Thursday, August 29, 2013

રતિલાલ 'અનિલ'ની વિદાય: હું ઝાકળ હતો, પણ ઉજાસ થૈ ગયો છું


રતિલાલ 'અનિલ' 


૨૩-૨-૧૯૧૯ થી ૨૯-૮-૨૦૧૩ 



"તમારી જન્મતારીખ કઈ?" 
"એ તમે હરીશ રઘુવંશીને પૂછી લેજો." 
અરે! અરે! આ કંઈ જવાબ આપવાની રીત કહેવાય? આપણે એવો કોઈ અટપટો, કૂટનીતિયુક્ત કે વિવાદાસ્પદ સવાલ પૂછ્યો હોય ને કોઈ આવો જવાબ આપે તો સમજાય, પણ જન્મતારીખ જેવી સીધીસાદી, બિનવિવાદાસ્પદ બાબતમાંય આવી આડોડાઈ? પણ એ સજ્જનને મળ્યા પછી ખ્યાલ આવ્યો કે આ આડોડાઈ નથી. હવે એ બિનજરૂરી સ્મૃતિઓ ખેરવી નાંખવાના મૂડમાં છે. 
એ જવાબ આપનાર હતા સુરતના રતિલાલ મૂળચંદ રૂપાવાળા. એ સજ્જનની આવા સંસારી નામથી ઝટ ઓળખાણ નહીં પડે. એમની ઓળખ માટે તેમનું ઉપનામ પૂરતું છે. એ ઉપનામ એટલે રતિલાલ 'અનિલ'. 
મે, ૨૦૦૯માં 'અહા!જિંદગી'માં 'ગુર્જરરત્ન' લેખમાળા માટે તેમના સુરતના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે હરીશભાઈ સાથે જ હતા. તેમણે રસ્તામાં અગાઉથી કહી જ રાખ્યું હતું કે 'અનિલ'સાહેબને કોઈ જન્મતારીખ પૂછે તો એ આવો જવાબ આપે છે. 

" મારી જન્મતારીખ? હરીશભાઈને પૂછો. એમને યાદ છે." 
આવો જવાબ આપવાનુંય કારણ હતું. દર વરસે ૨૩ ફેબ્રુઆરીના દિવસે સવારમાં ૯.૩૦ વાગ્યે અચૂક હરીશભાઈનો ફોન 'અનિલ'સાહેબ પર ગયો જ હોય. હરીશભાઈ ભૂલ્યા વિના તેમની જન્મતારીખ યાદ રાખતા, એટલે 'અનિલ'સાહેબને લાગ્યું હશે કે આપણે શું કરવું છે એને યાદ રાખીને? ઘણી બધી વસ્તુઓ ભૂલવા જેવી હોય છે. જીવનના આટઆટલા મુકામો પાર કર્યા પછી એકાદ વરસ આમતેમ થયું તોય શું ખાટુંમોળું થઈ જવાનું છે! 
એક પ્રકારની નિ‍::સ્પૃહતા કહી શકાય. ત્રણેક કલાકની એ મુલાકાતમાં વાતો તો ઘણી બધી થઈ હતી, પણ 'અનિલ'સાહેબના અનેક રૂપોમાંનું એક પત્રકાર તરીકેનુંય ખરું. એટલે તેમને એક વડીલસહજ ચિંતા સતત એ પણ થયા કરતી કે - હું છેક વડોદરાથી સુરત (ઉધના) ખાસ તેમને મળવા આવું, તેમના વિષે લખું એ મને આર્થિક રીતે પરવડે એમ છે કે કેમ? 
પત્રકાર ઉર્વીશ કોઠારીને તે અનુગ્રહપૂર્વક એટલા માટે યાદ કરતા હતા કે ઉર્વીશે પોતાની એક કોલમમાં 'અનિલ'સાહેબના અદ્વિતીય અને અભૂતપૂર્વ સામયિક 'કંકાવટી'નો ઉલ્લેખ કર્યો હતો. તેમનો ઈન્‍ટરવ્યૂ લેવા આવનાર ઉર્વીશનો ભાઈ છે એની તેમને જાણ પણ નહોતી. 
એ પરિચય પછી તેમના જન્મદિવસે હરીશભાઈનો ફોન જાય પછી મારો પણ ફોન જતો, ત્યારે તે અચૂક ઉર્વીશને યાદ કરતા. 
તદ્દન નિરાંતે સવાલના જવાબ આપતા 'અનિલ'. 
તેમને મળવાનું થયું ત્યારે તેમની આંખ અને કાન અંશત: ખોટકાયા હતાં, છતાં રમૂજની ધાર એવી જ તેજ રહી હતી. તેમના નિબંધસંગ્રહ 'આટાનો સૂરજ'ને ૨૦૦૬માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. અને એ પછી આ સંગ્રહ સ્થાનિક ધોરણે પુરસ્કૃત થયો. આ વિષે વાત કરતાં તેમણે કરેલી માર્મિક ટકોર એટલી ચોટદાર હતી કે તક મળે ત્યાં તેનો ઉલ્લેખ કરવાનું મન થાય છે, અને તક મળી ત્યાં તેમના નામથી એ કર્યો પણ છે. એમણે હસતાં હસતાં કહેલું, "પહેલાં મોટી લાઈટ થાય, ત્યાર પછી નાની લાઈટ થાય છે." 
મળીને છૂટા પડતી વખતે 'અનિલ'સાહેબ ગાડીની રાહ જોઈને સ્ટેશને બેઠેલા મુસાફર જેવા લાગેલા. યોગાનુયોગ એવો હતો કે પોતાના જીવનની તરાહને પણ તેમણે ટ્રેનની સફર સાથે સરખાવેલી. એવી સફર કે દોડતી ટ્રેન જેમતેમ પકડ્યા પછી ચડેલા મુસાફરને જાણ થાય કે આ ડબ્બો આગલા સ્ટેશને છૂટો થઈ જવાનો છે! શી હાલત થાય એ મુસાફરની! 
સુરતના બકુલ ટેલર, શરીફા વીજળીવાળા, વડોદરાના શિરીષ પંચાલ જેવા મિત્રો 'અનિલ'સાહેબ સાથે સતત સંપર્કમાં હતા. 'કંકાવટી'ના પ્રકાશનની જવાબદારી પણ તેમણે સૌએ જ એક મિશન લેખે સંભાળી લીધી હતી. 
આજે સાંજે સુરતથી હરીશભાઈ રઘુવંશીએ ફોનમાં 'અનિલ'સાહેબના અવસાનના સમાચાર આપ્યા એ સાથે જ આ બધી વાતો મનમાં ઉમટી આવી. આજે એટલે કે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૩ના દિવસે સવારે ૯૪ વરસની વયે રતિલાલ 'અનિલે' શ્વાસ મૂક્યો. સુરતમાં જ તેમના અંતિમ સંસ્કાર થયા. 
'અનિલ'સાહેબની સ્મૃતિને તાજી કરતો 'અહા!જિંદગી'નો લેખ અહીં જેમનો તેમ મૂકું છું, જેમાં તેમના બહુઆયામી વ્યક્તિત્વનો, અને તેમની જીવનસફરના વિવિધ મુકામોનો પરિચય મળી રહે છે. આ લેખ જૂન, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત થયો હતો.  

