Sunday, March 13, 2022

કેરળના કાર્ટૂનિસ્ટ (1) : અબુ અબ્રાહમ

રાષ્ટ્રીય સ્તરના રાજકીય કાર્ટૂનિસ્ટિમાં કેરળના કાર્ટૂનિસ્ટો અગ્રક્રમે રહ્યા છે. ભારતીય કાર્ટૂનિંગના પિતામહ ગણાતા કે.શંકર પિલ્લાઈ કેરળના હતા. તેમના સાપ્તાહિક 'શંકર્સ વીકલી' થકી અનેક કાર્ટૂનિસ્ટો તૈયાર થયા. રાષ્ટ્રીયની સાથોસાથ પ્રાદેશિક સ્તરે પણ કેરળમાં જે હદે કાર્ટૂનક્ષેત્રે ખેડાણ થયું છે એ ભાગ્યે જ અન્ય કોઈ રાજ્યમાં થયું હશે.  જો કે, એ કાર્ટૂનો મલયાલમ ભાષામાં હોવાને કારણે એ માણી શકાતાં નથી. આ શ્રેણીમાં કેરળના કેટલાક કાર્ટૂનિસ્ટોની શૈલીનો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. તેમની શૈલીનો પરિચય મળે એટલા પૂરતાં થોડાં કાર્ટૂનો અહીં મૂકીશ. વધુ રસ પડે તો નેટ પર એ શોધી શકાશે. જે કાર્ટૂનિસ્ટોની સહી સાથે પણ વિશિષ્ટ સંબંધ બંધાઈ ગયેલો હોય એ કેવા દેખાતા હશે એ કુતૂહલ સંતોષવાનો પણ પ્રયત્ન અહીં કરીશ. 

મારીઓ મિરાન્‍ડાએ બનાવેલું અબુનું કેરિકેચર  

કેરળના કાર્ટૂનિસ્ટોની એક આગવી શૈલી અને છટા હોય છે. તેમનાં રેખાંકનોમાં ડીટેઈલ ઓછી અને જાડી રેખાઓ વધુ જોવા મળે. એ કાર્ટૂનોને સમજવા માટે પણ સજ્જતા જોઈએ, કેમ કે, એ 'નિર્દોષ' નહીં, હાડોહાડ રાજકીય હોય છે. રાજકીય સંદર્ભની મર્યાદિત સમજવાળા (મારા જેવા) માટે એ સમજવા મુશ્કેલ પડે. અબુ અબ્રાહમ કેરળ સ્કૂલ (શૈલી)ના કાર્ટૂનિસ્ટ હતા. તેમનાં કાર્ટૂનમાં અતિ મર્યાદિત શબ્દો હોવા છતાં તે અત્યંત વેધક રહેતા.

અબુએ બનાવેલું પોતાનું કેરિકેચર 

'પ્રાઈવેટ વ્યૂ' નામની પૉકેટ કાર્ટૂનની તેમની શ્રેણીમાં બે નેતાઓનાં પાત્રો સામાન્ય રહેતાં. એમના ચહેરા અનાયાસે ચૌધરી ચરણસિંહ અને રાજનારાયણ જેવા હતા. આ પૉકેટ કાર્ટૂનમાં પણ અબુ ઓછામાં ઓછું લખાણ લખતા.



કાર્ટૂનિસ્ટો આર્ષદૃષ્ટા નથી હોતા, પણ વક્રદૃષ્ટા હોય છે- હોવા જોઈએ. આ કાર્ટૂનોને એના પછીના શાસકોથી લઈને છેક અત્યાર સુધીના શાસકોના શાસનકાળ સાથે સરખાવી જોઈએ તો ખ્યાલ આવે કે કાર્ટૂનમાં ફક્ત ચહેરા જ બદલાય છે, પરિસ્થિતિ નહીં.







**** 

જેમ કોઈ સાહિત્યિક સર્જનની પ્રતિરચના કે અનુસર્જન થતું હોય એમ કાર્ટૂનમાં પણ બને છે. અમુક સમયગાળે બનેલું કોઈ કાર્ટૂન એવું સચોટ બની રહે કે એનો સંદર્ભ લઈને એની પરથી કાર્ટૂન બનતાં રહે.
25 જૂન, 1975ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી અને એ માટેના વટહુકમ પર તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદે મધરાતે સહી કરી હતી.
અબુ અબ્રાહમે બનાવેલું રાષ્ટ્રપતિનું કાર્ટૂન આજ દિન સુધી સતત ચર્ચાતું રહ્યું છે, જેમાં ફખરૂદ્દીન બાથટબમાં રહ્યે રહ્યે સહી કરી રહ્યા છે અને કહે છે, 'વધુ વટહુકમ પર સહી કરવાની હોય તો એમને રાહ જોવાનું કહો.' આ કાર્ટૂન એવું વેધક છે કે એ એક માપદંડ સમું બની રહ્યું છે.

અબુનું મૂળ કાર્ટૂન 
                              
આ કાર્ટૂનનો સંદર્ભ આપીને બનેલાં બીજાં બે કાર્ટૂન થોડા સમય પહેલાંનાં છે. અબુ અબ્રાહમનું મૂળ કાર્ટૂન જોયા પછી નીચેનાં બન્ને કાર્ટૂન બરાબર માણી શકાશે.
આ કાર્ટૂન હેમંત મોરપરિયાએ બનાવેલું છે. 

હેમંત મોરપરિયાનું અનાવેલું કાર્ટૂન 

આ કાર્ટૂનમાં નામ નથી, પણ શૈલી પરથી એ આર.પ્રસાદનું જણાય છે.


આર.પ્રસાદનું બનાવેલું કાર્ટૂન 

No comments:

Post a Comment