Friday, September 1, 2017

સ્વનિર્ભર ખેડિકા ઘર: કિતના હસીન હૈ યે ઈક સપના...


- ઉત્પલ ભટ્ટ

(અમદાવાદ સ્થિત મિત્ર ઉત્પલ ભટ્ટના આગવા કહી શકાય એવા ગ્રામવિકાસ અભિયાનની એક અનોખી પહેલનો અહેવાલ) 

૨૦૧૧ થી શરૂ કરેલી ગ્રામવિકાસની યાત્રા અનેક અનુભવો પછી અનાયાસે 'ગ્રામ પરિવર્તન'/rural transformation તરફ ઢળી રહી છે. એના ભાગરૂપે ડાંગ જિલ્લાની હદ પાસે આવેલા સોનગઢ તાલુકાના ખાંજર ગામ તરફ રડાર તકાયું છે. ગત ૨૫ જુલાઈએ ખાંજર ગામમાં ખેડૂતસભા અને બિયારણ વહેંચણીનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં M.Phil ભણતી અત્યંત તેજસ્વી આદિવાસી કન્યા સુનિતા ગામીતના ઘેર રોકાણ કર્યું હતું. સુનિતાના પ્રેમાળ કુટુંબ સાથે હવે ખૂબ સારો સંબંધ સ્થપાઈ ગયો છે. ગુજરાતના કોઈ પણ નાના ખેડૂતની મુલાકાત લઉં, તેમની સાથે વાતો કરું ત્યારે મનમાં વિચાર ચાલતો હોય કે ખેડૂત/ખેડિકાને સ્વનિર્ભર કેવી રીતે બનાવવા? તેઓ ફક્ત ખેતી અને પશુપાલન કરે, તેમની જમીન સાથે જોડાયેલા રહે અને તેમણે ખેતમજૂરી/બાંધકામ ક્ષેત્રની મજૂરીએ જવું પડે તે માટે શું થઈ શકે તેની ચર્ચાઓ ચાલતી રહે છે.

આવી સતત થતી રહેતી ચર્ચાઓ અને ચિંતનબેઠકો પછી એક નાનકડી યોજના મનમાં આકાર લેતી ગઈ. કોઈ એક ખેડૂતના ઘરને 'મોડેલ હાઉસ' તરીકે વિકસાવવુંજેમાં એક વખત અમુક-તમુક પ્રકારના ટેકાઓ આપ્યા પછી તે મહ્દ અંશે સ્વનિર્ભર બની જાય. એટલે કે પહેલો ગિયર આપણે પાડી આપવો. ત્યાર પછી ગાડી પોતાના બળે ગતિ પકડી લે. સુનિતા ગામીતના ઘરના સભ્યો જવાબદાર અને સમજુ છે એટલે એના ઘરને 'મોડેલ હાઉસ' તરીકે વિકસાવવાનું નક્કી કર્યું છે.
 સ્વનિર્ભર બનવા તરફનું પહેલું કદમ 
સુનિતાની નાની બેન કલાવતીએ ધોરણ પછી કોઈક કારણસર અભ્યાસ છોડી દીધો છે. હમણાં સુધી તે ખેતમજૂરીએ જતી હતીજે ખૂબ મહેનત માગી લેતું કઠોર કામ છે. એક-બે વખત તેને આગળ ભણવા સમજાવી જોઈ પરંતુ લાગ્યું કે તે આગળ ભણે તેમ નથી. આથી એક વિચાર એવો આવ્યો કે બહુ ભણ્યા પછી પણ તેને સારી નોકરી મળવી મુશ્કેલ પડશે. એના કરતાં તે સ્વનિર્ભર બને તેવું કંઈક કરીએ. કલાવતી સાથે વાતો કરતાં જાણવા મળ્યું કે તેને સિલાઈકામનો શોખ છે. વાત પર આગળ વધીને તેને સોનગઢ ખાતે સીવણ ક્લાસમાં મૂકી. અમદાવાદથી મોટરાઈઝ્ડ સિલાઈ મશીન ખરીદ્યું અને એક દિવસ ખાંજર જઈને તેને આપ્યું. સિલાઈ મશીન જોઈને તે એટલી બધી ખુશ થઈ ગઈ કે અદભૂત દૃશ્યને 'મનના કેમેરા'માં ક્લિક કરી શકાય! સિલાઈ મશીન સાથે તેને ૨૫ મીટરનો એક એવા અલગ રંગોના પોપલીનના તાકા આપ્યા. તે એટલા માટે કે તેમાંથી ચણિયા બનાવીને ગામની મહિલાઓમાં વેચાણ કરી શકે. સ્વનિર્ભર બનવા માટે આવી 'ફર્સ્ટ લિફ્ટ' ખૂબ જરૂરી છે. એના નફામાંથી તે બીજી વખતનું કાપડ ખરીદી શકશે અને 'સાયકલ' આગળ ચાલશે.

રાત પડી અને હું એના ઘરની પરસાળમાં સૂતો. બીજા દિવસે સવારમાં વાગ્યે મશીનનો અવાજ આવ્યો એટલે ઉઠી ગયો અને જોયું તો કલાવતી એની મસ્તીમાં કંઈક સીવી રહી હતી! કલાવતીનું દિમાગ સતેજ  થઈ ગયું હતું. એ જોઈને લાગ્યું કે બસ, આની જરૂર હતી. ઘડીએ કલાવતી ખેતમજૂરીની ચુંગાલમાંથી મુક્ત થઈ.
સર્જનમાં નિજાનંદ 
સોનગઢ ખાતે ચાલતા સીવણ ક્લાસમાં જવા માટે કલાવતીએ રોજ બે કિ.મી. ચાલીને પાસેના દોસવાડા ગામે જવું પડે. ત્યાંથી એસ.ટી. બસ કે શટલ રિક્ષામાં સોનગઢ પહોંચાય. ત્યાં સિલાઈ મશીન પર બેસવા માટે ક્લાસમાં પડાપડી હોય એટલે બીજી બહેનો કરતાં વહેલા પહોંચવા માટે તે રોજ સવારે નવની આસપાસ ઘેરથી નીકળી જાય અને સાંજે રીતે બસ-રિક્ષા-પદયાત્રા કરીને ચારેક વાગ્યે પાછી આવે. ઘેર આવીને છાણ-વાસીદું તો કરવાનું હોય. તે એટલી બધી થાકી ગઈ હોય કે સાંજે આઠ વાગતામાં તો ઘસઘસાટ ઉંઘ આવી જાય. બીજા દિવસે સવારે વહેલા સાડા પાંચે ઉઠીને ફરીથી ઘરનું કામ કરવાનું અને પછી સીવણ ક્લાસમાં જવાનું.
પોતે સીવેલા ડ્રેસ સાથે કલાવતી
સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવાનું બીજું પાસું  છે કે પશુપાલન થકી તેમની આવકમાં વધારો થાય. હાલમાં સુનિતાને ઘેર એક જર્સી ગાય છે અને તેની બે નાની વાછરડીઓ છે. વાછરડીઓ હજુ નાની છે એટલે દૂધ નથી આપતી. એક ગાયના દૂધના વેચાણમાંથી ખર્ચ બાદ કરતાં મહિને પાંચ હજાર જેટલો નફો થાય. આવી ત્રણેક ગાય હોય તો મહિને પંદર હજાર રૂપિયાની બેઠી આવક શરૂ થઈ શકે. 'ગાય પ્રકરણ' વિશે બીજી વખત વિગતે વાત કરવાની જ છે! ભારતના ગરમ વાતાવરણમાં વિદેશી મૂળની 'જર્સી ગાય' વારંવાર માંદી પડે અને એનો દાક્તરી ખર્ચ ઘણો આવે. એના કરતાં 'ગીર ગાય'નો ઉછેર કરવામાં આવે તો તે ગુજરાતની હોવાના કારણે માંદી ઓછી પડે અને તેના દૂધ-દહીં-ઘીની ગુણવત્તા પણ ખૂબ વધુ હોય. આ પરિવાર માટે ગીર ગાય મેળવવા છેલ્લા બે-ત્રણ મહિનાથી ઘણી દોડધામ ચાલી રહી છે. એક-બે જગ્યાએથી ગીર ગાયની વાછરડી મળી શકે તેમ છે એટલે પરિણામ હાથવેંતમાં છે.