**** **** **** 

દોડતી ટ્રેન પકડયા પછી મુસાફરને ખબર પડે કે આ ડબ્બો આગલા સ્ટેશને છૂટો થઇ જવાનો છે તો? સફરની નિરાંત કે આનંદ બાજુએ રહે અને આગલા સ્ટેશને ઝટપટ ઉતરીને હાથમાં આવ્યો એ ડબ્બો જ પકડી લેવાની મથામણમાં રહ્યા કરે. સુરતના રતિલાલ મૂળચંદ રૂપાવાળાને પોતાની જીવનસફર  આવા જ પ્રવાસ જેવી લાગે છે, છતાંય આવા પ્રવાસમાં તેમણે કેવા કેવા મુકામો હાંસલ કર્યા છે!
રતિલાલ રૂપાવાળા સાહિત્યપ્રેમીઓમાં રતિલાલ ‘અનિલ’ના નામથી  જાણીતા છે. તેમનો જન્મ ૧૯૧૯ની ૨૩મી ફેબ્રુઆરીએ સુરતના સલાબતપરામાં આવેલી બાલાભાઇની શેરીમાં થયેલો. કુટુંબનો ખાનદાની વ્યવસાય જરીના વણાટકામનો હતો. બે વરસની ઉંમરે તો તેમણે પિતાજીને ગુમાવી દીધેલા, પરિણામે કુલ ત્રણ ભાઇઓ અને બે બહેનોના આખા વસ્તારની જવાબદારી તેમના મોટાભાઇ તેમજ મા પર આવી ગઇ. તેમનાં મા વણાટમાં સૌથી અઘરો ગણાતો બારીક વાણો (આડો તાર) વણવામાં અતિશય કુશળ હતાં. ‘અનિલ’ને શાળાએ મૂકવામાં આવ્યા. તેઓ ત્રીજા ધોરણમાં હતા ત્યારે જ તેમના મોટા ભાઇનું ક્ષય રોગમાં અવસાન થયું અને ઘરને ટેકો કરવા માટે આઠ વરસની કુમળી વયે ‘અનિલેં’જરીકામને સંચે જોતરાઇ જવું પડયું. શાળાનો અભ્યાસ છૂટયો, પણ વાંચનનો શોખ તેમને બરાબરનો વળગ્યો. વાંચવા મળે એ બધું જ તેઓ ઓહીયાં કરી જતા. અંગ્રેજી શાસનનો વિરોધ કરતી વિવિધ પત્રિકાઓ તેમજ પ્રચારસાહિત્ય વાંચવાનો જુદો જ રોમાંચ હતો. ગાંધીજીએ આપેલા અનેક કાર્યક્રમોની સફળતાના સાક્ષી પણ પોતાની કિશોરવયમાં ‘અનિલ’ બન્યા અને તેમના માનસઘડતરમાં ગાંધીયુગનો પ્રભાવ મહત્વનો બની રહ્યો. રોજના બારબાર કલાક સંચા પર મજૂરી કર્યા પછી પણ ભારે રસથી તેઓ છૂપી પત્રિકાઓ વાંચતા. મિત્રોની ટોળકી જાતજાતના કાર્યક્રમો પણ ઘડી કાઢતી. આવા જ એક કાર્યક્રમ મુજબ પોલીસથાણાના મુખ્ય દરવાજે પોસ્ટર લગાડયા પછી  ટુકડીમાંનો એક જણ ઝડપાઇ ગયો. પોલિસ સમક્ષ તેણે મળતિયાઓના નામ આપી દીધા. પછી પૂછવું જ શું? પોલિસ સૌને પકડવા દોડી. સંચા પર કામ કરી રહેલા ‘અનિલ’ને  સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા અને થોડા સમય પછી તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા. આ જેલવાસ તેમના જીવનની પાઠશાળા બની રહ્યો. અત્યાર સુધી જે મહાનુભાવોના નામમાત્ર સાંભળ્યા હતા તેમનાં  દર્શનનો જ નહીં, સહવાસનો પણ અહીં  લાભ મળ્યો. “છોટા ચક્કર” તરીકે ઓળખાતી બીજી બેરેકમાં તેમની સાથે રવિશંકર મહારાજ પણ હતા. માવળંકરદાદા ઉપરાંત ગુજરાતના અનેક અગ્રણીઓ અહીં હોવાથી જેલનું વાતાવરણ જીવંત બની ગયેલું. સવારસાંજ ચર્ચાઓ, વાંચન, દલીલ— પ્રતિદલીલ ચાલ્યા કરતાં. તેમાં સક્રિયપણે ઝુકાવવાને કારણે ‘અનિલ’ની તર્કશક્તિ તેમજ વકતૃત્વશક્તિ બરાબરની ખીલી. ગઝલ કે કાવ્ય સાથે હજી તેમનો નાતો બંધાયો નહોતો, પણ “બે ઘડી મોજ”માં વાંચેલી શયદાની ગઝલ “અમારા કોણ કહેશે કે ખજાના આજ ખાલી છે; ખજાનામાં રૂદન છે,ભૂખમરો છે,પાયમાલી છે” તેઓ  આખેઆખી બોલી જતા. થોડા સમય પછી જેલમાં તેમને ભયાનક મેલેરીયા લાગુ પડી ગયો. જો કે, કેદી તરીકે આવેલા કેટલાક ડોકટરોએ કરેલી સારવારને પરિણામે તેઓ મોતના મોંમાંથી પાછા ફર્યા. આમ છતાં છ માસના જેલવાસ પછી  બહાર આવતાં જ તેમણે સ્વર્ગમાંથી ફેંકાઇ ગયા હોવાની લાગણી અનુભવી. કેમ કે બીજા વિશ્વયુદ્ધને કારણે ભયાનક અરાજકતાનો માહોલ વ્યાપેલો હતો. નોકરીધંધા, કપડાં, અનાજ કશાયના ઠેકાણાં નહોતા. ‘અનિલ’ ફરી પાછા પાવરલૂમ પર જોતરાઇ ગયા. જ્ઞાતિના રિવાજ મુજબ ચૌદ વરસની ઉમરે તેમનાં લગ્ન જશુમતિબેન સાથે થઇ ગયેલાં. 
