Monday, February 6, 2012

ચાંપાનેર: ઈતિહાસના પાનામાં લટાર


            અગાઉની પોસ્ટ દ્વારા આપણે ઈતિહાસના પાનામાં પ્રવેશ કર્યો. ઘણા મિત્રોએ એમાં રસ દેખાડ્યો એટલે થયું કે પ્રવેશ કર્યા પછી એમાં લટાર પણ મારીએ. એટલે આ વખતે થોડી વાત માત્ર ચાંપાનેરની કરવાનો ઈરાદો છે. આમ તો, ચાંપાનેર વિષે નવું શું લખવું એ સવાલ છે. ચાંપાનેર અંગેની કથા કરતાંય દંતકથાઓ વધુ પ્રચલિત છે. સૌથી પ્રચલિત અને રાબેતા મુજબની માન્યતા એ છે કે મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે, વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે.. જો કે, આ બાબત પુરાણની હોવાથી તેમજ ગરબાના ઢાળમાં બંધબેસતી હોવાથી એટલા પૂરતી મનોહર લાગે છે. અકબર/ Akbar ના દરબારના નવ રત્નોમાંના એક અને વિખ્યાત ગવૈયા તાનસેન સામે ટક્કર લેનાર અલગારી ગાયક બૈજુ બાવરા/ Bajiu Bawra  ચાંપાનેરનો વતની હોવાની એક માન્યતા છે. આ નગરના નામ અંગે પણ ત્રણેક થિયરી પ્રચલિત છે. અહીંના લાલાશ પડતા પથ્થરોનો રંગ ચંપક (સોનચંપો) ફૂલના રંગ જેવો હોવાથી તેનું નામ ચાંપાનેર પડ્યું. બીજી વાયકા મુજબ, ગુજરાત પ્રદેશના રાજા વનરાજ ચાવડાના મિત્ર અને દીવાન ચાંપા વાણિયાના નામ પરથી આ નગર ચાંપાનેર તરીકે ઓળખાયું. આ બન્ને ઉપરાંત ચાંપા નામના ભીલ અગ્રણીના નામ પરથી આ નગરનું નામ ચાંપાનેર હોવાનું પણ મનાય છે. એમ તો, આમીર ખાન/ Aamir Khan ની લગાન’/ Lagaan ફિલ્મના કાલ્પનિક ગામડાનું નામ પણ ચાંપાનેર જ હતું.
નામ જે રીતે પડ્યું હોય એ રીતે, પણ પાવાગઢ/ Pavagadh  અને તેની તળેટીમાં વસેલા ચાંપાનેર/ Champaner નું ગુજરાતના ઈતિહાસમાં વિશિષ્ટ મહત્વ રહ્યું છે.
આ વિસ્તારમાં ઉત્ખનન દરમ્યાન પાષાણ યુગના અવશેષો મળી આવ્યા છે, તો મૈત્રક શાસકોના જમાનાના સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઈ.સ.૧૩૦૦ ની આસપાસ પાવાગઢનો વિસ્તાર ચૌહાણ વંશના શાસકોના હાથમાં આવ્યો, જેમના શાસનનો કુલ ગાળો ૧૮૪ વરસનો હતો. ચાંપાનેર પડાવવા માટે અહમદશાહે/ Ahmedshah ઈ.સ. ૧૪૧૮ અને ૧૪૨૦માં કૂચ કરી હતી, પણ તેને સફળતા મળી નહોતી. ફરી એક વાર તે ૧૪૩૧માં ચડી આવ્યો,અને વધુ એક વાર ખાલી હાથે પાછો ગયો.
૧૪૫૦માં મહંમદ બીજાએ અહીં ચડાઈ કરી અને નીચેનો ગઢ કબજે કર્યો. જો કે, તેણે છેવટે ગોધરા જતું રહેવું પડ્યું. ચાંપાનેરનો છેલ્લો રાજપૂત શાસક હતો પતાઈ રાવળ/ Patai Rawal. જેને ગુજરાતના સુલતાન નાસીરૂદ્દીન મહેમૂદશાહે પરાસ્ત કર્યો. મહેમૂદશાહે આ કિલ્લાને વીસ વીસ મહિના સુધી ઘેરો ઘાલેલો રાખ્યો અને પોતાની ભીંસ વધારતો ગયો. એપ્રિલ, ૧૪૮૩ થી ડિસેમ્બર, ૧૪૮૪ સુધી ચાલેલા આ ઘેરા પછી પતાઈ રાવળનું પતન થયું. મહેમૂદશાહે ચાંપાનેરને પોતાની બીજી રાજધાની બનાવ્યું અને તેનું નામ આપ્યું મેહમૂદાબાદ.
પાવાગઢ જીતેલા મહેમૂદશાહનું ઉપનામ ત્યાર પછી બેગડો (બે ગઢ- જૂનાગઢ અને પાવાગઢને જીતનાર) પડ્યું અને ઈતિહાસમાં તે મહંમદ બેગડા’ / Mahmud Begada તરીકે જાણીતો થયો.
