષયમાં ન.મો.ને લઇ આવે છે કે નહી? પરંતુ કોઇ ચિરાગ પટેલ નામના વાંચકે અને મેં એમના એ પૂર્વગ્રહ વિશે કોમેન્‍ટ કરી ત્યાં તો ઉર્વિશભાઈ અને બીરેનભાઈ બન્ને સમશેર સમણવા મંડ્યા, કે લીલા ચશ્મા ને પીળા ચશ્મા ને એવુ બધું... અરે બાપલા અમે તો (કોમન મેન) કદાચ તમારી ઉચ્ચકોટીની વાતો સમજી ન શકીયે એવું બને પરંતુ તમે તો જરા સમજો કે અમને (ખાસ કરીને મને) ન.મો.નો પ્રચાર કરવાનો કોઇ શોખ કે ટાઇમ નથી. (આમાં હરી ફરીને મોટાભાગે બે જ નામ લીધા છે, પરંતુ હજુ અમુક નામ ઉમેરી શકાય એમ છે) 

  • ટપકું નં. ૭: આ ઉંમરે?
@ઉર્વીશભાઈ, તમારે આવું દિગ્વિજયસિંહ અને રાખી સાવંત જેવું લખવું પડે એ સમજીએ છીએ. તમારે તમારી અને તમારા મોટાભાઈ બંનેની કેરીઅર સાંભળવાની છે. પણ આ તમારા મોટાભાઈની આ ઉંમરે લેખક તરીકેની કારકિર્દી બને એવી આશા ખોટી રાખો છો. અમે તો તમારા શુભેચ્છક છીએ એટલે કહીએ છીએ. બાકી તમારી મરજી.








  • ટપકું નં.૮: સમર્થન

Roflolz, **** (ઉપરની કમેન્‍ટના સંદર્ભે)







  • ટપકું નં.૯: પ્રાર્થના ! 


*****એ, જબરદસ્ત સત્ય સંભળાવી દીધુંભગવાન કોઈ મોટાભાઈને આવા દિવસો ના બતાવે બીજું  શું



**** **** ****


આ મનોરંજક કમેન્‍ટ્સ વાંચી લીધા પછી આપ સૌ વાચકો, બ્લોગના મુલાકાતીઓના લાભાર્થે આ બ્લોગના ટેન કમાન્‍ડમેન્‍ટ્સ અહીં મૂક્યાં છે. દેશી હોટેલમાં લખેલી સૂચનાઓની જેમ જ આ સૂચનાઓ આ બ્લોગ પર કાયમી ધોરણે લખી શકાય એમ છે.
  •  અહીંના લખાણમાં ક્યાંય, કોઈ પણ પ્રકારે એસિડ કે કોસ્ટિક જેવાં જલદ કે મંદ રસાયણોનો ઉપયોગ થતો નથી. માટે વાંચતાં આંખ બળે તો સ્ક્રીનની બ્રાઈટનેસ સરખી કરવી અથવા ચશ્માનાં નંબર તપાસાવડાવી લેવાં.
  • અહીં લખાણની મૌલિકતા, બિનપરંપરાગતતા, જલદપણા વગેરે બાબતે કશો જ દાવો કરવામાં આવતો નથી, જેથી અપચાની ફરિયાદ કરવી નહીં. 
  • અહીં પીરસાયેલી વાનગીઓથી પેટ ન ભરાય તો એમાં રસોઈ બનાવનાર નહીં, ખાનારની પ્રચંડ પાચનશક્તિ જવાબદાર છે. તેથી તકરાર કરવાને બદલે બાકીની વાનગીઓનું મેનૂ જમણી બાજુએ આપેલું છે, તેનો ઉપયોગ કરીને પોતાની ભૂખ સંતોષવી.
  •  લગ્ન તેમજ શુભ પ્રસંગોના ઓર્ડર અહીં છૂટથી સ્વીકારાય છે અને સ્ટાફ મર્યાદિત છે. તેને કારણે ઘણી વાર બ્લોગના ઓર્ડર પર ધ્યાન આપી ન શકાય એમ બને. આ સંજોગોમાં પણ ઉપરની સૂચના લાગુ પડે છે. 
  • કામ સિવાય પણ અહીં આવતા રહેવું અને બેસવું.
  • વાનગીમાં કશી ગરબડ હોય તો કોઈ પણ સમયે ધ્યાન દોરી શકાય છે. આ અંગેની તકરાર જે તે સમયે તેમજ પાછળથી એટલે કે કાઉન્‍ટર છોડ્યા પછી પણ કરી શકાશે.
  • અહીં કામદારોને રોજેરોજ કે મહિનાની આખરમાં કશો પગાર ચૂકવવામાં આવતો નથી, કેમ કે અહીં કામદારપ્રથા નહીં, પણ શેઠમજૂરપ્રથા છે.
  • બહારથી નાસ્તો લઈને અહીં બેસીને ખાવાની છૂટ છે, કેમ કે અહીંની મોટા ભાગની રસોઈ પણ બહારથી લાવીને જ પીરસવામાં આવે છે.
  • વક્ત નાજુક હૈ, તંગ હૈ જમાના, તુમ્હેં પોસ્ટ દે કે, હમેં ક્યા કમાના? (કુછ નહીં, સિવા આપકી મહોબ્બત કે)
  • રોકડાનો કશો આગ્રહ નથી. અહીં કમેન્‍ટ ઉધાર રાખવામાં પણ આવે છે.

(નોંધ: તમામ તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી લેવામાં આવી છે.)