(પ્રવાસ દરમિયાન દોરેલાં ચિત્રો)
ફાઈન આર્ટ્સનો અભ્યાસક્રમ છૂટી ગયો, પણ એ પછી અનિયમિતપણે કામ ચાલુ રહી શક્યું. જો કે, 1997થી વડોદરા સ્થાયી થવા આવ્યો અને બે વરસ મારું મકાન બનાવવાનું ચાલ્યું એ વખતે એ સંગ છૂટ્યો. એ અરસામાં ક્યાંય પ્રવાસે જવાનું થાય ત્યારે હું સ્કેચબુક અને પેન સાથે રાખતો અને સમય મળ્યે ચિત્રાંકન કરી લેતો. પેન્સિલથી હું બને ત્યાં સુધી કામ નહોતો કરતો. અહીં મૂકેલાં ચિત્રો આ રીતે પ્રવાસ દરમિયાન બનાવેલા સ્કેચને વિકસાવીને બનાવેલા છે. એટલે કે મૂળભૂત રેખાંકન પેન યા પેન્સિલથી તૈયાર કરી રાખ્યું હોય, પણ એમાં ઝીણવટભર્યું કામ ઘેર આવ્યા પછી કર્યું હોય. આમ થવાનું કારણ એ કે પ્રવાસે ગયા હોઈએ ત્યારે નવું સ્થળ જોવાની પણ બહુ જ ઈચ્છા હોય, ત્યાં તસવીરો લેવાની બહુ ગમે, અને ચિત્રોય કરવા હોય. ઉપરાંત સાથેના પરિવારજનો-મિત્રોનો પણ ખ્યાલ રાખવાનો હોય. આથી ઘેર આવીને તેની પર નિરાંતે કામ કરી શકાતું. ડ્રોઈંગમાં મને ખાસ કરીને લેન્ડસ્કેપ, અમુક પ્રકારના આર્કિટેક્ચરલ વ્યૂ વગેરે કાગળ પર ઉતારવા વધુ ગમતા. માનવાકૃતિઓ દોરવા બાબતે હું ખાસ ઉત્સાહી ન હતો. અહીં મૂકેલાં આ ડ્રોઈંગ મેં અલગ અલગ સ્થળના પ્રવાસ દરમિયાન બનાવેલા સ્કેચના આધારે તૈયાર કરેલા છે. તેમનો સમયગાળો 1997થી 2002ની વચ્ચેનો હશે.
****
જોધપુરનો મહેરાનગઢ કિલ્લો એટલો અદભુત છે કે મનમાંથી એ કદી ખસે નહીં. એનું સ્થાન એવું છે કે શહેરમાં ગમે ત્યાંથી એ નજરે પડે. એની તસવીરો લેતાં ધરવ ન થાય અને એનાં ડ્રોઈંગ બનાવતાં જ રહીએ એમ થાય. પણ તેનું કદ અને વ્યાપ એવાં છે કે મારા જેવા શિખાઉથી થોડા કલાકોમાં કે એક દિવસમાં એ કરી ન શકાય. આ કિલ્લો સમગ્રપણે એટલો વિશાળ છે કે સામાન્ય કદના કાગળમાં તેને આખો બતાવવો હોય તો બહુ નાનો ચીતરવો પડે. ઘણા ચિત્રકારોએ તેનાં લાઈન ડ્રોઈંગ બનાવ્યાં છે. આ કિલ્લાનો પેપર કોલાજ બનાવ્યા પછી પણ મને સંતોષ થયો નહીં. એમ થાય કે હજી આની પર વધુ કામ કરવું જોઈએ.
