'સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ' નિમિત્તે નડિયાદના પ્રો. હસિત મહેતાએ વિદ્યાર્થીઓને સાંકળીને ત્રણ રજૂઆતો તૈયાર કરી છે. પહેલવહેલી વાર એ મુંબઈમાં અને બીજી વાર એ અમદાવાદમાં થઈ. હવે ત્રીજી વખતનો વારો માંડવીનો હતો. વી.આર.ટી.આઈ; માંડવી ખાતે 20 અને 21 સપ્ટેમ્બરના રોજ આ સંસ્થાની સુવર્ણજયંતિ નિમિત્તે 'સુવર્ણ સાહિત્ય મહોત્સવ'નું આયોજન હતું, જેમાં બે દિવસ સાહિત્યલક્ષી વક્તવ્યોનું આયોજન હતું. આ પૈકી શનિવારે, 20 સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠે 'સરસ્વતીચંદ્રના સવાસો વર્ષ' નિમિત્તે તૈયાર કરાયેલી ત્રણ રજૂઆતોનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમના અહેવાલ અગાઉ અહીં લખી ગયો છું. તેથી એની વિગતોમાં જતો નથી. વાત મારે કરવાની છે આ સ્થળ સુધી પહોંચવાના અમારા પ્રવાસની. હકીકતમાં મારો 21મીએ સ્ક્રેપયાર્ડમાં કાર્યક્રમ પહેલેથી નક્કી હોવાને કારણે આ કાર્યક્રમમાં મારી સામેલગીરી કેવળ રીહર્સલ પૂરતી જ હોય એ સ્વાભાવિક છે. પણ મારે જે ભૂમિકા કરવાની હતી એ ભૂમિકા કરનાર સ્મિત એનાં અન્ય રોકાણોને કારણે રીહર્સલમાં હાજર રહી શકે એમ ન હોવાથી હસિતભાઈએ આ રજૂઆત પૂરતો તેને સામેલ ન કર્યો. એટલે સવાલ આવ્યો કે એને બદલે કોણ? બીજા અનેક વિકલ્પો વિચારાયા પછી છેવટે મારે જ રહેવું એમ નક્કી થયું. આથી બેમાંથી એક પસંદગી કરવાની સ્થિતિ આવી. કાં સ્ક્રેપયાર્ડનો કાર્યક્રમ પાછો ઠેલવો, કાં અમારે સૌએ બીજા દિવસે માંડવીથી વહેલા નીકળવું અને સાંજ સુધીમાં મને અમદાવાદ પહોંચાડી દેવો. બીજો વિકલ્પ ચિંતા કરાવે એવો હતો, કેમ કે, દસ-અગિયાર કલાકની મુસાફરી પછી હું અમદાવાદ પહોંચું તો પણ કાર્યક્રમની રજૂઆત પર આ મુસાફરીના થાકની અસર થયા વિના રહે નહીં. કાર્યક્રમ પાછો ઠેલવા વિચાર્યું, પણ એ નવરાત્રિ પછી થઈ શકે. બીજી તરફ એક વાર આ કાર્યક્રમ વરસાદને કારણે મુલતવી રહ્યો હોવાથી મારે માથે જાણે કે એક પ્રસંગ નીપટાવવાનો ભાર લાગતો હતો. આથી નક્કી કર્યું કે જે હોય એ, મને માંડવીથી અમદાવાદ પહોંચાડી દેવામાં આવશે, અને અમદાવાદમાં હું કોઈક મિત્રને ત્યાં કલાકેક આરામ કરી શકું એટલો સમય પણ રહે તો રહે.
પણ હસિતભાઈના આયોજનની ઝીણવટ એવી હોય કે તેમના મનમાં સતત કંઈ ને કંઈ ચાલતું રહે. એટલે એમનો ફોન આવ્યો કે વીસમીએ સાંજે કાર્યક્રમ પતાવીને ભૂજથી ટ્રેનમાં વડોદરા આવવા નીકળી જવાનું અમને ફાવે? આમ તો, આ ઉત્તમ ઓફર હતી, પણ અમારો કાર્યક્રમ જ સાંજના સાડા આઠનો હોય તો પછી ટ્રેન પકડવી શી રીતે શક્ય બને? હસિતભાઈ કહે, 'એ શક્ય છે. આપણો કાર્યક્રમ સાડા પાંચે રાખી શકાય એમ છે. અને એ વિકલ્પ ચકાસીને જ તમને પૂછું છું.' હજીય મારા મનમાં અવઢવ હતી, પણ હસિતભાઈએ મારા માટે, મારા કરતાંય વધુ વિચારી રાખેલું. એ કહે, 'તમે નક્કી કરીને મને દસ મિનીટમાં ફોન કરો એટલે ટિકિટ બુક કરાવી લઉં.' અમે હા પાડી એટલે ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ. એ મુજબ અમારે ભુજથી શનિવારે રાતે 10.40ની ટ્રેનમાં નીકળીને રવિવારે સવારે સાડા સાતે વડોદરા પહોંચવાનું હતું. સવારે ઘેર પહોંચી જાઉં તો મને આરામ માટે પૂરતો સમય મળે અને સાંજે હું અમદાવાદ જઈ શકું. આ તો પાછા આવવાની વાત થઈ. પણ માંડવી પહોંચવાનું શું?
