-બીરેન કોઠારી
આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ અનુભવવું એક વાત છે, અને ગૌરવ લઈ શકાય એ રીતે વારસાને જાળવવો સાવ અલગ વાત છે. આ બાબતે સમગ્રતયા ઉદાસીન માહોલમાં એક એવી ઉજવણી વિશે જાણીને રાજીપો અને સંતોષ થાય કે આવું અપવાદરૂપ કામ આટલી આયોજનબદ્ધ રીતે થઈ રહ્યું છે!
ખેડા જિલ્લાનું નડિયાદ નગર એક સમયે ‘સાક્ષરભૂમિ’ તરીકે જાણીતું હતું, અને અનેક વિદ્વાનો અહીં વિદ્યમાન હતા. આ તમામ પંડિતોમાં ઝળહળતા સૂરજ જેવું નામ એટલે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એટલે કે ગો.મા.ત્રિ. ચાર ભાગમાં તેમણે લખેલી નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વગાંધીયુગમાં ગુજરાતનું સંસ્કારપ્રતીક બની ચૂકી હતી. સંગમયુગના દૃષ્ટા તરીકે ઓળખાવાયેલા ગો.મા.ત્રિ.એ શાળાકીય શિક્ષણ નડિયાદ અને મુંબઈમાં મેળવ્યું અને વ્યાવસાયિક કારકિર્દી મુંબઈમાં જમાવી. ઊત્તરાવસ્થામાં તેઓ નડિયાદના પોતાના મકાનમાં પાછા આવ્યા, અને ‘સરસ્વતીચંદ્ર’ના ચોથા ભાગનું લેખન અહીં જ સંપન્ન કર્યું. ઈ.સ.1900નું એ વર્ષ, જેની નોંધ ગોવર્ધનરામે પોતાની નોંધપોથીમાં કરેલી છે. એ પછીના વર્ષે, ઈ.સ.1901માં તેનો ચોથો ભાગ પ્રકાશિત થયો.
આમ, 2025નું વર્તમાન વર્ષ એટલે ‘સરસ્વતીચંદ્ર’ સંપન્ન થયાનું સવાસોમું વર્ષ. દુનિયાના કોઈ પણ ખૂણે વસતો ગુજરાતી જેને માટે ગૌરવ લઈ શકે એવી આ ઘટનાની ઉજવણી કેવળ નડિયાદકેન્દ્રી બની રહે એ કંઈ ચાલે? પ્રો.હસિત મહેતાએ વિચાર્યું કે આ નિમિત્તે 'સરસ્વતીચંદ્ર' અને ગોવર્ધનરામને લોકો સુધી પહોંચાડીએ.આનો ગુજરાતી અનુવાદ એ કે આ વિષયને પરિસંવાદમાંથી અને શૈક્ષણિક જગતમાંથી બહાર કાઢીએ.પણ આમ વિચારનાર હસિતભાઈને એવી તે શી લેવાદેવા કે એમના મનમાં આ વિચાર આવે?
પ્રો.હસિત મહેતાના અવિરત, દૃષ્ટિવાન પ્રયાસોથી નડિયાદના નાગરવાડા વિસ્તારમાંની ઝઘડીયા પોળમાં આવેલું ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ એટલે કે ગોવર્ધનરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન આજે દેશવિદેશના અનેક સાહિત્યરસિકો માટેનું તીર્થધામ બની રહ્યું છે. અહીં આવનાર મુલાકાતી આ સ્થળે ગો.મા.ત્રિ.ની ચેતનાને અનુભવી શકે છે. અસલ મકાનના મૂળ માળખા ઊપરાંત ગો.મા.ત્રિ. દ્વારા ઊપયોગમાં લેવાયેલી વિવિધ ચીજવસ્તુઓ તેમજ ગો.મા.ત્રિ.નાં તમામ પ્રકાશિત લખાણની મૂળ હસ્તપ્રત તો ખરાં જ, તેમનાં અંગત પુસ્તકાલયનાં હજારેક પુસ્તકો સુદ્ધાં અહીં જતનભેર સચવાયેલાં છે. અહીં કાર્યરત વિદ્યાર્થી સ્વયંસેવકો મુલાકાતીઓને આ બધી માહિતી આપે ત્યારે મુલાકાતીઓ બે બાબતે અભિભૂત થાય છે. એક તો અહીંની જાળવણી જોઈને, અને બીજું આ બધું તેમને વિદ્યાર્થી સ્વયંસેવકો જણાવે છે એ કારણે. હા, આ સ્થળ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંકળાયા છે.
આથી, ‘સરસ્વતીચંદ્ર’ના સમાપનની શતાબ્દિની ઉજવણી માટે હસિતભાઈને પહેલો વિચાર આ સમગ્ર ઉપક્રમમાં વિદ્યાર્થીઓને સાંકળવાનો આવે એમાં નવાઈ નથી. પણ મુખ્ય પ્રશ્ન એ હતો કે એમને સાંકળીને કરવું શું?
ગોવર્ધનરામ ત્રિપાઠી અને 'સરસ્વતીચંદ્ર'ને હસિતભાઈ ઘોળીને પી ગયા છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. એમણે 'સરસ્વતીચંદ્ર'ના નાયક અને નાયિકાઓને વૈશ્વિક ફલક પરની, એની આસપાસના સમયગાળામાં સર્જાયેલી કૃતિઓનાં નાયકનાયિકાઓ સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. આમાંથી એમણે ત્રણ બાબત નક્કી કરી.
