Tuesday, July 9, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (13): ચીની ભગત અને ચીની દેવ

એક ચીની ભક્ત હતા.

એમણે બહુ ભક્તિ કરી, એટલે એક દેવ એમના પર પ્રસન્ન થયા, ને એમની સામે આવી ઊભા. ભક્તને કહે: 'માગ, માગ, માગે તે આપું!'
ભક્ત કહે: 'આપો!'
રસ્તામાં એક મોટી ઈંટ પડી હતી તે તરફ આંગળી કરી દેવે ભક્તને કહ્યું: 'ઉપાડ!'
ભક્તે જોયું ત ઈંટ સાચા સોનાની બની ગઈ હતી.
પણ એટલાથી ભક્તને સંતોષ થયો નહીં.
એણે ફરી દેવની સામે જોઈ કહ્યું: 'આપો!'
ત્યાં એક લાકડાનો વાઘ પડ્યો હતો. તે તરફ આંગળી કરી દેવે કહ્યું: 'ઉપાડ!'
ભક્તે જોયું તો લાકડાનો વાઘ સાચા સોનાનો બની ગયો હતો.
પણ એટલાથી ભક્તને સંતોષ થયો નહીં. તેણે ફરી દેવની સામે જોઈ કહ્યું: 'આપો!'
ત્યાં એક ખાલી ટોપલો પડ્યો હતો. દેવે એ ટોપલા તરફ આંગળી કરી કહ્યું: 'ઉપાડ!'
ભક્તે જોયું તો ખાલી ટોપલો સોનામહોરોથી ભરાઈ ગયો હતો. તોય એને સંતોષ ન થયો.
એણે કહ્યું: 'આપો!'
હવે દેવને નવાઈ લાગી કે આને જોઈએ છે શું?
તેમણે કહ્યું: 'શું આપું?'
તરત ભક્તે કહ્યું: 'કાપો!'
નવાઈ પામી દેવે કહ્યું: 'શું કાપું?'
ભક્તે દેવની આંગળી તરફ હાથ ધરી કહ્યું: 'એ કાપો ને મને આપો! એ આંગળી જેની સામે ધરો તે સોનું થઈ જાય છે, માટે મને તો તમારી એ આંગળી જ આપો!'
ચીની દેવ પણ ચીની ભક્તના માથાના હતા. કહે: 'તારા માથાની ખોપરીની છરી બનાવી મારી આંગળી કાપી લે! એ વિના એ નહીં કપાય!'
દેવ અદૃશ્ય થઈ ગયા, ને ભક્ત આંખો ફાડી જોઈ રહ્યા. તેમની સામે એક માટીની ઈંટ, એક લાકડાનો વાઘ અને એક ખાલી ટોપલો પડ્યાં હતાં!
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ #ચીનીચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)

No comments:

Post a Comment