Saturday, April 14, 2012

ડો. આંબેડકર : સમજાતા નથી કે સમજવા નથી?-    ભરતકુમાર ઝાલા

                  
 (થાનગઢ રહેતા મિત્ર ભરતકુમાર ઝાલા મૂળભૂત રીતે સંવેદનશીલ વાચક છે. તેમની લેખિત અભિવ્યક્તિ પણ એટલી જ પ્રભાવક અને ધારદાર છે. ડો. આંબેડકરને તેમની એકસો એકવીસમી જન્મજયંતિએ યાદ કરતો આ સ્મૃતિલેખ એ હકીકતની પ્રતીતિ કરાવે છે.)   
   14 -4-1891 થી  6-12-1956 “ આપણા મહાપુરુષોના જીવનની સૌથી મોટી કરૂણતા કઇ?” 

      “ તેમને જીવતે જીવ કે મૃત્યુ બાદ ભગવાન બનાવી દેવામાં આવે અને એ રીતે તેના વિચારો, સિધ્ધાંતોને એટલે ઉંચે ચડાવી દેવાય છે કે કોઈ એની આસપાસ ફરકવાનો વિચાર સુધ્ધાં ન કરે.” આવો પ્રશ્ન કોઈએ કોઈને પૂછ્યો નથી, પણ મને પૂછવામાં આવે તો મારો જવાબ આવો હોય.
"આ શું યાર! દર વરસે એપ્રિલમાં કલર મારવાનો." 
એક પ્રજા તરીકે આપણી તાસીર એવી રહી છે કે વ્યક્તિના વિચારો કે કાર્યને સમજવાને બદલે આપણને એની ભક્તિ કે વ્યક્તિપૂજામાં યા એકાંગી ટીકામાં જ વધુ રસ પડતો હોય છે. ચાહે એ રામ હોય કે કૃષ્ણ હોય, ગાંધી, સરદાર હોય કે પછી આંબેડકર. એમના કાર્યને સમજવાના, વિચારોને ઓળખવાના યા તેમાંથી પ્રેરીત થવાના કે મર્યાદાઓ પણ જાણવાનો પ્રયત્ન કરવાના કઠિન કામથી છૂટકારો મેળવવાની કદાચ આ સૌથી સહેલી રીત છે. એમને આપણે માનવ કે મહામાનવને બદલે દેવની (કે પછી દાનવની) શ્રેણીમાં મૂકી દઈએ છીએ. આમ કરવાથી આપણો ભક્તિભાવ પણ અકબંધ રહે અને બીજું કશું કરવાની જરૂર નહીં, સિવાય કે જન્મજયંતિ કે મૃત્યુતિથિએ એમનાં બાવલાં સાફ કરવા, તેને હારતોરા કરવા અને એ દિવસ પૂરતાં પક્ષીઓને બીજું સ્થાન શોધી લેવા મજબૂર કરવા.         
મહાત્મા ગાંધી વિષે શેખાદમ આબુવાલાએ લખેલું, “ખુરશી સુધી જવાનો તું રસ્તો થઇ ગયો છું.”  અલબત્ત, આ વાત ગાંધી જેટલી જ, અથવા તો તેમના કરતાંય વધારે લાગુ પાડી શકાય એ કમનસીબ વ્યક્તિ છે : ડો. ભીમરાવ રામજી આંબેડકર/ Dr. Bhimrao Ramji Ambedkar એટલે કે બાબાસાહેબ આંબેડકર/ Babasaheb Ambedkar. હવે તો લોકો એમને દલિતોના નેતા તરીકે ઓળખે છે, જ્યારે દલિતો એમને પોતાના તારણહાર તરીકે ઓળખે છે. અને આ બેય ઓળખ અધૂરી છે, અપૂરતી છે. માત્ર આટલી જ ઓળખના આધારે આ માણસને ભયંકર નફરત અને એટલી જ તીવ્ર માત્રામાં ચાહના પ્રાપ્ત થઈ છે. અને મઝા જુઓ. પ્રેમ અને નફરત કરનારા સામસામા છેડાના લોકો ડો. આંબેડકરના કામ અને વિચારોથી તો સરખા જ છેટે છે. ગાંધીને જેમ સૌથી વધુ નુકશાન ગાંધીવાદીઓએ કર્યું, એવું જ કામ જાણે-અજાણે ડો.આંબેડકર માટે આંબેડકરવાદીઓએ કર્યું, કરી રહ્યા છે. આંબેડકર તમામ વર્ગના લોકો સુધી ન પહોંચે, એની પૂરી ચીવટ એમના અનુયાયીઓએ રાખી. પરિણામે દેશના અગ્રણી નેતા બની શકે એવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર ડો. આંબેડકર આજે માત્ર અમુક ચોક્કસ વર્ગ, જ્ઞાતિ કે જાતિ પૂરતા સીમિત રહી ગયા છે. કરુણતા એ છે કે આંબેડકરવાદીઓ આને પોતાની સિદ્ધિ અને સફળતા માને છે.

****  ****  ****

     આંબેડકરના જેવું ને કંઈક અંશે તેમને મળતું આવતું કામ અમેરિકામાં ડો.માર્ટિન લ્યુથર કિંગે કર્યું. જો કે, ડો.કિંગ કરતાં આંબેડકરનું કામ વધુ મુશ્કેલ હતું, કારણ કે ડો. કિંગની લડત રંગભેદ સામે હતી, જ્યારે ડો. આંબેડકરની લડત જાતિભેદ સામે હતી. રંગભેદની સમસ્યા બહુ જૂની ન હતી, જ્યારે જાતિભેદનો ઇતિહાસ તો ભારતના પુરાણો – ઉપનિષદો જેટલો જ પ્રાચીન અને લોકોના દિમાગમાં જડાયેલો રહ્યો છે. હજી આજેય એ ક્યાં નાબૂદ થયો છે! કદાચ એટલે જ  ડો. માર્ટિન લ્યુથર કિંગના કાર્યને સ્વીકૃતિ મળી, પણ ડો. આંબેડકરની બાબતમાં એમ ન બન્યું. આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતો ભારત દેશ આ બાબતમાં કમનસીબે ઊણો ઉતર્યો, એમ ચોક્કસ કહી શકાય, કેમ કે જાતિભેદને પણ આપણે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની જ પરંપરા ગણીએ છીએ.