લીઓ ટોલ્સ્ટોયની 'અના કરેનીના' 1878માં પ્રકાશિત થઈ. 'સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગના પ્રકાશનના લગભગ દાયકા પહેલાં. આ બન્ને કૃતિઓની નાયિકા પોતપોતાની રીતે વિશિષ્ટ છે. આથી અના અને કુમુદસુંદરી વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા બન્નેએ પોતાના સર્જક પર ઘડેલું આરોપનામું ‘તમે કલમ મ્યાન કરી’ની એકાંકીરૂપે હસિતભાઈએ લખ્યું. આનું દિગ્દર્શન પ્રો.કમલ જોશીએ કર્યું.
બીજો મુદ્દો સ્વરૂપની રીતે સાવ જુદો. નિવૃત્ત સનદી અધિકારી અને વિદ્યાપુરુષ સ્વ. કુલીનચંદ્ર યાજ્ઞિક દ્વારા છેક 2013થી, એમની 86 વર્ષની વયે આરંભાયેલી એક અનન્ય પ્રવૃત્તિ તે 'ગુરુવારિયું', જે 'જી.ડી.' (ગૃપ ડિસ્કશન)કે 'સ્ટડી સર્કલ' તરીકે ઓળખાય છે. યાજ્ઞિકસાહેબ દર ગુરુવારે સાંજના છ વાગ્યે ‘ગોવર્ધન સ્મૃતિમંદીર’માં આવતા અને વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા. આગળ જતાં પ્રો. નીરજ યાજ્ઞિક અને વિદ્યાર્થીપ્રિય પ્રો. આશિષ શાહ આમાં સંકળાયા. ત્રણેક વર્ષથી પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારી પણ આમાં સંકળાયા.અહીં વિવિધ વિષય પર ગોષ્ઠિ થતી. એટલે આ 'જી.ડી.'ને મંચ પર ભજવીને એની ચર્ચા થકી રમણભાઈ નીલકંઠના નાટક 'રાઈનો પર્વત'નો રાઈ અને 'સરસ્વતીચંદ્ર'ના નાયક સરસ્વતીચંદ્રનાં પાત્રોમાં ભારતીય રેનેસાં(નવજાગરણ)નું પ્રતિબિંબ શી રીતે ઝીલાયું છે એ દર્શાવવાનું નક્કી થયું. હસિતભાઈએ લખેલી આ સ્ક્રીપ્ટના સંવાદ ઉર્વીશ અને બીરેન કોઠારીએ લખ્યા.
ત્રીજી વાત એટલે 'સરસ્વતીચંદ્ર'માં આવતાં ગીતો. ગોવર્ધનરામે પોતે લખેલાં, નવલકથાના કથાનકને અનુરૂપ અનેક ગીત પુસ્તકમાં છે. એ પૈકીનાં અમુક પસંદ કરીને, એનું સ્વરાંકન કરાવીને એની મ્યુઝીકલ ટ્રેક તૈયાર કરાવાઈ. અતિ મધુર સ્વર ધરાવતી બે વિદ્યાર્થીનીઓ આસ્થાના તેમજ પૂજા એ ગીતો 'લાઈવ' રજૂ કરે એમ નક્કી થયું.સુરેશ જોશીએ સંગીતબદ્ધ કરેલાં ગીતોનું સ્વરાંકન સૌરભ પરીખ દ્વારા થયું.
‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં ચાલતાં રીહર્સલની જુદી મજા હતી. ખાસ તો વિદ્યાર્થીઓ જે તલ્લીનતાથી આમાં ભાગ લેતા હતા એ દૃશ્ય આંખને ઠારે એવું હતું. મંચની ઉપર અને પાછળ સંકળાયેલા અનેક વિદ્યાર્થીઓ માટે આ કેવું જીવનપાથેય બની રહે!
2 મે, 2025ના રોજ મુંબઈમાં યોજાયેલા ‘વ્યાપન પર્વ’માં અને એ પછી 2 ઓગષ્ટ, 2025ના રોજ અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજના ચીનુભાઈ ચીમનલાલ સભાગૃહમાં દોઢેક કલાકનો આ કાર્યક્રમ અતિ સફળતાપૂર્વક યોજાયો. દરેક ચીજની રજૂઆત અગાઉ તેની પૂર્વભૂમિકા ટૂંકમાં અપાતી, જેથી દર્શકો તેનો સંદર્ભ તરત જ સમજી શકે. અલબત્ત, આ શરૂઆત છે. હજી ગુજરાત આખામાં અનેકવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓમાં આને પહોંચાડવાની નેમ છે અને એ માટે આમંત્રણો મળી પણ રહ્યાં છે.
લોકરુચિને સંતોષવા સસ્તી રંજકતાના સ્તરે ઊતરી આવવાને બદલે આવા કાર્યક્રમ થકી લોકરુચિનું ઘડતર કરવું અઘરું છે. આથી જ આવો વિચાર કરનાર, એનો અમલ કરનાર અને અમલમાં સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આ ઉજવણી ગુજરાતભરમાં પ્રસરીને ખરા અર્થમાં ગુજરાતગૌરવ બની રહે એમાં જ એનું સાર્થક્ય છે.
(સૌજન્ય: કર્ટન કોલ, ગુજરાતમિત્ર, રવિવારીય પૂર્તિ, 10-08-25)
No comments:
Post a Comment