સુરતની બાજુમાં આવેલું રાંદેર ત્યારે “સફરી” મુસ્લિમોનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતું. સ્વદેશ જઇને બે પાંદડે થયા પછી દેશમાં સ્થાયી થયેલા સમૃદ્ધ મુસ્લિમોના સાહિત્યપે્રમને કારણે અહીં પોષક વાતાવરણ મળી રહેતું. જમીન આઝાદના મંત્રીપદે રાંદેરમાં “મહાગુજરાત ગઝલમંડળ” શરૂ થયાની જાણ ‘અનિલ’ને  થઇ. તેઓ અમીન આઝાદને મળવા ઉપડયા. એ મુલાકાત યાદ કરતાં ‘અનિલ’ના બોખા મોં પર આજેય હાસ્ય છવાઇ જાય છે. તેઓ કહે છે, “મેં કદી ગઝલ લખેલી નહીં. અમીન આઝાદની “મફાઇલૂન્‌, ફઉલૂન્‌” (ગઝલના છંદશાસ્ત્ર)ની ભાષા સાંભળીને મારા મોતિયા મરી ગયા. પણ મેં શાસ્ત્રને બાજુએ મૂકીને સીધા પ્રેકટીકલ શરૂ કરી દીધા અને ચાર—છ માસમાં હું ગઝલ લખતો તેમજ મુશાયરામાં ભાગ લેતો થઇ ગયો.” મંડળે ત્યારે મુશાયરાપ્રવૃત્તિનો  આરંભ કરેલો અને ગુજરાતભરના નાનામોટા નગરોમાં મુશાયરા યોજાતા હતા. ગઝલને લોકોનો જબરદસ્ત આવકાર મળવા લાગ્યો. વીસમી સદીમાં કોઇ પદ્યસ્વરુપને વિશાળ પાયે લોકસ્વીકૃતિ મળી હોય તો તે મંડળ દ્બારા શરુ થયેલી મુશાયરાપ્રવૃત્તિને કારણે ગઝલોને. અને મંડળની પ્રવૃત્તિઓમાં ‘અનિલ’ની ભૂમિકા અતિ મહત્વની બની રહી. મુશાયરો યોજાયા પછી તેનો અહેવાલ વિવિધ અખબારોને મોકલવાની જવાબદારી ‘અનિલે’ સ્વીકારેલી. તેઓ શાયરો પાસેથી ગઝલો મેળવીને, તેમાંથી શેરોને તારવીને દરેક પ્રકાશન માટે  અલગ અહેવાલ લખતા. આ ઉપરાંત દર વરસે પ્રસિદ્ધ કરાનારા ભેટપુસ્તક માટે મુશાયરામાં રજૂ થયેલી ગઝલોનું સંપાદન પણ કરતા. તેમને ગઝલ લખતા કરવામાં આ બાબત મહત્વની બની રહી. ગઝલમાં તેમની તીક્ષ્ણ વિવેચકીય પ્રતિભા નીખરી આવી. ઇશ્ક અને આશક—માશૂકની ગઝલોની પ્રચલિત છાપને બદલે ‘અનિલ’ની ગઝલોમાં તેમનું આગવું દર્શન છલકતું. પણ ગઝલને મળેલી જબરદસ્ત લોકપ્રિયતાને કારણે અમુક વિદ્વાનોનાં ભવાં તંગ થયાં. “લોકપ્રિય એટલે ઊતરતી કક્ષાનું” એવું ધોરણ લાગુ પાડીને તેમણે મુશાયરા પ્રવૃત્તિની સાથે સાથે ગઝલના સ્વરૂપ પર જ આકરા પ્રહાર શરૂ કર્યા. સુરતના જ સાક્ષરવર્ય વિષ્ણૂપ્રસાદ ત્રિવેદીએ તો રીતસરનો જંગ જ છેડયો. રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરતી વખતે કરેલા પ્રવચનમાં તેમણે શાયરોને “ફાટે ડોળે ભ્રામક ઇશ્કના ગીતો ગાનારા” તરીકે ઓળખાવ્યા. અખબારોની સાહિત્ય કોલમોમાં પણ આ ચર્ચાએ જોર પકડયું. જો કે, મુશાયરાઓને લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળતો રહ્યો.
ગઝલો ઉપરાંત સાહિત્યના તમામ પ્રકારો પ્રત્યે ‘અનિલ’ની પ્રિતી વધતી ચાલી.  ખિસ્સાની પરિસ્થિતિ મુજબ તેઓ મનપસંદ પુસ્તકો અને જૂનાં સામાયિકો ખરીદતા રહેતા. શનિવારી હાટમાંથી એક વખત તેમને દયાનંદ સરસ્વતીનું “સત્યાર્થપ્રકાશ” મળી ગયું. ‘અનિલ’ કહે છે, “આ પુસ્તકે મારા વિચારતંત્ર પર એટલી પ્રબળ અસર કરી કે જાણે નરવા કોઠે તેજાબ પી ગયો.”. 
દરમ્યાન 'બેકાર', અમીન 'આઝાદ' જેવા મિત્રોને લાગ્યું કે સાહિત્યના સર્વ પ્રકારોમાં પોતાનો રસ છે એમ પ્રતિપાદિત થવું જોઇએ. પરિણામે “કિતાબ” નામનું શુદ્ધ સાહિત્યમાસિક શરૂ કરવામાં આવ્યું. એકાદ—બે ગઝલો  સિવાય તેમાં વાર્તા, વિવેચનલેખ, નિબંધ, પરિચયલેખન જેવા વિવિધ સાહિત્યસ્વરૂપોનો  સમાવેશ કરવામાં આવતો. તેના સંપાદનની જવાબદારી “અનિલ” પર આવી. દિવસ આખો સંચા પર સખત મજૂરી અને ત્યાર પછી આ જવાબદારી.  “અનિલ”નું શરીર આ બોજા સામે જવાબ દઇ ગયું. તેમને શરૂ થઇ ગઇ ક્રોનિક હેડેક તેમજ અનિદ્રાની બેવડી તકલીફ. પગ મૂકતાંની સાથે જ માથામાં ઘણનો ઘા પડતો હોય એમ લાગે. આવી પરિસ્થિતિમાં સંચા પર તો કામ કરી જ ન શકાય. તો સાહિત્યની પ્રવૃત્તિથી કંઇ પેટ ન ભરાય. કરવું શું? સુરતની સિવિલ હોસ્પીટલમાં અને ત્યાર પછી મુંબઇની કે.ઇ.એમ. હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી, પણ ખાસ ફેર ન પડયો. આ તરફ આર્થિક કારણોસર “કિતાબ”ને બંધ કરવાનો વખત આવ્યો. જયંતિ દલાલ જેવા વિદ્બાન સાહિત્યકારની વૈચારિક હૂંફ પણ આ સામાયિકને ઉગારી ન શકી.
દરમ્યાન શાયર રુસ્વા મઝલૂમી (પાજોદ દરબાર)ની આગેવાની હેઠળ “બહાર” નામનું અર્ધસાહિત્યિક માસિક શરુ થયું, જેનું સંપાદન ‘અનિલ’ને સોંપાયું. પણ  છએક મહિનામાં જ તેનું બાળમરણ થયું. હવે શું? વિચારશૂન્ય થઇ ગયેલા ‘અનિલે’ભરયુવાનીમાં જીવનનો અંત આણવાનું વિચાર્યું. સહેજ પૂછતાં જ તેઓ આ સમયગાળામાં પહોંચી જાય છે અને કહે છે, “ હું રોજ આપઘાતજોગ કૂવો જોવા જતો, તાપીતટે ચક્કર પણ મારી આવતો. મારા ઘરના કોઇને મારા આવા વિચારોની ખબર નહીં. મહિનાદિવસ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. હું માંદો પણ પડી ગયો. જો કે, આપઘાત, પછી તો બાજુએ રહી ગયો.”
એટલામાં રાજકોટથી અમૃત ઘાયલનું મુશાયરામાં ભાગ લેવા માટેનું નિમંત્રણ આવ્યું અને ‘અનિલ’ ઉપડયા રાજકોટ. તેમની હાલત જોઇને અમૃત ઘાયલ દ્રવી ઉઠયા. મુશાયરો તો પૂરો થયો પણ ઘાયલના આગ્રહથી ‘અનિલ’રાજકોટમાં જ રોકાઇ ગયા. મકરંદ દવે, મનુભાઇ ‘સરોદ’, ઘાયલ અને ‘અનિલ’રોજ મળતા. નારણદાસ ગાંધી પણ આ બેઠકમાં જોડાતા. તેમણે એક વખત સમાચાર આપ્યા કે ગાંધીજીના ભત્રીજા નવીન ગાંધી અને ધીરેન ગાંધી જૂનાગઢના જંગલમાં “રૂપાયતન” સંસ્થા ચલાવે છે અને “પ્યારા બાપુ” માસિક પ્રસિદ્ધ કરે છે. ત્યાં જઇને ઠીક લાગે તો રહેવાનું સૂચન તેમણે કર્યું. ‘અનિલ’ ઉપડયા “રૂપાયતન”માં. શરુઆતમાં તો કંઇ કર્યા વિના તેઓ સૂનમૂન બેસી રહેતા પણ ત્રણ—ચાર મહિનામાં તેઓ સક્રિય થયા અને “પ્યારા બાપુ”નું સંપાદન હાથ પર લીધું. ગાંધીવિચારને અનુરૂપ અન્ય લેખો પણ તેમણે અનુવાદિત કરીને સમાવવાના શરૂ કર્યા, જેમાં કાકાસાહેબના, વિનોબા ભાવેના લેખો સામેલ હતા. ધીમે ધીમે  લખવાથી માંડીને છાપકામ સુધીનું તમામ કામ તેમણે સંભાળી લીધું. ગિરનારનું વાતાવરણ એટલું સ્ફૂર્તિદાયક હતું કે ગમે તેટલું કામ કરવા છતાં થાક જ ન લાગતો. એકંદરે ગાડી પાટે ચડવા લાગી. આ અરસામાં અમદાવાદથી પ્રગટ થતા “શ્રીરંગ” માસિકના સંપાદક નીરૂભાઇ દેસાઇના આમંત્રણથી ‘અનિલે’ તેમાં લખવાનું પણ શરુ કર્યું. તેમનામાં રહેલી વ્યંગશક્તિ અહીં બરાબરની ખીલી ઉઠી અને વિવિધ સ્વરૂપે તે  “શ્રીરંગ”ના પાને દેખા દેવા લાગી. આગળ જતાં તેમની ઓળખ બની રહેનારો “ચાંદરણા”નો પ્રકાર પણ “વક્રદર્શન”ના નામે અહીંથી જ શરૂ થયો. આ ઉપરાંત “આ તમારું સુરતઃ આ અમારું અમદાવાદ”, “પ્રતિશબ્દ” જેવા અનેક વ્યંગપ્રકારો તેમણે અજમાવ્યા. “કટાક્ષિકા” નામની કોલમ શરુ થઇ. ગઝલો તો લખાતી જ હતી. ‘અનિલ’ના જણાવ્યા મુજબ, “ મારી શ્રેષ્ઠ ગઝલો આ જ અરસામાં લખાઇ છે. સર્જકતાની દ્દષ્ટિએ ગિરનારનિવાસ મારા માટે બહુ ફળદાયી નીવડયો હતો.” આમ છતાં, પાંચેક વરસનો આ ગાળો  દોડતી ટ્રેને પકડેલા ડબ્બા જેવો સાબિત થયો.અહીં પરિવારજીવનની અનેક મર્યાદાઓ હતી. દીકરાના ભણતર માટે કશી જોગવાઇ નહોતી. જશુમતિબેને એક દીકરીને જન્મ આપ્યો, પણ ગિરનારની કાતિલ ઠંડી ન જીરવી શકાતાં એકાદ મહિનામાં જ તેનું અવસાન થયું. બસ, આ દુર્ઘટનાને કારણે ‘અનિલ’નું મન આ સ્થળ પરથી ઉઠી ગયું. ફરી પાછા તેઓ સુરત આવ્યા. 