બાબાસાહેબના ચીંધ્યામાર્ગે ચાલવામાં લાલ લાઈટ? 
     ગાંધીએ પીડિત અને શોષિત લોકો માટે હરિજન શબ્દ આપ્યો. ગાંધીનું કહેવું હતું,  હરિજન એટલે હરિના જન. આંબેડકરે એ શબ્દનો તાર્કિક વિરોધ કરતા કહ્યું, પછાત એટલે હરિજન, તો શું બાકીના બધા શેતાનનાં સંતાનો છે?’ અને આંબેડકરે નવો શબ્દ આપ્યો દલિત’. આંબેડકરની દલિત શબ્દની વ્યાખ્યા જાતિસૂચક નહોતી. એમના મતે કોઇ પણ જાતિની શોષિત વ્યક્તિ એટલે દલિત. આંબેડકરે દલિતો માટે કાયદાકીય લાભોની જે જોગવાઇઓ કરી, જેનો લાભ માત્ર અનુસૂચિત જાતિને જ નહીં, પણ અનુસૂચિત જનજાતિ, વિધવાઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને નબળા વર્ગોને પણ થયો હતો. જો કે, સમય જતાં દલિત શબ્દ પણ ગણીગાંઠી જાતિઓનું પ્રતિક બની ગયો એ અલગ વાત છે.
      સત્યાગ્રહ શબ્દ કાને પડતાં જ આપણને મહાત્મા ગાંધી યાદ આવી જાય. આંખો આગળ  અંગ્રેજોના હાથે માર લાઠીઓનો માર ખાતા સત્યાગ્રહીઓ, લોહીથી ખરડાતા અને કચડાતા ખાદીધારીઓ અને ગાંધીટોપીઓનાં દૃશ્યો તરવરવા લાગે ને ક્રૂર અંગ્રેજો પ્રત્યે આપણા મનમાં ધિક્કાર છૂટવા લાગે. પણ સત્યાગ્રહ સાથે આંબેડકર પણ જોડાયેલા હતા, એ હકીકત તો ઇતિહાસના ગુમનામ પાનાઓમાં સાવ જ દફન થઇ ગઇ. આંબેડકરના નેતૃત્વ હેઠળ થયેલા કાલારામ મંદિર સત્યાગ્રહ અને ચવદાર તળાવ ( આ સત્યાગ્રહો વિશે ફરી ક્યારેક) વિશે આપણો પાઠ્યપુસ્તકીયો ઈતિહાસ આશ્ચર્યજનક રીતે ખામોશ છે. પોતાના જ પછાત ભાઇઓને ધર્મના નામ પર પીટતા ને મિથ્યા ધર્મને બચાવવાનો ઠાલો સંતોષ અનુભવતા ધાર્મિક લોકોની ક્રૂરતા પ્રત્યે ઇતિહાસમાં સદંતર દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. પણ એનો ઉલ્લેખ ટાળવાથી આપણી રૂગ્ણ માનસિકતા ઓછી બદલાઈ જાય? એ તો ઓર છતી થાય છે.  
હમણાં વારસાપ્રથાના કાયદામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે હવે પછી પૈતૃક સંપત્તિમાં દીકરી પરિણિત હશે, તો પણ એને સરખા હિસ્સાની ભાગીદાર ગણવામા આવશે. આને વર્તમાન સરકારે પોતાની સિધ્ધી ગણાવી, પણ ખરેખર તો આ કાયદાનું શ્રેય સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદાપ્રધાન ડો. આંબેડકરને જવો જોઇએ. તેમણે રજૂ કરેલા હિંદુ કોડ બિલમાં આ બધી જોગવાઇઓને તેમણે સમાવી લીધી હતી. અલબત્ત, જૂનવાણી લોકોના પ્રચંડ વિરોધને લીધે એ બિલ એ વખતે પાસ થઇ શક્યુ નહોતુ. આ ખરડો કાયદો બને એવી એ વખતના વડાપ્રધાન નહેરુની તીવ્ર ઇચ્છા હતી, પણ સંસદીય બહુમતિ આગળ તે કંઇ જ નહીં કરી શકેલા, ને એનો એમને અફસોસ પણ રહેલો. જો કે, ડો. આંબેડકરે ચૂપચાપ આ લાચારી સહન કરવાને બદલે પ્રધાનપદેથી રાજીનામું આપવાનું પસંદ કરેલું. અને ખિન્ન ભાવે રાજીનામું આપતા કહેલું, હું સ્ત્રીઓ માટે જો આટલો સુધારો પણ પસાર ન કરાવી શક્તો હોઉં, તો કાયદાપ્રધાન તરીકે રહેવાનો શો અર્થ છે?’  અફસોસ એટલો જ કે સ્ત્રીઓને સમાન ધોરણે મૂકી દેતા આ મહામાનવને ખુદ સ્ત્રીઓએ પણ જાતિભેદના ત્રાજવે જ તોલ્યા.
બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનબોધ થયો,
 બાબાસાહેબને આ વટવૃક્ષ નીચે અપમાનબોધ થયો. 

