Saturday, January 7, 2023

ખાવાની સમાંતરે કસરત કરીએ તો વધારે ખવાય?

આજે 7 જાન્યુઆરીએ મિત્ર પ્રદીપ પંડ્યાનો જન્મદિવસ છે.

બાળપણના મારા ગોઠિયાઓના અનૌપચારિક સંગઠન 'આઈ.વાય.સી.' (ઈન્ટેલિજન્ટ યુથ ક્લબ)માંનો તે એક. અમે લોકો લગભગ પાંચમા ધોરણથી લઈને બારમા સુધી સાથે ભણ્યા. (વચ્ચેના એક વર્ષને બાદ કરતાં) એમાં ખાસ કરીને અગિયાર-બાર દરમિયાન અમે સહુ નિયમીતપણે સાંજે મળતા. મહેમદાવાદની નારાયણ સોસાયટીમાં આવેલો 17 નંબરનો બંગલો અમારું મિલનસ્થાન. આમ તો એ વિપુલનું નિવાસસ્થાન પણ ખરું. આ બંગલાને ઓટલે અમે બેસતા, અવનવી વાત કરતા, ભાવિ અંગેના તુક્કા લડાવતા. વિપુલનાં પરિવારજનો- ખાસ તો એના પપ્પા હર્ષદકાકા અને મમ્મી ઈલાકાકી કદાચ અંદર રહ્યે રહ્યે અમારા આ તુક્કાતરંગ સાંભળતાં હશે, પણ રાતના સાડા આઠ- પોણા નવ થાય એટલે જાણે કે તેઓ અમારી રાહ જોતા હોય.
અમે લોકો જમી-પરવારીને નીકળીએ અને વિપુલને ત્યાં પહોંચીએ તો ઘણી વાર પ્રદીપ ત્યાં બેઠેલો હોય. અમને નવાઈ લાગે, કેમ કે, પ્રદીપનું ઘર એવે ઠેકાણે હતું કે તે વિપુલને ત્યાં જાય તો મારું અને મુકાનું ઘર વચ્ચે આવે જ. પૂછતાં જાણ થાય કે એ તો અમદાવાદથી 'ક્વિન'માં આવી ગયેલો (લગભગ પોણા સાતે) અને ત્યારનો અહીં જ બેઠો છે. અમે આવીએ ત્યાં સુધી એ હર્ષદકાકા સાથે વાત કરે.
બારમા ધોરણ પછી અમે લોકોએ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો, જ્યારે પ્રદીપને બી.ઈ.માં પ્રવેશ મળ્યો. એક વર્ષ મોરબી રહીને ભણ્યા પછી બીજા જ વર્ષથી એ અમદાવાદ આવી ગયો. તેની મૂળ ઈચ્છા તો ડૉક્ટર બનવાની હતી, પણ ટકાવારી સહેજ ઓછી પડતાં છેવટે તેણે બી.ઈ.માં જવું પડ્યું. જો કે, અમે તો એને 'ડૉ. પંડ્યા' તરીકે સંબોધવાનું શરૂ કરી જ દીધેલું, જે હજી સુધી ચાલુ છે. વળતા વ્યવહારે એ પણ મને 'ડૉ. કોઠારી' કહીને સંબોધે છે.
શાળામાં ભણતા ત્યારે પ્રદીપ ટૉપર હતો. બીજા, ત્રીજા, ચોથા નંબર ફેરબદલ થયા કરે, પણ પહેલો નંબર પ્રદીપનો જ હોય. (એકાદ વરસે કદાચ વિપુલનો પહેલો નંબર આવેલો એવું યાદ છે.) ભણવામાં અવ્વલ હોવા છતાં એ 'બોચાટ' બિલકુલ નહીં. એ વખતે ચિત્રકામ અને 'પી.ટી.' જેવા વિષયો પણ હતા. પ્રદીપનું ચિત્રકામ પણ એટલું જ ઉત્કૃષ્ટ, અને રમતગમતમાંય એ આગળ. સ્વાભાવિક છે કે મોટા ભાગના શિક્ષકો એને જાણતા હોય. શાળાકાળ દરમિયાન અમે મિત્રો હતા, પણ અમે વધુ નિકટ આવ્યા ધો.11-12 થી. એકબીજાની પ્રકૃતિથી આ અરસામાં વાકેફ થતા ગયા, કેમ કે, અમે ક્લાસરૂમની બહાર મળતા થયા.
બી.ઈ. પાસ કર્યા પછી પ્રદીપે 'બી.કે.સ્કૂલ ઑફ મેનેજમેન્ટ'માંથી 'એમ.બી.એ.' કર્યું. એ પછી અલગ અલગ બે-ત્રણ સ્થળે નોકરી કરી. પણ તેના મનમાં સ્પષ્ટ હતું કે અમેરિકા જવું જ.
