Monday, May 29, 2023

અનાયાસે સર્જાયેલી અનુવાદકાર્યની મૂડી

મારું ક્ષેત્ર ત્યારે સાવ અલગ હતું. શોખ ખાતર પણ લેખનને સ્થાન નહોતું. જે કંઈ લેખન થતું એ પત્રસ્વરૂપે, યા છૂટાછવાયા પ્રસંગોનું આલેખન. આમ છતાં, નિયમીત ધોરણે જે કંઈ કામ થતું એ હતુંં રજનીકુમાર પંડ્યા દ્વારા ઑડિયો કેસેટમાં લેવાયેલા વિવિધ લોકોના ઈન્ટરવ્યૂનું ટ્રાન્સ્ક્રીપ્શન. આમ તો, આ કામ અતિ યાંત્રિક કહી શકાય એવું, પણ મારી પાસે સમયની ખૂબ મોકળાશ હોવાથી એ હું એ રીતે કરતો કે રજનીકુમારનું કામ અતિશય સરળ બની જાય. એ માહિતી પરથી લખાતા લેખ પણ હું નિયમીત વાંચતો, એટલે મને લેખ શી રીતે લખાય, અને લેખમાં અમુક વિગતો મૂકવા માટે ઈન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછવા એની તાલિમ પણ પરોક્ષ રીતે મળતી જતી. એ વખતે સ્થિર સરકારી નોકરીને કારણે કદી લેખનની કારકિર્દી અપનાવવાનું મનમાં હતું નહીં એટલે આ તાલિમનો ઉપયોગ રજનીકુમારને વધુ ને વધુ મદદરૂપ થવા માટે કરવો એવો ખ્યાલ મનમાં હતો. મારી બહુ જ આનાકાની છતાં રજનીકુમાર મને આ કામનું યોગ્ય મહેનતાણું પણ આપતા. હું કહેતો, 'એની કશી જરૂર નથી', ત્યારે રજનીકુમાર ચૅક મોકલે એની સાથે લખતા, 'આ સાથે 'ઈસકી ક્યા જરૂરત થી' યોજના હેઠળ ચૅક મોકલ્યો છે. એ તું વટાવજે, તારી પાસે મૂકી ન રાખતો.'

વાર્તા-કવિતા કે એવો કોઈ પ્રકાર ફાવતો નહોતો, આથી ટ્રાન્સ્ક્રીપ્શન કરવા સિવાયના સમયમાં શું કરવું એ સવાલ બહુ મૂંઝવતો. આથી વાંચન જ પૂરજોશમાં ચાલતું. એવે વખતે ઉર્વીશે કડી-4માં ઉલ્લેખ કર્યો છે એમ સ્વતંત્રતાના પચાસ વર્ષ નિમિત્તે 'વો ભૂલી દાસ્તાં' નામની એક શ્રેણી 'સંદેશ'માં લખી. આ ઉપરાંત કેપ્ટન લક્ષ્મી સહગલનો ઈન્ટરવ્યૂ કરવા તે કાનપુર ગયો ત્યારે નોકરી પરથી રજા લઈને હું પણ તેની સાથે જોડાયો.
કાનપુરથી પાછા આવ્યા પછી કેપ્ટન લક્ષ્મી સાથેની મુલાકાત પર આધારિત પાંચ હપ્તાની શ્રેણી 'ઉન્નત જોશ અવિરત સંઘર્ષ' 'સંદેશ'માં પ્રકાશિત થઈ, તેની સાથેની ફોટોલાઈનમાં 'તસવીર: બીરેન કોઠારી' છપાયું એ જોઈને માપસરનો આનંદ થયેલો.
એ વખતે સમયનો સદુપયોગ કરવાનો એક વિચાર આવ્યો. કેપ્ટન લક્ષ્મીને આ ગુજરાતી લેખશ્રેણી મોકલીએ તો એ કંઈ વાંચી શકે નહીં. આથી તેમને મોકલવા સારું આ શ્રેણીનો હિન્દી અનુવાદ કરવાનું મેં વિચાર્યું. એ દિવસો એવા હતા કે 'વિચારવું'નો અર્થ 'શરૂ કરી દીધું' જ થાય. મને મળતા સમયમાં મેં પાંચે હપતાનો હિન્દીમાં અનુવાદ કર્યો. ઉર્વીશે એ વખતે ઘણા કહેવાય એવા પૈસા ખર્ચીને એને હિન્દીમાં ટાઈપ કરાવ્યો.
આ રીતે ગુજરાતીમાંથી હિન્દીમાં અનુવાદ કરવાની મઝા આવી અને એમ લાગ્યું કે એક જાતની પકડ આવી ગઈ છે. એટલે પછી 'વો ભૂલી દાસ્તાં'ના હપતાનો હિન્દી અનુવાદ શરૂ કર્યો અને જોતજોતાંમાં પૂરો કર્યો. જો કે, આ અનુવાદ ક્યાંય પ્રકાશિત કરવાની ધારણા નહોતી. એ માત્ર ને માત્ર આવડતની ધાર કાઢવા માટે જ કરેલો હતો. આગળ ઉપર પણ આવાં બે-ત્રણ કામ કરેલાં.
એ વાત અલગ છે કે આજે હું ગુજરાતીમાંથી હિન્દી અનુવાદનું વ્યાવસાયિક કામ સ્વીકારતો નથી, પણ જે કેટલાક એવા કામ થયેલાં જોઉં ત્યારે બહુ ત્રાસ ઉપજે છે અને એમ થાય છે કે આના કરતાં તો મેં કર્યું હોત તો સારું થાત.
આગળ જતાં 2007થી મેં નોકરી મૂકીને લેખનને પૂર્ણ સમય માટે અપનાવ્યું ત્યારે રજનીકુમાર માટે કરેલાં ટ્રાન્સક્રીપ્શન ઉપરાંત તેમની સાથે કરેલા જીવનચરિત્રોના કામ અને આવા 'હાથ સાફ કરવા માટે' કરેલાં કામો જ મારી મુખ્ય અને મહત્ત્વની મૂડી બની રહ્યાં.

(કેપ્ટન લક્ષ્મી સહગલની અહીં ઉલ્લેખાયેલી મુલાકાત વર્ણવતો દીર્ઘ લેખ 'સાર્થક જલસો'ના અંક નં.18માં છે.)

Sunday, May 28, 2023

મધમાખી જેવા ઉદ્યમનું પરિણામ

 નિવૃત્તિ અને નવરાશ વચ્ચે ફરક છે, ભલે શબ્દકોશમાં બન્નેનો અર્થ સમાન હોય. 'નિવૃત્તિ'માં 'વૃત્તિવિહીન' થવાનો ભાવ છે, જ્યારે 'નવરાશ'માં 'પ્રવૃત્તિવિહીન' થવાનો ભાવ છે. પણ આપણે કોણ જાણે કેમ, 'નિવૃત્તિ'ને 'પ્રવૃત્તિવિહીનતા' સાથે, અને ખાસ તો 'નોકરીની મુદત પૂરી થવા' સાથે જોડી દીધી છે. પોતાની સારી નોકરી હોવાની વાત કરતાં જેમનો રથ બે વેંત અધ્ધર ચાલતો હોય છે, એવા ભલભલા લોકો નોકરીના બે-ત્રણ વરસ બાકી રહે કે ભયભીત થતા જણાય છે. તેમના ભયનું કારણ એટલું જ કે- 'પછી શું કરીશું? સમય કેમનો જશે?' વગેરે...આવી સર્વવ્યાપી અને સર્વસામાન્ય કહી શકાય એવી માનસિકતા વચ્ચે કેટલાક લોકો આ બધા પરિબળોને અવગણીને સવાયા પ્રવૃત્ત રહે અને કશી અપેક્ષા (વૃત્તિ) વિના નક્કર કામ કરે એ જોઈને આનંદ તો થાય, સાથે પ્રેરણા પણ મળે. ડેરોલમાં રહેતા રમેશભાઈ પટેલ આવી જ વ્યક્તિ છે. આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી તેમને જંપ વળે નહીં, કેમ કે, શિક્ષણ તેમના માટે માત્ર આજીવિકાનું સાધન નહીં, જીવનધ્યેય રહ્યું છે. તેમની સાથે વાત કરવાનો હંમેશા આનંદ આવે, કેમ કે, તેઓ કોઈ ચોકઠામાં બંધાયેલા નથી. મધમાખીની જેમ તેઓ સતત ઉદ્યમશીલ હોય, અને તેને પરિણામે જે નીપજાવે એ મધ જેવું સત્ત્વશીલ હોય. અગાઉ તેમણે 'મધપૂડો' નામનું સંપાદન આપ્યું હતું, જેમાં 'પુસ્તક-વાંચન-પુસ્તકાલય' જેવા વિષય પરનાં લખાણોનો સંચય હતો. 

હવે તેઓ 'મધુસંચય' લઈને આવ્યા છે, જેમાં 'શિક્ષણ-શિક્ષક-કેળવણી-બાળક' આ ચાર વિષય પરનાં વિવિધ લખાણોનું સંપાદન છે. શેમાંથી કર્યું તેમણે આ સંપાદન? આ વિષય પરનાં કુલ 53 પુસ્તકોની તેમણે પસંદગી કરી, જે પોતે જ એક રસપ્રદ પ્રક્રિયા બની રહી. ત્યાર પછી તેમાંથી ચયન કરીને તેને વિષયાનુસાર અલગ કરતા ગયા.

માત્ર શ્રમપૂર્વક જ નહીં, સૂઝપૂર્વક પણ કરવામાંં આવેલા આ ચયનનો પરિપાક એટલે 448 પાનાંનું 'મધુસંચય' પુસ્તક. આ પુસ્તક સળંગ વાંચન માટે હોવા છતાં, તે એક સંદર્ભપુસ્તક તરીકે વિશેષ ખપનું છે. કોઈ પણ પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચી શકાય એવું તેનું આયોજન છે. જે તે વિષય પર વિવિધ તજજ્ઞોના વિચાર પણ જાણી શકાય છે. શું અપનાવવું અને શું નહીં, એ હંમેશાં પોતપોતાની વિવેકબુદ્ધિ પર હોય છે. 

રમેશભાઈના હસ્તાક્ષર 

રમેશભાઈની બીજી ખાસિયત છે તેમના હસ્તાક્ષર, જેનો એક નમૂનો આ સાથે મૂક્યો છે. પુસ્તકની નોંધ તેઓ આ રીતે તૈયાર કરતા જાય એટલે પુસ્તક તૈયાર થતાં અગાઉ નિર્માણ ટીમના પણ મૂક આશિર્વાદ રમેશભાઈને મળતા હશે. એક 'નિવૃત્ત' વ્યક્તિ પોતાને ગમતી પ્રવૃત્તિ કરી શકે એ માટેની મોકળાશ ઘરનાંં સભ્યો આપે એ પ્રશંસનીય ગણાય. રમેશભાઈએ આ પુસ્તક પોતાનાં પરિવારજનોને અર્પણ કરીને પોતાની આ લાગણી વ્યક્ત કરી છે. આ 'મધુસંચય' સંઘરવા જેવું, વાંચવા જેવું, વિચારવા જેવું સંપાદન બની રહે છે. 'મધુસંચય'ને આવકાર, રમેશભાઈને શુભેચ્છાઓ તેમ જ પુસ્તક વસાવનાર સૌને અભિનંદન) 

(પુસ્તકનું પ્રાપ્તિસ્થાન: રમેશ પટેલ, 'સત્યમ્', ગુરુકૃપા સામે, ડેરોલ ગામ રોડ, મુ.પો.ડેરોલ સ્ટેશન, તા.કાલોલ, જિ.પંચમહાલ/ફોન: 98250 35554)

Saturday, May 27, 2023

સાંધ્યગોષ્ઠિ

કોઈ વણખેડાયેલી દિશામાં પહેલવહેલું ડગલું ભરીએ ત્યારે ખ્યાલ નથી હોતો કે એ પગલાં ભૂંસાઈ જશે, એની પર કેડી બનશે કે પછી રાજમાર્ગ! ડગ માંડતાં પહેલાં આમ વિચારીને બેસી રહીએ તો સફર શરૂ થતાં પહેલાં જ સમાપ્ત થઈ જાય.  મને મળેલું એક પુસ્તક જોતાં જ આવા વિચાર આવ્યા. મક્કમ નિર્ધાર સાથે ડગ માંડવામાં આવે, ઉબડખાબડ રસ્તે આગળ વધતા રહેવાય, અનેક આરંભિક મુશ્કેલીઓ આવે, છતાં નાસીપાસ થયા વિના સફર ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ પુસ્તકમાં છે.

વ્યારાના દોઢસો વર્ષ જૂના 'શિવાજી પુસ્તકાલય'માં 1995થી એક અનોખો ઉપક્રમ આરંભાયો. 29 એપ્રિલના દિવસે ડૉ. જયંત પાઠકે 'સાંધ્યગોષ્ઠિ' નામના એ કાર્યક્રમ અંતર્ગત 'સાહિત્યનું સર્જન અને ભાવન' વિષય પર વક્તવ્ય આપ્યું. આ હતું પહેલું કદમ. હવે તેને 24 વર્ષ થવા આવ્યાં અને આ વિશિષ્ટ કાર્યક્રમ અવિરતપણે ચાલતો રહ્યો છે. વ્યારા આમ તો ગુજરાતના છેક છેવાડે આવેલું નગર. આવા સ્થળે વક્તાઓને બહારથી બોલાવવા મુશ્કેલ. એટલે શરૂઆતમાં સ્થાનિક વક્તાઓ વડે આ કાર્યક્રમ આગળ વધતો રહ્યો. પુસ્તકના આરંભે વડીલમિત્ર શાંતિલાલ મેરાઈએ નોંધ્યું છે એમ ક્યારેક સાવ બે શ્રોતાઓ હતા, તો ક્યારેક શ્રોતાઓની પાંખી હાજરીને કારણે વક્તાએ બોલવાનો ઈન્કાર કરી દીધો હોય એમ પણ બન્યું. આ બધી અગવડો વચ્ચે પણ કાર્યક્રમ ચાલતો રહ્યો અને દર મહિનાના ત્રીજા કે ચોથા રવિવારે તે નિયમિતપણે યોજાતો રહ્યો.
ડૉ. દક્ષાબહેન વ્યાસના મંત્રીપદ હેઠળ તેમાં અનેકવિધ આયામો ઉમેરાતા રહ્યા. ધીમે ધીમે બહારના વક્તાઓને પણ નિમંત્રણ મળવા લાગ્યું. વ્યારાના સજ્જ વાચકો સમક્ષ વક્તવ્ય આપવું લહાવો છે. મોટા ભાગના શ્રોતાઓ સમયસર આવી જાય, તલ્લીનતાથી વક્તવ્ય સાંભળે, અને યોગ્ય પ્રતિભાવ પણ આપતા રહે એવો અનુભવ મારો એકલાનો નહીં, મોટા ભાગના વક્તાઓનો રહ્યો છે, એમ પુસ્તકનાં પાનાં ફેરવતાં સમજાયું.
વક્તવ્યના આરંભ અગાઉ જે તે મહિનામાં થયેલી વિશિષ્ટ વ્યક્તિઓના અવસાનની નોંધ લેવાય, વક્તાનો ટૂંકો પરિચય અપાય અને સ્વાગત થાય. આ બધી વિધિ ઝડપથી સંપન્ન કર્યા પછી વક્તા પાસે એકથી સવા કલાક મળે, જે લંબાઈને દોઢ કલાક સુધી પણ પહોંચી શકે. આનો અર્થ એ કે પૂરતી તૈયારી કરીને વક્તાએ જવું પડે. સમય પસાર કરવા માટે ગમે એ બોલી આવે એ ચાલે નહીં. દક્ષાબેન વક્તવ્યની સમાંતરે કાર્યક્રમનો સચોટ અહેવાલ પણ લખતાં જાય, જે પછી 'ગુજરાતમિત્ર'માં પણ મોકલી આપે.
આ કાર્યક્રમમાં મને બે વખત ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. વડીલમિત્ર શાંતિલાલ મેરાઈના સૂચનથી મારે વ્યારામાં જઈને હોમાય વ્યારાવાલાનો પરિચય આપવો એમ નક્કી થયું. હોમાયબેન વિશે જાહેરમાં બોલવાનો એ પહેલવહેલો મોકો હતો. તેમની તસવીરો, વિડીયો ક્લીપ્સ વગેરે પણ બતાવાય તો સારું એમ મેં સૂચવ્યું અને એ બધું લઈને ગયો. શ્રોતાઓને તો મઝા આવી હશે, પણ એટલી જ મઝા મને આવી.
'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિશે વાર્તાલાપ 
બીજી વાર જવાનો સંયોગ પણ વિશેષ હતો. 'ગાંધી 150' અંતર્ગત જાન્યુઆરી, 2019માં મારે 'વ્યંગ્યચિત્રોમાં ગાંધી' વિષય પર બોલવાનું ગોઠવાયું. આ વખતે પણ એ દૃશ્યશ્રાવ્ય રજૂઆત હતી. લેપટોપ હું લઈને ગયેલો, પણ કેબલજોડાણની મુશ્કેલી ઊભી થઈ. સહૃદયી મિત્ર અને પ્રખર વાચક નયનભાઈ તરસરિયા ત્યાં હાજર હતા. હું વક્તવ્યની પૂર્વભૂમિકા જણાવું ત્યાં સુધીમાં તેમણે એક દુકાનદાર મિત્રને ફોન કર્યો, દુકાન ખોલાવડાવી અને કેબલ લઈને એ ભાઈ લાયબ્રેરીમાં હાજર! આ મઝા છે આવા કાર્યક્રમની. અહીં એકની તકલીફ સહુ કોઈની બની જાય, અને તરત તેનો નિકાલ લાવવામાં આવે. સજ્જતા કેવળ શ્રવણ પૂરતી મર્યાદિત નહીં! નાના નગરની અમુક મર્યાદાઓની સામે આવી વિશેષતાઓ અનેક છે.
'સાંધ્યગોષ્ઠિ' નામના આ પુસ્તકમાં નયના શાહ અને મયૂરી શાહે 29-4-95 થી લઈને છેક 19-8-18 સુધીની કુલ 281 સાંધ્યગોષ્ઠિનું સંકલન કર્યું છે. દક્ષાબેનના પરામર્શનમાં તૈયાર થયેલા આ પુસ્તકમાં દસ્તાવેજીકરણની તેમની ચીવટ અને આગ્રહ જોઈ શકાય છે.
મને હંમેશાં લાગ્યું છે કે મોટાં નગરોની સરખામણીએ નાનાં નગરોમાં સાહિત્યિક કાર્યક્રમો વધુ સઘનપણે, નક્કર અને ગંભીરતાથી થતા હોય છે. સૌને અભિનંદન અને આ ઉપક્રમનો એક નાનકડો અંશ બનવાનો આનંદ પણ ખરો.