અમારે શનિવારે વહેલી સવારે ચાર વાગ્યે નડિયાદથી નીકળવાનું હતું. કુલ અઢાર જણની ટીમ. આ વખતે કામિની પણ સાથે આવવાની હતી. આથી અમે નક્કી કર્યું કે આગલા દિવસે, શુક્રવારે સાંજે હસિતભાઈને ઘેર જ પહોંચી જવું. એ મુજબ અમે પહોંચી ગયા ત્યારે હસિતભાઈએ જણાવ્યું કે નીકળવાના સમયમાં ફેરફાર કર્યો છે, અને હવે આપણે સવારે ત્રણ વાગ્યે નીકળવાનું છે. આનો અર્થ એ કે અમારે બે-સવા બે વાગ્યે જાગી જવું પડે. આ માટે તમામ સભ્યોનું એક વોટ્સેપ ગૃપ બનાવી દેવાયું હતું.
ઉંઘીએ, જાગીએ કે પડખાં ઘસીએ એટલામાં તો એલાર્મ વાગ્યું. અમે તૈયાર થઈને નીચે આવ્યાં એટલામાં વાહન પણ આવી ગયું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓના અનેક પ્રવાસોના આયોજન કરી ચૂકેલા હસિતભાઈએ ઝીણી ઝીણી બાબતોની કાળજી રાખી હતી, જેમાં તેમનાં પત્ની પીન્કી અને પુત્ર પર્જન્ય પણ સાથે હતાં. બરાબર ત્રણ વાગ્યે અમે નીકળ્યાં. બે ઠેકાણેથી અમારા સાથીદારોને લેવાના હતા. સંતરામ મંદિરના મુખ્ય દરવાજા પાસેથી અને મીલના દરવાજા પાસેથી. કોણ ક્યાંથી ચડશે એની વિગત સૌએ જણાવી દીધી હતી.
કુલ ત્રણ પ્રસ્તુતિમાં એક હતી 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ચૂંટેલાં ગીતોની જીવંત રજૂઆત, જે પૂજા અને અસ્થાના કરવાનાં હતાં. અસ્થાના પ્રજ્ઞાચક્ષુ છે, અને અદ્ભુત કંઠ ધરાવે છે. હિંમતનગરથી એ આગલા દિવસે નડિયાદ આવી ગયેલી. પૂજાનો કંઠ પણ બહુ સુંદર છે. એ અને તેના પતિ મીતને અમારે વરસોળા ચોકડીએથી લેવાના હતા. વાહન ઊપડ્યું ત્યારે હસિતભાઈ પરિવારનાં ત્રણ અને અમે બે એમ કુલ પાંચ સભ્યો હતાં. સંતરામ મંદિર પાસેથી વૈદેહી, તપન, દિવ્યેશ, કેતન અને દીપાલી આવ્યાં. એ પછી મિલ રોડ પરથી નાઝનીન, અલ્ફીના, ફૈઝાન, શેહજાદ અને જય આવ્યાં. સૌ ગોઠવાઈ ગયાં એટલે ગાડી આગળ વધી. અત્યારે તો સૌએ સૂઈ જવાનું હતું. ક્યાંક સહેજ વાતચીતનો અવાજ સંભળાય કે હસિતભાઈ વર્ગશિક્ષકની જેમ ટોકતા અને કડક અવાજે સૂઈ જવા કહેતા, જે બહુ જરૂરી હતું એનો ખ્યાલ દિવસ ઊગતો ગયો એમ આવ્યો.