સામાન્ય રીતે વર્ગમાં ઓછાબોલો ગણાતો પ્રદીપ પછી તો એ રીતે વાત કરતો કે અમને સૌને આશ્ચર્ય થાય. પછીના ગાળામાં તો જે રીતે એ 'વૈશ્વિક' બાબતોને જે રીતે 'સ્થાનિક' સ્તરે લઈ આવતો એ ગજબ હતું. જેમ કે, ડૉ. પિયૂષના લગ્ન વખતે પ્રદીપે અજય ચોકસીને કશુંક કામ ચીંધ્યું. ચોકસી બાબતે કહી શકાય કે સહુ કોઈ તેને કામ ચીંધે, કેમ કે, ચોકસી એ ન કરે એ બને જ નહીં. એમાંય પ્રદીપનું કામ હોય તો ચોકસી ના પાડે જ નહીં. પણ એ દિવસે ચોકસીએ ના પાડી. આથી પ્રદીપે કહ્યું, 'ગોર્બાચોવે જ્યારથી 'પેરાસ્ત્રોઈકા' ચાલુ કર્યું છે ત્યારથી આવા (ચોકસી જેવા) લોકો બહુ ચઢી વાગ્યા છે.' ચોકસી સાથે જ સંકળાયેલો વધુ એક કિસ્સો.
એક વાર રજાના દિવસે મારે ત્યાં સહુ ભેગા થયેલા. અમારા કૌટુંબિક વડીલ કનુકાકા પણ હતા. એમને નાની નાની સળીઓ કરવાની આદત. આથી તેમણે પ્રદીપને મજાકમાં કહ્યું, 'પ્રદીપ, તને અંદર ચોકસી બોલાવે.' આ સાંભળીને તરત જ પ્રદીપે કહ્યું, 'કનુકાકા, એક વાત તમારે યાદ રાખવી કે ચોકસીને કોઈ દિવસ મારું કામ ન પડે કે એ કદી મને ન બોલાવે.' એ વખતે તો બધાં પ્રદીપની આ વાત પર ખડખડાટ હસ્યા, પણ પછી આ વિધાનનાં અર્થઘટનો ફરતાં થયાં. જેમ કે, 'પદીયો તો ચોકસી પર હુકમો ઠોકી ખાય છે', 'ચોકસી બિચારો પદીયાનું કામ કરે અને પદીયો તેને આવું આવું સંભળાવે છે' વગેરે...આની પરથી પછી પ્રદીપની 'હુકમો ઠોકવાની' પ્રવૃત્તિની ચર્ચા ચાલી અને એના પુરાવા સાંપડતા ગયા. એ વખતે અમે સહુ મિત્રો મહેમદાવાદ ખાતે આવેલી સેવાદળ એકેડેમીમાં પારિવારિક મિલન યોજતા. સવારથી સહુ ત્યાં જઈએ અને ઢળતી સાંજે પાછા. આવા એક મિલન વખતે પ્રદીપ સવારે ત્યાં પહોંચી ગયો. વિપુલ, તુષાર અને હું ચાલતા ચાલતા જઈ રહ્યા હતા અને મુકો સ્કૂટર પર અમને સામો મળ્યો. એ સેવાદળ તરફથી આવી રહ્યો હતો એટલે અમે સહેજ નવાઈથી પૂછ્યું, 'કેમ પાછો?' મુકાએ ભોળેભાવે કહ્યું, 'પ્રદીપે પેપર મંગાવ્યું છે એ લેવા જાઉં છું.' આ સાંભળીને તુષારે એની અસલ શૈલીમાં 'સ્વસ્તિ' ચાલુ કરી. 'સાલા ગુલામ! એ તો તને કહે, પણ તારામાં બુદ્ધિ નથી તે કોકનું સ્કૂટર લઈને છાપું લેવા નીકળ્યો છે?' મુકાને મન છાપું લાવવા કરતાં સ્કૂટરનો આંટો મારવાનું માહાત્મ્ય વધારે હતું એટલે એ તુષારની સ્વસ્તિને અવગણીને નીકળ્યો અને કોઈકને ઘેરથી 'ગુજરાત સમાચાર' લેતો આવ્યો. એ જોઈને પ્રદીપ કહે, 'એકલું 'ગુજરાત' જ લાવ્યો? બીજાં પેપર સ્ટેશનથી લાવવા હતાં ને?' આ સાંભળીને તુષારની સ્વસ્તિ નવેસરથી ચાલુ થઈ.
આબુના પ્રવાસ વખતે અમારી મંડળી: (ઊભેલા- ડાબેથી) મુકેશ પટેલ,
હિમાંશુ, હોટેલની રૂમના પાડોશી મનોજભાઈ અને હંસાબહેન સજનાની
અને તેમનો તેડેલો દીકરો સોનુ, હાથમાં હેટ સાથે બીરેન, પ્રદીપ
(બેઠેલા- ડાબેથી) મોંએ કપ માંડી રહેલો તુષાર, વિપુલ,
નંબર વિનાના ચશ્મા પહેરીને વહેમ મારતો મયુર, વિજય,
ઘૂંટણભેર બેઠેલો અજય ચોકસી
(આગલી હરોળ- ડાબેથી) હોટેલનો એક કર્મચારી
અને પાછળ હાથ ટેકવીને આરામની મુદ્રામાં બેઠેલો મનીષ શાહ (મંટુ)

