‘જાતકનો સંબંધ કાગળ, શાહી, કાચ, રંગ, રસાયણ, લોખંડ, દવા વગેરે સાથે થશે.’ જન્મકુંડળીના
પાછલા પાને લખવામાં આવતા બે-ત્રણ પાનાના ફળાદેશમાં આવું એકાદ વાક્ય અવશ્ય હોવાનું જ.
મારા જન્માક્ષરમાં પણ એમ છે. પણ આ વાંચીને મને રમૂજથી વિશેષ કોઈ ભાવ આવ્યો નથી. જો
કે, આજે હવે આ વાક્યનો અર્થ બરાબર ઉઘડે છે.
કેમિકલ એંજિનિયરીંગનો ડિપ્લોમા લીધા પછી પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં
બાવીસ વરસની નોકરી- એ થયો રસાયણ સાથેનો સંબંધ. આવડા મોટા પેટ્રોકેમિકલ સંકુલમાં લોખંડ, કાચ
વગેરે હોય એ સમજાય એવું છે. આ નોકરી દરમ્યાન વચ્ચે એક-સવા વરસ વડોદરાની ફેકલ્ટી ઓફ
ફાઈન આર્ટસમાં અભ્યાસ- જે પૂરો થઈ ન શક્યો. પણ આ થયો રંગ સાથેનો સંબંધ. અને બાવીસ વરસની
નોકરી પછી કારકિર્દી તરીકે લેખન- એ થયો કાગળ અને શાહી સાથેનો સંબંધ. મારી કુંડળીમાં
લખેલા ફળાદેશને સાચો પાડવા માટે જ આ તખ્તો ગોઠવાયો હશે એમ લાગે છે.
મઝાની વાત એ છે કે આ ફળાદેશ મારી ઉંમરના એ તબક્કે લખાયો હશે
કે જ્યારે મારો ચહેરો મારા પપ્પા જેવો છે કે મમ્મી જેવો એ પણ નક્કી નહીં થયું હોય.
સામાન્યપણે કિશોરાવસ્થામાં કે યુવાવસ્થામાં અમુક પ્રકારનું વલણ કે ઝોક જોવા મળતું હોય
છે- સર્જનાત્મક બાબતો માટે ખાસ.
હું શાળામાં ભણતો હતો ત્યારે સાહિત્ય તરફ એવો વિશેષ ઝુકાવ નહોતો, પણ
પાઉલભાઈ જેવા શિક્ષકને કારણે ગુજરાતી ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે
એક આકર્ષણ થયેલું. આગળ જતાં હનીફ ‘સાહિલ’ જેવા જીવવિજ્ઞાન ભણાવતા શિક્ષક, જે મૂળે ગઝલકાર હતા
તેમણે અમારી સમજણને સંકોરી. આમ છતાં, અમારો મુખ્ય ઉપક્રમ ભાવક
બનવા તરફનો હતો. લેખન કરીશું એવું મનમાં જરાય નહોતું.
મહેમદાવાદની અમારી શેઠ જે.એચ.સોનાવાલા હાઈસ્કૂલમાં બીજા એક શિક્ષક
દીનાનાથ વ્યાસ હતા, જે ‘જનસત્તા’ સાથે સંકળાયેલા હતા. તેઓ કવિતાઓ લખતા. મેં અને મિત્ર વિપુલ રાવલે પહેલવહેલી
વાર કશું ગાંડુઘેલું લખ્યું ત્યારે અમે કદાચ અગિયારમા કે બારમા ધોરણમાં હોઈશું. જે
લખ્યું છે એ કેવું કહેવાય એની સમજણ નહોતી એટલે અમે પાઉલભાઈ સાહેબ દ્વારા એ લખાણ વ્યાસસાહેબને
મોકલ્યું. વ્યાસસાહેબે એ વાંચીને પોતાના ગરબડીયા અક્ષરોમાં ટીપ્પણી કરી હતી. વિપુલે
એક નવલિકા લખી હતી, જે ‘એક દૂજે કે લિયે’ની જેમ કરુણાંત હતી. મેં એક કટાક્ષિકા લખી હતી. વ્યાસસાહેબે
સૂચવ્યું હતું કે ‘ચાનકકથા’ તરીકે એ ચાલે
એવી છે.
‘રંગતરંગ’માં ત્યારે ‘ચાનકકથા’ નામનો વિભાગ આવતો હતો, જેમાં વાચકો દ્વારા મોકલેલી કટાક્ષિકાઓ પ્રકાશિત થતી હતી. કોઈ સામાયિકમાં
શી રીતે કૃતિ મોકલાય એ ખબર નહોતી. આમ છતાં, હિમ્મત કરીને મેં
‘રંગતરંગ’માં એ મોકલી. મારા આશ્ચર્ય વચ્ચે
તેની સ્વીકૃતિનો જવાબ આવ્યો અને યોગ્ય સમયે તે પ્રકાશિત કરાશે એમ જણાવાયું.
ત્યાર પછી એક દિવસ મહેમદાવાદના મિત્ર ઐયુબ વોરાએ મને કહ્યું, ‘મારે હવે ‘રંગતરંગ’ વાંચવાનું બંધ
કરવું પડશે.’ મને આ પહેલી સમજાઈ નહીં. મેં પૂછ્યું, ‘એમ કેમ?’ ઐયુબ નાટકો સાથે સંકળાયેલો
હતો. એટલે તેણે ત્રીજી દિશામાં જોઈને કહ્યું, ‘તારી વાર્તા છપાઈ છે.’ મારા રોમાંચનો પાર ન રહ્યો. છૂટા
પડ્યા પછી મેં વહેલી તકે ‘રંગતરંગ’નો અંક
મેળવી લીધો. થોડા સમયમાં કાર્યાલય તરફથી પણ મને અંક, ઓફ પ્રિન્ટ
અને અગિયાર રૂપિયાનો પુરસ્કાર પણ મળ્યા.
અંકનું મુખપૃષ્ઠ |
ત્યાર પછી પણ મારી સર્જકતાનો ધોધ ફૂટી ન નીકળ્યો. પણ થોડું સમજાયું
કે મારો ઝોક વ્યંગ્યાત્મક લખાણ તરફ વધુ છે. એ અરસામાં વિનોદ ભટ્ટના પુસ્તકો ઘણા વાંચ્યા
હતા એટલે તેમની શૈલીની અસર પણ હોય. ત્યાર પછી પણ સમયાંતરે મેં બે ચાનકકથાઓ મોકલી હતી, જે
‘રંગતરંગ’માં પ્રકાશિત થઈ હતી.
એ વખતે હું અને ઉર્વીશ મજાક કરતા અને કહેતા કે આપણે બીજાના નામે
પત્રો ‘રંગતરંગ’ને મોકલીએ અને એમાં લખીએ કે – ‘તંત્રીશ્રી, બીરેન કોઠારીની ચાનકકથાઓ રંગ જમાવે છે. તે
વધુ ને વધુ પ્રસિદ્ધ કરવા વિનંતી.’ જો કે, આ વાત ત્યારે પણ અમે મજાકમાં કરતાં હતા એટલે એ કરવાનો કોઈ ઈરાદો નહોતો.
પણ આજે આ બધું યાદ કરવાનું કારણ? કારણ
છે.
**** **** ****
આજે સવારે સુરતથી હરીશ રઘુવંશીએ મેલ દ્વારા જણાવ્યું કે આજે
મારા બ્લોગની સાતમી વર્ષગાંઠ છે. છ વર્ષ અગાઉ આ જ દિવસે ‘પેલેટ’ના નામથી મારા બ્લોગલેખનનો આરંભ થયો હતો. છ વર્ષમાં આ પોસ્ટ સિવાય કુલ 188
પોસ્ટ લખાઈ છે અને આ સફર એકદમ આનંદદાયી બની રહી છે.
બ્લોગ થકી અનેક નવા પરિચયો થતાં રહ્યા છે, અનેક
રસના વિષયોનું ખેડાણ પણ થતું રહ્યું છે. અનેક મિત્રોનાં લખાણ અહીં મૂકી શકાયાં છે.