Friday, May 26, 2023

ભેટમાં મળેલા મિત્ર અને તેમની મૈત્રી

યોગેશભાઈ અને ગીતાબહેન સાથેનો મારો પરિચય માંડ દસકા જૂનો. ખરેખર તો તેમની મૈત્રી મને ભેટમાં મળેલી છે. અમેરિકાસ્થિત હાસ્યલેખક (હવે તો સ્વ.) હરનીશ જાની સાથે મારો ઈમેલ અને બ્લૉગ દ્વારા પરોક્ષ પરિચય. ચોક્કસ યાદ નથી, પણ 2012નો ઉત્તરાર્ધ હોય કે 2013નો પૂર્વાર્ધ, હરનીશભાઈ ભારતની મુલાકાતે હતા. એ દરમ્યાન સુરતથી એક વાર તેમની સાથે ફોન પર વાત થઈ અને તેમણે જણાવ્યું કે પોતે વડોદરા આવવાના છે. નક્કી કરેલા દિવસે તેઓ વડોદરા આવ્યા અને જેમને ત્યાં ઉતર્યા હતાં એ મિત્રને ઘરે મળવાનું નક્કી થયું. સરનામું સમજવા એ મિત્ર સાથે મેં વાત પણ કરી. સરનામું બરાબર સમજીને કામિની અને હું ઉપડ્યાં એ મિત્રનાં ઘેર. હરનીશભાઈ અને હંસાબહેન સાથે પહેલી વાર મુલાકાત થઈ. ખૂબ હસીમજાક કરી. તેમના યજમાનમિત્ર અમારી વાતમાં નડતરરૂપ ન થવાય એમ અમને સહયોગ આપી રહ્યા હતા એ જોઈને બહુ આનંદ થયો અને સારું પણ લાગ્યું. એ મિત્રદંપતી એટલે યોગેશભાઈ અને ગીતાબહેન પુરોહિત. હરનીશભાઈ સાથેની એ રૂબરૂ મુલાકાત પહેલી હતી અને છેલ્લી પણ!

છૂટા પડતાં યજમાન યોગેશભાઈને ઔપચારિકપણે ‘આવજો’ કહ્યું અને સંપર્કમાં રહીશું એમ અમે વાત કરી. જો કે, એટલા અલ્પ સંપર્કે અમારો પરિચય આગળ વધે એ સંભાવના ઓછી. સિવાય કે બેમાંથી કોઈ એક જણ એ માટેની પહેલ અને પ્રયત્ન કરે. એ કામ યોગેશભાઈએ કર્યું. થોડા દિવસમાં જ તેમનો ફોન આવ્યો અને બહુ પ્રેમપૂર્વક તેમણે મળવાનું ગોઠવ્યું. હરનીશભાઈ ગયા, પણ ભેટરૂપે તેઓ પુરોહિત દંપતી સાથેની આનંદદાયી મૈત્રી આપતા ગયા. એ પછી એમની સાથે અનિયમિતપણે, છતાં નિયમિત રીતે મુલાકાત થતી રહી છે. એ મુલાકાતોનાં પરિણામરૂપી સુફળ એટલે ‘મંઝિલ વિનાની સફર’ નામનું આ પુસ્તક. આ પુસ્તકની તેની મંઝિલ સુધી પહોંચવાની સફર પણ રસપ્રદ છે.

2013ના ઑક્ટોબરમાં અમે ‘સાર્થક જલસો’ નામનું છમાસિક આરંભ્યું. એમાં યોગેશભાઈએ અમને ઉમદા સહયોગ કર્યો. તેમની સાથે ઘણી વાર તેમનાં વતન રાજપીપલા અંગે વિવિધ વાતો નીકળતી. એ ધ્યાનમાં રાખીને મેં તેમને રાજપીપલાનાં તેમનાં સંસ્મરણો આલેખવા વિનંતી કરી. તેમણે એ કર્યું પણ ખરું. એ વાંચીને મને બહુ મઝા આવી, સાથે એમ પણ લાગ્યું કે એને હજી વિસ્તારી શકાય એમ છે. બસ, એ પછી એમાં ઝોલ પડ્યો. અલબત્ત, યોગેશભાઈએ એને આગળ વધારીને પોતે એસ.એસ.સી. પાસ થયા ત્યાં સુધી લખ્યું હતું. મારી પાસે એ લખાણ ઘણો સમય પડી રહ્યું.

વચગાળામાં એક વાર તેમણે મારા બ્લૉગ માટે સંગીતકાર જમાલ સેન સાથેનાં પોતાનાં જોડાણ વિશે એક લેખ લખી આપ્યો હતો, જે બહુ વિશિષ્ટ હતો.

યોગેશભાઈએ પોતાનાં સંસ્મરણાત્મક લખાણને પુસ્તિકારૂપે તૈયાર કરવા સૂચવ્યું. તેમનો હેતુ કેવળ પોતાના પરિવાર પૂરતાં દસ્તાવેજીકરણનો હતો. જો કે, સાવ આટલી ઓછી વિગતો મને અપૂરતી લાગતી હતી. આથી અમારી એક બેઠક દરમ્યાન એ બાબતે અમે સંમત થયા કે યોગેશભાઈ આ લખાણને પોતાનાં લગ્નજીવન અને એ પછી બન્ને સંતાનોના જન્મ સુધી આગળ વધારે, જેથી એક ચોક્કસ સમયગાળો તેમાં અધિકૃત રીતે આવરી શકાય. સૂચન સારું હતું, પણ સવાલ તેના અમલનો હતો. યોગાનુયોગે પુરોહિતદંપતીને 2022ના પૂર્વાર્ધ દરમ્યાન પોતાના દીકરા જીગરને ત્યાં દુબાઈ રહેવા જવાનું બન્યું. તેમનું દુબાઈનું રોકાણ ફળદાયી નીવડ્યું. ગીતાબહેને મને જૂન મહિનામાં ખુશીના સમાચાર આપતો સંદેશો મોકલ્યો કે યોગેશભાઈએ લખાણ સંપન્ન કરી દીધું હતું.