લાંબા સમય સુધી તેણે અમદાવાદથી અપડાઉન કર્યું. એ વખતે મંટુને ઘેર વી.સી.આર. હતો. એટલે વ્યવસ્થા એવી ગોઠવાતી કે પ્રદીપ અમદાવાદથી ફિલ્મની વિડીયો કેસેટ લઈને આવે, મુકાને એ બાબતની જાણ કરે, મુકો બધાને ઘેર જઈને જાણ કરે અને રાત્રે નવેક વાગ્યે અમે સહુ મંટુને ઘેર ભેગા થઈએ. આ રીતે ઘણી સારી ફિલ્મો જોવાની અમને તક મળી. જો કે, એ વખતે પ્રદીપની સ્થિતિ એવી હતી કે એ ગમે એવી વાહિયાત ફિલ્મને માણી શકતો. એવે સમયે અમે સૌ પ્રદીપને માણતાં. તેના વિશે એક અરસા સુધી એવી છાપ અને એ ઘણે અંશે સાચી કે એ હાડકાંનો આખો છે. મતલબ કે કામ કરવામાં એના ઢેકા બહુ નમે નહીં. ખાસ કરીને એ સમયે અમે સૌ મિત્રોના લગ્નપ્રસંગ આવતા અને એનો તમામ વહીવટ અમે સંભાળતા. પણ એ પછી કોઈ એક પ્રસંગે પ્રદીપનું એવું હૃદય પરિવર્તન થયું કે લગ્નના તમામ કામની જવાબદારી એ ઊપાડી લેતો થયો. જમણવાર પત્યા પછી પીરસણ મોકલવાનું માથાકૂટભર્યું કામ પણ એ કુશળતાથી કરતો. આવા જ એક 'વહીવટ' દરમિયાન તેણે '98. 99, 100'ની 'થિયરી' આપી, જેનો વિગતે ઉલ્લેખ 'સાર્થક જલસો'ના બારમા અંકમાં મારા લેખ 'નહીં તો ભોજનનો મારગ હતો પંગતથી બુફે સુધી'માં છે.
આબુના પ્રવાસ દરમિયાન પ્રદીપ
 (પાછળ દેખાતા પગ મુકાના છે)
વિપુલના લગ્નમાં મજા આવેલી. થયું એવું કે અમે સૌ જાનમાં ગયેલા અને વરરાજાના મિત્રો તરીકે વિપુલની સાથે એક રૂમમાં અમને ઉતારો અપાયેલો. વિપુલે પોતાના હાથમાંની 'કલગી'ને બાજુએ મૂકેલી. થોડી વાર પછી એ કપડાં બદલવા ગયો એટલે પ્રદીપ ઉઠીને એની જગ્યાએ બેઠો. બાજુમાં કલગી પડી રહેલી. એને કારણે વિપુલના શ્વસુર પક્ષમાંથી વરરાજા 'જોવા' આવતા ઘણા લોકો ભૂલાવામાં પડી ગયેલા.
'આવવા જ દો!' વિપુલના લગ્ન વખતે લીલાં નાળિયેરનો
ખંગ વાળતાં મયુર (ડાબે) અને પ્રદીપ (જમણે)

