Sunday, June 15, 2025

એન્‍જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયાં

જીવનકથાનું કામ સોંપાય એ પછી ઘણા સમય સુધી માહિતી મેળવવાનું કામ ચાલતું હોય છે. લખવાનો ભાગ છેલ્લે આવે. સામાન્ય રીતે કામ શરૂ કરીએ એટલે પહેલો ઉપક્રમ એ હોય કે સંબંધિત વ્યક્તિના જીવનની સાલવારી તૈયાર કરવી. આને કારણે પછી આડીઅવળી મળતી રહેતી વાતો કયા સમયગાળાના ચોકઠામાં બંધ બેસશે એનો અંદાજ આવતો જાય. આનો વધુ એક ફાયદો એ કે જીવનકથાનાં પ્રકરણોનું માળખું પણ મનોમન તૈયાર થતું જાય. મારી દૃષ્ટિએ એક ચરિત્રકાર માટે આ બાબત સૌથી મહત્ત્વની છે. તે એ કે પુસ્તક લખાતાં પહેલાં તેના મનમાં આખું માળખું બને. એ પછી પ્રાપ્ત થતી વિગતોના આધારે એમાં નાનામોટા ફેરફાર થાય, પણ મૂળભૂત ફેરફાર લગભગ ન થાય.
અમુક જીવનકથાઓ પડકાર લેખે આવે છે. પડકાર બે રીતના હોઈ શકે. પહેલો પ્રકાર એ કે અતિશય ઘટનાપ્રચૂર જીવન હોય. બીજો પડકાર એથી મોટો છે અને એ છે સાવ સપાટ જીવન હોય. ઘટનાપ્રચૂર જીવનમાં રજનીકુમાર પંડ્યાનું જીવન આવે. જો કે, એ અપવાદ છે.
'સાગર મુવીટોન' પુસ્તક એક આખી સંસ્થા અને તેની સમાંતરે વિવિધ વ્યક્તિઓની કથાનું પુસ્તક હતું. આમ છતાં, એના આલેખનમાં મને ખાસ મુશ્કેલી નહોતી પડી, કેમ કે, મારા મનમાં એની રૂપરેખા બની ગયેલી. આથી વિગતો મળતી જાય એમ હું જે તે પ્રકરણમાં મૂકતો જતો. આને કારણે ઘણી વાર એમ થતું કે એક પ્રકરણ લખતાં લખતાં વચ્ચે બ્લૉક જેવું લાગે તો બીજું પ્રકરણ શરૂ કરી દેતો. એમાં કંટાળો આવે તો નવું. એમ કહી શકાય કે ત્રણ-ચાર પ્રકરણ સમાંતરે લખાતા જતા હતા.
પણ ભૂપેનની જીવનકથા જુદી રીતે પડકારરૂપ નીકળી. એમની મોટા ભાગની વિગતો સુલભ હતી, પણ એ જે તે વ્યક્તિઓનાં સંભારણાં સ્વરૂપે હતી. એમના જીવનની સાલવારી અમેરિકન ચિત્રકાર ટિમોથી હાયમને તૈયાર કરેલી, જે ખરું જોતાં એમણે દોરેલાં ચિત્રોની સાલવારી હતી. પ્રકરણનો મુસદ્દો મનમાં તૈયાર હતો, પણ વિગતો ક્યાં? હજી ઘણા લોકોને મળવાનું બાકી હતું, એમને પૂછીને વિગતો કઢાવવાની હતી. એવામાં એક મજાનો બનાવ બન્યો.
2016માં લંડનની ટેટ મોડર્ન ગેલરીમાં ભૂપેનનાં ચિત્રોનું રેસ્ટ્રોસ્પેક્ટિવ 'You can't please all' ના નામે યોજાયું, જેનું શિર્ષક ભૂપેનના એક જાણીતા ચિત્રના શિર્ષક પરથી અપાયેલું. વડોદરાથી શેખસાહેબ, હીતેશ રાણા જેવા ભૂપેનના સ્નેહીઓએ એમાં હાજરી આપેલી. એમ, ભૂપેનના અમેરિકન ચાહક બ્રાયન વેઈનસ્ટાઈને પણ હાજરી આપેલી. બ્રાયને મને ત્યાંથી આ પ્રદર્શનનો કેટલોગ મોકલી આપેલો અને લખેલું કે આ નિમિત્તે પ્રકાશિત પુસ્તકની નકલ તેઓ ભારત આવે ત્યારે લેતા આવશે.

બ્રાયને મોકલેલો ટેટ મોડર્નના પ્રદર્શનનો કેટલોગ

બ્રાયને પોતે ભૂપેનનાં કેટલાંક ચિત્રોનો
બનાવેલો કેટલોગ શુભેચ્છાસંદેશ સાથે.

આ પ્રદર્શન નિમિત્તે ખરું રમખાણ થયું. એક બ્રિટીશ વિવેચકે 'ધ ગાર્ડિઅન'ના એક લેખમાં ભૂપેનનાં ચિત્રોની બરાબર ઝાટકણી કાઢીને એને સાવ નકામાં ગણાવ્યાં. આનાથી ભારતીય કલાકારોનો સમુદાય ઊકળી ઉઠ્યો. એ લોકોએ પેલા વિવેચકને 'નકામો' ઘોષિત કરી દીધો. આ જોઈને એક ત્રીજા માણસે ભારતીય સમુદાયને ટપારતાં કહ્યું, 'અલ્યા, સહેજ સહિષ્ણુતા રાખો. વિવેચકને પોતાનો મત ન હોય?' (શબ્દો જુદા, પણ ભાવ કંઈક આવો). પછી એણે મજાકમાં લખેલું, 'તો હવે આપણી પાસે એક વધુ 'પવિત્ર ગાય' છે, જેની ટીકા કરી શકાય નહીં. એ ગાયનું નામ છે ભૂપેન ખખ્ખર.'
ટેટ મોડર્નના પ્રદર્શન નિમિત્તે પ્રકાશિત થયેલું પુસ્તક
આ અહેવાલો ઓનલાઈન પ્રકાશિત થતા. અને વાંચીને બહુ રમૂજ પડતી. કેમ કે, ત્યાં સુધીમાં ભૂપેનનો જેટલો પરિચય મને થયેલો એના પરથી લાગ્યું કે આ બબાલની સૌથી વધુ મજા કોઈએ જો લીધી હોત તો એ હોત ભૂપેન. થોડા મહિનામાં બ્રાયન ભારત આવ્યા. એમને અમે મળ્યા. તેમણે મને પેલું પુસ્તક આપ્યું. સ્વાભાવિકપણે જ આ બબાલની વાત નીકળી અને મેં એમને મારો મત કહ્યો. બ્રાયન જોરથી હસી પડ્યા અને કહે, 'ખરી વાત છે. આનો સૌથી વધુ આનંદ ભૂપેને જ ઉઠાવ્યો હોત.'
નક્કી કર્યું કે આ બબાલને લગતું અલાયદું પ્રકરણ થવું જ જોઈએ. બબાલ સહેજ શમી અને બધાએ પોતપોતાના પક્ષ જણાવી દીધા એ પછી મેં તમામ વિગતોનું સંકલન કરીને પ્રકરણ લખ્યું, વિવાદ: 'ભૂપેનનો મરણોત્તર મિત્ર.' એ વખતે તો એટલું મનમાં હતું કે આ પ્રકરણ પુસ્તકના બીજા ખંડમાં, મોટે ભાગે સૌથી છેલ્લે આવશે.
આમ, ભૂપેનની જીવનકથાના આલેખન વખતે સૌથી પહેલાં જે બે પ્રકરણ લખાયા તે આ- એક પહેલું, અને બીજું, છેલ્લું. એન્જિન અને ગાર્ડનો ડબ્બો તૈયાર થઈ ગયા, પણ વચ્ચેના પ્રકરણોના ડબ્બા હજી જોડવાના બાકી હતા.
(ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)

No comments:

Post a Comment