Monday, October 24, 2016

ગુઝરા હુઆ ઝમાના: કે.કે.ની વિદાય અને કેટલીક અંગત સ્મૃતિઓ

કૃષ્ણકાન્‍ત ભૂખણવાલા (કે.કે.) 

૧૫-૯-૧૯૨૨ થી ૨૪-૧૦-૨૦૧૬ 

આજે સાંજે આઠેક વાગ્યાના સુમારે કે.કે.સાહેબની વિદાયના સમાચાર વારાફરતી સુરતના હરીશ રઘુવંશી, રોહિત મારફતીયા અને બકુલ ટેલરે આપ્યા એ સાથે જ કેટકેટલી સ્મૃતિઓ એકસામટી ધસી આવી અને ફિલ્મની પટ્ટીની જેમ ફરી ગઈ. ગયા મહિને જ તેમણે ૯૪ વરસ પૂરાં કરીને ૯૫ માં પ્રવેશ કર્યો હતો. આરંભે પરિચય, ત્યાર પછી નિકટતા અને પછી આત્મીયતામાં ફેરવાયેલો આ એક વિશિષ્ટ સંબંધ હતો. ૨૦૧૨ના જૂનમાં તેમણે 'ગુજરાતમિત્ર'માં સાપ્તાહિક કોલમરૂપે પ્રકાશિત થયેલાં સંભારણાં 'ગુઝરા હુઆ ઝમાના'ને પુસ્તકરૂપે આલેખવાની મંજૂરી આપી એ અગાઉ ત્રણેક મહિના સુધી અમારી વચ્ચે મીઠી ખેંચતાણ ચાલી હતી. આખરે તેમની પ્રત્યેક શંકાઓનું સમાધાન, અને આગ્રહોને માન આપ્યા પછી એ કામ શરૂ થયું. 
એકાદ મહિના સુધી દરરોજ બપોરે સાડા ચારે તેમનો ફોન આવે અને ફોન પર તેમની મેન્યુસ્ક્રીપ્ટ તેઓ વાંચતા જાય. વચ્ચે હું સવાલો પૂછું, નોંધ ટપકાવું, અને પ્રકરણોમાં ક્યાં તોડજોડ કરવી છે એ ચર્ચા કરું. માત્ર અંગત યાદગીરી માટે ઉતારેલી આ નાનકડી ક્લીપમાં સ્વાભાવિકપણે જ કે.કે.સાહેબ સદેહે ઉપસ્થિત નથી, પણ ફોનમાં તેમનો ગૂંજતો અવાજ સાંભળી શકાય છે.



બહુ વિશિષ્ટ કાર્યપદ્ધતિ દ્વારા થયેલું આ સંપાદન પૂરું થયા પછી તેના પુસ્તકની વાત આવી. 'સાર્થક પ્રકાશન'નો જન્મ ત્યારે થયો ન હતો. તેથી આ મેન્યુસ્ક્રીપ્ટ વિવિધ પ્રકાશકોને બતાવવી એમ નક્કી થયું. એ અગાઉ મેન્યુસ્ક્રીપ્ટના અમુક મુદ્દાની ચર્ચાઓ, પુસ્તકનું કદ, લે-આઉટ વગેરે ચર્ચવા માટે અમે મળ્યાં. અપૂર્વ આશરે ડિઝાઈન કરેલું કેપ્ટન નરેન્‍દ્ર ફણસેનું અદ્‍ભુત પુસ્તક 'જિપ્સીની ડાયરી' રૂપરંગ અને કદની રીતે તેમની નજરમાં વસ્યું હતું. 



ત્યાર પછી સુરત જ્યારે પણ જવાનું થાય એટલી વાર તેમને મળવાનું નક્કી જ હોય. પછી એમ બનતું કે હરીશભાઈ પણ તેમને ત્યાં જ આવી જતા. રજનીકુમાર પંડ્યા (ડાબે) સાથે લીધેલી સુરતની એક મુલાકાત દરમિયાન લીધેલી આ તસવીર.  


સુરતની એક મુલાકાત દરમિયાન ઉર્વીશ- હરીશભાઈ- કે.કે. 



સુરતના મિત્રો પણ કે.કે.ને એટલો જ આદર આપે. તેમને જ્યારે મળવા જઈએ ત્યારે હસીમજાક ચાલતી રહે અને બીજી ઘણી વાતો પણ. આવી એક મુલાકાત દરમિયાન બકુલ ટેલર (ડાબે) અને હરીશ રઘુવંશી (જમણે)ની વચ્ચે કે.કે. 


સાર્થક પ્રકાશનનો આરંભ થયો અને ૬ એપ્રિલ, ૨૦૧૩ના રોજ યોજાયેલા વિમોચન સમારંભમાં 'સાર્થક'નાં સૌ પ્રથમ ચાર પુસ્તક પૈકીના એકમાં 'ગુઝરા હુઆ ઝમાના'નો સમાવેશ થતો હતો. ત્યાર પછી તરત ૨૦ એપ્રિલ,૨૦૧૩ના રોજ 'ગુઝરા હુઆ ઝમાના'નું વિમોચન સુરતમાં યોજાયું. આ કાર્યક્રમ અગાઉ અમે તેમના ઘરે ગયા અને 'તેરા તુજકો અર્પણ'ના ભાવ સાથે તેમને હાથોહાથ 'ગુઝરા હુઆ ઝમાના'ની પ્રતિ ભેટ આપી. ત્યારની સૌની ખુશખુશાલ મુદ્રા. વચ્ચે ઉભેલા તેમના પુત્ર સુપ્રતિમભાઈ.  



પુસ્તકની પ્રત તેમને હાથોહાથ આપ્યા પછી યાદગીરીરૂપે તેની પર લીધેલા તેમના હસ્તાક્ષર. બીજી રીતે કહીએ તો લેખકે સંપાદકને આપેલા હસ્તાક્ષર. 


 ત્યારે એક અભિનેતા ઉપરાંત એક ઉમદા માનવ તરીકે સુરતની જનતામાં તેમનો કેટલો આદર છે તેનું પ્રત્યક્ષ પ્રમાણ જોવા મળ્યું. તેમના આગમન સમયે સૌએ કોઈની પૂર્વસૂચના વિના સહજતાથી ઉભા થઈને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો. 


સુરતના મિત્રોને મળવાનું કાયમી ઠેકાણું એટલે 'વીન્‍ટેજ વેટેરન્‍સ' ક્લબ. કે.કે.સાહેબ અને હરીશભાઈ અહીંના માનદ્‍ સભ્યો. દર મહિનાના પહેલા રવિવારે ફિલ્મની સાથે સાથે મોટે ભાગે સુરતી ભોજનની રંગત હોય. પણ એ બધાથી ટપે એવું રોહીતભાઈ મારફતિયાનું નિમંંત્રણ-કમ-આગ્રહ-કમ-વિનંતી-કમ-ધમકી. આ સ્થળ એવું કે અહીં હરીશભાઈ, બકુલભાઈ, રોહીતભાઈ, કે.કે.સાહેબ, શાંતિભાઈ મિસ્ત્રી, હર્ષવદન ભગતજી જેવા અનેક રસિકો એક સાથે અને એક સ્થળે મળી જાય. ગપશપ, ફિલ્મ અને ભોજનના આ દૌરમાં કે.કે.સાહેબ મોટે ભાગે હોય અને આ ત્રણેય ચીજોનો બરાબર આસ્વાદ માણે.
આવા એક કાર્યક્રમમાં (જમણેથી) રોહીતભાઈ, હરીશભાઈ, કે.કે. શાંતિભાઈ.



સપ્ટેમ્બરની ૧૫મીએ તેમનો ૯૪ મો જન્મદિન હતો, અને યોગાનુયોગે એ દિવસે ગુરુવાર આવતો હતો, જે મારી 'ગુજરાતમિત્ર'ની કોલમનો દિવસ હતો. સુરતના મિત્રો સવારે કેક લઈને તેમને ત્યાં પહોંચી ગયા, એટલું જ નહીં, ત્યાંથી ફોન પર મારી સાથે વાત કરાવી અને તેઓ વાત કરતા હોય એવી તસવીર પણ લઈને મને મોકલાવી. એ વખતે મેં ફોનમાં કરેલી 'કેક વીથ કે.કે.' ની મજાક તેમણે પણ માણી. 