હસિતભાઈનું પોતાનું વક્તવ્ય અમે પહોંચીએ કે તરત જ એક કલાકમાં હતું. વહેલા જાગવાની ટેવ ધરાવતા હોવાથી તેમણે વક્તવ્યની તૈયારી પ્રવાસ દરમિયાન કરવાનુ રાખેલું. આથી તેઓ ડ્રાઈવરની બાજુની સીટ પર ગોઠવાઈ ગયા અને માથે ટોર્ચ બાંધીને પોતાની અભ્યાસ સામગ્રી કાઢીને તૈયારી કરવા લાગ્યા. તૈયારી કરીને વક્તવ્ય આપતા વક્તાઓની પ્રજાતિ કેટલી દુર્લભ છે એ કહેવાની જરૂર ખરી?
 |
ટોર્ચના અજવાળે, વાહનની આગલી સીટ પર વક્તવ્યની તૈયારી કરતા હસિતભાઈ |
પીન્કીએ ઘેરથી ગરમ પાણીની બોટલ લીધી હતી અને સાથે સૂંઠનો પાઉડર. અસ્થાના, પૂજા અને નાઝનીનને એ પીવડાવાયું, જેથી એમનું ગળું સરખું રહે. અને તેઓ આ પીવે એની જવાબદારી તપનને સોંપાઈ. અમે સૌ ઝોકાં મારતાં હતાં. એમ ને એમ અમદાવાદનો રીંગ રોડ વટાવીને અમે આગળ વધ્યા. સવાર થવા લાગી હતી, પણ સૌએ ફરજિયાત સૂઈ જવાનો આદેશ હતો, જે બરાબર પળાયો હતો. આઠેક વાગ્યે એક સ્થળે ચા-નાસ્તા માટે ઊતર્યાં. સાથે લાવેલો વિવિધ પ્રકારનો નાસ્તો અને ચા. એ પતાવીને પ્રવાસ આગળ ધપ્યો. હવે બધાં બરાબર જાગી ગયાં હતાં અને વાતો શરૂ થઈ હતી. વચ્ચે વચ્ચે માંડવીથી આયોજક ગોરધનભાઈ કવિ ફોન દ્વારા પૃચ્છા કરી રહ્યા હતા. સતત પ્રવાસ પછી અમે સંસ્થાથી થોડે પહેલાં આવેલી એક હોટેલમાં ભોજન માટે થોભ્યા ત્યારે બપોરનો દોઢ થયો હતો. સૌ જમતા હતા ત્યારે હસિતભાઈ પોતાના વક્તવ્યને આખરી ઓપ આપી રહ્યા હતા. જમીને અમે અઢી- પોણા ત્રણે સ્થળે પહોંચ્યા.
 |
માંડવી જતાં આખી મંડળી |
પહેલાં અમારા કામચલાઉ ઉતારે સામાન ગોઠવ્યો. કાર્યક્રમ ચાલુ હતો, એટલે અમે સૌ સ્ટેજ અને તેનાં પ્રવેશદ્વાર જોવા ગયા, જેથી ખ્યાલ આવે કે ભજવણી શી રીતે કરવી. દરમિયાન મેકઅપ માટે જગદીશભાઈ ગોર ભૂજથી આવી ગયા. તેઓ અમુક વીગ અને મૂછો તેમજ મેકઅપ સામગ્રી લેતા આવેલા. છેલ્લી સૂચનાઓ આપી દીધા પછી હસિતભાઈએ કહ્યું, 'હવે હું વક્તવ્ય માટે જાઉં છું. આપણે હવે સીધા ભજવણીમાં જ મળીશું. અબ તુમ્હારે હવાલે.'
અહીં ઊકળાટ અનુભવાતો હતો. બધા સહેજસાજ હળવા થયા પછી ધીમે ધીમે તૈયારી શરૂ કરવામાં આવી. સૌથી પહેલાં 'તમે કલમ મ્યાન કરી'ની ભજવણી હતી. તેમાં પૂજા (કુમુદસુંદરી) અને નાઝનીન (અના કરેનીના)ની મુખ્ય ભૂમિકા હતી. એ ઊપરાંત અલ્ફીના (બટલર), જય (સરસ્વતીચંદ્ર) અને દીપાલી (પ્રવક્તા) નાની ભૂમિકામાં. મુખ્ય મેક અપ અને તૈયારી ચારે છોકરીઓએ કરવાની હતી. છોકરીઓને તૈયાર કરવામાં કામિની જોડાઈ. એકાંકી પછી અસ્થાના અને પૂજાનું ગાયન હતું. એટલે પૂજાએ દોડીને રૂમ પર આવીને કુમુદસુંદરીનો વેશ બદલીને પૂજાનો વેશ ધારણ કરવાનો હતો. ગાયન પછી ગોષ્ઠિની પ્રસ્તુતિ હતી. અના કરેનીના બનતી નાઝનીને