ચીની ચાઉમાઉના દીવાન હાઉવાઉને એક વાર થયું કે હું રોજ રાજાની ખુશામત કરું છું, પણ કોઈ મારી ખુશામત કેમ નથી કરતું? તેણે પોતાની ખુશામત કરાવવાનું નક્કી કર્યું.
હતો અક્કલવાળો, એટલે સો સોનામહોરોની થેલી લઈને બેઠો. એટલામાં એણે તુંબડા જેવા શેઠ ખાઉંખાઉંને ત્યાં થઈને જતા જોયા. બૂમ પાડી એણે ખાઉંખાઉંને પોતાની પાસે બોલાવી કહ્યું, 'દેખ, મારી પાસે સો સોનામહોરો છે!'
'ગમે છે? તો હું તને આમાંથી દશ સોનામહોરો આપું. તું મારી ખુશામત કરશે?' સીધું જ હાઉવાઉએ પૂછ્યું.
ખાઉંખાઉં પણ અસલ ચીનો હતો. તેણે કહ્યું, 'બસ, માત્ર દશ?'
'તો વીસ આપું.' હાઉવાઉએ કહ્યું.
'બસ, વીસ? સરખો હિસ્સો ન મળે તો હું તમારી ખુશામત શું કરવા કરું?' ખાઉંખાઉંએ કહ્યું.
'વાત તો ખરી! તો હું તને સરખો હિસ્સો આપું. આમાંથી અડધી સોનામહોરો તારી! બોલ, હવે મારી ખુશામત કરશે?' હાઉવાઉએ કહ્યું.
ખાઉંખાઉં શેઠિયાએ કહ્યું, 'ખુશામત કરવાનું મને બહુ ગમે છે-તમારી તો ખાસ! પણ વાત એમ છે કે આપણે બન્ને સરખા ધનના માલિક થયા, એટલે બન્ને સરખા થયા, પછી હું તમારી ખુશામત શા સારું કરું?'
તરત જ હાઉવાઉએ બોલી નાખ્યું, 'તો હું તમને બધીયે સોનામહોરો આપી દઉં-સોએ સો! લો, આ બધી સોનામહોરો તમારી! હવે મારી ખુશામત કરો! જલદી કરો જલદી! મને મારી ખુશામત સાંભળવાનું બહુ મન થયું છે! ઝટ કરો!'
સો મહોરો લઈને ખિસ્સામાં ઘાલી ખાઉંખાઉંએ કહ્યું, 'હવે હું બધી મહોરોનો માલિક થયો. તમારી ખુશામત કરવાની જરૂર ક્યાં રહી?'
એકદમ હાઉવાઉનો પિત્તો ગયો. તેણે ભચ દઈને શેઠિયાની ફૂલેલી ફાંદ પર લાત ઠોકી દીધી! શેઠિયો ગબડીને હેઠો પડ્યો. હાઉવાઉએ એની પાસેથી સોએ મહોરો પાછી લઈ લીધી. ઉપરથી એની પાસે જે કંઈ હતું તેયે પડાવી લીધું ને ફરી એક બીજી લાત લગાવી દીધી!
હવે ખાઉંખાઉં બે હાથ જોડી બોલ્યો: 'બાપુ, દયા કરો! તમે પરમ કૃપાળુ છો, તમે પરમ શક્તિમાન છો! આ ચીન દેશમાં તમારા જેવો લાયક આદમી મેં જોયો નથી. તમે છો તો ચીનની આબરુ છે. તમે છો તો મારી આબરુ છે. તમે છો તો મારા જીવમાં જીવ છે! તમારો જય હો!'
ખાઉંખાઉં શેઠિયાની ફૂલેલી ફાંદ પર ફરી બે લાત લગાવી દઈ હાઉવાઉએ કહ્યું: 'ખુશામત કેવી રીતે કરાવવી તે હવે હું જાણી ગયો છું. એમાં સોનાની જરૂર નથી, લાતની જરૂર છે.'
ખાઉંખાઉં શેઠિયાએ કહ્યું: 'તમારી લાત બહુ પાવનકારી છે, તમારી લાત ખાવા મળે તે નશીબદાર છે. તમારી લાતનો જય હો!'
ફરી એક લાત મારી હાઉવાઉએ ખાઉંખાઉંને જવા દીધો.
(રમણલાલ સોની લિખિત બાળવાર્તા 'ચીની ચાઉમાઉ, એનો દિવાન હાઉવાઉ', પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પ્રકાશન વર્ષ: 1967)
No comments:
Post a Comment