Wednesday, July 17, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન- 2): ચાઉમાઉનો ન્યાય

ચીની ચાઉમાઉના રાજમાં પ્રજાને લીલાલહેર હતી. એકેએક પ્રજાજન કહેતું, 'આવો રાજા બીજો થાવો નથી.' પ્રજાજનો એટલા પ્રામાણિક હતા કે માત્ર જાહેરમાં જ નહીં, પોતાના શયનખંડમાં સુદ્ધાં તેઓ આમ કહેતા. ચાઉમાઉના ગુપ્તચરોને લોકોના શયનખંડની દીવાલો પર કાન મૂકીને ઊભા રહેવાની આદત હતી. અને આ હકીકત તેમણે જ રાજાને જણાવી હતી. આથી રાજા પોતાના પ્રજાજનોથી અને પ્રજાજનો પોતાના રાજાથી ખુશ હતા.

ચાઉમાઉ પ્રજાને મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર છોડતો નહીં. આને કારણે લોકો પોતાની બેકારીની, ભૂખમરાની સમસ્યા વીસરી જતા. તેમની આંખો સદાય વિસ્મયથી પહોળી રહેતી, આથી આંસું એમાંથી કદી ઉભરાતા નહીં. તાળીઓ પાડવામાં બન્ને હાથ સતત વ્યસ્ત રહેતા હોવાથી એ હાથે ભોજન લેવાનું તેમને કદી યાદ આવતું નહીં.
ચાઉમાઉ રોજ જાતભાતના વેશ કાઢતો. આજે ભજનીક, તો કાલે લૂંટારો. ક્યારેક પોલિસ અધિકારી, તો ક્યારેક ધર્મગુરુ. વેશ ગમે તે હોય, લોકો એનો ભરપૂર આનંદ લૂંટતા.
એમ તો ચાઉમાઉના રાજમાં અમલદારો પણ હતા. આ અમલદારો ચાઉમાઉને વિવિધ અહેવાલો સતત આપતા રહેતા, જે મોટે ભાગે એ દર્શાવતા કે ચાઉમાઉના રાજમાં પ્રજાને લીલાલહેર છે.
એક વખત ચાઉમાઉના દરબારમાં એક માણસ ફરિયાદ લઈને આવ્યો કે એના ઝૂંપડાને સરકારી બુલડોઝરે તોડી નાંખ્યું છે. ચાઉમાઉની ન્યાયપ્રિયતા પણ એટલી જ પ્રસિદ્ધ હતી. બુલડોઝરના ડ્રાઈવરને તરફ હાજર કરાયો. બિચારો સાવ દૂબળોપાતળો હતો. તેને પૂછવામાં આવ્યું, 'એ વાત સાચી કે તેં આ ગરીબના ઝૂંપડા પર બુલડોઝર ફેરવ્યું છે? તારે બચાવમાં કશું કહેવું છે?'
બુલડોઝરના ડ્રાઈવરે ઊંડો શ્વાસ લીધો. આસપાસ નજર ફેરવી. દીવાન હાઉવાઉ ઘણે દૂર બેઠેલા હતા. આટલે દૂરથી પણ તેને દેખાયું કે દીવાનજીએ એની તરફ જોઈને આંખ મીંચકારી. ડ્રાઈવરે કહ્યું, 'હજૂર, આપ તો ન્યાયપ્રિય છો. ન્યાયદેવી આપને હાજરાહજૂર છે. આપનો ન્યાય કેવળ ચીનમાં જ નહીં...."
"કટ!" ચાઉમાઉ બરાડ્યો. "અમે શું છીએ એ અમારે એક બુલડોઝરના ડ્રાઈવર પાસેથી સાંભળવું પડે એવા ખરાબ દા'ડા હજી મારા નથી આવ્યા. એના માટે લેખકો-કવિઓની આખી ફોજ અમે નભાવીએ છીએ. તું મુદ્દાની વાત કર, નહીંતર તારો શિરચ્છેદ કરવામાં આવશે."
બુલડોઝરના ડ્રાઈવરે કહ્યું, 'હજૂર, બેઅદબી માફ! હું ચીની ભાષાનો સ્નાતક છું. આપણા દેશની અનેક કૉલેજોમાં મેં હંગામી વિદ્યાસહાયક માટે અરજીઓ કરી. ક્યાંય મેળ ન પડ્યો એટલે પછી મેં વૈકલ્પિક કારકિર્દીનો વિચાર કર્યો. મારી પાસે તો સ્કૂટરનું લાઈસન્સ પણ નહોતું, પણ પેલી નોકરી મેળવવા માટે મેં કરેલી બચતમાંથી મેં સ્કૂટરનું લાઈસન્સ કઢાવ્યું. અને એક લાઈસન્સ હોય તો બીજું લાઈસન્સ મળી જાય એવી અદ્ભુત વ્યવસ્થા આપના શાસનમાં છે એ કોણ નથી જાણતું?"