ભારત પાછા આવ્યા પછી એ લખાણ વાંચતાં મને જે લાગ્યું તે કંઈક આવું. તેમાં આલેખાયેલી સફર ભલે યોગેશભાઈની વ્યક્તિગત સફર હોય, પણ ખરેખર તો એ એક આખા કાળખંડની, ખાસ કરીને સ્વાતંત્ર્ય પૂર્વેનાં કેટલાંક વરસોની ઝાંખી છે. અભાવ અને ઓછપ નિરપવાદ પરિબળો હતાં, સંસાધનો મર્યાદિત હતાં એવે સમયે એકમેકની હૂંફથી શી રીતે લોકો આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવતાં, એ આજના હાડોહાડ ઉપભોક્તાવાદના યુગમાં માની ન શકાય એવી બાબત લાગે. તેમની આ સફર તેમના એકલા પૂરતી મર્યાદિત ન રહેતાં વાચક પણ તેમાં હમસફર બની રહે છે. તેમણે આલેખેલાં પાત્રો અને માહોલ આપણા માટે અજાણ્યાં હોવા છતાં જાણે કે આપણા પરિચિત બની રહે છે.

હવે આ લખાણને પુસ્તકરૂપ આપવા માટે તેની પર જરૂરી સંસ્કાર કરવાના હતા. એ ધીમે ધીમે કરતા ગયા. 13 મી મે યોગેશભાઈ અને ગીતાબહેનની લગ્નતિથિ હોવાથી એ દિવસે તેનું વિમોચન કરવાનું નક્કી કર્યું. આખરે એ પુસ્તક તૈયાર થઈ ગયું. આરંભ થયા પછી અમારી મૈત્રીનું એક નાનકડું વર્તુળ આમ પૂરું થયાનો આનંદ.

13મે, 2023ની સાંજે, એક અંતરંગ કાર્યક્રમમાં મર્યાદિત સ્નેહીઓ વચ્ચે આ પુસ્તકનું વિમોચન થયું. એ નિમિત્તે યોગેશભાઈ અને ગીતાબહેનને શુભેચ્છાઓ.


Thursday, May 25, 2023

પાંચસોમા મુકામે

(12 જૂન, 2011ના રોજ આરંભાયેલી 'પેલેટ'ની સફરનો આ પાંચસોમો મુકામ આવતાં બાર વર્ષ થયાં. આ નિમિત્તે એક અનોખા મિલન- ના,પુનર્મિલનની વાત લખતાં જુદો જ રોમાંચ અનુભવાય છે. ) 

કબ કે બિછડે હુએ હમ આજ યહાં આકે મિલે....

આ ઘટનાનું બીજ કોવિડ કાળમાં રોપાયેલું. લૉકડાઉન વખતે અમારા બાળગોઠિયાઓની મંડળી 'આઈ.વાય.સી.' (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)ની જુનિયર ગેંગે પ્રસ્તાવ મૂક્યો કે અમારે અમારી મૈત્રીની વાત છેક શરૂઆતથી માંડવી, જેથી એ સૌને સળંગસૂત્રે આખી વાત જાણવા મળે. એ કામ માટે મારું નામ સૂચવાયું. જુનિયર ગેંગની જિજ્ઞાસા સાચી હોવાની ખાતરી કર્યા પછી એ ઉપક્રમ શરૂ થયો. રોજ હું આઠ-દસ મિનીટની એક બે ઑડિયો ક્લીપમાં વાત કરતો અને અમારા વૉટ્સેપ ગૃપમાં મૂકતો. બાળપણમાં (કે ત્યાર પછી પણ) અમે કંઈ એવાં પરાક્રમ નથી કર્યાં કે નથી એવી કોઈ મોટી સિદ્ધિઓ મેળવી. છતાં ચાર- સાડા ચાર દાયકાની મૈત્રીની વાત છેક આરંભથી કરીએ ત્યારે એમાં એક પેટર્ન ઉપસે જ. રોજેરોજ એ ક્લીપ મૂકાય, જુનિયર ગેંગના અમુક સભ્યો સાંભળે અને એનો પ્રતિભાવ આપે. આ રીતે અમારા માધ્યમિક ધોરણનાં વરસોની વાત આવી. આ વરસોની વાત આવે એટલે મગનભાઈ સાહેબનો ઉલ્લેખ અનિવાર્ય બને.