પહેલી વાર કૉલેજમાંથી સ્ટડી ટૂર વખતે જોધપુર-જેસલમેર પહેલી વાર જવાનું બનેલું. એ પછી આ જ રુટ પર ઉર્વીશ, બિનીત અને મારો પરિવાર (કામિની અને શચિ) ગયેલાં. જોધપુર માટે અમે ખાસ બે આખા દિવસ ફાળવ્યા હતા. એ સમયે પેન્સિલથી કાચું રેખાંકન કરી રાખ્યું હતું,એ ઘણા વખત સુધી પડ્યું રહ્યું. મનમાં પણ એ એમનું એમ હતું. એટલે સમય મળતો ગયો એમ તેને પેન વડે સરખું કરતો ગયો.છેવટે એ તૈયાર થઈ ગયું ખરું. આ કિલ્લાના બીજા ભાગનાં થોડાં રેખાંકનો કર્યા હતા, પણ પછી સમય જતાં લાગ્યું કે એને સાચવી રાખવાનો અર્થ નથી. એટલે એ બધા કાઢી નાંખ્યા.
મહેરાનગઢ, જોધપુર |
જેસલમેરના કિલ્લાનું પ્રવેશદ્વાર |
ઑગષ્ટ, 2001માં ઉર્વીશ અને અમે માત્ર પુષ્કર જયપુરનો પાંચ દિવસનો કાર્યક્રમ બનાવેલો. એ વખતે ઈશાન દોઢ-પોણા બે વરસનો હતો. પુષ્કર એક દિવસ રોકાઈને ચાર દિવસ અમે જયપુરમાં ફરેલા. વર્ષના બાકીના દિવસોએ સાવ સુસ્ત અને શાંત એવા પુષ્કરમાં પગપાળા ફરેલા. એ સમયે એકે સ્કેચ બનાવી ન શકાયો. પણ પાછા આવી હોટેલની અગાસીમાં બેઠા હતા એ વખતે સામે આવેલા એક મકાન પર નજર પડી. સાવ ખંડેર જેવા દેખાતા એ મકાન પર મારી નજર વળી વળીને જતી હતી. મારાથી રહેવાયું નહીં એટલે છેવટે સ્કેચબુક લઈ આવ્યો અને અગાસીમાં બેસીને જ એનું ડ્રોઈંગ બનાવ્યું. આ માળખું એવું અટપટું હતું, અને એ મને ઊંચાઈ પરથી વધુ અટપટું લાગતું હતું. આથી એનું આખું ડ્રોઈંગ મેં ત્યાં જ પૂરું કર્યું. ફક્ત રેન્ડરીંગ (શેડ) કરવાનું બાકી રાખ્યું. આજે પણ મારું આ ગમતું ચિત્ર છે.
પુષ્કરનું એક દૃશ્ય |
જયપુર |
****
એપ્રિલ, 2002માં મારી કમ્પની તરફથી યુનિટ લેવલની ટૂરમાં જવાનું ગોઠવાયું. એમાં અંતિમ મંઝીલ મનાલી હતી. મનાલી હું અગાઉ જઈ આવેલો હતો. આથી અમુક સ્થળો ફરી જોવાનો લોભ જતો કરીને મેં ચિત્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેનું પરિણામ એટલે આ ચિત્રો. સીધા જ પેનથી દોરેલાં ચિત્રોમાં ઝીણવટભર્યું કામ હું હોટેલની રૂમ પર આવીને કરતો.
