Monday, July 15, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (19): ભૂતપ્રેતનો આયનો

 બધા કહેતા કે ચીની ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે. તેવી રીતે કહેવાતું કે ગામડાંંમાં લોકોના સુખનો કંઈ પાર નથી; લોકો ભણીગણીને હોશિયાર થઈ ગયા છે, ને ખાઈ-પી મજા કરે છે.

એવા એક ગામનો એક મુખી હતો.
એક વાર એને શહેરમાં જવાનું થયું.
એણે સ્ત્રીને કહ્યું: 'હું આજે શહેરમાં જાઉં છું.'
સ્ત્રીએ કહ્યું: 'ભલે જાઓ! પણ મારું એક કામ કરતા આવજો!'
મુખીએ કહ્યું: 'શું કામ કરવાનું છે?'
પત્નીએ કહ્યું: 'ચાર દિવસથી મારો એક દાંત દુખે છે તે જરી પડાવતા આવજો!'
મુખીએ કહ્યું: 'બહુ સરસ! બહુ સરસ! એક શા માટે, બધાયે પડાવતો આવીશ. ફરી ફરી જવું ન પડે.'
પત્ની ખુશ થઈ ગઈ.
થોડી વાર રહી એ ફરી બોલી: 'કહે છે કે શહેરમાં ઘણું ઘણું મળે છે, તો મારા માટે લેતા આવજો!-'
'શું લેતો આવું?'
'કંઈ લાવજો ખુશ થવાય એવું!'
'ભલે, ભલે!' કહી મુખી શહેરમાં જવા નીકળી પડ્યો.
કેટલાક દિવસની મજલ પછી એ શહેરમાં આવ્યો.
ખૂબ ફરીને એણે શહેર જોયું. પછી એક દાંતના દાક્તરની પાસે જઈ કહે: 'દાંત પાડી આપો!'
દાક્તરે એને ખુરશીમાં બેસાડી કહ્યું: 'કયો દાંત પાડવાનો છે?'
મુખીએ કહ્યું: 'દુખે છે એ.'
'કયો દુખે છે? આ? આ?'
મુખીએ મોં એટલું બધું ફાડ્યું હતું કે એનાથી આ આ બોલાઈ ગયું. ફડફડ દાક્તરે એના દાંત પાડવા માંડ્યા, ને પૂછવા માંડ્યું: 'આ? આ?'
મુખીના ફાટેલા મોંમાંથી અવાજ નીકળ્યો: 'આ!આ!'
મુખીએ કહ્યું: 'હાશ,મારી બૈરી હવે રાજી થશે!' દાંતના દુખે બાપડી ચાર દિવસથી ઊંઘવા પામતી નથી!'
દાક્તરે કહ્યું: 'એટલી બધી દાંતની વેદના થતી હતી તમને?'
'મને નહિ, મારી બૈરીને!'
નવાઈ પામી દાક્તરે કહ્યું: 'તમારી બૈરીને? તો તમારાં દાંત કેમ પડાવ્યા?'
'હું એ વિચાર કરું છું. હું ઘેરથી નીકળ્યો ત્યારે મારી બૈરીએ કહેલું કે મારો એક દાંત દુખે છે તે જરી શહેરમાં પડાવતા આવજો. ત્યારે મેં એને કહ્યું કે એક શા સારુ, બધા પડાવતો આવીશ, જેથી ફરી ફરી શહેરમાં જવું ન પડે.'
'દાક્તરે કહ્યું: 'ડાહ્યા માણસના જેવી વાત થઈ એ! હવે બીજી ડાહ્યા માણસની વાત હું તમને કહું!'
'કહો!'
'બીજી વાર શહેરમાં આવવાનું થાય ત્યારે તમે ન આવતા, તમારી પત્નીને મોકલજો. તમારી પત્નીની વતી જેમ તમે આજે દાંત પડાવ્યા, તેમ તમારી વતી તમારી પત્નીના બધા યે દાંત હું પાડી દઈશ! તમારું એટલું કામ એ નહિ કરે? તમે તો એનું કર્યું!'
એકદમ મુખી ખુશ ખુશ થઈ ગયો. એના મનનું તરત જ સમાધાન થઈ ગયું.
મુખી આગળ ચાલ્યો. ખુશ થવાય એવી કોઈ ચીજની એ શોધમાં હતો. શોધતાં શોધતાં એક જગાએ એણે આયનો જોયો. આયનામાં પોતાનું પ્રતિબિંંબ જોઈ એ બોલ્યો: 'આ બોખલાજી અહીં ભરાઈને શું કરતા હશે?' પણ દર્પણની પાછળ જોયું તો કોઈ નહોતું.
છેવટે એણે નક્કી કર્યું કે આ નવાઈની ચીજ છે, ઘેર લઈ જઈ હું બધાંને એનાથી ખુશ કરી નાખીશ.
એણે આયનો ખરીદી લીધો.
હવે એનાં ગજવાં ખાલી થઈ ગયાં હતાં, એટલે એ ઘેર આવવા નીકળ્યો.
આંગણામાં પગ દેતાં જ બૈરી સામી મળી. એના દાંતની વેદના ઓછી થઈ ગઈ હતી, એટલે એ વાત ભૂલી ગઈ હતી. એણે લાગલું જ પૂછ્યું: 'શું લઈ આવ્યા શહેરમાંથી? જોઉં!'
મુખીએ થેલામાંથી આયનો કાઢી પત્નીના હાથમાં મૂક્યો ને કહ્યું: 'લે, ખુશ થા!'
પત્નીએ આયનામાં જોયું તો કોઈ સ્ત્રી! બાપડીએ કદી આયનો જોયો જ નહોતો-મુખી જેવા મુખીએ નહોતો જોયો તો!
આયનામાં જુવાન બૈરીને જોઈ મુખીની પત્નીએ રાડ પાડી: ' ઓ મારી મા! આ તો શહેરમાં જઈને મારે માથે શોક્ય લઈ આવ્યા! બસ, હવે હું પિયર ચાલી જઈશ! હું નહિ રહું આ ઘરમાં!'
પુત્રવધૂની બૂમ સાંભળી ઘરમાંથી મુખીની બા દોડી આવી. પુત્રવધૂના હાથમાંથી આયનો ખેંચી લઈ એણે એમાં જોયું તો બુઢ્ઢી ડોશી! એકદમ એ ગંભીર બની ગઈ.
પુત્રની સામે જોઈ એણે કહ્યું: 'બીજી વહુ લાવ્યો તો ભલે લાવ્યો, પણ આવી બુઢ્ઢીને શું લઈ આવ્યો? શહેરમાં બધી આવી ડોકરીઓ જ મૂઈ છે શું?'
મુખી આભો બની બધું સાંભળી રહ્યો હતો. તેને થયું: 'નક્કી, આમાં કંઈ ભૂતપ્રેતનો વાસ છે- ઘડીકમાં એ પુરુષ રૂપે દેખાય છે, તો ઘડીકમાં બૈરી રૂપે દેખાય છે! આવી ચીજ મારા ઘરમાં નહિ જોઈએ!'
એણે દર્પણ હાથમાં લઈ ઘા કરી ફેંકી દીધું. દર્પણના ચૂરેચૂરા થઈ ગયા. પ્રેત અદૃશ્ય થઈ ગયું.
ચીની ચાઉમાઉના રાજ્યમાં ગામેગામ લોકો ભણીગણીને હોશિયાર થઈ ગયા હતા.

(રમણલાલ સોની લિખિત બાળવાર્તા 'ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પ્રકાશન વર્ષ: 1967)

No comments:

Post a Comment