Friday, August 8, 2025

વર્તુળ વિસ્તરીને પૂરું થાય ત્યારે...

1991ના ઉત્તરાર્ધનો કોઈ એક દિવસ. સમય: બપોરના દોઢ-બે આસપાસ. સ્થળ: ઓડિટોરીયમ, ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ. 'આર્ટ હિસ્ટરી'નો પિરીયડ અરુણા રાઠોડ મેડમ લઈ રહ્યાં હતાં. તેઓ ભણાવવાનું અટકાવીને એવા વિદ્યાર્થીઓનાં નામ બોલવા લાગ્યાં, જેમની હાજરી અપૂરતી હતી અને એ કારણે આ વિદ્યાર્થીઓને પરીક્ષાનું ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી શકે એમ હતી. કેમ કે, એ સમયે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓએ એકે એક વિષયના અધ્યાપક પાસે ફોર્મમાં સહી કરાવવી પડતી. આ યાદીમાં મારું પણ નામ હતું. મેં એ પછી મારા સહાધ્યાયી મિત્ર દ્વારા ફોર્મ મોકલાવ્યું હતું, કેમ કે, ચાલુ નોકરી અને એ પણ શિફ્ટની હોવાને કારણે મને ફાવે એમ નહોતું. સવારની કોલેજ અને પછી લેક્ચર- આ બધાની સાથોસાથ શિફ્ટની નોકરી. હું બહુ લાંબું ન ખેંચી શક્યો. અને એક વર્ષ પૂરું કરી, બીજું વર્ષ અધૂરું મૂકીને મેં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સને અલવિદા કરી. એનો રંજ તો ઘણો હતો, પણ એથી વધુ હતો અપરાધભાવ, જે મારા મનમાં ભરવામાં આવેલો. આ કારણે એ પછી ભાગ્યે જ કોલેજ તરફ જવાનું મન થતું. જો કે, મારા સહાધ્યાયીઓનાં પ્રદર્શન યોજાય ત્યારે તેઓ મને યાદ કરતાં, જાણ કરતાં અને હું જતો પણ ખરો. ધીમે ધીમે એ પણ ઘટ્યું. એ પછી 2007માં મેં નોકરી છોડી અને પૂર્ણ સમયનો લેખક બન્યો.

પછીનાં વરસોમાં વિશ્વામિત્રીમાં ઘણો કાદવ બદલાયો, નવા મગરો આવતા ગયા. 'સાર્થક પ્રકાશન' શરૂ થયું અને 'સાર્થક જલસો' પણ.
એક વાર ઉર્વીશ સાથે વાત નીકળતાં મેં ફાઈન આર્ટ્સના મારા કેટલાક અનુભવોની વાત કરી. એણે મને એ લખવા કહ્યું, અને એ લેખ 'સાર્થક જલસો'ના એક અંકમાં પ્રકાશિત થયો. જ્યોતિ ભટ્ટ સર અને જ્યોત્સ્ના મેડમે એ લેખ વાંચીને ખુશી વ્યક્ત કરી ત્યારે મને બહુ આનંદ થયેલો. પેલો આરોપાયેલો અપરાધભાવ તો ક્યારનો નીકળી ગયેલો. પણ જ્યોતિ સર અને જ્યોત્સ્ના મેડમના પ્રતિભાવથી જાણે કે એક આખું વર્તુળ પૂરું થયું હોય એવું લાગેલું.

કાર્યક્રમની વિગત

આ વર્તુળ પૂરા થવાની ફિતરત મારા - અમારા (ઉર્વીશ સહિત) જીવન સાથે જોડાયેલી હોય એમ લાગે છે. એક કારણ એ કે એ સહજપણે બને છે, અને ઘટના બને પછી વર્તુળ પૂરું થયાનું લાગે છે. એ માટેના કોઈ પ્રયત્નો સભાનપણે હોતા નથી. આથી વર્તુળનો પરિઘ પણ વિસ્તરતો રહે છે. મને પૂરા થયેલા લાગતા વર્તુળનો એ પરીઘ હજી વિસ્તર્યો હોવાનું આજે અનુભવાયું.
8 ઓગસ્ટ, 2003ના રોજ વડોદરાના ખ્યાતનામ ચિત્રકાર ભૂપેન ખખ્ખરે વિદાય લીધેલી. એ પછી માર્ચ, 2025માં મેં લખેલી તેમની જીવનકથાનું વિમોચન વડોદરા ખાતે યોજાયું હતું. આ કામ મને સોંપનાર હતા અમરીશભાઈ કોન્ટ્રાક્ટર. પુસ્તકના વિમોચન દરમિયાન અને એ પછી સતત 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશભાઈ રાણા પડખે રહ્યા છે.

પુસ્તકની પ્રક્રિયા વિશે

શ્રોતાઓ

હીતેશભાઈના જ પ્રયત્નોથી આ પુસ્તક વિશેનો વાર્તાલાપ ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ ખાતે યોજાયો. પ્રવર્તમાન ડીન અમ્બિકા મેડમ સાથે મુલાકાત કરી અને તેમણે ભૂપેનની પુણ્યતિથિએ જ આ કાર્યક્રમ યોજવા માટે બહુ ઉત્સાહ દેખાડ્યો. પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થી અને એ પછી ડીન રહી ચૂકેલા દીપક કન્નલ સરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેવાની સંમતિ આપી. આમ, આજે 8 ઓગષ્ટ, 2025, એટલે કે ભૂપેનની 23મી પુણ્યતિથિએ ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ઓડિટોરીયમમાં સવારના 11 વાગ્યાથી આ કાર્યક્રમ યોજાઈ ગયો. હીતેશભાઈએ પોતાની પાસે રહેલી ભૂપેનનાં ચિત્રોની પ્રિન્ટ ડિસ્પ્લે કરી, જેથી વિદ્યાર્થીઓ એમના કામથી વાકેફ થઈ શકે. અમે સહેજ વહેલા પહોંચેલા. ઓડિટોરીયમ આખું ખાલી હતું. વિદ્યાર્થીઓ માટેની ખુરશીમાં જઈને ગોઠવાતાં જ પાંત્રીસ વરસ પહેલાંનો એ સમય યાદ આવ્યો કે જ્યારે આ જ ઓડિટોરીયમમાં આર્ટ હીસ્ટ્રીના વર્ગમાં બેઠો હતો અને અરુણા મેડમ બીજા અનેક વિદ્યાર્થીઓ ભેગું મારું નામ બોલ્યાં હતાં. આજે પણ એ જ સ્થાનેથી મારું નામ બોલાવાનું હતું. એક હળવો રોમાંચ મનોમન થઈ આવ્યો. જોતજોતાંમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોથી આખું ઓડિટોરીયમ ભરાઈ ગયું અને સમયસર કાર્યક્રમ આરંભાઈ ગયો.

પુસ્તક વિશે વાત કરીએ રહેલા દીપક કન્નલ સર

'મૈત્રીનું તર્પણ એટલે આ પુસ્તક': અમરીશભાઈ

સ્વાગત પછી તરત જ મારે પુસ્તકની પ્રક્રિયા વિશે વાત કરવાની હતી. એ શરૂ કરતાં પહેલાં મેં 35 વર્ષ પહેલાંનું મારું અનુસંધાન સધાયું હોવાનું જણાવ્યું. પ્રક્રિયા વિશે વિગતવાર જણાવ્યા પછી દીપક કન્નલ સર પુસ્તક વિશે બોલવાના હતા. તેમણે આ પુસ્તકને જોઈને પડેલી પહેલી છાપ અને વાંચતા ગયા એમ પોતાને થતી ગયેલી અનુભૂતિની વાત બહુ સરસ રીતે મૂકી. પોતાના આખાબોલાપણા માટે જાણીતા દીપક સરે પુસ્તકનાં સૌંદર્યબિંદુઓ વર્ણવ્યાં એ સાંભળીને મજા આવી ગઈ. તેમણે એમ પણ કહ્યું કે પુસ્તકનો ચોથો ખંડ (ચિત્રોનો આસ્વાદ) ફાઈન આર્ટ્સવાળા માટે ખાસ કામનો નથી. પણ (ફેકલ્ટીમાં) ગુજરાતી વાંચી શકતા હોય એવા તમામ લોકોએ આ પુસ્તક વાંચવું જોઈએ એવી ભલામણ તેમણે કરી.
એ પછી 'સર્જન આર્ટ ગેલરી'ના હીતેશ રાણાએ ભૂપેન સાથેના પોતાના જોડાણની વાત કરી અને સલમાન રશ્દીનું પોર્ટ્રેટ બનાવવા ભૂપેનને લંડન નોંતરેલા એ કિસ્સો રમૂજી ઢબે વર્ણવ્યો. સૌથી છેલ્લે અમરીશભાઈ કોન્ટ્રાક્ટરે પોતાની વાત કરી. પોતાના પિતાજી અને ભૂપેનકાકા વચ્ચેની દોસ્તીનું તર્પણ એટલે આ પુસ્તક એમ તેમણે બહુ લાગણીસભર રીતે, પણ ભારપૂર્વક જણાવ્યું.
નિયત સમયાવધિમાં કાર્યક્રમ પૂરો થયા પછી પુસ્તક ખરીદવામાં પણ વિદ્યાર્થીઓએ ઘણો રસ દેખાડ્યો. એ પછી બહાર ચા-નાસ્તાનું આયોજન કરતાં કરતાં પણ વિવિધ લોકો મળતા રહ્યા.
આમ, ભૂપેન ખખ્ખરની 23મી પુણ્યતિથિએ આયોજિત આ કાર્યક્રમમાં તેમને યથોચિત અંજલિ આપી શકાઈ, સાથોસાથ મારા માટે પણ પેલું વર્તુળ વધુ વિસ્તરેલા સ્વરૂપે પૂરું થયું હોવાનું અનુભવાયું.
આ કાર્યક્રમ આ લીન્‍ક પર ક્લિક કરીને સાંભળી શકાશે. 

(પરિવારજનો કામિની, ઈશાન અને દીકરી શચિ તો ખરાં જ, દોહિત્ર સાર્થ પણ 'નાનાની બુકટોક'માં ઉપસ્થિત રહ્યો- ભલે તેણે ઓડિટોરીયમની બહાર ફરતા 'કેટરપીલર' ગણ્યા કર્યા- એનો બહુ આનંદ)
(તસવીરો: ઈશાન કોઠારી)

No comments:

Post a Comment