આ એ જ મહંમદ બેગડો હતો, જેણે અમદાવાદની દક્ષિણે બારેક કોસ દૂર આવેલી વાત્રક/ Vatrak નદીને કાંઠે ૧૪૬૫માં એક નગર વસાવડાવેલું, જે તેના એક ઉમરાવ મલેક મહેમૂદ નિઝામે વસાવેલું. આ નગરનું નામ પણ સુલતાનના નામ પરથી મેહમૂદાબાદ રાખવામાં આવેલું.
બિચારા મહેમૂદશાહને ક્યાં ખબર હતી કે તેના વસાવેલા આ જ નગરમાં બરાબર પાંચસો વરસ પછી (૧૯૬૫માં) એક બાળકનો જન્મ થવાનો છે, આ બાળક મોટો થઈને ૪૭મા વરસે પેલેટ નામનો એક બ્લોગ શરૂ કરવાનો છે અને એ બ્લોગની બાવનમી પોસ્ટમાં મહેમૂદશાહની વાત લખવાનો છે. આ નગર હાલ મહેમદાવાદ’/ Mahemdavad તરીકે ઓળખાય છે.
એ રીતે જોઈએ તો અમારી મુલાકાત ભલે ચાંપાનેરની હતી, પણ મારા માટે તો એ બીજા મહેમદાવાદની જ મુલાકાત હતી. ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા પ્રકાશિત ચાંપાનેર પરની પુસ્તિકામાં ચાંપાનેર અંગે માત્ર આઉટલાઈન જેવી માહિતી અપાયેલી છે.
તેમાં જણાવ્યા મુજબ મહેમૂદ બેગડાના શાસનકાળમાં ચાંપાનેરની સમૃદ્ધિ ખીલી, પણ તે અલ્પજીવી નીવડી. મોગલ બાદશાહ હુમાયુ/ Humayun એ અહીં આક્રમણ કર્યું અને ત્યાર પછી પાટનગર અમદાવાદ ખસેડાયું. એ પછી મહેમૂદ ત્રીજાએ સમ્રાટ અકબરના શાસનકાળ દરમ્યાન ચાંપાનેર ફરી કબજે કર્યું. પછી શાહ મિરઝાએ પણ ચાંપાનેર પર શાસન કર્યું, પણ ત્યાર પછી બહુ ઝડપથી ચાંપાનેર ઉજ્જડ થતું ગયું.
એમ તો ૧૭૧૭માં આ નગર  કૃષ્ણાજી કદમના હાથમાં આવ્યું અને ત્યાર પછી સિંધીયા/ Scindia ના હાથમાં ગયું. ૧૮૫૩માં છેવટે તે અંગ્રેજોને સુપરત કરાયું.
સાલવારીનો આ ઘટનાક્રમ દેખીતી રીતે કદાચ શુષ્ક લાગે, પણ રસપ્રદ છે. પહેલી નજરે જોઈએ તો મુસ્લિમ રાજાઓએ અહીં સ્થાયી શાસન કર્યું હોય એમ જણાતું નથી. બીજી વાત એ કે આ વિસ્તારમાં જે સ્થાપત્યો છે, એ કંઈ બે-ચાર વરસમાં તૈયાર થઈ શક્યા હોય એમ પણ લાગતું નથી. તેની વિશાળતા, પથ્થરો પરનું કોતરકામ, કમાનો, ગુંબજ વગેરેનું માળખું જોતાં સહેજે જણાય કે આ કામ વરસોવરસ ચાલ્યું હશે. વધુ નવાઈ તો એ વાતે લાગે છે કે માંડ આઠ-દસ કિલોમીટરની ત્રિજ્યાના, પ્રમાણમાં સાવ નાના વિસ્તારમાં આટલી બધી સંખ્યામાં આવાં કળાત્મક બાંધકામો (મુખ્યત્વે મસ્જિદ) બાંધવા પાછળ શી ગણતરી હશે? શહેરી મસ્જિદ, નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ અને જામી મસ્જિદ તો સાવ પાસપાસે છે. એમ બને કે એક શાસકના કાળમાં શરૂ થયેલું બાંધકામ તેના પછીના શાસકે આગળ વધાર્યું હોય અને તેણે પોતે પણ નવું બાંધકામ શરૂ કરાવ્યું હોય!
આ બધા સવાલો એવા છે કે જેમાં સાચા જવાબ મળવા અઘરા છે અને સાચા જવાબ મળે તોય અનુમાનો કરવાની મઝા જુદી છે.
આ વખતે ચાંપાનેરના તળેટી વિસ્તારનાં જ થોડાં વધુ સ્થાપત્યોની તસવીરી યાત્રા કરીએ. પાવાગઢ (ડુંગર) પરનાં સ્થાપત્યોની વાત ફરી ક્યારેક કરીશું. કેમ કે, અમુક જોયાં છે, તો અમુક હજી જોવાના બાકી છે.
વડોદરાથી હાલોલ/ Halol જતો ટોલ રોડ પસાર કરીએ એટલે એક ટ્રાફિક સર્કલ આવે છે. અહીંથી સીધો રસ્તો હાલોલ ગામમાં થઈને નીકળે છે, જ્યારે જમણે વળતો રસ્તો હાલોલ બાયપાસ કરીને ચાંપાનેર તરફ લઈ જાય છે. આ રસ્તા પર નાનકડાં ખેતરોમાં વળિયારી, મકાઈ ઉગેલાં જોવા મળે છે. પણ અહીંના ટ્રાફિક સર્કલની ડિઝાઈન જોઈને જ મનમાં ચાંપાનેર ફીલ થવા લાગે.


સર્કલ વટાવ્યા પછી ચાંપાનેર પહોંચવા માટે ઉતાવળે ભાગવાની જરૂર નથી. જમણે સાવ નજીક દેખાતું પાવાગઢનું દર્શન આપણને જકડી રાખે છે.


ચાંપાનેર જતા મુખ્ય માર્ગ પર આવી ગયા પછી ધીમે ધીમે જ વાહન ચલાવવું જરૂરી છે. છેલ્લા થોડા સમયથી અહીંની ઈમારતોમાં સમારકામ ચાલી રહ્યું છે અને જે તે ઈમારતનું નામ અને રસ્તો સૂચવતાં પાટિયાં રસ્તાની ધારે લગાડેલાં છે. દૂરથી દેખાતો આ મિનારો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવો લાગે છે.



થોડે આગળ જતાં એનું નામ અને એ તરફની દિશા દેખાડતું પાટિયું જોવા મળે છે. પાટિયું વાંચતા ખબર પડે છે કે એ છે એક મિનારની મસ્જિદ’.


આ મસ્જિદમાં છેક ઉપર સુધી જઈ શકાય એવાં પગથિયાં છે. જો કે, પુરાતત્વ ખાતાએ પગથિયાં આગળના મુખ્ય દરવાજાને લોખંડના કોલેપ્સીબલ દરવાજાથી બંધ કર્યો છે. માલિકીભાવના નહીં તો બીજું શું? 
આ વિસ્તારમાં પાણીના સંગ્રહ માટે તળાવ ઉપરાંત કૂવા અને વાવ પણ બનાવાયેલાં છે, જે બહુ કળાત્મક છે. મુખ્ય માર્ગ પર થોડે આગળ જતાં આવે છે હેલીકલ વાવ’. 



પુરાતત્વ ખાતાએ ભમ્મરિયા વાવને બદલે આવું નામ કેમ રાખ્યું હશે?
આ વાવમાં ઉતરવાની મનાઈ છે, પણ રખેવાળને વિનંતી કરીએ અને આપણા ચહેરા પરથી એમને લાગે કે આપણે 'આત્મહત્યા, આત્મહત્યા' નહીં રમીએ તો આપણને થોડે સુધી જવા દેવામાં વાંધો નથી લેતા.


વાવ વટાવ્યા પછી આવે છે સકર ખાનની કબર. 




સકર ખાન કોણ હતા અને જીવતે જીવ શું પામ્યા એની ખબર નથી, પણ મરણ બાદ આવી ભવ્ય કબર તેમના નામે બનાવવામાં આવી એનો અર્થ એવો થઈ શકે કે તેમના વારસદારો મહત્વના હોદ્દે હશે?





ચાંપાનેરના કોટ વિસ્તારમાં દાખલ થતાં શહેરી મસ્જિદ છે. અને તેનાથી થોડે આગળ એક બંધ રસ્તા પર છે માંડવી નામે ઓળખાતું બાંધકામ. અહીંની તકતીમાં જણાવ્યા મુજબ અસલમાં શાહી વિસ્તારને અન્ય વિસ્તારોથી અલાયદો રાખવા માટે બંધાયેલા આ બાંધકામનો ઉપયોગ મરાઠાઓ ચુંગીઘર (કસ્ટમ હાઉસ) તરીકે કરતા હતા.




ચાંપાનેરના કોટ વિસ્તારમાં ફરી લીધા પછી બહાર નીકળીએ એટલે સામે જ જામી જ મસ્જિદ છે, પણ અહીંથી ડાબે આવે છે કેવડા મસ્જિદ અને નગીના મસ્જિદ.
મકાઈના ખેતરો ખૂંદીને ખુલ્લા એકાંતમાં ઉભેલી આ ભવ્ય મસ્જિદ સુધી પહોંચી શકાય છે.

જામી મસ્જિદની તસવીરો તો અગાઉ મૂકી હતી. આ મસ્જિદથી થોડે આગળ વડા તળાવ (બડા તળાવ?) નામનું તળાવ છે. અહીં ઉભેલા બાંધકામમાં અનેક ગુજરાતી ફિલ્મોનાં ગીતો ફિલ્માવાયાં છે. તળાવની પશ્ચાદભૂમાં દેખાતા પાવાગઢને ગિરનાર તરીકે પણ અનેક ફિલ્મોમાં દેખાડાયો છે. આ વખતે વડા તળાવ જવાને બદલે રસ્તામાં કમાની મસ્જિદનું પાટિયું જોયું એટલે એ દિશામાં વળી ગયા.


ગ્રીન ટનલ જેવો રસ્તો વટાવીને અડધો કિલોમીટર પહોંચ્યા પછી મસ્જિદનો પાછળનો ભાગ દેખાયો.


પણ પગથિયાં ચડીને આગળ જતાં જ કમાની મસ્જિદ નામ કેમ પડ્યું હશે એ જાણવા મળી ગયું.


આ અદભૂત ઈમારતનું હાલ સમારકામ ચાલી રહ્યું છે. અને ધ્રાંગધ્રાના પથ્થરો વડે તેનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે, જેમાં મૂળ સ્થાપત્યમાં હતી એવી જ ડિઝાઈન બનાવવામાં આવે છે. પથ્થરના દરેક ટુકડાને ચોક્કસ નંબર આપી દેવાય છે.
હજી તો નજરે ન પડ્યાં હોય એવાં અનેક સ્થાપત્યો છે. એ (મારી) નજરે પડે ત્યારે એની વાત. એક બાબત જો કે, લખવાનું મન થાય છે. ઘણી ઈમારતોમાં પુરાતત્વ ખાતાએ લોખંડના દરવાજા મૂકી દીધા છે, જે મોટે ભાગે ખુલ્લા જ રહે છે. આવા લોખંડના દરવાજા આખી ઈમારતના ઐતિહાસિક દેખાવને બગાડી નાંખે છે. અને જે હેતુ માટે એ મૂકાયા હશે એ તો સચવાતો જ નથી. આમાં આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયા/ Archaeological Survey Of India ની દૃષ્ટિવિહીનતા કારણભૂત હશે કે કોઈ ઐતિહાસિક પરંપરાને જાળવી રાખવાની ટેક?
આ તસવીરો જોઈને કોઈને આ સ્થળે જવાની ઈચ્છા થાય, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત જેવાં શહેરોથી સાવ નજીક આવેલા આ સ્થળે એકાદ દિવસ ગાળવાની ઈચ્છા થાય અને મુલાકાત લીધા પછી મને આવી એવી મઝા આવે એટલે બસ. 

5 comments:

  1. ઈતિહાસના રસિકો માટે સરસ માહિતી.
    ------
    આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયા/ Archaeological Survey Of India ની દૃષ્ટિવિહીનતા...
    --------------
    એની સાથે નીચેની માહિતીની આપોઆપ સરખામણી થઈ ગઈ -
    http://dhavalrajgeera.wordpress.com/2012/02/02/dutch/

    ReplyDelete
  2. જલસા પડી ગયા..
    આભાર!

    ReplyDelete
  3. thanks sir, this information is very useful for me. bacause i am a student of journalism. i interested in historical places.

    ReplyDelete
  4. રસપ્રદ ઇતિહાસ સાથે સુંદર વર્ણન અને કલાત્મક ફોટોગ્રાફી.

    ReplyDelete
  5. nice bro...
    thank you...
    khubaj maja aavi vanche ne...
    haji pan joi kai detail hoi to plz upload karo...

    ReplyDelete