આજે, એટલે કે, 16 ઓક્ટોબરના રોજ પપ્પાનો જન્મદિવસ (જન્મવર્ષ:1932) છે. (2008માં) તેમની વિદાયને સોળ વરસ થઈ ગયાં. એવું કંઈ નથી કે એમના જન્મદિન કે પુણ્યતિથિએ યાદ આવતા રહે. ઘણી વખત તારીખ યાદ ન રહે. પણ વાતોમાં અનેક વાર યાદ આવતા રહે. તેમને કપડાંનો બહુ શોખ હતો. તેમની વસ્ત્રપસંદગી ઉત્તમ. પપ્પા હયાત હતા ત્યારે તો ખરું જ, તેમની વિદાય પછી કેટલાક લોકોએ કહેલું કે 'અમને અનિલભાઈની (કપડાંની) 'ચોઈસ' બહુ ગમતી.' હા, પપ્પાનું નામ અનિલકુમાર કોઠારી. સ્વાસ્થ્યના કારણોવશ છેલ્લાં પચીસેક વરસ તેમનું હલનચલન મર્યાદિત બન્યું ત્યારે યાદ નથી કે એ વરસોમાં તેમણે કોઈ નવાં કપડાં વસાવ્યાં હોય. તેઓ પથારીવશ નહોતા રહ્યા એટલું આશ્વાસન. આથી બહાર જવાનું ઓછું બનતું. એ વખતે તેમણે અગાઉ વસાવેલાં કપડાંમાંથી જ કામ ચાલી જતું. એટલો વિપુલ જથ્થો હતો. મારી અને ઉર્વીશની વસ્ત્રપસંદગી માટે 'પસંદગી' શબ્દ વાપરવો વધુ પડતો લાગે એવી. દસમા- અગિયારમામાં હું ભણતો ત્યાં સુધી મારાં કપડાં પપ્પા જ લાવતા. એ વખતે કાપડ લાવીને કપડાં સીવડાવવા પડતાં. પપ્પા ત્યારે મહેમદાવાદથી વડોદરા અપડાઉન કરતા. મોટે ભાગે થતું એવું કે પપ્પા કાપડ લઈને વડોદરાથી આવે, અને નડિયાદ રહેતા મામા (અરવિંદ દેસાઈ) એ કાપડ સ્ટેશન પરથી લઈ લે. અરવિંદમામા બેન્કમાં હતા. તેમના એક સહકાર્યકર નવિનભાઈ (એન.બી.) દરજી હતા, જે કપડાં સિવતા. તેમની પાસે મારું માપ રહેતું. અથવા એ પછીના દિવસોમાં હું નડિયાદ જતો અને નવિનભાઈને માપ આપી આવતો. નવિનભાઈને મારે બેન્કમાં જ મળવાનું થતું. તેઓ મુખ્ય કાઉન્ટર પર બેસતા. હું જાઉં એટલે મને તેઓ અંદરના રૂમમાં લઈ જતા અને માપ લેતા. એ પછી નવિનભાઈ કપડાં સિવીને મામા દ્વારા મોકલી આપતા. કદીક મારે નડિયાદ જવાનું થાય તો મામાની બેન્ક નજીક હોવાથી તેમને મળવા હું ત્યાં જતો. ત્યારે નવિનભાઈ પણ હોય જ. તેઓ પણ મને 'ભાણા' કહેતા. મેં મોટે ભાગે એમનાં સિવેલાં કપડાં પહેર્યાં હોય એટલે નવિનભાઈ જુએ મને, પણ હકીકતમાં તેઓ એ જોતા હોય કે એમણે સિવેલાં કપડાં મને કેવાંક લાગે છે. તેઓ કહેતા, 'ભાણા, જામ છ, હોં!' પપ્પાની વસ્ત્રપસંદગીથી નવિનભાઈ બહુ ખુશ થતા.