આ સફરમાં જોડાનાર અનેક મિત્રોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.
આ સાતમી વર્ષગાંઠે માત્ર એક સેમ્પલ તરીકે ‘રંગતરંગ’માં પ્રકાશિત મારી એક ચાનકકથા અહીં મૂકું છું.
1 માર્ચ, 87થી 14 માર્ચ, 87ના અંકમાં
તે પ્રકાશિત થઈ હતી. અલબત્ત, આ મારી બીજી ચાનકકથા છે. પહેલી ચાનકકથાવાળો
અંક હાથવગો નથી. અને ત્રીજી ચાનકકથા 1 ઓગસ્ટ, 88 થી 14 ઓગસ્ટ, 88ના અંકમાં પ્રકાશિત થઈ હતી.
એટલી સ્પષ્ટતા કે આ કથા દ્વારા હું ભવિષ્યમાં લેખક બનવાનો છું
એવો વહેમ મનમાં સહેજ પણ નહોતો, પણ એક ગાંડાઘેલા સાહસ તરીકે જ આ કથા લખી હતી, તેથી તેને એ રીતે જ વાંચવી. (મૂળ પાનાની ઈમેજની નીચે આ વાર્તા પણ ટાઈપ કરીને મૂકેલી છે, જેથી ઈમેજમાં તે વાંચી ન શકાય તો નીચે વાંચવામાં સરળતા રહે.)
**** **** ****
**** **** ****
એક અનોખી ડોશીની વાત
-બીરેન કોઠારી
અને જ્યારે વિક્રમે ઝાડ પર લટકાતા વેતાળને નીચે ઉતારી,
ખભે ઊંચકીને ચાલવાનું શરૂ કર્યું, ત્યારે વેતાળે હંમેશ મુજબ ‘ટાઈમ પાસ’ કરવા માટે વાર્તા ચાલુ કરી.
“વિક્રમ, આ એક સત્યઘટના છે,
અને હજુ થોડા મહિનાઓ પહેલાંની જ છે. તો સાંભળ.”
“તે દિવસે કાચબો અને ગોકળગાય બંને લગભગ ઝઘડી જ પડ્યાં. તેઓ
એકબીજાને કહેતાં હતાં કે હું તારાથી પણ ધીમું ચાલું છું. તેમનો ઝઘડો જોઈ બીજાં
પ્રાણીઓથી રહેવાયું નહીં અને તેમણે વિચાર્યું કે બેમાંથી કોણ ધીમું ચાલે છે,
તે તો ‘કોમ્પિટિશન’ રાખીએ તો જ ખબર
પડે. આ વિચાર આવતાની સાથે જ બધાંએ ‘કોમ્પિટિશન’ની જાહેરાત કરી દીધી. અને બેમાંથી જે ‘વિનિંગ પોઈન્ટ’ પર મોડું પહોંચે, તે ‘રેસ’ જીત્યું કહેવાય, તે મુજબનો નિયમ પણ ઘડી કાઢ્યો. કુલ
રસ્તો ઘણો લાંબો હતો, તેથી બહારની બીજી કોઈ ‘એજન્સી’ની મદદ પણ લઈ શકાય તેવું નક્કી થયું. (‘સ્લો વોકિંગ’માં કોની મદદની જરૂર પડે વળી? તે હિસાબે)
‘સ્ટાર્ટ’નો આદેશ મળતાંની સાથે જ કાચબો
અને ગોકળગાએ ચાલવાનું શરૂ કર્યું. થોડીક વારમાં તો કાચબો દેખાતો બંધ થઈ ગયો. બધાં
સમજી ગયાં કે આ તો ‘વન સાઈડ ગેઈમ’ થઈ
ગઈ. ગોકળગાયને વળી કોણ હરાવી શકે? ગોકળગાય જીતવાના મૂડમાં જ
આગળ વધી. આખરે પાંચેક કલાક બાદ તે ‘ફિનિશ’ના પોઈન્ટ પર પહોંચી, ત્યારે તેણે જોયું કે બધાં
પ્રાણીઓ ફૂલહાર, કેમેરા વગેરે લઈને ઊભાં હતાં. પરંતુ ગોકળગાય
આવી પહોંચી ત્યારે ન તો કોઈએ તેને હાર પહેરાવ્યો કે ન તો ફ્લેશના ઝબકારા કર્યા.