ગોષ્ઠિમાં પહેલા પ્રવક્તાની અને એ પછી વિદ્યાર્થીનીની ભૂમિકા કરવાની હતી. ગોષ્ઠિમાં ફૈઝાન, તપન, કેતન, નાઝનીન, અલ્ફીના અને સૌથી નાની એવી વૈદેહી વિદ્યાર્થીઓ તરીકે અને મારે શિક્ષકની અથવા ગોષ્ઠિના સંચાલકની ભૂમિકા કરવાની હતી. આ બધાના દેખાવ, એક જ વ્યક્તિની વિવિધ ભૂમિકામાં જરાય સામ્ય ન રહે એ જોવાનું હતું, જેનાં રીહર્સલ અમે કરી ચૂક્યાં હતાં, અને હવે એનો આખરી સમય આવી ગયેલો. ગોષ્ઠિ પછી વધુ એક વાર અસ્થાના અને પૂજાનું ગાયન હતું. આ તમામ રજૂઆત પહેલાં હસિતભાઈ એની પૂર્વભૂમિકા આપે, જેથી પ્રેક્ષકોને એનો સંદર્ભ પકડાય. અને હસિતભાઈ પૂર્વભૂમિકા આપતા હોય એ દરમિયાન સૌ પોતપોતાના વેશની તૈયારી કરે એવું ગોઠવાયેલું છે. અહીં ફરક એ હતો કે સ્ટેજ ખુલ્લું હતું અને એની સાથે કોઈ ગ્રીનરૂમ નહોતો. આથી સ્ટેજથી બે-ત્રણ મિનીટના અંતરે આવેલા રૂમમાં જવાનું રહેતું. આ બધું ઉચક જીવે પણ બહુ મસ્ત રીતે પાર પડ્યું. દિવ્યેશ કેમેરા પર હતો, તો પર્જન્ય સાઉન્ડ પર.
 |
દીપાલીના મેકઅપમાં વ્યસ્ત જગદીશભાઈ અને વીગ પહેરાવવા માટે મદદમાં કામિની |
 |
રજૂઆતની રાહ જોતાં પાત્રો
|
 |
પ્રવક્તા દ્વારા પૂર્વભૂમિકા |
 |
અસ્થાનાનું ગાયન |
 |
પ્રવક્તા દ્વારા ગોષ્ઠિનો પરિચય |
 |
ગોષ્ઠિની મંચ પરથી રજૂઆત |
 |
રજૂઆત પછી મંચ પર સમગ્ર ટીમનો પરિચય કરાવતા હસિતભાઈ |
પ્રેક્ષકોએ તમામ રજૂઆતો ખૂબ વધાવી. કાર્યક્રમ પછી ભોજન હતું. કામિની અને હું ફટાફટ ભોજન પતાવીને ભુજ આવવા નીકળવાના હતા. મેકઅપવાળા જગદીશભાઈ અમને ભુજ સ્ટેશને ઉતારવાના હતા. સૌની વિદાય લઈને અમે નીકળ્યાં અને ભુજ પહોંચ્યા ત્યારે સવા નવ થયા હતા. ટ્રેન મૂકાતાં અમે એમાં ગોઠવાયાં અને બીજા દિવસે સવારે વડોદરા આવી ગયા.
અમારા સિવાયની મંડળી બીજા દિવસે વહેલી સવારે નીકળીને માંડવીના સાગરતટે નીકળી. દરિયામાં મજા કરી, ખાધુંપીધું અને આનંદ કરતાં કરતાં સૌ પરત આવવા નીકળ્યા. વચ્ચે વચ્ચે તેઓ અમારી ખબર પણ પૂછતા રહ્યા.
 |
બીજા દિવસે માંડવીના દરિયામાં મંડળી, જેમાં અમે હાજર નહોતાં |
સાંજે લગભગ એવું થયું કે હું સ્ક્રેપયાર્ડમાં કાર્યક્રમ આપવા માટે અમદાવાદમાં પ્રવેશ્યો લગભગ એ જ સમયે આ મંડળી અમદાવાદમાંથી બહાર નીકળી.
આમ, આ આખો પ્રવાસ બહુ મજાનો બની રહ્યો. આવા પ્રવાસની ઉપલબ્ધિ એ હોય છે કે એ એકમેકને ઓળખવાની, નજીક આવવાની તક પૂરી પાડે છે, અને પરોક્ષપણે ઘડતર કરે છે. આવા દર પ્રવાસ પછી આપણા સહપ્રવાસીઓ સાથેનું આપણું વર્તન બદલાતું હોય છે, અને એ બહેતર બનતું હોય છે. આ પ્રવાસ નિમિત્તે વિદ્યાર્થીમિત્રોની સાથે આટલો સમય ગાળવાની તક મળી એનો આનંદ જ જુદો છે.
No comments:
Post a Comment