મગનભાઈ એમ. પટેલ (એમ.એમ.પટેલ) અમને ગણિત-ભૂમિતિ ભણાવતા. સ્વભાવે કડક અને પ્રેમાળ. તેમની ભણાવવાની પદ્ધતિ એવી કે ભણાવેલું યાદ જ રહી જાય. તેઓ માત્ર ચૉક અને ડસ્ટર લઈને જ વર્ગમાં આવતા. અમુક શબ્દો કે શબ્દપ્રયોગો તેમના ખાસ. સહેલા દાખલાને તેઓ 'દાખલી' કહેતા.
પોતાના હોશિયાર અને હોશિયાર નહીં એવા વિદ્યાર્થીઓ પર તેમને પૂરેપૂરો ભરોસો. જેમ કે, અમારા બધામાં અજય ચોકસીનું ગણિત સૌથી પાકું. એક વખત મગનભાઈ ગણિત ભણાવતા હતા અને અમારા આચાર્ય કાંતિલાલ દેસાઈસાહેબ વર્ગમાં આવ્યા અને છેક પાછલી બૅન્ચ પર ગોઠવાઈ ગયા. મગનભાઈ સાહેબે પોતાનો મુદ્દો ભણાવવો પૂરો કર્યો કે પાછળથી દેસાઈસાહેબ કહે, 'મગનભાઈ, એક રકમ બૉર્ડ પર લખો.' આમ કહીને તેમણે એક રકમ લખાવી. એ રકમ લખતાં જ મગનભાઈ કહે, 'આ તો અમારો અજય હમણાં જ ગણી કાઢશે. ચાલ, અજય! આવી જા.' અજય બૅન્ચ પરથી ઊભો થયો, બ્લેકબૉર્ડ પાસે ગયો અને બૉર્ડ પર દાખલો ગણી આપ્યો. દેસાઈસાહેબ ખુશ. તેઓ અજયની પીઠ થાબડીને બહાર નીકળવા લાગ્યા ત્યારે મગનભાઈ તેમને કહે, 'જોયું ને, સાહેબ! નવનીત ક્લાસ છે આ તો.' દેસાઈસાહેબે હજી વર્ગની બહાર પગ મૂક્યો કે અમે સૌએ મગનભાઈને પૂછ્યું, 'સાહેબ, નવનીત એટલે શું?' અરેરે! મગનભાઈ હસી પડ્યા અને અર્થ સમજાવ્યો.
મગનભાઈ સાહેબની શૈલી એવી કે નિયત સમયે તેઓ અમુક પ્રકરણ તૈયાર કરી લાવવા જણાવે અને ચોક્કસ દિવસે એ પૂછે પણ ખરા. સામાન્ય રીતે ગણિત-ભૂમિતિનો પિરીયડ વચ્ચે- એટલે રીસેસ પછી હોય. આવા વચ્ચે આવતા પિરીયડમાં તેઓ આખા વર્ગના વિદ્યાર્થીઓને બહાર મેદાનમાં લીમડા નીચે લઈ જાય. ત્યાં પાંચ-પાંચ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના જૂથ બનાવે. અને કહે, 'પ્રદીપ, આમના પ્રમેય તું મોઢે લઈ લે.' 'બીરેન, આ લોકોના તું લઈ લે.' 'અજય, તારે આ લોકોના પ્રમેય મોઢે લેવાના.' 'મનીષ, આ પાંચ જણના પ્રમેય તું લઈ લે.' પણ અજય, બીરેન, પ્રદીપ, મનીષના પ્રમેય કોણ મોઢે લે? કોઈ નહીં. મગનભાઈ સાહેબ બધે ફરતા રહે અને જુએ કે બધું બરાબર ચાલી રહ્યું છે કે કેમ. તેમની ધાક જ એવી કે સૌ તૈયારી કરીને જ આવે.
અમારા પૈકીનો વિપુલ 8, 9 અને 10માં નડિઆદ ભણવા ગયેલો. પણ દસમા ધોરણમાં તેણે મહેમદાવાદ સેન્ટર ભરેલું. મગનભાઈ સાહેબ તેને ઓળખે ખરા. બૉર્ડની ગણિતની પરીક્ષા વખતે વિપુલના વર્ગમાં સુપરવાઈઝર તરીકે મગનભાઈ સાહેબ આવ્યા. વિપુલે પોતાનો બેઠક નંબર લખવામાં કંઈક ભૂલ કરી. મગનભાઈ સાહેબ તેને હિંમત આપતાં બોલ્યા, 'તું તો હોશિયાર વિદ્યાર્થી છો. ગભરાયા વગર લખજે.'
દસમા ધોરણમાં મગનભાઈ સાહેબ વિજ્ઞાન લેતા. એ વખતે ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન- એમ ત્રણે આવતાં. સાહેબ કહે કે અમુક દિવસે અમુક પાઠ તૈયાર કરી લાવવાના. એ દિવસે જે ગેરહાજર રહે એની પણ સાહેબ નોંધ લે. "ફલાણો કેમ નથી આવ્યો?"
"સાહેબ, એની તબિયત બરાબર નથી."
"એની તબિયતને આજે જ બગડવાનું થયું?"
અમુક તોફાની વિદ્યાર્થીઓ પર મગનભાઈનો વિશેષ પ્રેમભાવ. અમારો મુકો (મુકેશ પટેલ) એમને બહુ પ્રિય. મુકાનું નામ એમણે 'મઠિયો' પાડેલું. મુકાને કશું ન આવડે તો પણ મગનભાઈ એને પ્રેમથી કહે, 'મઠિયા, આ કરી લાવજે.' એક વખત મગનભાઈના વર્ગમાં મુકલો બૅન્ચ પર માથું ઢાળીને ઊંઘતો હતો. બીજા કોઈની આવી જુર્રત જ નહીં કે મગનભાઈના વર્ગમાં આ રીતે ઊંઘવાનું વિચારે! પણ આ તો 'મઠિયો'. મગનભાઈનું ધ્યાન એની પર પડ્યું એટલે કહે, 'જો, પેલો મઠિયો સાલો ઊંઘે છે. એને જગાડતા નહીં. આપણે એના ચહેરા પર પૃથ્વીરાજ ચૌહાણ જેવી મૂછ બનાવીએ.' તેમણે પોતાની ઈન્કપેન વડે સુતેલા મૂકાના ચહેરા પર પૃથ્વીરાજ ચૌહાણ જેવી મૂછ બનાવી. પછી એને જગાડતાં કહે, 'ઉઠ મઠિયા! સાલા ઊંઘે છે?' મૂકો જાગ્યો, પણ ગભરાવાને બદલે સહેજ હસી પડ્યો. એને હસતો જોઈને વર્ગના બધા જ હસવા લાગ્યા. એટલે મગનભાઈ કહે, 'જા, જઈને મૂછો કાઢી આવ.' મૂકાને પછી સમજાયું કે સાહેબે એના ચહેરા પર મૂછો ચીતરી છે. એટલે એ ગયો અને મોં ધોઈને પાછો આવી ગયો.
મગનભાઈ સાહેબ અમદાવાદથી ટ્રેનમાં અપડાઉન કરતા. સવારમાં ગુજરાત એક્સપ્રેસ કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તેઓ આવતા. અમારી સવારની સ્કૂલ હોય ત્યારે ટ્રેનના સમયે ઘણા છોકરા બારી તરફ જોતા રહે. મગનભાઈસાહેબ ન દેખાય તો એ દિવસે એમનો પિરીયડ ફ્રી છે એની ખબર પડી જાય.
અગિયારમા ધોરણમાં અમારે જર્નલ તૈયાર કરવાની રહેતી. અમે અમુક વિદ્યાર્થીઓની જર્નલ એટલી સુંદર રીતે લખાયેલી રહેતી કે મગનભાઈસાહેબ તેને બારમા ધોરણના વિદ્યાર્થીઓમાં ફેરવતા અને કહેતા કે જુઓ, જર્નલ આ રીતે લખાય.
મગનભાઈ સાહેબની આવી બધી વાતો ઑડિયો ક્લીપમાં કરી તેને પગલે એ ખ્યાલ આવ્યો કે શાળા છોડ્યા પછી તેમની સાથેનો સંપર્ક જ રહ્યો નથી. ચાલો, તેમને શોધીએ, મળીએ. અમે લોકો અગિયારમા ધોરણમાં હતા ત્યારે અમારું રસાયણશાસ્ત્ર લેતા મગનભાઈએ એ જ વરસે, 1980માં મહેમદાવાદની શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલ છોડેલી. એ વાતને આજકાલ કરતાં ચચ્ચાર દાયકા થયા. પણ એમને શોધવા ક્યાં? કોના દ્વારા?
અજયે એ બીડું ઝડપ્યું અને મેહુલ ઢગટ (ઢગટસાહેબનો દીકરો) પાસેથી સહેલાઈથી તેમનો ફોનનંબર મળી ગયો. અજયે તેમની સાથે વાત કરી, પોતાનો પરિચય આપ્યો. સ્વાભાવિક છે કે ચાર દાયકા પછી મગનભાઈને અમે ભાગ્યે જ યાદ હોઈએ. એ પછી મેં પણ ફોન પર તેમની સાથે વાત કરી.
રૂબરૂ મળવા જવાનું આજ ગોઠવીએ, કાલ ગોઠવીએ એમ કરતાં કરતાં બે અઢી વરસ વીતી ગયાં. આખરે ગઈ કાલે, 20 મે, 2023ને શનિવારે એ સુયોગ ગોઠવાયો.
મગનભાઈ સાહેબ
અજય, વિપુલ અને હું- અમે ત્રણે અગાઉથી જાણ કરીને ખાસ મગનભાઈ સાહેબને મળવા માટે જ ઊપડ્યા. મનીષ (મંટુ)ની ઈચ્છા હોવા છતાં તેને અનુકૂળતા ન હોવાથી એ જોડાઈ ન શક્યો. સાંજના પોણા છની આસપાસ અમે પહોંચ્યા. સરનામું શોધવામાં સહેજ આઘાપાછા થયા કે મગનભાઈ બહાર રસ્તે આવીને ઊભેલા. તેમને દૂરથી જોતાં જ અમે ઓળખી ગયા. મગનભાઈ સાહેબના શારિરીક બાંધામાં ખાસ ફરક ન જણાયો. ફક્ત વાળની સફેદી હતી. તેમની એંસી વર્ષની વયે એટલું તો હોય જ ને!
મગનભાઈ અને સ્નેહાબહેન
(ડાબેથી) બીરેન, મગનભાઈ, સ્નેહાબહેન, અજય
(ડાબેથી) વિપુલ, મગનભાઈ, સ્નેહાબહેન અને અજય