કારણ સ્પષ્ટ હતું- હજી કાચબો આવ્યો ન હતો.
ગોકળગાયનું મોં પડી ગયું.
એકાદ કલાક બાદ કાચબાભાઈ દેખાયા. તેમના આવતાંની સાથે જ બધાએ
તેમના ગળામાં હાર પહેરાવ્યા. ફ્લેશલાઈટો ઝબકી ઉઠી અને તેનો ‘ઈન્ટરવ્યૂ’ પણ લેવાયો. તેમાં ફક્ત એક જ સવાલ પૂછવામાં આવ્યો કે ‘આપે આ સિદ્ધિ કેવી રીતે મેળવી?’ જવાબમાં કાચબાભાઈએ કહ્યું
કે ‘મારી સિદ્ધિનો બધો યશ એક સો તેંતાળીસ વર્ષની એક યુવતીને ફાળે
જાય છે, જેની પ્રેરણાએ મને અહીં સુધી આ રીતે પહોંચાડ્યો.”
આટલું કહીને વેતાળ અટકી ગયો, અને તેણે પ્રશ્ન કર્યો, “તો બોલ, વિક્રમ, આ એક સો તેંતાળીસ
વર્ષની યુવતીનું નામ શું? અને તે હજી કેમ ડોશી નથી થઈ?”
વિક્રમ જાણે આ સવાલની રાહ જોતો હોય તેમ તરત જ બોલી ઉઠ્યો, “પ્રથમ
તો તે યુવતી (?)એક સો તેંતાળીસ વર્ષની હોવા છતાં ‘નખરાં’ દિવસે દિવસે વધારે છે અને ‘મોડર્ન’ દેખાવાનો ડોળ કરે છે. તેથી તેને ડોશી ન કહી શકાય.
હવે રહી નામની વાત. તું પણ સમજી ગયો હોઈશ, પણ તે છતાં તેં મને
પ્રશ્ન કર્યો, તેથી તારે જવાબ સાંભળવો જ પડશે. તે યુવતી (?)નું નામ છે ‘ભારતીય રેલવે!’
અને પછીની વાત તો બધા જ જાણે છે. જેવું વિક્રમે બોલવાનું બંધ
કર્યું કે તરત જ વેતાળ ઊડી ગયો.
**** **** ***
'રંગતરંગ' નિયમિત (ખરીદી ને) વાંચતો એટલે આ ચાનકકથા ચોક્કસ વાંચી હશે જ. આમ આપણો અપ્રત્યક્ષ પરિચય ત્રીશ વરસનો થયો, તેનો આનંદ છે. તમારા બ્લોગની ષષ્ટીપૂર્તિ મુબારક હજો. હવે તો તમારાં લખાણો ખુબ જ નિયમિત વાંચવા મળે છે અને આ શરૂઆતની રચના વાંચીને એક તાત્પર્ય મળે છે કે તમારું સૌથી સબળ પાસું સૂક્ષ્મ રમૂજનું છે. શુભેચ્છાઓ અને અભિનંદનસહ વધુ અને વધુની અપેક્ષા છે.
ReplyDeleteઆભાર, પીયૂષભાઈ. અમુક બાબતો પશ્ચાતવર્તી અસરથી જોઈએ ત્યારે જ સમજાય છે. રમૂજ બાબતે તમારું નિરીક્ષણ સાચું છે- એ મને બહુ મોડે સમજાયું હતું.
DeleteCongrates
ReplyDeleteઆભા, દીનેશભાઈ.