 


પરિચિતોને કે.કે. યાદ રહેશે પોતાના ગરવા, સૌજન્યશીલ અને સાલસ સ્વભાવથી. તેમનાં આલેખેલાં ફિલ્મી જગતનાં આ સંભારણારૂપે તેઓ અક્ષરદેહે પણ આપણી વચ્ચે રહેશે. 


આવા સ્વજન ગુમાવવાનું દુ:ખ સૌને હોય એ સમજાય એમ છે, છતાં કુદરતના કાનૂનને માન્ય રાખવો રહ્યો. આશ્વાસન કેવળ એટલું કે તેમને જરાય પથારીવશ રહેવું ન પડ્યું, જેનો તેમને બહુ ડર લાગતો. 
તેમનાં પરિવારજનો પુત્ર સુપ્રતિમભાઈ, પુત્રવધૂ રેણુકાબેન અને પ્રપૌત્રી પરીશીએ તેમની ઉત્તરાવસ્થામાં બરાબર દરકાર લીધી અને કે.કે.ના મિત્રોને હસતે મોંએ આવકારીને આગતાસ્વાગતા કરતા રહ્યા. 
કે.કે.ના પૌત્ર સુદીપભાઈ દુબઈ છે. તેઓ આવતી કાલે બપોરે આવે એવી સંભાવના છે. આવતી કાલે (૨૫ ઓક્ટોબરે) બપોર પછી કે.કે.ની અંતિમ યાત્રા નીકળશે. 

(કે.કે. વિશે વિવિધ સમયે લખેલી  વિવિધ બ્લૉગપોસ્ટ આ લીન્‍ક પર  વાંચી શકાશે. ) 

Sunday, October 23, 2016

ખાદીના આદી

-ઉત્પલ ભટ્ટ 

(અમદાવાદના મિત્ર ઉત્પલ ભટ્ટનો ખાદીના ફાયદા સમજાવતો અને એ ખરીદવામાં શું ધ્યાન રાખવુંં, એ સમજાવતો લેખ.) 

શાળા-કોલેજમાં હતા ત્યારે ઓક્ટોબરની રાહ 'ગાંધી જયંતી'ની રજા માટે જોવાતી. છેલ્લા સાતેક વર્ષોથી (કેનેડાથી ભારત પરત ફર્યા પછી) ઓક્ટોબરની રાહ ખાદી પર મળતા ૧૫% થી ૨૫% ડિસ્કાઉન્ટ માટે જોઉં છું. ગાંધીજીને ભણતાં-જાણતાં થયાં ત્યારથી 'ખાદી' શબ્દ મગજ પર છવાતો થયો. ગાંધીજીને સાચી રીતે સમજતાં તો ઘણાં વર્ષો લાગ્યાં (એ સતત ચાલતી પ્રક્રિયા છે). ૨૦૦૯-૨૦૧૦માં કેનેડાથી હમેશ માટે અમદાવાદ પરત ફર્યો ત્યારે ગરમીને કારણે ખૂબ હેરાન થવાતું હતું. કેનેડાની સરેરાશ માઇનસ ૨૦ ડિગ્રી ઠંડીમાં ઘણા વર્ષો રહ્યા પછી પ્લસ ૪૦ ડિગ્રી ગરમીમાં શરીરને ઢાળવું અઘરૂં કામ હતું.  કૉટન કપડાંમાં પણ જોઇએ તેવી મઝા નહોતી આવતી. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલાં મારાં ફોઈ ડૉ. ઉષા ભટ્ટ વર્ષોથી ખાદી પહેરતાં હોવાથી 'ખાદી' એક કાપડ તરીકે ધ્યાનમાં હતી . ઓક્ટોબર, ૨૦૧૦ માં ખાદી સેલમાંથી ફક્ત 'ટ્રાય' કરવા માટે સુતરાઉ ખાદીનું શર્ટનું કાપડ ખરીદ્યું, મિત્ર જયેશ પાસે સીવડાવ્યું અને 'યુરેકા' ……..! ગરમીનો ૯૦% પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો. જયેશ ઘણી વખત કહેતો , "સાવરકુંડલાની ખાદી લાવો, કાપડ ખૂબ ઠંડક આપશે." ત્યારે મને થતું કે કાપડ ક્યારથી ઠંડક આપતું થઇ ગયું? પરંતુ ખાદીનું એક શર્ટ પહેરવાથી તનની અને મનની તમામ સમસ્યાનું સમાધાન થઇ ગયું. (કોઇ અઘોરી તાંત્રિકની મદદ લેવાની જરૂર પડી!!)


ત્યારથી માંડીને આજ સુધી ખાદી ભંડારની મુલાકાતો નિયમિતરૂપે સતત વધતી ગઇ છે. જે ઝડપે અને જે રીતે બીજા તમામ પ્રકારના કાપડનો નિકાલ કરીને મારા વોર્ડરોબમાં ખાદીએ માનભેર સ્થાન લીધું છે તે જોતાં તો માનવું પડે કે ખાદી વસ્ત્ર નથી, વિચાર છે.’ આઝાદીની લડત પહેલાંથી ગાંધીજીએ ખાદીનો ભરપૂર પ્રચાર કર્યો હતો અને સમયે મોટા ભાગના લોકો ખાદી પહેરતાં. આઝાદી પછી રાજકારણીઓએ ગાંધીજીનું નામ વટાવી ખાવા સફેદ ખાદી પહેરવી શરૂ કરી અને કારણે જાણે-અજાણે આપણા મનમાં ખાદી તરફ સૂગ પેદા થતી ગઇ. ‘ખાદી તો રાજકારણીઓ કે સમાજસેવકો પહેરે પ્રકારની એક માનસિકતા બહોળા સમુદાયમાં ગેરસમજ તરીકે ફેલાઇ અને વિસ્તરણ પામી. પરંતુ જેમ ભગવા રંગ પર ફ્કત ભાજપનો ઇજારો નથી તે રીતે 'ખાદી' બ્રાન્ડ પર ફક્ત રાજકારણીઓનો ઇજારો નથી.

બીજું કારણ નાનું, છતાં મહત્ત્વનું છે અને એ છે ખાદી ભંડારના કર્મચારીઓનો અભિગમ. અલબત્ત, અમુક ખાદી ભંડારો અને ઘણા કર્મચારીઓ આમાં અપવાદ હશે, છતાં બહુમતિની વાત છે. ખાદી ભંડારના કર્મચારીઓને પોતાને ત્યાંની વસ્તુઓ વેચવામાં રસ નથી, એ વેચાય તેનો આનંદ નથી એવી એક સર્વસામાન્ય છાપ ગ્રાહકને પડતી હોય છે- નવાસવા ગ્રાહકોને વિશેષ. શુષ્કતા અને નીરસપણાને અતિક્રમી જઈને છેક નિર્લેપતાની હદે તેમનું વલણ જોવા મળે. પરાણે દેખાડતા હોય એમ વસ્તુ દેખાડવી, પૂરતા વિકલ્પ ન હોવા, એ ક્યારે ઉપલબ્ધ બનશે તેની જાણકારી ન હોવી વગેરે બાબતો ગ્રાહકોને ખાદીભંડારનાં પગથિયાં ફરી વખત ચડતા કરવાથી દૂર રાખે છે. 'ખાદી' શબ્દ સાંભળીને આપણા જેવા સામાન્ય માણસોને વણકર, રોજગારી, સ્વદેશી અને ગાંધીજી યાદ આવી જાય, પણ મોટા ભાગના કર્મચારીઓ તેનાથી જોજનો દૂર હોવાનું જણાય.
વધુ એક મુદ્દો ખાદીભંડારમાંથી તૈયાર લીધેલાં કપડાંનો છે. અહીંથી તૈયાર લીધેલા સદરા, શર્ટ વગેરેની સિલાઈ ઘણી વાર સાવ કાચી, સાંધામાંથી ખેંચાઈ ગયેલી અને માર્જિનનું કપડું નહીંવત હોવાને કારણે તેને મશીન મારવાનું મુશ્કેલ બની જાય એ સામાન્ય સમસ્યા છે. ગ્રાહક ખાદી ખરીદે ત્યારે તેની ભાવના એક ચળવળને પ્રોત્સાહન આપવાની હોય, સાથે નાણાંની સામે એક પેદાશ પણ તે ખરીદે છે. પોતે ખર્ચેલા નાણાં મુજબની વસ્તુ મેળવવાનો તેનો હક અને એ આપવાની આપનારની ફરજ બની રહે છે. જો કે, અંગત મત જણાવું તો ખાદીનું કાપડ ખરીદીને તેને સિવડાવવું ઉત્તમ વિકલ્પ છે. 
અન્ય એક મુદ્દો પણ અનાયાસે યાદ આવી જાય છે. આપણે ત્યાં છાશવારે યોજાતા સમારંભોમાં અતિથિઓનું સ્વાગત સૂતરની આંટીથી કરવાનો રિવાજ છે. સન્માનરૂપે પુષ્પગુચ્છ, પુસ્તકો, શાલ કે મેમેન્‍ટો પ્રત્યે ચીડ વ્યક્ત કરનારા ઘણા અતિથિઓ આ આંંટીઓ ઘેર લઈ જાય છે. સૂતરની આંટી એક રીતે કાચો માલ છે. આ આંંટીઓ અમુક જથ્થામાં થાય ત્યારે તે ખાદી ભંંડારમાં આપી શકાય એવી વ્યવસ્થા છે કે કેમ એ ખબર નથી, પણ મારા એક મિત્રના જણાવ્યા મુજબ ખાદી ભંંડારવાળા એ સ્વીકારતા નથી. આ આંટીઓ રીસાયકલ ન થઈ શકે? તેના વજન મુજબ તેની કિંમત ગણીને એટલી કિંમતની ચીજવસ્તુ ભંંડારમાંથી આપી ન શકાય? ભલે ને એ ખાદીનો હાથરૂમાલ કેમ ન હોય! પૂરતા જથ્થામાં આંટીઓ હોય તો એ જ આંટીનું વણાટ કરીને કાપડ ન બની શકે? 'તો આનું કરવું શું?' એમ પૂછતાં એ મિત્રને એક ખાદી ભંડારમાંથી જવાબ મળ્યો, 'કશું નહીં! ફેંકી દેવાની!' આવો જવાબ સાંભળતાં આઘાત લાગે. ખાદી બોર્ડના સત્તાવાળાઓએ આ બાબતે કશું વિચારવાની જરૂર હોય એમ લાગે છે. 
આ મુદ્દાઓ ખાદી માટે ભાવ રાખનારાઓને આકર્ષવા માટે અતિ મહત્ત્વના છે. 
આજે તો કેટકેટલા પ્રકારનું ખાદીનું કાપડ બજારમાં ઉપલબ્ધ છે. સાવરકુંડલાની ખાદી, ગીર-ગઢડાની ખાદી, ગોંડલ ખાદી, સુતરાઉ ખાદી, પરપ્રાંતીય ખાદી, રેશમપટ્ટી ખાદી, હરિત ચરખાની ખાદી. બધાથી ઉપર હવે તો ખાદી ડેનિમ નીકળ્યા છે. તાજેતરમાં વાંસના રેસામાંથી ખાદીનું કાપડ બનાવવાનું શોધાયું છે જે તમામ પ્રકારની ખાદીમાં સૌથી વધુ મુલાયમ સાબિત થયું છે. ટૂંકમાં નાના બાળકો, યંગ જનરેશન અને વડીલો સુધીના તમામને શોભે તેટલા પ્રકારની ખાદી ઉપલબ્ધ છે. રૂ. ૧૨૦૦ થી ૧૮૦૦ પ્રતિ મીટરના અતિ મોંઘા ભાવે મળતું ઇજીપ્શીયન કોટન પહેરો અને જેવી ઠંડક મળે તેવી ઠંડક રૂ. ૧૫૦ થી ૩૦૦ પ્રતિ મીટરના ભાવે મળતી ખાદી આપશે. ખાદી એટલે સફેદ એવુંય હવે તો રહ્યું નથી. અનેકવિધ મનભાવન રંગોમાં ખાદી મળી રહી છે. હા, ખાદીનું કાપડ થોડુંક ઢીલું લાગે પરંતુ કાંજી કરેલી ખાદી પહેરો તો કાપડની ઢીલાશ ગાયબ. ખાદી શરીરને જરાય કરડતી નથી.

ખાદીનું આટલું બધું માર્કેટિંગ કરવાના કારણોય જાણી લોઃ
() સૌ પ્રથમ તો 'કમ્ફર્ટ' માટે. એક્દમ હલકું અને અદભૂત ઠંડક આપતું વસ્ત્ર હોવાને કારણે ભારત જેવા ગરમ પ્રદેશમાં પહેરવા માટે ખૂબ યોગ્ય.
Image result for khadi bhandar
() વિવિધ રંગ-જાતોમાં ઉપલબ્ધ હોવાને કારણે 'ફેશન વસ્ત્ર' તરીકે પહેરવા માટે ઉત્તમ. જીન્સના વિકલ્પે ઘણા સસ્તા એવા ખાદી ડેનિમ પહેરી શકાય.
() પ્રકારના ઠંડક આપતા બીજા કાપડની સામે કિફાયતી દામ. (ઓક્ટોબર-નવેમ્બર દરમ્યાન ભારત સરકારનું 'ખાદી બોર્ડ' ડિસ્કાઉન્ટ આપે છે તેનો પણ લાભ લો.)
() ખાદી ટકાઉ કાપડ છે. રોજ પહેરશો તો પણ બે વર્ષ તો ચાલશે .

() સૌથી અગત્યનો મુદ્દો -- તમે ખરીદેલું દરેક કાપડ/ખાદી વસ્ત્ર હાથશાળના કારીગરોના (વણકરો) ઘરોમાં ઉજાસ ફેલાવશે. ખાદીના વેચાણ દ્વારા થતી આવક 'ખાદી બોર્ડ' દ્વારા સીધી હાથશાળના કારીગરોને પહોંચે છે. વણકર શબ્દ અને પ્રજા નામશેષ થાય તે જોવાની જવાબદારી આપણી છે.
ખાદી ખરીદીને મહેનતુ વણકરોને આડકતરી મદદ પણ કરી શકશો, સાથેસાથે (કેવળ પૈસા ખર્ચીને જ) 'સ્વદેશી' ચળવળમાં ભાગ લેવાનો આનંદ પણ લઇ શકશો. ખાદીના એક વસ્ત્રથી શરૂ કરો, ધીમેધીમે બાકીનો વોર્ડરોબ આપોઆપ ખાદીનાં વસ્ત્રોથી ભરાતો જશે, એવો જાતઅનુભવ છે. ઘરમાં પહેરાતા ઝભ્ભા, સદરા પણ ખાદીના પહેરશો તો હલ્કાફૂલ રહેવાશે. હું તો કહું છું કે તમે પોતે ખાદી પહેરો, સાથેસાથે તમારા વર્તુળમાં બીજાઓને પણ ખાદી પહેરવા પ્રોત્સાહિત કરો. ખાદી પ્રત્યેની સૂગ કે અણગમો (જો હોય તો) સાવ કાઢી નાખો. ખાદી તરફનું આવું ટ્રાન્સફોર્મેશન બધી રીતે લાભદાયી રહેવાનું છે. ખાદી એક અનોખું-સ્વદેશી-ફેશનેબલ વસ્ત્ર છે. મારા મતે તો ઓક્ટોબર-નવેમ્બરના ડિસ્કાઉન્ટ દરમ્યાન ખાદી ભંડારો, ખાદી સરિતાઓ, ખાદી ગ્રામોદ્યોગો પર માનવ મહેરામણ ઉમટી પડવો જોઇએ. વર્ષથી ખાદી ભંડારમાં ક્રેડિટ કાર્ડ પણ સ્વીકારાય છે. ટૂંકમાં ખાદી તમારી પાસે આવવા માટે તમામ રીતે ફ્લેક્સિબલ બની છે, તો એને સ્વીકારવા એક હાથ તમે લંબાવો.

દીવાળી નિમિત્તે એક નમ્ર અરજ છે. દીવાળીમાં ખાદીનું એક વસ્ત્ર ખરીદો અને હાથશાળના કોઇક કારીગરના ઘરમાં ઉજાસ ફેલાવો. આટલું તો તમે કરી શકશો. શરૂઆત કરી દો, ખાદીના ચાહક થઇ જવાશે તેની બાંહેધરી.

(પૂરક વિગત: બીરેન કોઠારી) 
(તસવીરો નેટ પરથી)