- સઈ પરાંજપે
એ વખતે મેં દંતકથારૂપ સંગીતકાર પંકજ મલિક પર બાયોપિક બનાવવાની દરખાસ્ત મૂકી. એ વર્ષના (1971) દાદાસાહેબ ફાળકે પુરસ્કારના વિજેતા તરીકે તેમનું નામ ઘોષિત કરાયેલું હોવાથી એ તરત મંજૂર થઈ ગઈ. પણ એમાં એક અવરોધ હતો. પંકજ મલિક પોતે આ પ્રકલ્પના વિરોધી હતા. ફોન પર સુદ્ધાં તેમણે આ બાબત ચર્ચવાનો ઈન્કાર કર્યો. ગમે એમ કરીને તેમને મળવાનું મેં ગોઠવ્યું અને મનાવ્યા. એક વાર તેઓ સંમત થયા એ પછી તેમણે દરેક બાબતમાં પૂરો સહયોગ આપ્યો. યુનિટ માટે તેમનું ઘર ખુલ્લું મૂકવામાં આવ્યું અને એ અમારો અડ્ડો બની ગયું. તેઓ મને હંમેશાં 'માય ડીઅર સિસ્ટા...આ..ર' કહીને સંબોધતા- બુલંદ અને સ્પષ્ટ સ્વરે. 'દાદા' (તેઓ એ નામે ઓળખાતા) એક જન્મજાત અભિનેતા અને ખરેખરા શોમેન હતા. કેમેરા તેમની તરફ ફરે કે તેઓ ખીલી ઉઠતા. તેઓ જે કિસ્સા યાદ કરતા એ નમૂનેદાર હતા. અચાનક તેઓ કોઈ ધૂન ગણગણતા, કશાની નકલ કરતા, કે કોઈક સંવાદ બોલતા- એકદમ જોશભેર. એક વાર અમે તેમની અગાસી પર શૂટિંગ કરી રહ્યા હતા. તેઓ કશાકની યાદમાં ગળાડૂબ હતા અને દાદરના સ્તંભ પર ઝૂકેલા હતા. બાજુમાં તેમનાં પત્ની હાથમાં સ્ટીલની થાળી લઈને ઊભેલાં, અને એમાંથી દાણા સાફ કરતા હતાં. દાદાએ પોતાનું ખ્યાતનામ પ્રેમગીત 'દો નૈના મતવારે' ગાવાનું શરૂ કર્યું અને એકદમ ફિલ્મી અંદાજમાં પોતાનાં પત્નીને ઉદ્દેશીને એ ગાયું. કેમેરા ચાલુ હતો, અને સહેજ મૂંઝાયેલાં દીદીની ચેષ્ટાઓને મસ્ત રીતે ઝડપી રહ્યો હતો. પંકજદાનાં શાશ્વત ગીતોની કેટલીક દુર્લભ ફિલ્મ ક્લીપો પણ અમને મળી. પડદા પર 'ચલે પવન કી ચાલ' ગીત જોવાનો રોમાંચ કેટલો બધો હતો!
ફિલ્મસંગીતના ધુરંધર રાયચંદ બોરાલ ન્યુ થિયેટર્સના સંગીત વિભાગના વડા હતા. તે બોલીવુડ ફિલ્મસંગીતના પિતામહ ગણાય છે. આરંભિક દિવસોથી તેઓ અને પંકજ મલિક સાથીદાર હતા. બંગાળી ફિલ્મસંગીતને ઓળખ આપવામાં બન્નેનું પ્રચંડ પ્રદાન છે. આથી દાદાની ફિલ્મમાં તેમના વિશે બોરાલનું કથન અનિવાર્ય હતું. કમભાગ્યે વીતેલાં વરસોમાં સંગીતના આ બન્ને ધુરંધરો વચ્ચેના સંબંધમાં તિરાડ પડી હતી. તેમની વચ્ચે વાતચીતનો સંબંધ પણ નહોતો. આથી આ બાયોપિકમાં બોરાલને સહભાગી કરાવવું બેધારી તલવાર જેવું હતું. બન્ને ધુરંધરોને હું મનાવી શકી અને બોરાલના હૃદયસ્પર્શી ભાવને ફિલ્મમાં સમાવી શકી. હેમંતકુમાર બાબતે પણ આ જ સ્થિતિ હતી. વરસોથી તેઓ અને દાદા વચ્ચે સંબંધ નહોતો રહ્યો. તેમની વચ્ચેની ગાંઠને હું ઊકેલી શકી અને બન્ને મહારથીઓના એકમેક માટેના પ્રદાન માટેની કદર શબ્દોમાં પ્રાપ્ત કરી શકી. દાદાની પ્રતિભા અને ફિલ્મસંગીતમાં તેમના પ્રદાન વિશે હેમંતકુમારે અર્થપૂર્ણ રીતે જણાવ્યું, સાથોસાથ પોતાના ઘેરા અવાજમાં દાદાનું એક ગીત પણ લલકાર્યું.
પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સ્વીકારતા પંકજ મલિકના ભવ્ય સમારંભને પડદે દર્શાવવામાં આવ્યો ત્યારે પશ્ચાદભૂમાં તેમનું સદાબહાર ગીત 'આઈ બહાર આજ' વગાડવામાં આવ્યું.
આ ફિલ્મ અસાધારણ હતી. પ્રેમ અને પ્રતિબદ્ધતાથી બનાવેલી આ ફિલ્મનું ઐતિહાસિક અને આર્કાઈવલ મૂલ્ય ઘણું છે. એક અતિ રોમાંચક યુગ એમાં જીવંત થયો હતો. કમનસીબે ફિલ્મ સચવાઈ નહીં કે તેની દરકાર કરવામાં ન આવી. આજે દૂરદર્શનના આર્કાઈવમાં એની એકે ફ્રેમનો પત્તો નથી.
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)
No comments:
Post a Comment