વિપુલના લગ્ન વખતે (પાછળથી આગળ)
મયુર, આભાસી 'વરરાજા' પ્રદીપ,
સંજય ઠાકર (બૉબી) અને 'વરરાજા' વિપુલ

અંગ્રેજીમાં જેને 'ડેડપાન' હ્યુમર કહે છે એ એની વિશેષતા. એ ગમે એવી વાત એટલી ગંભીરતા અને ઠાવકાઈથી કહે કે સામેવાળાને એ સાચી જ લાગે. ચોમાસા દરમિયાન એક વાર અમે સૌ વિપુલને ઘેર બેઠેલા. અમે બાકીના મિત્રો ઓટલે અને પ્રદીપ વિપુલના મમ્મીપપ્પા બેઠા હતાં એ તરફ હતો. એ વખતે બહાર બે છોકરાઓ કોથળો લઈને કશુંક વીણવા નીકળેલા. ખ્યાલ આવ્યો કે એ લોકો દેડકા વીણવા નીકળ્યા છે, જેને તેઓ સ્કૂલમાં ડિસેક્શન માટે સપ્લાય કરશે. આવી બધી વાત થઈ એ પછી પ્રદીપ હર્ષદકાકાને કહે, 'દેડકાના પગ ખાધા હોય તો બહુ સ્વાદિષ્ટ લાગે.' આવી રીતે તે જાતભાતની 'થિયરી' રજૂ કરે. અગિયારમા ધોરણમાં અમે હતા ત્યારે શાળામાંથી માંકવા ગામે અમે પીકનીક માટે ગયેલા. ત્યાં ફ્રૂટ સલાડ, પુરી, બટાટાવડા જેવું ભોજન તૈયાર કરાવડાવેલું. પ્રદીપ કહે, 'ખાતાં ખાતાં કસરત કરતા જઈએ તો વધારે ખવાય.' અને તે એમ જ કરવા લાગ્યો. બે-ચાર બટાટાવડા ઝાપટે, ફ્રૂટસલાડ પીએ અને પછી દંડબેઠક કરતો જાય. જે ગંભીરતાથી એ આ કરતો હતો એ જોવાની મજા આવી ગયેલી.
જયશ્રી ભટ્ટ સાથે તેનું લગ્ન થયું ત્યારે જયશ્રી અમેરિકામાં ફેલોશીપ પર હતી. પોતાના લગ્નમાં પ્રદીપ જે ઝડપે ચાલતો હતો એ જોઈને વિપુલે કહેલું, 'આને અમેરિકા જવાની બહુ ઉતાવળ લાગે છે.' જયશ્રીના પિતાજી પી.એલ.ભટ્ટ સાહેબ મહેમદાવાદના જ, પણ વિદ્યાનગર સ્થાયી થયેલા. જયશ્રી સાથે પરિચય થઈ શકે એટલો સમયગાળો અમને મળ્યો નહીં, પણ બહુ ઝડપથી જયશ્રી અમારી સાથે ભળી ગઈ.
પ્રદીપ વિશે એક વાયકા એવી કે એ એમ કહે કે પોતે અમદાવાદમાં છે, પણ એ મુંબઈથી નીકળે તો નવાઈ નહીં. એમ નહીં કે એ ખોટું બોલતો હોય, પણ એના કાર્યક્રમો એટલી ઝડપે એ બદલી શકે. આથી એના આવવાના સમાચાર મળે એટલે અમે સહુ મજાકમાં કહીએ, 'એ આવે અને મળે ત્યારે ખરો.'