ટૂંકમાં સુનિતાને ઘેર ગીર ગાયની બે વાછરડી આવી જાય એટલે એકાદ વર્ષ પછી તેઓની પશુપાલનની આવકમાં સારો એવો વધારો થઈ શકશે. ઉપરાંત તેઓ વર્ષમાં એક વખત ડાંગરનો ચોમાસુ પાક લઈ  રહ્યા છેજે તેમની ઘરની અનાજની જરૂરિયાત પૂર્ણ કરે છે.

એ રીતે જોઈએ તો એક પરિવારને સ્વનિર્ભર બનાવવા માટે થતાં ખર્ચનું સરવૈયું કંઈક આ રીતે બેસે છે: 

મોટરાઈઝ્ડ સિલાઈ મશીનઃ રૂ.,૦૦૦/- 
અલગ રંગોના કાપડના તાકાનો ખર્ચઃ રૂ.,૧૦૦/- (એક મીટરના રૂ૫૪/- લેખે ૧૫૦ મીટરના)
ગીર ગાય વાછરડીઃ રૂ.૨૦,૦૦૦/- (ઉંમર લગભગ એકથી બે વર્ષની વચ્ચે)
ઘાસચારાનું બિયારણઃ રૂ.૫૦૦/- 
પરચૂરણ ખર્ચઃ રૂ.,૦૦૦/- (પાંચ ટ્યૂબલાઈટ, બે પંખા, શૌચાલય માટેની પાઈપો)
ટ્રાન્સપોર્ટઃ રૂ.૧૦,૦૦૦/- (સિલાઈ મશીન અને વાછરડી પહોંચાડવા માટે)

આમ કુલ (આશરે) રૂ.૫૧,૦૦૦/- જેટલો એક વખતનો ખર્ચ એક ખેડૂતના ઘરમાં કરીએ તો ઘર ખરા અર્થમાં સ્વનિર્ભર બની શકે. મહત્વની વાત છે કે ગામડાના લોકો ખૂબ સંતોષી છે. મહિને રૂ.પંદરથી વીસ હજારની આવક થાય તો પાંચેક વ્યક્તિનું કુટુંબ ખૂબ આનંદથી જીવી શકે. તેઓ ગરીબીમાંથી અને/અથવા શહેરીકરણની ફરજિયાત દોટમાંથી ઘણે અંશે મુક્ત થાય. વધુ મહત્વનું  છે કે પોતાની ઓળખ જાળવીને, પોતાના જ પર્યાવરણમાં તેઓ સ્વમાનથી જીવી શકે.

વિચારને અમલમાં મૂકવાનું મુખ્ય કારણ છે કે કોઈને પણ આજીવન મદદ થઈ શકવાની નથી અને સામે પક્ષે કોઈ પણ સ્વમાની વ્યક્તિ આજીવન મદદ લેવા ઈચ્છતી નથી. આપણે તેને સ્વનિર્ભર બનાવવા માટે એક 'ફર્સ્ટ લિફ્ટ' પૂરી પાડીએ એટલું જ કરવાનું છે. આમ થવાથી એનું જીવનધોરણ સુધરશે અને ખેડૂત/ખેડિકાને બીજી વખત કોઈ મોટી મદદની જરૂર નહિ રહે. આખા પ્રોજેક્ટનો મૂળ હેતુ ખેડિકા/ખેડૂત  પોતાની જમીન સાથે જોડાયેલા રહે તે છે.

