ચીની ચાઉમાઉ અને દીવાન હાઉવાઉના રાજ્યમાં એક વાર એક ખેડૂત ઘીનો ડબો લઈ ને વેચવા આવ્યો. નગરના દરવાજામાં પેસતાં જ એને દરવાને ટોક્યો :‘એ...ઈ! કોણ છો? ખેડૂત છો? હાસ્તો,ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે ! એ... ઈ! શું લાવ્યો છે તું?’
ખેડૂતે કહ્યું: ‘ઘી છે, બાપજી!’
‘ઘી છે? વાહ કેટલું છે?’
‘તો દરવાનનો પાંચ શેરનો લાગો આપતો જા !’
ખેડૂતે ડબામાંથી પાંચ શેર ઘી કાઢી લાગામાં આપ્યું. પછી એ આગળ ચાલ્યો.
ત્યાં દાણીનો ચોરો આવ્યો. ચોરા પર બેઠેલા દાણીએ ખેડ્તને જેઈ હાકોટો કર્યો : ‘એ....ઇ! કોણ છો? ખેડૂત છો ? હાસ્તો, ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે ? શું લઈ જાય છે તું ?’
‘ઘી !’ ખેડૂતે કહ્યું.
‘ઘી? વાહ, ઘીનો ડબો છે એ? તો દાણીનો લાગો અહીં ભરતો જા !'
‘દાણીનો લાગો ?’
‘હા! એક ડબા પર દશ શેરનો.’
ખેડૂતે કહ્યું : ‘પાંચ શેરનો લાગો તો હું હમણાં દરવાજે ભરીને આવ્યો ! ‘
દાણીએ કહ્યું : એ દરવાનનો લાગો. આ દાણીનો લાગો ! દરવાનનો પાંચ શેર અને દાણીનો દશ શેર !’
ખેડૂતે ગભરાઈને કહ્યું : ‘બાપજી, પછી મારા ડબામાં શું રહ્યું ?’
દાણીએ કહ્યું : 'શું તે ઘી ! તું જે લાવ્યો તે જ તો ! ઘીને બદલે ગોળનું પાણી તો તું લાવ્યો નથી ને?અરે દુષ્ટ, તું લોકોને ઘીના નામે ગોળનું પાણી આપીને છેતરે છે, કેમ ? મારીમારીને તારાં છોતરાં કાઢી નાખીશ ! તું શું સમજે છે તારા મનમાં ? ચાઉમાઉ ને હાઉવાઉના રાજ્યમાં આવી છેતરપિંડી નહિ ચાલે !’
ખેડૂત બાપડો એવો ગભરાઈ ગયો કે એણે ડબામાંથી દશ શેર ઘી તોળી આપ્યુ.
પછી એ આગળ આવ્યો. ત્યાં બજાર આવ્યું...ચૌટાના નાકે એક બરકંદાજ બેઠો હતો. તેણે ખેડૂતને જોઈ ખૂમ પાડી : ‘ એ....ઇ ! કોણ છો ? ખેડૂત છો ? હાસ્તો, ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે! એ....ઇ ! શું છે ડબામાં ?'
‘ઘી !’ ખેડૂતે બીતાં બીતાં કહ્યું.
‘ઘી? ઘી વેચવા આવ્યો છે કાં? અને દીવાનજીનો લાગો ભર્યા વિના આમ હાલ્યો જાય છે, કાં ? તારા ધડ પર કેટલાં માથાં છે ?’
ખેડૂતે કહ્યું : ' બાપજી, એક જ માથું છે. કાપશો નહિ ! દયા રાખો !’
‘તો ડાહ્યો થઈને લાગો ભરી દે !’
‘એક લાગો મેં દરવાજે ભર્યો, બીજો ચોરામાં ભર્યો, હવે અહીં ક્યો લાગો ભરવાનો?’ ખેડૂતે પૂછ્યું.
બરકંદાજે કહ્યું : ' દરવાજે ભર્યો તે દરવાનનો લાગો, ચોરામાં ભર્યો તે દાણીનો લાગો, અને અહીં ભરવાનો તે દીવાન સાહેબનો લાગો ! હાઉવાઉનું નામ તો સાંભળ્યું છે ને? લાગો ભર્યા વગર જશે તો સીધો જમપુરીમાં જ જશે !’
ખેડૂત પીપળાના પાનની જેમ ફફડતો હતો. તે બોલ્યો : ‘દીવાન સાહેબનો કેટલો લાગો છે ?’
બરકંદાજે કહ્યું : ‘વીસ શેરનો.’
‘વીસ શેરનો ? ખેડૂતના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ‘તો પછી મારા ડબામાં રહેશે શું ?’
બરકંદાજે કહ્યું : ‘કેમ શું રહેશે ? ઘીની ચીકટ તો રહેશે ને? કે પછી ઘીને બદલે ડોળિયું લાવ્યો છે ?'
ખેડૂતે કહ્યું: ‘ના, બાપજી, ચોખ્ખું ઘી લાવ્યો છું !’
આમ કહી એણે વીસ શેર ઘી તોળી આપ્યું, ડબામાં કુલ પાંત્રીસ શેર ઘી હતું, તે આમ સાફ થઈ ગયું. બરકંદાજના કહેવા પ્રમાણે હવે ડબામાં માત્ર ઘીની ચીકટ રહી! ઘી સો ટચના સોના જેવું શુદ્ધ હતું એટલે એની ચીકટ રહી! ચીકટની સાથે ઘીની સુગંધ પણ રહી! ખાલી ડબો લઈને ખેડૂત ગામમાં ફર્યો... એને થયું કે અહીં આવ્યો જ છું તો જરી ગામ જોતો જાઉં! ખરીદી કરવા તો એની પાસે એક ફદિયુંયે નહોતું, ઘીના પૈસા આવશે ને હું બૈરી છોકરાં માટે કંઈ કંઈ ખરીદીઓ કરતો જઈશ એવા મનમાં મનસૂબા ઘડીને એ આવ્યો હતો, પણુ એના એ મનસૂબાના ચૂરા થઈ ગયા હતા. ખાલી ડબો લઈને એ ગામમાં ભટકયો ને પછી ઘર તરફ જવા વળ્યો. હજી તો એણે ચૌટું વટાવ્યું નથી, ત્યાં એક બહાદુર બંકડાએ એનો મારગ રોક્યો : ‘એ....ઇ કોણ છો? ખેડૂત છો? હાસ્તો, ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર છે! શું લાવ્યો તો ડબામાં !’
ખેડૂતે કહ્યું : ‘ઘી!’હવે એને હૈયે ધરપત હતી કે ઘી તો ખલાસ થઈ ગયું છે! બીવાનું કંઈ કારણ નથી !
બહાદુર બંકડાએ કહ્યું : ‘વાહ, ઘી વેચવા આવેલો ?’
‘જી, હા!’
‘હવે પાછો ઘેર જાય છે ને ?’
‘જી, હા!’
‘તો ઘી વેચ્યાનો લાગો ભરતો જા.’ બહાદુર બંકડાએ કહ્યું.
ખેડૂતે બીતાં બીતાં કહ્યું : ‘પણ મેં કયાં ઘી વેચ્યું છે તે?’
બહાદુર બંકડાએ કહ્યું: ‘પણ આવેલો ઘી કાઢવા એ વાત તો સાચી ને ?’
‘સાચી!’
‘બસ તો ઘી કાઢવા આવ્યો એટલે તારે ઘીનો લાગો ભરવો જ જોઈએ ! પછી તું ઘીના પૈસા કરે કે પાણી કરે એ સરકારે જેવાનું નથી !’
ખેડૂતે કહ્યું: 'એક લાગો મેં દરવાજે આપ્યો, બીજો મેં ચોરામાં આપ્યો, ત્રીજો ચૌટામાં આપ્યો, હવે આ ચોથો લાગો શાનો ને કોનો ?’
બહાદુર બંકડાએ કહ્યું: ‘તેં દરવાજે આપ્યો તે લાગો દરવાનનો, ચોરામાં આપ્યો તે દાણીનો, ચૌટામાં આપ્યો તે દીવાન સાહેબ હાઉવાઉનો અને હવે અત્યારે તારે જે ભરવાનો છે તે રાજાધિરાજ ચાઉમાઉનો ! દરવાનનો લાગો પાંચ શેરનો, દાણીનો દશ શેરનો, દીવાનનો વીશ શેરનો અને ચાઉમાઉનો મણેમણનો !’
'મણેમણનો ? એટલે ? ‘ ખેડૂતે બીતાં બીતાં કહ્યું.
‘એટલે મણ ઘી પર ચાઉમાઉનો મણનો લાગો! ચાઉમાઉ કાંઈ દરવાન કે દાણી થોડો છે કે પાંચ શેર દશ શેરમાં એનું પતે ? એ તો રાજાધિરાજ છે. મણ ઘી પર મણ ઘીનો લાગો લે તો જ એનો મોભો જળવાય. સમજ પડી ?’
ખેડૂતે કહયું : ‘એટલે એક ડબો ઘી પર એક ડબો ઘીનો લાગો એમ જ ને ?’
‘હં, હવે તું સમજ્યો ! ચાલ, ડબો ઘી ધરી દે.’
‘પણ ભાઈ, મારા ડબામાં તો ઘી નામે નથી !’
આમ કહી એણે ખાલી ડબો દેખાડયો. પણુ બહાદુર બંકડાએ નમતું આપ્યું નહિ. એણે કહ્યું : ‘ડબામાં ઘી છે કે નહિ એ મારે જોવાનું નથી. અહીં કાયદાનું રાજ્ય છે. કાયદો કહે છે કે તું ડબો ભરીને ઘી વેચવા આવેલો અને હવે હલકો ફૂલ થઈ ખાલી ડબો પાછો ઘેર લઈ જાય છે. એટલે તારે ચાઉમાઉનો લાગો ભરવો જ જેઈએ ! ઘી નથી તો ઘીના પૈસા ભરી દે!’
બીજો કોઇ ઉપાય ન જોઈ ખેડૂતે ઘેરથી આણેલા થોડા રૂપિયા ગાંઠેથી છોડીને બહાદુર બંકડાને ધરી દેવા પડયા, ત્યારે એનો છૂટકો થયો. ખાલી ખિસ્સે એ પાછો ફર્યો ત્યારે પેલો ખાલી ડબોયે ઊંચકવાના એનામાં હોશ રહ્યા નહોતા. એણે એ ડબો બહાદુર બંકડાના હાથમાં પકડાવી દઈ કહ્યું: 'બધા લાગો લે છે ને તમે કેમ નથી લેતા ? લો, આ તમારો બહાદુર બંકડાનો લાગો !’
આમ ચીની ચાઉમાઉ અને દીવાન હાઉવાઉના કુશળ રાજકારભારનો અનુભવ કરી ખેડૂત ખાલી ખિસ્સે, ગાંઠના પૈસા અને ઘી ખોઇને ઘેર પાછો ફર્યો. ચાઉમાઉના રાજ્યમાં ખેડૂતને લીલાલહેર હતી !
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
No comments:
Post a Comment