Friday, January 16, 2026

મુર્દે ને પકડ લિયા

 ફિલ્મના નિર્માણ વિશે તુલસી અને અર્જુન સાવ અલગ, પણ એકસરખી બિહામણી કથાઓ જણાવે છે. બન્ને કથાઓ યોગ્ય રીતે જ મહાબળેશ્વરના કબ્રસ્તાનમાં આકાર લે છે. એ કબ્રસ્તાનનો હવાલો સંભાળતા ચર્ચના ફાધર પાસેથી તેમણે પરવાનગી લીધેલી. એક દૃશ્યાવલિ માટે તેમણે જમીનમાં ખોદવાનું હતું. વટેમાર્ગુઓને કે બીજા કોઈને એટલે કે જમીનમાંના મૃતદેહોને કશી હાનિ ન પહોંચે એવું ખોદવાનું સ્થળ શોધવામાં તેમને સ્થાનિકોએ મદદ કરી. 'ડોન્ટ ડિસ્ટર્બ ધ ડેડ'- અર્જુને નાટ્યાત્મક રીતે પોતાની આંખો પહોળી કરીને કહ્યું. અમારી વાતચીતમાં ઘણી વાર તેમણે આવું કરેલું.

તુલસીના જણાવ્યા અનુસાર: 'લોકો ખોદકામ કરી રહ્યા હતા, અને અચાનક તેમને એક અડધો મૃતદેહ મળ્યો. હાડપિંજર નહીં, પણ શરીર.' ત્યાં ઉપસ્થિત સહુ કોઈ ગભરાઈ ગયા એ તો ખરું જ, પણ જોતજોતાંમાં ગામવાળાઓ આના વિરોધમાં ઊભા થઈ ગયા. અમારા માટે મુસીબત ઊભી કરવાની અને શૂટિંગમાં અવરોધ નાખવાની તેમણે ધમકીઓ આપી. 'એમને અમે ટાઢા પાડ્યા, ફાધર સાથે મળીને અમે પ્રાર્થના કરી અને એ કબર પર મીણબત્તીઓ સળગાવીને મૃતદેહને પાછો કબરમાં મૂકીને તેને યોગ્ય રીતે દફનાવ્યો.'
અર્જુનની વાત શૂટિંગના પછીના દિવસની છે. તેમણે કહેલું, 'એ દિવસે અમે પેક અપ કરી દીધેલું. મને યાદ છે ત્યાં સુધી વહેલી સવારના ત્રણ વાગેલા. બાકીના બધા જતા રહેલા, પણ ક્રૂના સભ્યો વાયર, કેબલ અને બીજી સામગ્રી ભેગી કરી રહ્યા હતા. અર્જુન (એ પોતાની જાતને ત્રીજા પુરુષમાં સંબોધે છે) આ બધી કામગીરી પર નજર રાખી રહ્યો હતો. તેણે કારની ડીકીમાં મૂકેલા આઈસ બોક્સમાંથી બીઅર કાઢ્યો અને પીવા બેઠો. વાતાવરણ સહેજ ડરામણું હતું. એમ લાગવું એ માનવસહજ પ્રકૃતિ છે. રાતનાં પંખીઓ જાતભાતના અવાજ કાઢી રહ્યા હતા અને ઠંંડો પવન વાતો હતો. અચાનક મારા કાને ચીસાચીસ પડી. એક જણ બૂમાબૂમ કરી રહ્યો હતો, 'મુર્દે ને પકડ લિયા, મુર્દે ને પકડ લિયા.' હું એ સ્થળે દોડ્યો. હું બહુ ડરી ગયો હતો. પણ કંઈ થયું નહોતું. એ માણસના હાથમાં એક ભારેખમ લાઈટ હતી- પચીસેક કિલોની. એ હાથમાંથી સરકી ગઈ હતી, અને એનો પગ કબરમાં પડ્યો હતો. એમાં એક શબપેટી હતી, પણ જૂની. એ માણસના પોતાના વજનને કારણે તેનો પગ એ પેટીમાં પેસી ગયો હતો અને તેને લાગ્યું કે શબે તેને ઝાલ્યો છે.'
તુલસી અને અર્જુન સાથે વાત અલગ અલગ થઈ, પણ વાત કરતાં કરતાં સાઉન્ડ ઈફેક્ટ સાથે કહેવાની તેમની શૈલી એક સમાન હતી. અર્જુન કરતાં તુલસીની વધુ.
તુલસી વાત કહે, ખાસ કરીને ડરામણી વાત, ત્યારે તેમની આંખો ઉષ્માસભર અને મલકાતી રહેતી. 'શ....શ...' એમ એ બોલે ત્યારે એમના હોઠ સંકોચાતા. વૃક્ષોમાંથી કે પાંદડામાંથી પસાર થતા પવન વિશે તેઓ કહે ત્યારે એમના હાથ ધીમે ધીમે ફેલાતા. અર્જુન પણ આમ જ કરતા. ઠક..ઠક..ઠક. તુલસી પગરવનું વર્ણન કરતાં અવાજ કરતા. વ્હૂ....વ્હૂ...વ્હૂ...- ભારેખમ શ્વાસનો અવાજ, એ શ્વાસ લેતા અને પછી છોડતા. તેમના હાથ લયબદ્ધ રીતે હાલતા અને આંખો સંકોચાતી, ને પહોળી થતી. એમાં ખેંચાઈ જ જવાય. તેઓ જાણતા હતા કે યોગ્ય વાતાવરણ શી રીતે ખડું કરવું- પડદા ઊપર તેમજ પડદાની બહાર પણ.

(Excerpt from 'Don't disturb the dead', the story of the Ramsay brothers, by Shamya Dasgupta)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2017)

No comments:

Post a Comment