Deleteબ્લૉગ વિશ્વમાં છ વર્ષનું સક્રિય નિયમિત બ્લૉગીંગ એ બહુ મહત્ત્વનું સીમાચિહ્ન ગણાય છે, ખાસ તો જ્યારે તેમાં પ્રકાશિત કરાતી પૉસ્ટ્સ પોતાનાં પ્રાથમિક કામ ઉપરાંતના વિષયોને લગતી હોય.
ReplyDeleteસાતમું વર્ષ પણ અમારા માટે આટલું જ માહિતીપ્રદ રહે અને તમને વર્ષોવર્ષ ચાલુ રહેવાનું બળ આપનારૂં રહે તેવી શુભેચ્છાઓ સાથે
શુભેચ્છાઓ બદલ આભાર, અશોકભાઈ. બ્લોગની સમાંતરે 'વેબગુર્જરી'નું પણ કામ થાય છે એનો વિશેષ આનંદ.
Deleteખૂબ ખૂબ અભિનંદન.... આશા છે કે આવું "કશું ગાંડુઘેલું" વધુને વધુ લખતા રહેશો. એક પ્રશ્ન છે કે તમારી કુંડળી બનાવનારા જ્યોતિષી કોણ હતા? એમને પણ અભિનંદન પહોંચાડશો...
ReplyDeleteઆભાર, ઉત્કંઠા! કુંડળી બનાવનારે મારી જેમ વ્યવસાય નહી બદલી કાઢ્યો હોય તો શોધી શકાશે.
Deleteઅહીં લિન્ક આપી દીધી -
ReplyDeletehttps://sureshbjani.wordpress.com/2011/09/26/biren-kothari/
ધન્યવાદ, સુરેશભાઈ!
Deleteકથા ખરેખર સાવ શિખાઉ નથી લાગતી.મેચ્યોર્ડ લાગે છે. તમારી કલમ ઘડાઇને જ જન્મી લાગે છે.
ReplyDeleteઆ શબ્દોનું મહત્વ મારે મન ઘણું છે, રજનીભાઈ! પછી તમારી સાથે જોડાયો, પણ આ કથા વિનોદ ભટ્ટના લખાણના પ્રભાવમાં લખી હતી.
Deleteઅભિનંદન,બીરેનભાઈ. તમારી કલમ ખીલતી રહે.
ReplyDeleteહંમેશની જેમ તમારી શુભેચ્છાઓ સાથે હોવાની ખાતરી છે, દીપકભાઈ!
DeleteWe know how busy writer's professional life is but in the eighth year we expect more postings on the blog.
ReplyDeleteતમારી વાત સાચી છે, હીરેનભાઈ. પહેલા બે વરસની જેમ નિયમિતતાથી ત્યાર પછી નથી લખી શકાયું. પણ મારો પ્રયત્ન રહેશે. આભાર.
DeleteYour adventurous journey in the field of literary world has made an impact and your articles in blog too are appreciated so I wish to add a big 0 to 7 so after 70 years your blog would make new readers curious to know more about you and your articles..
ReplyDeleteBesr wishes..dear Birenbhai..
આભાર, ગજાનનભાઈ! તમારો સ્નેહ અને શુભેચ્છાઓ કાયમ મારી સાથે હોવાનું અનુભવાય છે.
Deleteબ્લોગ ની સાતમી વર્ષગાંઠ પર ખુબ ખુબ અભિનંદન .આવનારા વર્ષો માં તમારી કલમ નો લાભ અમને મળતો રહેશે તેવી આશા છે.લેખન ની નવી કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ.
ReplyDelete-રાજન શાહ વેન્કુવાર/નડીયાદ.
આભાર, રાજનભાઈ! તમારી અવારનવાર હાજરીથી આનંદ થાય છે.
Deleteતમારા બંને ભાઈ નાં લેખ ઘણી વખતે વૈચારિક મતભેદ હોવા છતાં નિયમિત વાંચું છુ.ખાસ તો વૈકલ્પિક દ્રસ્તીકોણ બીજે જે મળતો નથી તે તમારા બંને પાસે થી મળે છે.તમને વાંચતા ના મોડા શરૂ કર્યા તેનો અફસોસ છે.-રાજન
Delete