Thursday, October 16, 2025
પ્રસંગોના પોતમાં સ્મૃતિના તાણાવાણા
એક વખત મેં કપડાં સિવડાવવાં આપેલાં. નવિનભાઈને કંઈક કામસર મહેમદાવાદ આવવાનું થયું હશે એટલે તેમણે મામાને કહ્યું કે એ પોતે જ સીવેલાં કપડાં પહોંચાડી દેશે. સાંજનો સમય હતો. અમે સૌ છેક અંદરના, રસોડાવાળા રૂમમાં જમવા બેઠેલા. મારાં દાદીમા કપિલાબહેન પણ ત્યારે હતાં. એ વખતે કોઈક અમારો દાદરો ચડ્યું. અવાજ આવ્યો એટલે અમે બહારની તરફ જોયું તો નવિનભાઈ દરજી. એમને જોઈને મને નવાઈ લાગી. એમણે બહારથી જ ઈશારો કર્યો કે 'જમી લો, હું બેઠો છું.' સૌથી પહેલાં મારાં દાદીમા જમી રહ્યાં. તેઓ જમીને બહારના રૂમમાં ગયાં. નવિનભાઈને તેઓ ઓળખતાં નહીં. આથી તેમણે નવિનભાઈની ઓળખાણ પૂછી. કોણ છે, ક્યાંથી આવ્યા છે, શા કામે આવ્યા છે વગેરે...મને અંદર રહ્યે રહ્યે થતું કે બા આજે નવિનભાઈને સવાલો પૂછી પૂછીને થકવી નાખશે. હું પણ ફટાફટ જમવાનું પતાવીને બહારના રૂમમાં આવ્યો. ત્યાં સુધીમાં તો બાએ નવિનભાઈ સાથે ઓળખાણ કાઢી નાખી હતી. તેમના પિતાજી, કાકા વગેરે સૌને એ ઓળખતાં હતાં. નવિનભાઈના મામા જગુભાઈ મહેમદાવાદમાં જ રહેતા, અને એ જગુકાકા સાથે અમારા પારિવારિક સંંબંધો હતા. હું બહારના રૂમમાં ગયો એટલે બા કહે, 'આ તો અમારા '-------- (નામ ભૂલી ગયો છું)'નો છોકરો છે. એના પપ્પા, કાકા બધાને હું ઓળખું.' મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. નવિનભાઈ પણ હસતા હતા.
એ પછી નવિનભાઈએ મને પોતે સિવેલાં મારાં કપડાં આપ્યાં અને કહે, 'ભાણા, બહુ મસ્ત કલર છે, હોં!' નવિનભાઈ જાણતા હતા કે રંગોની પસંદગી મારી નહીં, પપ્પાની હતી. મેં રાજી થઈને કપડાં એમની પાસેથી લીધા. થોડી વાર બેસીને નવિનભાઈએ પણ વિદાય લીધી.
એ પછી પપ્પાનું વડોદરાનું અપડાઉન બંધ થયું. પછીનાં વરસોમાં કપડાં સિવડાવવાનું ચલણ પણ ઘટતું ચાલ્યું. આથી નવિનભાઈ પાસે કપડાં સિવડાવવાનું રહ્યું નહીં. અલબત્ત, મામાની બેન્કમાં જાઉં ત્યારે એ અવશ્ય મળતા.
એ પછીનાં વરસોમાં કેન્સરની બિમારીને લઈને નવિનભાઈએ પણ ચીરવિદાય લીધી. મારાં બા એ પહેલાં ગયાં, અને પછી પપ્પા પણ. અરવિંદમામા હજી નડિયાદ છે, અને એવો જ પ્રેમ અમારા સૌ પર વહાવે છે.
આ આખી વાતમાં પપ્પા ક્યાં? આવો સવાલ અસ્થાને છે. વાત એટલી કે સ્વજનોની યાદ કોઈ તારીખ, તિથિની મોહતાજ નથી હોતી. જીવનની એવી એવી બાબતોમાં તેમની સ્મૃતિઓ વણાયેલી હોય છે કે વાત કોઈ પણ હોય, કાપડના તાણા અને વાણાની જેમ એના પોતમાં સ્મૃતિનો તાર પરોવાયેલો નીકળે જ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment