Saturday, July 6, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (10): ચીની ગુરુચેલો

ચીની ગુરુચેલાની પણ આવી કેટલીક મજાની વાતો છે. એક વાર એક ગુરુએ એક ભણી ઉતરેલા ચેલાને મળવા બોલાવ્યો. સાત વાર બોલાવ્યો ત્યારે ચેલો આવ્યો.

ગુરુ કહે:'અરે, હું તને સાત વાર બોલાવું, તોયે તું આવે નહિ? શું તું મને નાની સરખી ગુરુદક્ષિણા પણ નહિ આપે?'
ચેલાએ કહ્યું: 'નહિ કેમ આપું? એ આપવી છે એટલે તો હું મોડો આવ્યો! મારી બધી વાત તમારે સાંભળવા જેવી છે!'
ગુરુએ કહ્યું: 'વાહ, બહુ સરસ! કહે, હું સાંભળું!'
ચેલાએ કહ્યું: 'આજે મને એક હજાર રૂપિયા જડ્યા!'
ગુરુએ ખુશ થઈ કહ્યું: 'બહુ સરસ! બહુ સરસ! શું કર્યું તેં એ રૂપિયાનું? બધા વાપરી નાખ્યા તો નથી ને?'
'ના, મેં એવો વિચાર રાખ્યો છે કે ત્રણસો રૂપિયાની જમીન લેવી. ત્રણસો રૂપિયાનું ઘર લેવું; સો રૂપિયાનાં કપડાંં દાગીના લેવાંં.'
ગુરુ અદ્ધર શ્વાસે સાંભળી રહ્યા હતા. કહે: 'સાતસો તો તેં સાફ કરી નાખ્યા. હવે ગુરુદક્ષિણા-'
શિષ્યે કહ્યું: 'અરે, હજી ત્રણસો તો બાકી છે! સો રૂપિયાની ચોપડીઓ, સો રૂપિયાનો ઘોડો-'
'અને ગુરુદક્ષિણા-'
શિષ્યે તરત કહ્યું: 'અને સો રૂપિયા તમને ગુરુદક્ષિણામાં!'
ગુરુ ખુશખુશ થઈ ગયા. કહે: 'વાહ, ચેલા, વાહ!' તેં તો મને ન્યાલ કરી નાખ્યો!'
'તે એની ખુશાલીમાં-' ચેલાએ કહ્યું. વચ્ચેથી જ ગુરુએ કહ્યું: 'આજે તારે મારે ત્યાં જમવાનું!'
'કબૂલ! ગુરુ આજ્ઞાનો કાંઈ અનાદર કરાશે?' ચેલાએ કહ્યું.
તરત જ ગુરુએ પાકા ભોજનનો હુકમ કરી દીધો. શિષ્યે ધરાઈ ધરાઈને ખાધું- પેટ ફાટી જાય એટલું ખાધું, ગુરુએ આગ્રહ કરી કરીને એને જમાડ્યો, રૂપિયા સો ગુરુદક્ષિણા આપી હતી ખરી ને!
જમીપરવારીને ગુરુચેલો આરામ કરવા બેઠા હતા, ત્યાં ગુરુએ ચેલાને કહ્યું: 'હજાર રૂપિયા તેં સાચવીને તો મૂક્યા છે ને?'
ચેલાએ ગંભીરતાથી કહ્યું: 'રૂપિયાનો કેવો ઉપયોગ કરવો એ નક્કી કરી નાખ્યા પછી હું એ રૂપિયા ઉપાડીને સુરક્ષિત સ્થળે મૂકવાનું કરતો હતો, ત્યાં મારી કમજાત બૈરીએ આવી મને આખો ને આખો હલાવી નાખ્યો, ને હું એકદમ જાગી ગયો!'
એકદમ ગુરુના પેટમાં ફાળ પડી, 'હેં! જાગી ગયો? તો શું આ બધું સ્વપ્નું હતું?'
'સ્વપ્નું જ તો! પણ કેવું ફક્કડ! કેવું મજાનું!'
'શું ધૂળ મજાનું? તું મને બનાવી ગયો!'
ચેલાએ શાંતિથી કહ્યું: 'જી, એવું નથી, આપે મને ભણાવ્યો, ને મેં એ ભણતર ઉજાળ્યું- એટલું જ માત્ર થયું છે. બાકી સાચુંં કહું તો રાજા ચાઉમાઉના રાજ્યમાં આજે આવું સ્વપ્નું યે ક્યાં છે?'
એકદમ ગુરુના ગળે વાત ઉતરી ગઈ. તે બોલી ઉઠ્યા: 'ખરી વાત! ખરી વાત! આવું સ્વપ્નું યે આજે દુર્લભ છે! તું નસીબદાર કે તને એવું સ્વપ્નુંયે આવ્યું, મને તો આટલી જિંદગીમાં એવું સ્વપ્નું યે હજી આવ્યું નથી!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Friday, July 5, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (9): તળાવ ખાલી કરી ખેતી કરો!

ચીની રાજા ચાઉમાઉ એક વાર ખુશમિજાજમાં બેઠા હતા. ત્યાં કેટલાક માણસોએ આવીને કહ્યું, 'મહારાજ, અમારે ખેડવા માટે જમીન જોઈએ છે!'

રાજાએ તરત દીવાનને બોલાવી હુકમ કર્યો; 'આ લોકોને જમીન આપો!'
જમીનની તપાસ આવી. ફરતા ફરતા બધા એક તળાવના કિનારે આવ્યા. તળાવનો ફળદ્રુપ કાંપ જોઈ ખેડૂતોએ કહ્યું: 'પાણી ન હોય તો અહીં ખેતી ફક્કડ થાય!'
દીવાને રાજાને આ વાત કરી. રાજા કહે: 'તો તળાવ ખાલી કરી નાંખો! એમાં મને પૂછવા શું આવ્યા? દીવાન થયા છો તો આટલી અક્કલ નથી?'
દીવાનને આ સાંભળી ખોટું તો લાગ્યું, પણ ખોટું લગાડે એવો એ મૂર્ખ નહોતો. એણે તરત ખેડૂતોને હુકમ કરી દીધો: 'આ તળાવ તમારું! એનું પાણી કાઢી નાંખી ખેતી કરો!'
ખેડૂતોએ કહ્યું: 'દીવાનજી, એ પાણીનું શું કરીએ?'
વળી દીવાન વિચારમાં પડી ગયો. એ ગયો રાજા પાસે. રાજા સવાલ સાંભળી તરત બોલ્યો: 'આટલી અક્કલ નથી તમારામાં? બીજું એવડું તળાવ ખોદી એ પાણી એમાં નખાવી દો!'
દીવાન રાજાનો ખુલાસો સાંભળી ખુશ થઈ ગયો. તેણે એ મુજબ હુકમ કરી દીધો.
ત્યાર પછી તળાવનું શું થયું એ નથી રાજાને ખબર કે નથી દીવાનને ખબર.
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Thursday, July 4, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (8): પાકો હુકમ

એક વાર એક ગામના લોકોએ આવી રાજાજીની આગળ ફરિયાદ કરી: 'મહારાજ, અમારા ગામની સીમમાં એક વાઘ પેંધો પડ્યો છે. તે રોજ અમારાં જાનવર મારી ખાય છે. હમણાં તો એક છોકરીનેય મારી નાખી! આપ એ વાઘનો ત્રાસ મટાડો!'

રાજાએ તરત બૂમ મારી: 'દીવાનજી!'
'જી હજૂર!' કરી દીવાન સાત સલામ ભરી ઊભો.
રાજાએ કહ્યું: 'આ વાઘ કોની હકૂમતમાં?'
'જી આપની!'
'બસ, તો લખો હુકમ! પાકો લખજો, કાચો નહિ!' રાજાએ કહ્યું.
પાકો એટલે પથરા પર, ને કાચો એટલે ઢેખાળા પર. રાજાજીના રાજમાં બધા હુકમો ઈંટ કે પથરા ઉપર કોતરાતા.
મોટો પથરો લાવી તેના પર હુકમ કોતરવામાં આવ્યો:
'વાઘ રે વાઘ,
તું અહીંથી ભાગ!
નહિ તો તારું આવી બન્યું,
ચાઉમાઉ રાજાની આણ.'
દીવાને કહ્યું, 'વાહ, ફક્કડ હુકમ કર્યો!'
પછી રાજાએ લોકોને કહ્યું, 'જાઓ, આ હુકમ લઈને ગામની સીમમાં જઈને ઊભા રહો, ને વાઘ આવે એટલે એને આ બતાવજો!'
બે માણસો રાજાનો આ હુકમ લઈને વાઘને દેખાડવા ગયા તો બેયને વાઘ ફાડી ખાઈ ગયો- પણ રાજાને આ વાત કહેવા કોઈ ગયું નહિ. રાજાએ તો માન્યું કે વાઘનો ત્રાસ દૂર થઈ ગયો.

(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Wednesday, July 3, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (7): ચાઉમાઉના રાજ્યમાં દખણાદી દિશા જ નથી!

એક વાર ચાઉમાઉ રાજા ગાદી પર બિરાજ્યા હતા, ને દિવાન હાઉવાઉ બાજુમાં ખડા હતા. એટલામાં એક ભરવાડે આવી ફરિયાદ કરી: 'મહારાજ, મારા ગામની ભાગોળે તળાવના કિનારે હું ભાથું ખાવા બેઠો હતો, ત્યાં એક પઠ્ઠો બદમાશ આવી મારું બધું ખાવાનું પડાવી ખાઈ ગયો; હું એ પઠ્ઠાને અહીં પકડી લાવ્યો છું. આપ એને સજા કરો.'

'જરૂર સજા કરીશ.' રાજાએ કહ્યું.
ત્યાં તો પઠ્ઠાએ કહ્યું: 'કોને સજા કરશો, મહારાજ? ગુનેગારને કે બિનગુનેગારને?'
'ગુનેગારને!' રાજાએ કહ્યું.
'તો પહેલાં ગુનેગાર નક્કી કરો! હું કહું છું કે આ ભરવાડ ખોટું બોલે છે. એ જ ગુનેગાર છે.'
ત્યાં ભરવાડે કહ્યું: 'હું ખોટું નથી બોલતો, મહારાજ. આ પઠ્ઠો ખોટું બોલે છે. મારા ગામની ભાગોળે તળાવની પાળે આજે એણે મને લૂંટી લીધો છે.'
રાજાએ પઠ્ઠાને પૂછ્યું: 'બોલ, આ વિશે તારે શું કહેવું છે?'
પઠ્ઠાએ કહ્યું: 'મહારાજ, આ ભરવાડ 'મારું ગામ', 'મારું ગામ' કરે છે, તે શું એ ગામનો ધણી છે?'
'એ ધણી શાનો? ધણી તો હું છું. કેમ અલ્યા, ખરી વાત?'
ભરવાડે કહ્યું: 'હા, બાપજી. હું ધણી નથી; ધણી આપ છો!'
પઠ્ઠાએ કહ્યું: 'સાબિત થઈ ગયું, મહારાજ, કે એ જૂઠો છે. મારું ગામ, મારું ગામ કરે છે, પણ એનું કોઈ ગામ જ નથી. અને ગામ જ નથી તો પછી ગામની ભાગોળ કેવી અને ભાગોળમાં તળાવ કેવું? તળાવની પાળે એને બેસવાનું કેવું, ને વળી ભાથું ખાવાનું કેવું? વાત સાવ ગપ છે, મહારાજ!'
રાજા કહે: 'બરાબર, બરાબર!'
ત્યાં તો ભરવાડે રાડ પાડી કહ્યું: 'મહારાજ, એ જૂઠો છે, બદમાશ છે, મારા ગામની ઓતરાદી દિશાએ ભૂખિયું તળાવ છે.'
પઠ્ઠો ખડખડ હસી પડી બોલ્યો: 'મહારાજ, સાવ ડિંગ! સાવ ખોટું! આખી દુનિયા જાણે છે કે મહારાજા ચાઉમાઉના રાજ્યમાં ઓતરાદી દિશા જ નથી માત્ર પૂર્વ ને પશ્ચિમ બે જ દિશાઓ છે, પૂર્વમાં સૂરજ ઉગે ને પશ્ચિમમાં આથમે. એને ઓતરાદી દિશાની જરૂર જ નથી! અને ઓતરાદી દિશા જ જો નથી, તો પછી ઓતરાદી દિશામાં ભૂખિયું તળાવ કેવું? અને તળાવની પાળે ભરવાડનું બેસવાનું કેવું? અને મારે એને લૂંટી ખાવાનું કેવું?'
એકદમ દીવાન ઉત્સાહમાં આવી પઠ્ઠાને હેતથી ભેટી પડ્યો ને બોલ્યો: 'બરાબર! બરાબર! જ્યાં ઓતરાદી દિશા જ નથી ત્યાં લૂંટી ખાવાનું કેવું? જે ખાધુંપીધું એ બધું બાપનું જ સમજવું.'
'બાપનું જ તો!' પઠ્ઠાએ કહ્યું.
રાજાએ ભરવાડને ગુનેગાર ઠરાવી કહ્યું: 'તું રાજ્યનો ગુનેગાર છે. હું તને મારા રાજ્યમાંથી દેશનિકાલ કરું છું ને આ પઠ્ઠાને જે ગામ નથી એનો મુખી બનાવું છું.'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

Tuesday, July 2, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (6): તું મારી ખુશામત કર!

ચીની ચાઉમાઉના દીવાન હાઉવાઉને એક વાર થયું કે હું રોજ રાજાની ખુશામત કરું છું, પણ કોઈ મારી ખુશામત કેમ નથી કરતું? તેણે પોતાની ખુશામત કરાવવાનું નક્કી કર્યું.

હતો અક્કલવાળો, એટલે સો સોનામહોરોની થેલી લઈને બેઠો. એટલામાં એણે તુંબડા જેવા શેઠ ખાઉંખાઉંને ત્યાં થઈને જતા જોયા. બૂમ પાડી એણે ખાઉંખાઉંને પોતાની પાસે બોલાવી કહ્યું, 'દેખ, મારી પાસે સો સોનામહોરો છે!'
સોનામહોરો જોઈને ખાઉંખાઉંની દાઢ ડળકી. તેણે કહ્યું, 'મને સોનામહોરો બહુ ગમે છે!'
'ગમે છે? તો હું તને આમાંથી દશ સોનામહોરો આપું. તું મારી ખુશામત કરશે?' સીધું જ હાઉવાઉએ પૂછ્યું.
ખાઉંખાઉં પણ અસલ ચીનો હતો. તેણે કહ્યું, 'બસ, માત્ર દશ?'
'તો વીસ આપું.' હાઉવાઉએ કહ્યું.
'બસ, વીસ? સરખો હિસ્સો ન મળે તો હું તમારી ખુશામત શું કરવા કરું?' ખાઉંખાઉંએ કહ્યું.
'વાત તો ખરી! તો હું તને સરખો હિસ્સો આપું. આમાંથી અડધી સોનામહોરો તારી! બોલ, હવે મારી ખુશામત કરશે?' હાઉવાઉએ કહ્યું.
ખાઉંખાઉં શેઠિયાએ કહ્યું, 'ખુશામત કરવાનું મને બહુ ગમે છે-તમારી તો ખાસ! પણ વાત એમ છે કે આપણે બન્ને સરખા ધનના માલિક થયા, એટલે બન્ને સરખા થયા, પછી હું તમારી ખુશામત શા સારું કરું?'
તરત જ હાઉવાઉએ બોલી નાખ્યું, 'તો હું તમને બધીયે સોનામહોરો આપી દઉં-સોએ સો! લો, આ બધી સોનામહોરો તમારી! હવે મારી ખુશામત કરો! જલદી કરો જલદી! મને મારી ખુશામત સાંભળવાનું બહુ મન થયું છે! ઝટ કરો!'
સો મહોરો લઈને ખિસ્સામાં ઘાલી ખાઉંખાઉંએ કહ્યું, 'હવે હું બધી મહોરોનો માલિક થયો. તમારી ખુશામત કરવાની જરૂર ક્યાં રહી?'
એકદમ હાઉવાઉનો પિત્તો ગયો. તેણે ભચ દઈને શેઠિયાની ફૂલેલી ફાંદ પર લાત ઠોકી દીધી! શેઠિયો ગબડીને હેઠો પડ્યો. હાઉવાઉએ એની પાસેથી સોએ મહોરો પાછી લઈ લીધી. ઉપરથી એની પાસે જે કંઈ હતું તેયે પડાવી લીધું ને ફરી એક બીજી લાત લગાવી દીધી!
હવે ખાઉંખાઉં બે હાથ જોડી બોલ્યો: 'બાપુ, દયા કરો! તમે પરમ કૃપાળુ છો, તમે પરમ શક્તિમાન છો! આ ચીન દેશમાં તમારા જેવો લાયક આદમી મેં જોયો નથી. તમે છો તો ચીનની આબરુ છે. તમે છો તો મારી આબરુ છે. તમે છો તો મારા જીવમાં જીવ છે! તમારો જય હો!'
ખાઉંખાઉં શેઠિયાની ફૂલેલી ફાંદ પર ફરી બે લાત લગાવી દઈ હાઉવાઉએ કહ્યું: 'ખુશામત કેવી રીતે કરાવવી તે હવે હું જાણી ગયો છું. એમાં સોનાની જરૂર નથી, લાતની જરૂર છે.'
ખાઉંખાઉં શેઠિયાએ કહ્યું: 'તમારી લાત બહુ પાવનકારી છે, તમારી લાત ખાવા મળે તે નશીબદાર છે. તમારી લાતનો જય હો!'
ફરી એક લાત મારી હાઉવાઉએ ખાઉંખાઉંને જવા દીધો.

(રમણલાલ સોની લિખિત બાળવાર્તા 'ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પ્રકાશન વર્ષ: 1967)

Monday, July 1, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (5): હાઉવાઉનું સ્વપ્નું

ચીની રાજા ચાઉમાઉના દીવાન હાઉવાઉને એક વાર સ્વપ્નું આવ્યું. સ્વપ્નામાં એણે જોયું તો પોતે ગુજરીમાં મરઘી વેચવા ગયો હતો.

એક માણસ એ મરઘી ખરીદવા આવ્યો.
હાઉવાઉએ કહ્યું: 'મારી મરઘી બહુ ફક્કડ છે; જાડી છે, તગડી છે, અને અચ્છેર અચ્છેરનું ઈંડું મૂકે છે!'
પેલો માણસ આભો બની ગયો. આવી મરઘી એણે ક્યાંય જોઈ નહોતી. તેણે કહ્યું: 'શું કહો છો?' એવી ફક્કડ મરઘી છે? બોલો, શું લેવું છે એનું? મારે જેવી જોઈએ છે તેવી જ મરઘી છે આ!'
હાઉવાઉએ કહ્યું: 'એક રૂપિયો!'
ઘરાકે કહ્યું: 'ઊંહું!ઊંહું! પચાસ પૈસા.'
હાઉવાઉએ કહ્યું: 'નહીં, એંશી પૈસા!'
ઘરાકે કહ્યું: 'ઊંહું!ઊંહું! સાઠ પૈસા!'
હાઉવાઉએ કહ્યું: 'એંશી પૈસામાં એક ઓછો નહીં!'
ઘરાકે કહ્યું: 'સિત્તેર પૈસાથી એક વધારે નહીં! દેવી હોય તો દો, નહીં તો જાઉં છું.'
હાઉવાઉએ કહ્યું: 'તો જા-'
'જા' કહેતાંમાં હાઉવાઉની ઊંઘ ઊડી ગઈ. જાગીને જુએ તો મરઘી શું, ને કાંઈ શું?
તે બોલ્યો: 'ઓહ, જબરી ભૂલ થઈ ગઈ!'
હાઉવાઉની પત્નીએ પૂછ્યું: 'હજી ઉઠ્યા નથી, ક્યાંય ગયા નથી, એટલામાં શાની ભૂલ થઈ ગઈ?'
હાઉવાઉએ નિસાસો નાખી કહ્યું: 'મરઘી હાથથી ગઈ! સિત્તેર પૈસાયે ગયા!'
પત્નીએ કહ્યું: 'શાની મરઘી ને શાના પૈસાની વાત કરો છો?'
હાઉવાઉએ પત્નીને સ્વપ્નાની વાત કરી કહ્યું: 'તે જ વખતે મેં સોદો પતાવી નાખ્યો હોત તો સારું થાત! હવે એ ઘરાક-'
એકદમ એ પાછો પથારીમાં પડ્યો, ને આંખો મીંચી દઈ હાથ લાંબો કરી બોલ્યો: 'ઘરાક, એ.......ઈ ઘરાક, પાછો આવ! લાવ સિત્તેર પૈસા! સોદો કબૂલ!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)