તેમના વનવાસ દરમ્યાન સુષુપ્ત રહેલું “મહાગુજરાત ગઝલમંડળ” તેમના પુનરાગમનથી બેઠું થયું. ફરી એક વખત મુશાયરાનો દોર શરુ થયો અને ગુજરાતના ખૂણેખૂણે મુશાયરા યોજાવા લાગ્યા. ‘અનિલે’ ગઝલમાં એવો મુકામ હાંસલ કર્યો હતો  કે આગળ જતાં નામી બનેલા સુરતના કેટલાક ગઝલકારો આરંભકાળે પોતાની ગઝલ ‘અનિલ’ની નજર તળેથી પસાર થઇ જાય એવો આગ્રહ રાખતા.   સંચા પર કામ કરી શકાય એવું હતું જ નહીં, તેથી સાહિત્યનાં પુસ્તકો પ્રસિદ્ધ કરવા માંગતી સુરતની એક પ્રકાશનસંસ્થામાં ‘અનિલ’ જોડાયા. પણ પ્રકાશનવ્યવસાયની લેખકને ગેરમાર્ગે દોરવાની અતિપ્રચલિત નીતિરીતીઓ તેમનાથી જીરવાઇ નહીં અને આ કામ છોડયું.  દરમ્યાન ઇશ્વરલાલ ઇચ્છારામ દેસાઇએ શરુ કરેલા “લોકવાણી”માં ‘અનિલ’ની કોલમ શરુ થઇ. ત્યાર પછી સુરતમાં છપાતા “પ્રજ્ઞા” માસિકમાં પણ તેમની સેવાઓ લેવામાં આવી. લખવા ઉપરાંત તેમને પ્રૂફ તપાસવાનું કામ કરવું પડતું અને તે પણ ડેડલાઇનની મર્યાદામાં. આને લઇને અતિશય તાણ અનુભવાતી. કેમ કે રગડધગડ કામ કરવાનું તેમને ફાવતું જ નહોતું. આર્થિક જરુરત હોવા છતાં છેવટે પ્રેસના કામના બોજાથી ત્રાસીને તેમણે આ કામ છોડયાં. ત્યાર પછી સુરતનાં જ દૈનિકોમાં તેઓ કામ કરતા રહ્યા. દોડતી ટ્રેને હાથમાં આવ્યો તે ડબ્બો પકડે, ત્યાં ખબર પડે કે આ ડબ્બો પોતાને જ્યાં જવું છે ત્યાં જતો નથી, એટલે પછીના સ્ટેશને ઉતરીને ફરી પાછો ઉતાવળે ડબ્બો બદલે. આમ ક્યારેક “ગુજરાત મિત્ર”માં, ક્યારેક “ગુજરાત સમાચાર”માં, ક્યારેક “ગુજરાત કેસરી”માં, તો ક્યારેક “નવગુજરાત ટાઇમ્સ”માં તેમણે કામ કર્યું. ક્યાંક નજીવા પગારે અધધધ કામ કરાવાતું તો ક્યાંક પગાર ઠીક હોય તો કામનાં ઠેકાણાં ન હોય એમ બનતું. ક્યારેક બધું સમૂસુતરું ચાલતું હોય ત્યાં પ્રકાશન જ અટકી જતું. આવા વિષમ સંજોગોમાં કેવળ ‘અનિલ’ની સર્જનશક્તિ જ બરાબર ચાલી રહી હતી. અનુભવના આ પાઠ યાદ કરતાં તેઓ હજીય કહે છે, “ મને સંપાદક તરીકે માત્ર પ્રેસને કારણે વૈરાગ અને વિષાદ આવી ગયા છે—તે દિવસે દિવસે ગાઢ જ થતા ગયા છે. પોતાનું પ્રેસ ન હોય તો સાહિત્યમાસિક તો ન જ પ્રગટ કરવું કે તેનું સંપાદન પણ સ્વીકારવું નહીં. મારો એ જ મત આજે તો વધારે ઘૂંટાયો છે.”
‘અનિલ’ના આ પાઠ હજી વધુ પાકા થવાના હતા. આ સમયગાળામાં “કંકાવટી” માસિક ચલાવતા “સાહિત્યસંગમ”વાળા નાનુભાઇ નાયકે ‘અનિલ’ને તેનું સંચાલન સંભાળી લેવાનો પ્રસ્તાવ મૂક્યો. ‘અનિલે’ તેનું સાહિત્યિક માસિકમાં રૂપાંતર કરીને ચલાવવાની શરતે પ્રસ્તાવ સ્વીકાર્યો.  આમ, ૧૯૬૪માં “કંકાવટી” માસિક નવા રંગેરૂપે પ્રસિદ્ધ થયું, જે ચચ્ચાર દાયકા લગી ગુજરાતી સામાયિકોમાં આગવી ભાત પાડનારું બની રહ્યું.  નાનુભાઇએ છ જ અંક પછી  “કંકાવટી”ને સમેટી લેવાનો ઇરાદો જાહેર કર્યો. સૌને માટે આ આઘાત સમાન હતું, કેમ કે આ છ અંકો થકી “કંકાવટી”ની આગવી ઓળખ ઉભી થઇ હતી. મિત્રોએ કોઇ પણ ભોગે, છેવટે નાના સ્વરૂપે પણ “કંકાવટી”ને ચાલુ રાખવાનો આગ્રહ કર્યો. આર્થિક સમસ્યા સૌને નડતી હતી, છતાં તેનું પ્રકાશન ચાલુ રખાયું. “કંકાવટી” શરુ થયાના બેએક વરસ અગાઉ “શ્રેયસ” નામની સંસ્થા શરૂ થયેલી. “સાહિત્યસંગમ” પ્રકાશનસંસ્થાના સંબંધે તેમજ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કારણે સુરતમાં ત્યારે સાહિત્યકારોની અવરજવર રહેતી. સુરતમાં આવેલા સાહિત્યકારોનો સંપર્ક કરીને “શ્રેયસ” માં પ્રવચન માટે નિમંત્રવામાં આવતા. શ્થાનિક અખબારમાં તેની જાહેરાત કરાતી અને દૂરદૂરનાં ગામોમાંથી સાહિત્યપ્રેમીઓ ઉમટતા. કશા આર્થિક વળતરની અપેક્ષા વિના કેવળ સહ્રદયી શ્રોતાઓ સમક્ષ બોલવા મળે તે કારણે સાહિત્યકારો આ નિમંત્રણ રાજીખુશીથી સ્વીકારતા. ચુનીલાલ મડિયા, ગુલાબદાસ બ્રોકર, “કુત્તી”ના કેસ સંદર્ભે સુરત આવતા ચન્દ્રકાન્ત બક્ષી, જ્યોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા વગેરે અનેક સાહિત્યકારો  “શ્રેયસ” ના મહેમાન બની ગયા હતા. સુરતમાં પોતાના દીકરાનો લગ્નપ્રસંગ હોવા છતાં સુરેશ જોશી “શ્રેયસ”માં પધાર્યા. આ વાતાવરણ “કંકાવટી” માટે પોષક બની રહ્યું. અનેક યુવાનોની સાહિત્યીક રુચિ ઘડવામાં “કંકાવટી”એ મહત્વની ભૂમિકા ભજવી. “અનિલ” ના બળવાખોર, આખાબોલા છતાં નખશીખ સાહિત્યરુચિવાળા સ્વભાવનું તે પ્રતિબિંબ બની રહ્યું. જ્યોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા, હરિવલ્લભ ભાયાણી, પ્રમોદકુમાર પટેલ, જયંત પાઠક, મકરંદ દવે, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ભગવતીકુમાર શર્મા, હિમાંશી શેલત, સુમન શાહ, ગુલામ મહંમદ શેખ, મણિલાલ હ. પટેલ, જેવા અનેક નામો “કંકાવટી”નાં પાનાંઓ પર જોવા મળી શકે. અજિત ઠાકોર, વિજય શાસ્ત્રી, કિસન સોસા, હેલ્પર ક્રિસ્ટી જેવા ત્યારના સાહિત્યિક નવલોહીયાઓના ઘડતરમાં “કંકાવટી”નું પ્રચંડ પ્રદાન છે. સુરેશ જોશી અને શિરીષ પંચાલ જેવા આધુનિક પ્રવાહના પ્રેરક સાહિત્યકારો પોતાના ખુદના મેગેઝીન સિવાય લખવા માટે કેવળ “કંકાવટી” પર જ પસંદગી ઉતારતા. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રતિબિંબ સમા સુરેશ જોશીના આખા યુગની ઝલક “કંકાવટી”માંથી મળી રહે. ‘અનિલ’ કદી અંગત દ્બેષ રાખતા નહીં,પણ સંપાદક તરીકે કોઇની શેહશરમ ભરતા નહીં. આ કારણે તેમણે ઘણું સાંભળવું તેમજ સહન પણ કરવું પડયું. “કંકાવટી”માં ચાલતા જબરદસ્ત ચર્ચાયુદ્ધને કારણે રઘુવીર ચૌધરીએ તેને “કંકાસવટી” તરીકે ઓળખાવેલી, તો અન્ય એક જણે”કંકાવટી”માં ગાળાગાળી જ આવે છે, એમ પણ લખેલું. 
આવી અનેક ટીકાઓ પચાવીને પણ કેવળ પોતાની સાહિત્યનિષ્ઠાને કારણે “કંકાવટી” સળંગ બેંતાલીસ વરસ સુધી  પ્રકાશિત થતું રહ્યું. સાહિત્યીકતા ઉપરાંત અચૂક નિયમીતતા તેની મુદ્રા બની રહી. છેવટે ૨૦૦૬માં પોસ્ટલ રજીસ્ટ્રેશનનો કાયદો બદલાતાં તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જો કે, ત્યાર પછી બકુલ ટેલર, શરીફા વિજળીવાળા, શિરીષ પંચાલ જેવા “કંકાવટી” પ્રેમીઓએ ત્રિમાસિક પુસ્તિકાના નવા રંગેરુપે તેનું પ્રકાશન જારી રાખ્યું છે. 
શયદા, બેકાર, અમીન આઝાદ, આસીમ રાંદેરી જેવા ગઝલકારોની પ્રથમ પેઢીથી શરૂઆત કરીને ગઝલની ચારચાર પેઢી નિહાળનાર રતિલાલ ‘અનિલ’ને ગુજરાત સરકારનો “વલી ગુજરાતી એવોર્ડ” પ્રાપ્ત થયો છે, તો  તેમના નિબંધસંગ્રહ “આટાનો સૂરજ”ને ૨૦૦૬માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ સન્માનિત કર્યો છે. જીવનના કઠિન સંઘર્ષો, કપરી આર્થિક પરિસ્થિતિ, એક યા બીજા કારણોસર સતત સંઘર્ષ, શોષણ અને ઉપેક્ષામાં જીવતા રહેલા આ સાહિત્યકારની સાહિત્યપ્રિતી હજીય બરકરાર છે. બે દૈનિકોમાં કોલમલેખનની સાથેસાથે વાંચન પણ તેમના નિત્યક્રમનો જ હિસ્સો છે. પોતે વેઠેલા તેમજ અનુભવેલા સંજોગોના આકરા તાપની અસર તેમના આખાબોલા સ્વભાવમાં પડઘાતી હોવાનું ઘણાને લાગે, પણ તેમણે ખેડેલા ગઝલ, વ્યંગ, નિબંધ જેવા અનેક સાહિત્યપ્રકારોમાં આ જ કારણે તે નોખી ભાત પાડે છે. “ડમરો અને તુલસી”, “હાસ્યલહરી”, “મસ્તીની પળોમાં”, “રસ્તો”, “ચાંદરણા” જેવાં પુસ્તકો દ્બારા તેમની કૃતિઓ ભાવકો સુધી પહોંચી છે. “કંકાવટી”એ તેમને અર્થસમૃદ્ધ તો નહીં, અનુભવસમૃદ્ધ અવશ્ય બનાવ્યા છે, તેથી જ તેઓ કહે છે,“હું ગુજરાતી ભાષામાં એક ટોટલ સાહિત્યિક સામયિક જોવા માંગું છું. દીવાદાંડી કંઇ પાંચ—પચીસ ન હોય.પણ એક તો હોવી જોઇએ ને!” ‘અનિલ’ના ધોરણ મુજબની ‘દીવાદાંડી’ તૈયાર થાય ત્યાં સુધી “કંકાવટી”ના જૂના અંકોમાંથી લેખોનું સંપાદન કરવામાં આવે તો પણ સાહિત્યરસિકો માટે તે ‘દીવાદાંડી’ની ગરજ સારી શકે એમ છે. 

(પૂરક માહિતી: બકુલ ટેલર, સુરત) 
(તમામ તસવીરો: બીરેન કોઠારી) 

**** **** **** 

વરસેક પહેલાં જ 'અનિલ'સાહેબનાં આ ચાર પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં, ત્યારે યાદ રાખી રાખીને તેમણે અનેક મિત્રોને તે મોકલ્યાં હતા. 





**** **** **** 

‘અનિલ’ના ચૂંટેલા શેર.


 નથી  એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
           ‘અનિલ’, મેં સાંભળ્યું છે,ક્યારનો બંધાય છે રસ્તો!

*** 
 દેવ ને સંતો,મહંતો,વિક્રમો આવી ગયા,
           હર જમાનામાં ‘અનિલ’, આદમ ફક્ત આદમ હતો.
*** 

 ક્યારેક તો  મને જ હું ભેદી શક્યો નહીં,
           બાકી તો આરપાર હતો! —કોણ માનશે?
*** 

 ઓલવાયેલા દીવાઓનું હતું કાજળ એ,
           એને હાથોમાં લઇ માનવે ‘ઇતિહાસ’ કહ્યો! 
***

 સિક્કો બની જવાની તમન્ના નથી કરી,
            કોઇ બીબામાં જાત અમે ઢાળતા નથી.

**** **** **** 


‘ચાંદરણા’ની ઝલક


  •  દૂધના પોરા પાણીના પરપોટા કરતાં પોતાને ઊંચા (બ્રાહ્મણ) માને છે.
  •  માણસના સંયમની પાળ રેતીની બનેલી હોય છે.
  •  પગ પૂજવાની ના પાડે તેનાં પગરખાં તો પૂજાય જ!
  • જવ, યજ્ઞમાં હોમાવાની ના પાડીને સહર્ષ બીયર બને છે.
  •  મેળાની પીપૂડી ઘર સુધી પહોંચે તો એનું સદ્‌ભાગ્ય!

16 comments:

  1. Most appropriate obit 2 d most deserving Grand Old Man of our litrature....Let Almighty rest his soul 2 d eternal peace....
    BM/Chitralekha

    ReplyDelete
  2. પ્રિય બીરેન,
    ‘અહા જિંદગી!’માં આ લેખ આવ્યો ત્યારે વાંચ્યો તે વખતે અને આજે પણ રતિલાલ દાદાનું જીવન અને તેમનો સતત સંઘર્ષ આંખ સામે છતો થાય છે. દુર્લભ વ્યક્તિત્વનું દુર્લભ રેખાંકન.
    -સલિલ

    ReplyDelete
  3. એમનાં ચાંદરણાંની સંખ્યા એટલી મોટી છે કે વાત ન પૂછો ! એમનાં લખાણોમાં તાજગી કદાચ સૌથી મોટો ગુણ કહી શકાય.....

    ગુજરાતી સાહિત્યમાં અનિલજીનું સ્થાન વિશેષ રહેશે. – જુ.

    ReplyDelete
  4. રતિલાલદાદાના અવસાનના સમાચાર સાંભળી અત્યંત દુ:ખ થયું. ઝાકળનો ઉજાસ હવે અાથમી ગયો. રહી તો કેવળ સ્મૃતી! આપના બ્લૉગ દ્વારા દાદાને આપી રહેલ અંજલિ સ્વીકારશો તથા તેમના પરિવાર સુધી પહોંચાડવા વિનંતી.

    ReplyDelete
  5. 'અનિલ'ના મૃત્યુના સામચાર સાંભળીને બહુ દુ:ખ થયું. ગુજરાતમિત્રના પાને એમને ઘણા માણ્યા છે. ખાસ કરીને એમના 'ચાંદરણા' મને બહુ પ્રિય હતા. એક વાર કવિ સંમેલનમાં એમને સાંભળવાનો મોકો પણ મળ્યો હતો. એમના આત્માને પ્રભુ શાંતિ આપે એ જ પ્રાર્થના.

    ReplyDelete
  6. 'અહા!જિંદગી'નો લેખ તો સુંદર હતો જ પરંતુ તમે તેમના નિધન બાદ તેમની નિ‍::સ્પૃહતા અને મિજાજની વાત કરી છે,તે પણ સચોટ છે... રતિલાલભાઈએ જે નાની લાઇટ અને મોટી લાઇટવાળી વાત કરેલી, એ ખાસ વિચારણીય બની રહે છે. કોઈને તીલક કરવા માટે આપણી કંકાવટી કોઈ મોટી લાઇટ ઝબુકવાની રાહ ન જુએ, એથી રુડું બીજું શું હોઈ શકે!

    ReplyDelete
  7. શ્રી બિરેનભાઈ,

    સુંદર લેખ. હું પ્યારાબાપુ અને શ્રીરંગ બન્નેનો ચાહક-વાંચક હતો. ગુજરાતી ભાષા નસીબદાર છે કે તેને આવા અનોખા સાહિત્ય-સેવકો પણ મળતા રહે છે.

    -માવજીભાઈ મુંબઈવાળા

    ReplyDelete
  8. Wonderful, wonderful piece on a giant of a man. Terribly saddened to hear of his passing away. Biren, that's a super, well-deserved tribute.

    ReplyDelete
  9. તેમનો ટૂંક્ પરિચય...
    http://sureshbjani.wordpress.com/2007/02/13/ratilal_anil/

    ReplyDelete
  10. ચાંદરણાં(૧૫૯ ) ....
    http://gadyasoor.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%9A%E0%AA%BE%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE/

    ReplyDelete
  11. once again you made us know the unknown Gujarati Person - Which,ideally be known to all Gujarati......Thanks for sharing such article with us...
    May his soul rest in peace......

    ReplyDelete
  12. ઝાકળ હવે મોતી થઈ ગયું. અનિલદા શબ્દબ્રહ્મનું પીમળ મૂકી ગયા છે જે આપણને મઘમઘાવતું રહેશે.

    ReplyDelete
  13. હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ.

    ReplyDelete
  14. એમની 'સફરના સાથી' વાંચ્યા પછી એમને માટેનો સાચો અભિપ્રાય બંધાયેલો. વર્ષો પ્હેલાં 'રંગતરંગ' અને 'ચાંદની'માં એમની અલગ અલગ કોલમો વાંચેલી. આ પરિચય લેખ પછી તો માન ઓર વધી ગયું. ધન્યવાદ.

    ReplyDelete
  15. રતિલાલ અનિલ..
    ગુજરાત મિત્ર માં ચાંદરણાં માણવા... એ એક અલગ જ મઝા હતી..
    આજે ચાંદરણાં પ્રકાર નું કોઈ પુસ્તક પ્રકાશિત થતું હોય અથવા બ્લોગ હોય તો સાહિત્ય પ્રેમી ઓ એ જણાવવા માનભેર વિનંતી...

    ReplyDelete