મનાલી (હિ.પ્ર.) |
મનાલી (હિ.પ્ર.) |
મનાલી (હિ.પ્ર.) |
****
મારો સહકાર્યકર રમેશ ભોયા લુહેરી (તા.ધરમપુર) ગામનો. એને ત્યાં મારા બીજા એક- બે સહકાર્યકરો જઈ આવેલા. તેમની પાસેથી મેં એ ગામનું વર્ણન સાંભળેલું. આથી એક વખત ત્યાં જવું એમ નક્કી કર્યું. મે, 2002માં અનુકૂળતા ગોઠવાઈ એટલે અમે ચારે (મારા ઉપરાંત કામિની, શચિ અને ઈશાન) ઉપડ્યા. વલસાડથી ધરમપુર બસમાં આવી ગયા, પણ ધરમપુરથી લુહેરીનો રસ્તો પથરાળ હતો. અહીં જીપ ચાલતી હતી, પણ એ વખતે જીપ મળે એમ નહોતી. અમે મૂંઝાતા હતા. ત્યાંથી રમેશને ફોન કર્યો. રમેશના મોટા ભાઈ શાંતિલાલ ધરમપુર આવેલા હતા. એ બસસ્ટેન્ડ પર જ ઊભેલા. તેમણે અમને ઓળખી પાડ્યા. યાદ છે ત્યાં સુધી તેમની સાથે બીજા એક મિત્ર પણ હતા. અમે ચારે જણ તેમના સ્પ્લેન્ડર બાઈક પર વહેંચાઈને ગોઠવાયા. પથરાળ રસ્તે બાઈક ચલાવવામાં જોખમ હતું, પણ અમે એની મજા માણી. આખરે અમે લુહેરી પહોંચ્યા. સામે જ દેખાતો પર્વત, અને એની ગોદમાં વસેલું આ ગામ. અમને આખું દૃશ્ય જોઈને જ મજા પડી ગઈ. અહીં અમારે બે દિવસ રોકાવાનું હતું એ વિચારે રોમાંચ થઈ આવ્યો. નીચે બનાવેલું પેન ડ્રોઈંગ એ જ દૃશ્યનું છે, જે અમને રમેશના ઘર પાસે પહોંચતાં જ જોવા મળ્યું. એમાં દેખાતા મકાનમાં જ અમારો ઊતારો હતો. સાંજે અમે એ પર્વત પર ચડ્યા અને ત્યાં આવેલી ગુફા પણ જોઈ. ક્યારેક એમાં વાઘ રહેતો હતો અને કદીક ગામ ભણી પણ દેખા દેતો એવી વાત સાંભળી. ઈશાન સાવ અઢી-ત્રણ વરસનો હોવાથી રમેશે એને ઊંચકીને ચડાવવા માટે ખાસ બે માણસોની વ્યવસ્થા કરેલી.
બીજા દિવસે તાડફળીની મિજબાની હતી. ત્રણ-ચાર માણસો સાધન સાથે તાડના ઝાડ પર ચડ્યા અને તાડનાં ફળને કાપી કાપીને નીચે મોકલવા માંડ્યા. અમે ધરાઈને તાડફળી ખાધી. ગામમાં ફળિયું હતું, પણ દરેક ઘર એકમેકથી ઘણાં દૂર. આથી મોકળાશ બહુ લાગતી. રમેશના અમુક સગાં પણ એ જ ગામમાં રહેતા હતા. એમણે અમને ચા પીવા નોંતર્યા અને અમે પણ હોંશે હોંશે એમને ત્યાં જઈને કાવાનો સ્વાદ લીધો.
લુહેરી (તા.ધરમપુર) |
ઉપર જે ઘર દોર્યું છે તેનો આ આગલો ભાગ છે. એમ થાય કે કુદરતની ગોદમાં અહીં જ રહી પડીએ અને ક્યાંય ન જઈએ. પણ એ ક્યાં શક્ય બને છે! આ બન્ને ચિત્રોમાં લુહેરીની યાદગીરી સચવાઈ ગઈ છે.
લુહેરી |
બસ, આ ચિત્રો મારાં એ સમય પૂરતાં છેલ્લાં ચિત્રો બની રહ્યાં. કેમ કે, એ જ વરસે ઑગષ્ટ, 2002માં રજનીકુમાર પંડ્યા સાથે એક જીવનકથાના પ્રોજેક્ટમાં સક્રિયપણે સંકળાવાનું બન્યું. તેને પગલે લેખનની, ખાસ કરીને ચરિત્રલેખનની દિશા નિશ્ચિત બની. 2007થી તો નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ક્ષેત્રાંતર કર્યું અને પૂર્ણ સમયનું વ્યાવસાયિક લેખન આરંભ્યું. પંદરેક વરસ જેટલા અંતરાલ પછી ફરી મેં પેન અને સ્કેચબુક હાથમાં પકડ્યાં એના વિશે મેં અહીં જણાવેલું છે.
હવે એ છૂટુંછવાયું, પણ ચાલુ રહ્યું છે ખરું.
No comments:
Post a Comment