તેમણે અને તેમનાં પત્ની સ્નેહાબહેને અમને બહુ પ્રેમપૂર્વક આવકાર્યા. સ્નેહાબહેન અમદાવાદની એસ.એલ.યુ.મહિલા આર્ટ્સ કૉલેજ સાથે લાંબો સમય સુધી સંકળાયેલાં રહ્યાં હતાં અને હજી અનેક ક્ષેત્રે તેઓ પ્રવૃત્ત છે. ઉપર લખી એ બધી વાતો અમે તાજી કરી અને તેમને જણાવી. મહેમદાવાદ છોડ્યા પછી તેમનો સંપર્ક ખાસ રહ્યો નહોતો. એ પછી તેઓ નારણપુરા, અમદાવાદમાં આવેલી વિજયનગર હાઈસ્કૂલમાં જોડાયા હતા અને ત્યાંથી જ નિવૃત્ત થયા હતા. સ્વાભાવિકપણે જ અમે કહ્યું એમાંનું કશું જ તેમને યાદ નહોતું. આમ છતાં, 43 વર્ષના અંતરાલ પછી અમે એકબીજાને મળી રહ્યા હતા એનો રોમાંચ જબરો હતો. તેમની શારિરીક સ્વસ્થતા જોઈને અમને આનંદ થયો.
એક-સવા કલાકના એ સમયમાં અમે ભૂતકાળની અનેક વાતો તાજી કરી. અમારા સૌના પરિવાર અંગે તેમણે પૃચ્છા કરી એમ પોતાના પરિવારની વિગતો પણ જણાવી. અમારી કિશોરાવસ્થાનો એક આખો હિસ્સો એ રીતે થોડા સમય પૂરતો સજીવન થયો. અમારી મુલાકાતની યાદગીરીરૂપે નાનકડું સ્મૃતિચિહ્ન આપવાનું અમે નક્કી કરેલું, જે તેમણે થોડી આનાકાની પછી પ્રેમવશ સ્વીકાર્યું.
એકબીજાના સંપર્કમાં રહેવાનું જણાવી અમે છૂટા પડ્યા ત્યારે સૌના ચહેરા પર એક જુદા જ પ્રકારની ખુશી છવાયેલી હતી.

(ડાબેથી) અજય, મગનભાઈ, બીરેન અને વિપુલ
(પાછળ દેખાતું 'એમ.એમ.પટેલ'નું નામ.
આ જ નામની સહી અમારી જર્નલમાં જોવા મળતી.)

Saturday, May 6, 2023

કવિતાબવિતા (20)

 એક વહેલી સવારે, બારેકની આસપાસ મીર તકી મીર અને મજરૂહ સુલતાનપુરી પર 'દાગ' દહલવીનો ફોન આવ્યો. એમણે કહ્યું, 'જુઓ, આજે સાંજે 'મરીઝ'ની બર્થડે પાર્ટી છે, ને તમારે બન્નેએ ખાસ આવવાનું છે.' 'મરીઝ'ની પાર્ટીમાં શું શું પીરસાશે એ વિચારે બેય શાયરો ખુશ થઈ ગયા. તેમણે આવવાનું વચન આપ્યું, ત્યાં 'દાગે' કહ્યું, 'પણ હા! તમે 'મરીઝ'ને હમણાં ફોન ન કરતા. કેમ કે, આપણે એમને સરપ્રાઈઝ આપવાનું છે.' આ સાંભળીને બેય શાયરો લથડી પડ્યા. 'અરે હા! યાદ આવ્યું કે આજે સાંજે જ અમારે ગાલિબચાચાને ત્યાં કંકોતરી લખવા જવાનું છે. એટલે આવવાનું નહીં ફાવે.' 'દાગ'ને કંઈ સમજાયું નહીં.