બીજો એક વિચાર પણ  મનમાં ઘૂમરાયા કરે છે કે ગામડાનો દરેક વિદ્યાર્થી 'કહેવાતું' ભણશે, સ્નાતક/અનુસ્નાતક બનશે તો ખેતી કોણ કરશે? જે ખેડૂતોના છોકરાઓ શહેરમાં ભણે છે તેઓ ખેતી કરવા નથી માગતા. એવું જોવા મળ્યું છે કે તેઓ સાવ ઓછા પગારમાં બીજી ગમે તે નોકરી કરશે પરંતુ ખેતી કરવાની  ઘસીને ના પાડી દેશે. કૃષિવિજ્ઞાન ભણીને વૈજ્ઞાનિક ઢબે, વધુ સારી, વધુ પાક આપતી, સજીવ ખેતી તરફ તેઓને વાળી શકાય પરંતુ  જુદી ચર્ચાનો વિષય છે. વિચારનો અહીં ઉલ્લેખ જરૂરી લાગ્યો એટલે કર્યો છે. મારે ઉલટું થયું છે. ખેતી કરવાની મને અદમ્ય ઈચ્છા છેપરંતુ મારી પાસે જમીન નથી! જમીનવિહોણો ખેડૂત એવો હું!!

કલાવતી દર થોડા દિવસે સામે ચાલીને ઉત્સાહપૂર્વક 'અપડેટ' આપતી રહે છે અને તેના ફોનમાંથી પોતે સીવેલા કપડાના ફોટા મોકલતી રહે છે.  તેના ઉત્સાહનો પૂરાવો છે. હવે તે કુર્તા-પાયજામા, ચણિયા સીવતી થઈ ગઈ છે. ગામમાંથી ચણિયા સીવવાના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. વાતનો ખૂબ આનંદ છે કે એક નાનકડી પહેલથી કલાવતી ખેતમજૂરમાંથી 'લેડિઝ ટેલર' બનવા તરફ પ્રગતિ કરી રહી છે.

બધી વાતો કદાચ નાની લાગશેપરંતુ એમાં ભાગ લઈ રહેલા બધા લોકો (મારા સહિત) તેનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. સાવ નાનકડું એવું ખાંજર ગામ આપણા નિશાન પર તો આવી ગયું છે. આવા સાવ નાના ગામના એક નાના ખેડૂતની અને તેના સમગ્ર કુટુંબની આર્થિક-સામાજિક પરિસ્થિતિમાં ધીમે ધીમે પરંતુ નક્કર બદલાવ આવી રહ્યો છેઅને તે આવતો રહેશે તેની મને ખાતરી છે. નાનો આનંદ માણી શકાય અને આપી પણ શકાય એ હકીકત 'મહા' કે 'મેગા'ના આ જમાનામાં ભૂલવા જેવી નથી. નાના માણસને મળતી નાની ખુશીઓ પારખીએ તો મોટી ખુશીઓ તરફ દોટ મૂકવાની જરૂર  પડે એ સ્વાનુભવે હું કહી શકું છું.

'મોડેલ હાઉસ'નો પ્રોજેક્ટ પણ પાયલોટ પ્રોજેક્ટ છે. વખત જતાં એમાં જરૂરી સુધારાવધારા કરતા રહીશું અને તેની જાણકારી પણ અહીં વહેંચતા રહીશું. આ પહેલ સફળ થશે તો પછી બીજા એક જરૂરિયાતમંદ ઘરને લઈશું અને 'મોડેલ હાઉસ' બનાવીશું. જગતના તાતને આપઘાત કરવામાંથી બચાવવામાં આપણે એક નાનકડી પહેલ શરૂ કરીએ તોય ઘણું.
એક હકીકત એ જણાવવાની કે અમે હજી આ કામ પ્રયોગાત્મક ધોરણે હાથ ધર્યું છે. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. તે માટે અપનાવેલા માર્ગમાં સંજોગો મુજબ ફેરફાર કરતા રહેવાની અમારી તૈયારી છે. અત્યારે પ્રાથમિક ધોરણે સિલાઈ મશીન એટલા માટે પસંદ કર્યાં છે કે તેના થકી ઘેર બેઠે કામ કરી શકાય છે. કામ પણ ગામમાંથી જ મળી રહે. અલબત્ત, બધાને ઘેર સિલાઈ મશીન હોય તો દરેકને કામ ન મળે એ સ્વાભાવિક છે, પણ એ સંજોગોમાં તેઓ પોતાનાં વસ્ત્રો તૈયાર કરી શકે તો પણ ઘણું. આ ઉપરાંત પણ કોઈ વ્યવહારુ ઉપાય વિચારાધીન છે. આપને લાગે કે આમાં આપ કોઈક રીતે પ્રદાન કરી શકો એમ છો તો આપનું સ્વાગત છે. કશું પ્રદાન કરી શકાય એમ ન હોય તો તમારી શુભેચ્છાઓનું મૂલ્ય પણ કમ નથી. 
અત્યારે અમારું લક્ષ્ય ખાંજર ગામ અને તેનાં કેટલાંક કુટુંબો છે. એક ઘરને 'મોડેલ હાઉસ' તરીકે વિકસાવવાનો ખર્ચ ઉપર લખ્યો છે. કોઈ  એકલ વ્યક્તિ કે વ્યક્તિઓના નાનકડા જૂથ માટે આટલી રકમ આજના સમયમાં એટલી મોટી નથી. હેતુ એટલો જ છે કે એક પરિવારને તેના પર્યાવરણમાં રાખીને સ્વનિર્ભર બનાવવો, જેથી તે સ્વમાનભેર રોટલો રળી શકે. 
એ જરૂરી નથી કે તમે અમને આ અભિયાનમાં જ સહાયરૂપ બનો. તમારા પોતાના પરિચયમાં, વિસ્તારમાં પણ આવા ઘણા પરિવાર હશે. તેમને લાચારી ન અનુભવાય એ રીતે, તેમનું સ્વમાન જાળવીને સ્વનિર્ભર બનવા તરફની ગતિનો પહેલો ગિયર પાડી આપવાનો છે. એ બરાબર પડશે તો આગળ તેની ગતિ નિશ્ચિત છે. 
એક આખો પરિવાર કે તેના માટેની કોઈ એક જરૂરિયાતની પણ આપ જવાબદારી લઈ શકો છો. 

( સંપર્ક: ઉત્પલ ભટ્ટ: bhatt.utpal@gmail.com / વોટ્સેપ: 70161 10805 અથવા આ બ્લૉગના માધ્યમ દ્વારા.) 
(તસવીરો:ઉત્પલ ભટ્ટ) 

19 comments:

  1. એક અનોખી પહેલ....ઉત્પલ સરને ખૂબ ખૂબ અભિનંદન.

    ReplyDelete
  2. સાચા ગ્રામ વિકાસ નો ઉતમ નમુનો. મન હોય તો માળવે જવાય - કદાચ સંબધીત અધીકારીઓ અને રાજકારણીઓને આ સમજાય તો છેવાળા ના માનવીનો ઉધ્ધાર હાથ વેત મા જ છે.

    ReplyDelete
  3. ઉત્પલભાઈ અને તેમની ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ. ક્યારેક ડાંગની મુલાકાતે આવીશું.

    ReplyDelete
  4. Ame badhu dyanthi vachyu. kharekhar tame vikasna karyonu ek jivtu jagtu udaharan chho. thanks.

    Vijay
    Ahwa

    ReplyDelete
  5. Excellent micro level initiative to give 'first lift' to small farmers. I really like this word 'KHEDIKA'.
    I will teach this First Lift Theory to my students.

    Priyal Desai
    New York

    ReplyDelete
  6. Utpal... this is something great work you are doing. We really want to see self reliant rural India. Brilliant idea of Model House.

    Farah Pathan
    Austin, TX

    ReplyDelete
  7. Absolutely great idea to give a FIRST LIFT. I salute Kalavati for her hard work. Igniting article indeed.

    Vaibhav Maheta
    Mumbai

    ReplyDelete
  8. વૈભવ મીઠાઇવાલાSeptember 1, 2017 at 5:53 PM

    ખૂબ સુંદર લેખનશૈલી અને સ્વનિર્ભરતાનો પાયાનો અદભૂત વિચાર.

    વૈભવ મીઠાઇવાલા
    ભાવનગર

    ReplyDelete
  9. Utpalbhai... bijana dukhe dukhi thavu ne temna utkarsh mate nakkar kam karvu e tamari pasethi shikhva jevu 6. Gram vikas ni khub sundar yojana. Gamegam amal ma muki shakay tevi yojana 6.
    Kalavati ne khas abhinandan apjo.

    Mayuri Tarsadia
    Mission Mangalam
    Vyara

    ReplyDelete
  10. Tamara svnirbharta abhiyan ne salam. Sunita Gamit ne salam. Kalavati ne salam. Darek khedika ne salam.

    Sonal
    GLPC
    Kotadasangani

    ReplyDelete
  11. Wow very nice project. Really you have so brilliant ideas and you work very good. Proud of you.

    Jayshree Patel
    New Jersey

    ReplyDelete
  12. Abhinandan sir. Tamari aa vikas ni pahel ma hu pan bhagidar bani saku aeva pryatn karis.

    Nikita Bagul
    PHC, vaghai
    Dang

    ReplyDelete
  13. ઉત્પલ ભટ્ટ જેવા અલગ અલગ તરીકાઓ વિચારી, તેનો અમલ કરનારાઓ ભાગ્યે જ જોવા મળે. કોઈ જ અપેક્ષા વગર આવી પ્રવૃત્તિઓ કરવા માટે તેમને જેટલું પણ બિરદાવીએ એ ઓછું છે.

    ReplyDelete
  14. વાહ ઉત્પલ..લોકો નો પાપ નો ઘડો છલકાય છે ને તમારો પુણ્ય નો..god bless

    ReplyDelete
  15. Khub j saras yojna. Sauthi mahtvani vat e 6 k tame adivasio ne evo sandesh api rahya chho k apne badha ek chhiye ne sahu e sathe maline agal vadhvanu 6. atyare desh ne ani j jarur 6.
    Sunita ne Kalavati ne mara namaskar.

    ReplyDelete
  16. ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે ઉત્પલભાઇ આપનુ.એક આડવાત્, ગયા મહીને હું આ ઈલાકામા ફરી આવ્યો અને એક દુઃખદ વાત જાણવા મળી, ત્યાં ઘણા મદદના બહાને જાય છે, અને આ ભલાભોળા માણસોને ભીખ માગતા કરી દે એવી પ્રવૃત્તિ કરે છે ,આ અંગે ભાઈ બિરેન સાથે પણ વિગતે વાત થઈ હતી.Anyway મારાથી જે પણ મદદ થઇ શકે એ તૈયારી છે.

    ReplyDelete
  17. 'ફર્સ્ટ લિફ્ટ' એક ખુબ જ ઉમદા પહેલ! એક જ કામ બધાને આપવા કરતાં એમની ટ્રાયલ વગેરે કરીને એમની આવડત પ્રમાણે કામ અપાય તો વધુ ફાયદો થઈ શકે.

    ReplyDelete
  18. ઉત્પલભાઈ
    ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા

    ReplyDelete