હવે આ કાયદો બન્યો છે ત્યારે એનો અર્થ એવો જરાય નથી કે અત્યારે આપણી માનસિકતા બદલાઈ ગઈ છે. 
           આંબેડકર ધગધગતી બૌધ્ધિક પ્રતિભાના માલિક હતા. ને વળી અછૂતોના પ્રતિનિધિ તરીકે પોતાની જાતને સિધ્ધ કરી ચૂક્યા હતા, એટલે એમની અવગણના કરવી અંગ્રેજોને પોસાય એમ જ નહોતી. આઝાદી વખતે દેશના ભાવિનો વિચાર કરવાનો વખત આવ્યો, ત્યારે શીખોના પ્રતિનિધિ તરીકે માસ્ટર તારાસિંઘ, મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે મોહમ્મદ અલી ઝીણા, ને હિંદુઓના પ્રતિનિધિ તરીકે ગાંધી અને અછૂતોના નેતા તરીકે આંબેડકર અંગ્રેજોને મળ્યા હતા. એટલા માત્રથી જ આંબેડકરને દેશદ્રોહી ગણી લેવાની ઉતાવળ ઘણા લોકો કરતા હોય છે. આ મામલે લોકો એટલા અસહિષ્ણુ બની જાય છે કે એ માટે ચર્ચાનો કોઇ અવકાશ જ રહેતો નથી. એમ જ હોય તો એ સમીકરણ તારાસિંઘ પર પણ લાગુ પડી શકે ને? ને વળી કાલારામ મંદિર સત્યાગ્રહ અને ચવદાર તળાવના સત્યાગ્રહો વખતે રૂઢિવાદી હિંદુઓએ અમાનુષી વર્તન દાખવીને સાબિત કરી જ દીધું હતું કે અછૂતો હિંદુ નથી. જે સમાજમાં પોતાના જાતભાઇઓને કૂતરા- બિલાડાની જેમ, અરે એથીય નિમ્ન રીતે  હડધૂત કરવામાં આવતા હોય, ત્યાં પોતાના જાતભાઇઓ માટે વિચારવું દેશદ્રોહ ગણાય? ગુલામ હોય એ પહેલા પોતાની આઝાદી ઝંખે, એ સહજ ને સમજાય એવી વાત છે. પોતાના માલિકની આઝાદી ને પોતાની આઝાદી એ બે અલગ વસ્તુઓ જ થઇ, એ વાત આંબેડકરને ક્યારની સમજાઇ ગઇ હતી. પણ એમની આ સમજણ બદલ એમને દેશદ્રોહી કહીને નવાજવામાં આવ્યા. આ જ ડો. આંબેડકરે પોતાના સંશોધનપૂર્ણ નિબંધ ધ પ્રોબ્લેમ ઓફ રૂપિઝ માં અંગ્રેજોની શોષણખોર નીતિને જગતના ચૌટે ખુલ્લી કરી દીધી હતી. પણ એ વિશે ભાગ્યે જ કંઈ કહેવાય છે. કેમ કે, એનાથી આપણને શો ફાયદો’?   


એમને મૂલવવાની તો ઠીક, ઓળખવાની કોશિશ તો કરીએ. 
  

      સવાલ એ થાય કે આંબેડકર હતા કોણ? આનો જવાબ જરા અઘરો છે, કેમ કે તેમના બહુઆયામી વ્યક્તિત્વને કયા ખાનામાં કેદ કરશો? તે પ્રખર અભ્યાસી અને ધુરંધર લેખક હતા. વ્હોટ ગાંધી એન્ડ કોંગ્રેસ હેવ ડન ફોર ધ અનટચેબલ્સ,/ What Gandhi and Congress have done to the untouchables’ હુ વેર ધ શુદ્રાઝ’/ Who were the shudras, થોટ્સ ઓન પાકિસ્તાન’/Thoughts on Pakistan   જેવાં એમનાં દળદાર અને અભ્યાસપૂર્ણ પુસ્તકો આની સાબિતી છે અને તેમનાં 'કલેક્ટેડ વર્ક્સ' વાંચતાં પાને પાને એ પ્રતિતિ થતી રહે છે. એ નિર્ભિક પત્રકાર હતા, જેની ઝાંખી બહિષ્કૃત ભારત , મૂકનાયક  જેવાં એમના સામયિકો થકી પ્રાપ્ત થાય છે. એ વિદ્યાર્થીપ્રિય પ્રોફેસર હતા. એવું કહેવાય છે કે એમના લેક્ચરો  સાંભળવા માટે સિડનહામ કોલેજ/ Sydenham College ના વર્ગો તો ઠીક, પણ કોલેજની પરસાળ પણ હકડેઠઠ ભરાઇ જતી હતી. સક્ષમ નેતૃત્વ પૂરું પાડી શકે એવા એ કર્મઠ નેતા હતા
દેહના ભવ્ય સ્મારકમાં તેમના  વિચારો પણ દફન? 

કાલારામ મંદિર સત્યાગ્રહ એનું જ્વલંત ઉદાહરણ છે. એ પ્રભાવશાળી વક્તા હતા. બીજી ગોળમેજી પરિષદમાં એમના વક્તવ્યનો પરચો મળેલો. એ રાજનીતિજ્ઞ હતા. એમણે સ્થાપેલી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા/ Republican Party Of India એનું ઉદાહરણ છે. એ ચિંતક (ફૂલ અને પતંગિયા વિષે નહીં, સમાજ વિષે ચિંતન કરતા ચિંતક) હતા. પોતાના ધર્મમાં સતત હડધૂત અને અપમાનિત થયેલા એ યુગપુરૂષે પોતાના પાંચ લાખ જેટલા અનુયાયીઓ સાથે નાસિકમાં બૌધ્ધધર્મ અંગિકાર કર્યો, એથી ખ્યાલ આવે છે કે એમની ફિલસૂફી જીવનથી અલગ ન હતી.
બાબાસાહેબના નામે આજે ઓપન યુનિવર્સિટી ભલે ચાલતી હોય, તેમના પ્રત્યે જોવાની આપણી દૃષ્ટિ 'ઓપન' થઈ નથી એમ સતત લાગતું રહે છે.    
        આજે એ મહામાનવની એકસો એકવીસમી જન્મતિથિ છે, ત્યારે થોડીક આધુનિક ગણાતી એકવીસમી સદીના ભારત દેશના નાગરિકો પાસેથી આપણે આશા રાખીએ કે એ ડો. આંબેડકરના વિચારોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવાની તો ઠીક, ઓળખવાની પ્રામાણિક કોશિશો તો કરે. એનાથી આંબેડકર જેવી પ્રતિભાને તો કોઇ જ અસર નહીં થાય, પણ એનાથી આપણું વૈચારિક સ્તર ઊંચું ઉઠ્યાનો કદાચ સંતોષ મળશે.  


(સૌથી ઉપર સિવાયની તમામ તસવીરો: બીરેન કોઠારી)       

9 comments:

 1. ભરત, લેખ ખુબ જ સુંદર લખાયો છે. "ધગધગતી બૌધ્ધિક પ્રતિભા"ના આ માલિક વિશેના દલિત અને બિન દલિતોના વિચારો તદ્દન ભિન્ન હોવા છતાં એમને આ બન્ને પ્રકારના લોકો નથી ઓળખી શક્યા. અને મેં આંબેડકરવાદીઓને બહુ નજીકથી જોયા-જાણ્યા છે, એટલે એટલું તો ચોક્કસ સમજ્યો છું, કે આંબેડકરને - એમના કામને - એમની છબીને - દલિત ચળવળને અને દલિત સમાજને એમનાથી ઘણું નુકસાન થયું આવ્યું છે.
  બિરેનભાઇ.....આવા તમારા 'સાહસો' માટે અભિનંદન....

  ReplyDelete
 2. આ દેશના સદ્ભાગ્ય છે કે, એને સમયસમય પર એવા નેતાઓ મળતા રહ્યા છે જેમણે આપણને આંતરબાહ્ય સમગ્ર રીતે વિકસવાના માર્ગો બતાવ્યા.


  આ નેતાઓ કોઈ જાતિ કે ધર્મના વાડામાં બંધાયા વગર વ્યાપક દૃષ્ટિકોણથી સૌનું સાચું સુખ ઈચ્છે છે. પણ આપણે સૌ (એમના અનુયાયિઓને જ શા માટે દોષિત ગણવા ?)આ નેતાઓના માર્ગે જવાને બદલે આપણા સ્વાર્થને અનુકુળ હોય તેવા અર્થઘટનો કરીને સાંકડા માર્ગો લેતાં રહીએ તેથી આ મહાન નેતાઓનું કર્યુકારવ્યું ધૂળમાં મળે છે.

  રામ અને કૃષ્ણને પણ આપણા ટૂંકા રસ્તે ને ટૂંકા ગજથી જ આપણે સ્વીકાર્યા છે...ગાંધી અને બાબાસાહેબને પણ આપણે શું એ જ રીતે એમના ઉપદેશોથી આપણી જાતને દૂર રાખીને જ ભજીશું ?

  સરસ લેખ બદલ આભાર.

  ReplyDelete
 3. ભારતીય ચિંતન પર અભિજાત વર્ગનો કબજો રહ્યો છે.. પ્રાકૃતિક સંપદા પર પણ એ જ વર્ગનો કબજો રહ્યો. ગુલામીની પ્રથા વિશે તો આપને જાણીએ છીએ. અમેરિકાના ગૃહયુદ્ધનું કારણ પણ એ જ હતું. કુરાનમાં પણ દાસ પ્રથાનો ઉલ્લેખ છે. પરંતુ એક આખ સમૂહને દાસ તરીકે ગણવામાં આવે એવું તો માત્ર આપણા દેશમાં બન્યું છે. આંબેડકરને તો સત્તા વિનાના લિંકન સાથે સરખાવી શકાય. આજે પણ આપણે આભડછેટી માનસમાંથી મુક્ત નથી થયા.
  આંબેડકરને આંબેડકરવાદીઓએ સૌથી વધારે નુકસાન કર્યું હોય એ તો માની શકાય, પરંતુ, આપણે જે દલિત નથી, એમને કોઈએ રોક્યા નથી. આપણે પણ છાતી ઠોકીને કહી શકીએ છીએ કે આંબેડકર આપણા પણ નેતા છે. પણ, નથી કહેતા અને આંબેડકરને દલિત વર્તુળની બહાર લાવતા નથી.

  ReplyDelete
 4. બહુ સરસ લેખ માટે લખકને અભિનંદન. અને બિરેનકુમારને,આવો સુંદર લેખ શોધી કાઢવા બદલ. આનંદ થયો વાંચીને.

  ReplyDelete
 5. રજનીકુમારApril 15, 2012 at 9:37 PM

  ભરતનો આ લેખ અદભુત છે. આ દ્રષ્ટીકોણ બહુ મૌલિક અને વિચારોત્તેજક છે, આ વિચારસ્પષ્ટતા સહેલી વસ્તુ નથી.અભિનંદન.

  ReplyDelete
 6. સુધા મહેતાApril 16, 2012 at 11:21 AM

  આંબેડકર વિશેનો લેખ વાંચ્યો. આપણે બધા આવા લોકોને માત્ર પ્રસંગે જ યાદ કરીએ છીએ. તમે માનશો? મને છેક એમ. એ. (ઈતિહાસમા) કર્યું હોવા છતાં આંબેડકર વિષે તદ્દન આછોપાતળો જ ખ્યાલ છે! કેમ કે એમને વિષે કોઈ જાતની માહિતી આપણો ઇતિહાસનો અભ્યાસક્રમ પણ આપવાને તૈયાર નથી લાગતો! જેમ નહેરુ અને સરદાર વચ્ચે છે, તેવું જ અવગણનામાંય વલણ આંબેડકર માટે લેવાયું છે. શું થાય? આવા લેખો અને સામાન્ય કરતાં વધુ વિગતની માહિતી મળતી રહે છે તે સારી વાત જ ગણવી પડે. અને તમે તે આપી તે ખુશીની વાત છે.

  ReplyDelete
 7. ભરતકુમાર ઝાલાApril 22, 2012 at 11:25 AM

  @ અભિષેક- તારી લાગણી સાવ સાચી છે, દોસ્ત. આ પીડા આપણી સહિયારી છે, વધુ તો શું કહું?
  @ દિપકભાઇ- તમારા નિખાલસ મતને હું આવકારું છું. આંબેડકર એ સમગ્ર દેશના નેતા હતા ને છે- એ વાત બિનદલિતોએ પણ સ્વીકારવી જોઇએ. આવું બનશે ત્યારે જ આપણે આપણા આ મહામાનવોના સાચા વારસદારો ગણાઇશું.
  @ રજનીકાકા- જેને વાંચીને લખવાનું સ્વપ્ન સેવ્યું હોય, એ વ્યક્તિના અભિનંદન મળે ત્યારે જે આનંદ તો થાય એ તો અનુભવી જ સમજી શકે. તમારા હૂંફાળા શબ્દો બહુ જ ગમ્યા.
  અને આ સિવાય પણ આ વાંચનાર ને પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.

  ReplyDelete
 8. tahnk you bharat for your article on babasaheb
  hope it will help people to understsnd babasaheb ideology and his vision

  ReplyDelete

 9. ભરતભાઇ બહુ જ સરસ લેખ છે બાબા સાહેબ ના બહુઆયામી વ્યક્તિત્વ ની ઓળખ આપવા નો પ્રયત્ન કાબિલે દાદ છે, બાબા સાહેબ ની જન્મજયંતી નિમીતે આ લેખ લખવો રજુ કરવો કે વાંચવો ને વંચાવવો એજ બાબા સાહેબ ના જન્મદીન ની સાચ્ચિ ઉજવણી છે.

  ReplyDelete