પ્રદીપને અમેરિકા જવાનું નક્કી થયું અને એ મુંબઈ આવ્યો ત્યારે યોગાનુયોગે ઉર્વીશ અને હું મુંબઈ જ હતા. ચોકસીએ અમને ફોન દ્વારા સમાચાર આપ્યા. અમે બન્ને એરપોર્ટ પર તેઓ જે હોટેલમાં ઊતરેલા ત્યાં પહોંચી ગયા. પ્રદીપની ફ્લાઈટ મોડી રાતની હતી, આથી અમે લોકોએ આખો દિવસ સાથે ગાળ્યો.
બસ, એ પછી પ્રદીપ અમારા માટે મુલાકાતી બની રહ્યો. તે અમસ્તોય પત્રવ્યવહાર ઓછો કરતો. અમને તેના સમાચાર મળતા રહેતા. તેને ત્રણ સંતાનો શ્રી, શિવાની અને શિવ થયાં. તેનું આવવાનું ઓછું બનતું, અને આવે ત્યારેય અમુક વીક પૂરતો આવે. છતાં અમે સૌ એ વખતે ભેગા થઈએ. એ જ રીતે જયશ્રી પણ આવે ત્યારે અમને સૌને મળવાનું રાખે.
અમને એ બાબતનો સૌથી વધુ આનંદ છે કે પ્રમાણમાં ઓછી મળી હોવા છતાં જયશ્રીના મનમાં અમારી મૈત્રીનું મૂલ્ય ઘણું છે. વિપુલનો દીકરો નીલ અમેરિકા ગયો એ પછી તે પ્રદીપને મળ્યો. પ્રદીપ સાથે એ અમારા સૌ કરતાં વધુ સંપર્કમાં છે એમ કહી શકાય. નીલ દ્વારા મળતી વાતોથી ખ્યાલ આવે છે કે ભલે અમેરિકા સ્થાયી થયે પ્રદીપને ત્રણ દાયકાથી વધુ સમય થયો, અમારા સૌનું કમ્યુનિકેશન પ્રમાણમાં અનિયમીત અને ઓછું રહ્યું છે, છતાં તેના મનમાં અમારી મૈત્રી અકબંધ રહી છે.
અમારા આ મિત્રને જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ.

2 comments:

  1. You are really lucky in terms of relationships especially childhood friendships. The photographs and related stories show your affection and care for living the past with nostalgia and sheer joy. Such situations are rare for the current generations and will be unfortunately extinct for the next.

    ReplyDelete
  2. પતિ-પત્નીની જેમ 'સાચાં' મિત્રો પણ અસમાન ધ્રુવોનાં વચ્ચેનાં આકર્ષણથી જોડાયેલાં રહેતાં હોય છે.   મૈત્રીની સાહજિક ઘનિષ્ઠતા ભૌતિક સંપર્ક કે અંતરની મોહતાજ ન હોય, એજ સાચી મૈત્રી નીવડે છે.

    પ્રદીપભાઈને તેમના જન્મ દિવસે અમારી પણ શુભેચ્છાઓ.

    ReplyDelete