એ મોડી સાંજે, છની આસપાસ મીર તકી મીર અને મજરૂહસાહેબ 'બેઠા' ત્યારે મજરૂહસાહેબે કહ્યું, 'મીરસા'બ, ગર આપકો એતરાજે-બુલંદ ન હો તો આપકા એક મુખડા લેકર મૈં ગીત લિખના ચાહતા હૂં. ઈજાજત હૈ?' મીર તકી મીરે ચૂસકી લેતાં કહ્યું, 'મજરૂહસા'બ, આપ જો ભી લિખના ચાહો, લિખો. સરપ્રાઈઝ પાર્ટીમેં જો હોતા ઉસસે તો આપ બહેતર હી લિખોગે. ફરમાઈએ.'
ત્યાર પછી જે લખાયું એ આ...
पत्ता पत्ता बूटा बूटा, प्लान हमारा जाने है
जाने ना जाने, ‘फूल’ ही ना जाने, लोग तो सारे जाने है
चुपके से कोई बुलाये,
तो क्यों गंभीर बनते है लोग,
कोई किसी को देना
सरप्राईज चाहे तो आते हैं लोग,
दीवाना आलम है सारा
यहां तो कोई हमारा
सरदर्द नहीं पहचाने रे ...पत्ता पत्ता बूटा बूटा
पहचाने लोग मिलेंगे
चलता रहेगा ये सिलसिला
हम तो इसी तरह से,
देंगे सरप्राईज का प्याला,
ये रिश्तेदार जोखिम उठाए,
ये रिश्तेदार उनको बताए,
क्रेज़ी मगर कब माने है...पत्ता पत्ता बूटा बूटा
दिखलाएंगे उन्हींको,
आते है कैसे लोग और,
कैसे न तुम आओगे,
पैसा चूकाएगा क्या कोई और,
अभी आए हुए लोगों की,
भूखे प्यासे लोगों की
बात कोई क्या जाने है...पत्ता पत्ता बूटा बूटा...

(મીર તકી મીરના મુખડાને લઈને મજરૂહ સુલતાનપુરીએ લખેલા, લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે સંગીતબદ્ધ કરેલા 'એક નઝર' (1972)ના ગીત પરથી પ્રેરીત, લખ્યા તારીખ: 10-12-2019)

Friday, May 5, 2023

કવિતાબવિતા (19)


ભીંત બાબતે વાત કરતાં લોકો ભીંત ભૂલે છે
તહાં ભીંત તૂટી પડી ને ચોર દબાયા ચાર તોય તકલીફ
નીમાયું એનું શીઘ્ર તપાસપંચ,
તપાસનો રેલો પહોંચ્યો કડિયાથી છેક 'પાતળે અંગ મુલ્લા' સુધી,
પણ ન્યાય એટલે ન્યાય એ ન્યાયે,
શોધવા ગયા કોઈ 'જાડો નર',
'હું ચઢું', 'હું ચઢું'ની મીઠી તકરારમાં
'ચઢીએ અમો' કહીને હોંશે હોંશે ચડ્યો ભૂપ શૂળીએ.
બીજી ભીંત કહેતાં દીવાલ એટલે કે 'દીવાર'ની કથા જુઓ,
'મેરા બાપ ચોર હૈ'થી શરૂ થયેલી વ્યથાની કથા,
પહોંચે છે 'ભાઈ, તુમ સાઈન કરોગે યા નહીં' સુધી,
ગાડી, બંગલા, મોટરની સામે ઝૂકે છે પલ્લું માના હોવાનું અને,
રચાય છે 'મેરે પાસ માં હૈ'નો યાદગાર સંવાદ,
મા બને છે દિવાલ, જેની બેય બાજુ છે બે ભાઈઓ,
કારકિર્દી એમની અલગ, બલ્કે વિરોધી,
'આજ બહોત ખુશ તો હોંગે તુમ' સાંભળીને પ્રેક્ષકો પાડે છે તાળીઓ.
ત્રીજી દિવાલ એવી છે જે તૂટતી નથી,
ન ડંડાથી, ન ધોકાથી કે ન ડાઈનામાઈટથી,
ના, એ ચીનની દિવાલ નથી, મારા ચીનના શાહુકાર,
જાવેદકાકાએ લખેલું કે દિવાર જો હમ દોનોં મેં હૈ આજ ગિરા દે,
એમનું લખેલું બોલે છે બચ્ચનકાકા,
પણ કરવા જાય છે બિચારા બમનશા,
છેલ્લે ખબર પડે છે કે આ દિવાલ અમુકતમુક સિમેન્ટની છે,
એ તૂટે નહીં કદી, તૂટવાની પણ નથી, આથી
નિ:સાસો નાખીને પૂછે છે, 'ભૈયા, યે દિવાર તૂટતી ક્યૂં નહીં હૈ?'
અને પશ્ચાદભૂનો અવાજ જણાવે છે, 'તૂટેગી કૈસે?'
હવે તમે જ કહો, કે અમદાવાદની આ ભીંતને નથી કાન,
છતાં લોકો કરતા રહે ભીંતભડાકા,
ભલે હોય એમની તાવડીમાં તડાકા,
મારતા રહે ભીંતમાં લાત,
અને આ ભીંતને અમથા ચડાવતા રહે ભીંતે,
પણ તમે જ વિચારો,
એ તૂટીને પડવાની છે ?
અને એની નીચે કોઈ ચોર દબાવાનો છે?
ત્યાં ઉભું રહીને કોઈ પૂછવાનું છે કે તુમ્હારે પાસ ક્યા હૈ?
લાકડાના બેટથી કોઈ એને તોડવા જવાનું છે?
અને એ ન તૂટવાની ફરિયાદ નોંધાવવાનું છે?
બહુ બહુ તો એની પર ચીતરાશે ચશ્માવાળા ગાંધી,
જે બોલતા કંઈ નથી, મૂછમાં મલકાયા કરે છે,
બસ તો, ગાંધીબાપો મલકાતો રહે એટલે બહુ!
એ દુ:ખી થાય એ ચલાવી ન લેવાય.

(લખ્યા તારીખ: 19-2-2020, સંદર્ભ: અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત)