Friday, July 12, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (16): ચીની સદાચાર

ચાઉમાઉના રાજ્યમાં લાંચરુશ્વતનું જોર ઘણું હતું.
એની ખૂબ ટીકાઓ થવા માંડી ત્યારે હાઉવાઉની સલાહથી ચાઉમાઉએ હુકમ બહાર પાડ્યો કે દરેક અમલદારે લાંચરુશ્વત નહીં લેવાની પ્રતિજ્ઞા લેવી. ધામધૂમપૂર્વક આ પ્રતિજ્ઞાનો દિવસ ઉજવાયો. પ્રતિજ્ઞા પણ કેવી? દરેક અમલદારે એના ઉપરી અમલદારની સામે અને ઉપરી અમલદારે એના ઉપરી અમલદારની સામે પ્રતિજ્ઞા લેવી પડી કે મારો જમણો હાથ લાંચ લે તો એ મૂળમાંથી સડી જાય. મારો ડાબો હાથ લાંચ લે તો એ મૂળમાંથી સડી જાય! દરેક જણે આ પ્રતિજ્ઞા લીધી. મોટા અમલદારોએ હાઉવાઉની આગળ લીધી અને હાઉવાઉએ ચાઉમાઉની આગળ લીધી.
ચાઉમાઉ કહે: 'બસ, હવે મારા રાજ્યમાંથી લાંચરુશ્વત ગઈ! મારા રાજ્યમાં હવે સદાચારનો ડંકો વાગી ગયો!'
ડંકો કેવો વાગી ગયો એ જુઓ! બીજે જ દિવસે એક માણસ પોતાનું કામ કઢાવવા માટે હાઉવાઉની પાસે ગયો; એણે હાઉવાઉની આગળ સોનામહોરોનો ઢગલો કરી નાખ્યો.
હાઉવાઉ કહે: 'હું રુશ્વત લઉં તો મારો હાથ મૂળમાંથી સડે!'
ગરજુ કહે: 'આપની એ પ્રતિજ્ઞા શું હું નથી જાણતો? જાણું જ છું!'
હાઉવાઉ કહે: 'તો?'
ગરજુએ એક નવો ઝભ્ભો બતાવી કહ્યું: 'પહેલાં આપ આ ઝભ્ભો પહેરી લો, પછી હું મારી વાતનું રહસ્ય સમજાવું!'
આમ કહી એણે નવો રેશમી ઝભ્ભો હાઉવાઉને પહેરાવ્યો. એ ઝભ્ભાની બાંયો મોટા કોથળા જેવી હતી! એના પર બહુ બારીક ભરતકામ કરેલું હતું. હાઉવાઉને એ ગમી ગયું. તેણે કહ્યું: 'વાહ, સુંદર ઝભ્ભો છે!'
ગરજુએ કહ્યું: 'તો હવે બંને હાથની બાંયો મારી સામે ધરો!'
હાઉવાઉએ બાંયો ધરી એટલે ગરજુએ એમાં સોનામહોરો નાખવા માંડી. બેય બાંયોમાં સોનામહોરો સમાઈ ગઈ!
હવે ગરજુએ કહ્યું: 'ક્યાં ગઈ આ મહોરો?'
'ગઈ! પહોંચી ગઈ!' હાઉવાઉએ કહ્યું.
હસીને ગરજુએ કહ્યું: 'બસ, હું એ જ વાત કહેવા આવ્યો છું, આપના જમણા હાથે રુશ્વત લીધી નથી, લીધી હોય તો એ મૂળમાંથી સડે! આપના ડાબા હાથે રુશ્વત લીધી નથી, લીધી હોય તો એ મૂળમાંથી સડે! હા, આપના ઝભ્ભાની બે બાંયોએ લીધી છે- તે છો ને મૂળમાંથી સડીને ખરી પડતી એ બાંયો! કોણ એની પરવા કરે છે?'
એકદમ હાઉવાઉના આઠે કોઠે અજવાળું પડ્યું. તે બોલી ઊઠ્યો: 'બરાબર! બરાબર! છો ને સડતી એ બાંયો! એ એ જ લાગની છે! મેં કંઈ લાંચ લીધી નથી. હું તો પૂર્ણ સદાચારી જ છું!'
તે દિવસથી દરબારમાં કોથળા જેવી બાંયોવાળા ઝભ્ભાનું ચલણ શરૂ થઈ ગયું તે હજુ પણ ચાલુ જ છે.
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
All reacti

No comments:

Post a Comment