ચાઉમાઉના ચહેરા પરથી ક્રોધના ભાવ હજી સાવ ઓસર્યા નહોતા, પણ પોતાના શાસનના વખાણ સાંભળવા કોને ન ગમે? એટલે તેણે કહ્યું, 'ઝટ મુદ્દાની વાત પર આવ.' બુલડોઝર ડ્રાઈવરે કહ્યું, 'હજૂર, આ બધી વાત આપને કહેવાનો અર્થ એટલો કે હું પણ કવિતા લખવા માટેની લાયકાત ધરાવું છું. પણ આ વાત આપના સુધી મારે સીધેસીધી પહોંચાડવાનો મોકો હું શોધી રહ્યો હતો. એ શોધમાં ને શોધમાં આનું ઝૂંપડું મને નજરે પડ્યું. એટલે મેં ઝાઝું વિચાર્યા વગર એની પર બુલડોઝર ફેરવી દીધું. હવે આપ જ કહો, મેં કશું ખોટું કર્યું?"
ચાઉમાઉના ચહેરા પર પ્રસન્નતા વ્યાપી ગઈ. તેણે કહ્યું, 'દીવાન, આ ઝૂંપડાવાળો આપણા દેશના કવિઓના વિકાસમાં અડચણરૂપ છે. એને એનાં બૈરીછોકરાં અને માલમિલકત સહિત મોંગોલિયા મોકલી દો.'
આ સાંભળતાં જ પેલો ઝૂંપડાવાળો રાજી થઈ ગયો. અને બીજી જ પળે રોવા લાગ્યો. તેના આવા વિચિત્ર વર્તનથી સૌને નવાઈ લાગી. પણ એનો ખુલાસો ઝૂંપડાવાળાએ જ કરી દીધો. એ બોલ્યો, 'હજૂર, હું મોંગોલિયા જતો રહીશ. પણ મારાં બૈરીછોકરાં અને માલમિલકત બધું બુલડોઝર નીચે કચડાઈ ગયું. એનું શું કરવું?'
ચાઉમાઉના હાવભાવ પલટાયા. એમણે દીવાન સામે જોયું. દીવાને કહ્યું, 'આ ચાઉમાઉનું શાસન છે. અહીં બધાને માટે સરખો ન્યાય છે. રાજ્ય તને બૈરીછોકરાં પૂરાં ન પાડી શકે. તારે આ બુલડોઝર ડ્રાઈવરના બૈરીછોકરાં અને મિલકત લઈને કાલ સવાર સુધી મોંગોલિયા ચાલ્યા જવાનું છે. એમાં વિલંબ થયો તો પછી...." દીવાનજી વાક્ય પૂરું કરે એ પહેલાં ઝૂંપડાવાળો બોલી ઉઠ્યો, 'રાજા ચાઉમાઉનો જય હો!'
બુલડોઝરનો ડ્રાઈવર પણ રાજીરાજી થઈ ગયો. એ ઉલ્લાસથી બોલી ઉઠ્યો, 'દીવાનજી, આ મામલે એક કવિતા સંભળાવું?'
દીવાન હાઉવાઉ કહે, 'હજી તને બુલડોઝર ખાતામાંથી બદલીનો હુકમ મળશે અને 'સંસ્કૃતિ અને પરંપરા મંત્રાલય'માંથી નિમણૂકપત્ર મળશે. બસ, એ પછી તારે બીજું કશું કામ કરવાનું નથી. કવિતા, ચિંતનલેખ, કોલમ જે લખવું હોય લખજે, પણ એ પહેલાં કશું નહીં.'
ઝૂંપડાવાળો પણ ખુશ, બુલડોઝરનો ડ્રાઈવર પણ ખુશ. રાજા ચાઉમાઉની આ ન્યાયપ્રણાલિ અને શીઘ્રન્યાયની કાર્યપદ્ધતિ જોઈને ઉપસ્થિત પ્રજાજનોએ રાજાનો જયઘોષ કર્યો.
ચીની ચાઉમાઉના રાજમાં પ્રજાને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment