પંછી, નદીયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ઈન્હેં ના રોકે
લેહથી નીકળ્યા પછીનો અમારો પહેલો પડાવ હુન્દરમાં હતો. સામાન્ય રીતે નુબરા ખીણમાં સૌ રોકાતા હોય છે, તેને બદલે અમે ત્યાંથી સહેજ આગળ આવેલા હુન્દરમાં રોકાયા. બે રાતનું આ રોકાણ હતું. પહોંચ્યા એ દિવસે બપોરે રેતીના ઢૂવા અને બેક્ટ્રિઅન ઊંટ જોયા. પછીના દિવસે સવારે અમારે જવાનું હતું તુર્તુક અને થાંગ ગામે, જ્યાં એલ.ઓ.સી. (લાઈન ઑફ કન્ટ્રોલ) આવેલી હતી. હુન્દરથી સો-સવાસો કિ.મી.ના અંતરે હશે.
શ્યોક વૉર મેમોરિયલ |
અહીં ઉતરતાં એમ લાગે કે જાણે ચારે બાજુએ પહાડો વચ્ચે આપણે ઘેરાઈ ગયા હોઈએ. અહીં પુષ્કળ પ્રવાસીઓ ઉતરતા હતા. આ સ્થળે સિઆચેનમાં શહીદ થયેલા તમામ જવાનોનાં નામ દર્શાવતું સ્મારક હતું. એ ઉપરાંત એકાદ તંબૂ હતો, જેમાં અંદર જઈને જોઈ શકાતું હતું કે સૈનિકો શી રીતે એમાં રહે છે. ઘણા ગુજરાતી પ્રવાસીઓ આ તંબૂમાં આવીને 'આમાં કશું જોવા જેવું નથી' એમ બોલતા સંભળાયા. મોકળાશથી હરીફરી ન શકાય એવા તંબૂમાં સૈનિકો રહે, પોતાની દિનચર્યા જાળવે અને ફરજ પણ બજાવે એ કેટલું આકરું હશે એનો અંદાજ અહીં બરાબર આવતો હતો. બીજા એક તંબુમાં સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાતી બૂટ તેમજ અન્ય રોજિંદા વપરાશની ચીજો મૂકાયેલી હતી.
સાવ ઉજ્જડ, ઘાસનું તણખલું સુદ્ધાં જોવા ન મળે એવા આ સ્થળે તદ્દન વિપરીત હવામાનમાં ફરજ બજાવવી એટલે શારિરીક તો ઠીક, માનસિક રીતે કેવી સજ્જતા જોઈતી હશે એનો કંઈક અંદાજ મળતો હતો. અહીં જ એક કૉફી શોપ હતી, એમ એક સુવેનિયર શોપ પણ હતી. આ વિસ્તારમાં વરસાદ નહીં, પણ બરફ પડતો હતો. પરેશ એક સૈનિક સાથે વાત કરી રહ્યો હતો એમાં એને જાણવા મળ્યું કે સામેના પહાડ પર વનસ્પતિ ઉગેલી દેખાય છે, એ નિશાની સારી નથી. વનસ્પતિની વૃદ્ધિ થતી જાય અને આખરે એ પહાડને ચીરી નાખે. હમણાંથી જ વનસ્પતિ દેખાવા માંડી છે. થોડી વારમાં જ વાતાવરણ પલટાયું અને અમે આગળ મુસાફરી આરંભી.
કયું હિન્દુસ્તાન? કયું પાકિસ્તાન? |
થાંગ ગામ એક તરફ હતું, પણ અહીં એલ.ઓ.સી. પાસે એક ટૂરિસ્ટ પોઈન્ટ બનાવેલો હતો. સામે ખીણ અને પહાડ દેખાતાં હતાં. એકાદ જગ્યાએ 'સેલ્ફી પોઈન્ટ' પણ બનાવેલો હતો.
એલ.ઓ.સી. પાસેનો ટૂરિસ્ટ પૉઈન્ટ |
અહીં ટોળામાં જઈને અમે ખીણ તરફ મોં રાખીને ઉભા રહ્યા અને એલ.ઓ.સી. કઈ હશે એનું અનુમાન કરવા લાગ્યા. અહીં એક પાટિયા પર વિગતો લખેલી હતી. એ મુજબ ફરનુ અને થાંગ ગામ 1971ની 16 અને 17 ડિસેમ્બરની રાતે અચાનક જુદા દેશમાં આવી ગયા હતા. ઘણાનાં કુટુમ્બીજનો ફરનુ ગામમાં રહી ગયા હતા. ફરનુ ગામ 'ત્યાં' જતું રહ્યું હતું અને થાંગ 'અહીં'. પાટિયામાં જણાવ્યા મુજબ વ્યક્તિ પોતાના સ્વજનને ખેતરમાં કામ કરતા નરી આંખે જોઈ શકતી, પણ તેઓ મળી શકતા નહીં. આ વિસ્તારમાં મુસ્લિમ વસતિ ઘણી હતી. અહીં એપ્રિકોટ અને અન્ય સૂકો મેવો વેચાતો હતો. એકાદ બે રેસ્તોરાં હતી. સ્ટોલ પરની મુસ્લિમ બાનુઓ પાસે બાયનોક્યુલર હતાં, જેનું તેઓ ભાડું લઈને . 'સામે'ની બાજુની વિવિધ ચીજો બતાવતી હતી. એક જણને તેઓ સમજાવી દે અને પછી એ જણ પોતાની સાથેના લોકોને એ બતાવે. બાયનોક્યુલરમાં ઝૂમની સુવિધા અતિશય હોવાને કારણે શરૂઆતમાં ફોકસ કરતાં મુશ્કેલી પડતી, પણ પછી ખ્યાલ આવવા લાગ્યો. નદી, ફરનુ ગામનાં ઘરો, સડક વગેરે બરાબર દેખાતાં હતાં. સામેના પહાડ પર બનેલાં બંકર પણ જોવા મળ્યાં. ચોફેર પહાડો બતાવીને ઘણા ઉત્સાહીઓ પૂછપરછ કરતા હતા કે આમાંના કયા આપણા અને કયા એમના. એક વૃદ્ધ, સ્થાનિક ચાચા સ્થળ બતાવવાની સાથોસાથ પોતાના પરિવારની કહાણી પણ સંભળાવતા હતા. બાયનોક્યુલરવાળી બાનુઓ ઈચ્છતી કે તેમની પાસેથી બાયનોક્યુલર ભાડે લેનાર તેમના જ સ્ટૉલ પરથી સૂકો મેવો ખરીદે. અહીં જગ્યા ઓછી, અને ભીડ પુષ્કળ હતી. હજી વધુ ને વધુ લોકો આવી રહ્યા હતા. આથી અમે વળતી મુસાફરી શરૂ કરી. અમારો હવે પછીનો મુકામ હતો તુર્તુક ગામ.
અહીં પહોંચીને અમે નીચે ઊતર્યા અને નાસ્તા માટે એક ખુલ્લા રેસ્તોરાંમાં ગોઠવાયા કે હિમાલયે પરચો બતાવવા માંડ્યો. એવો પવન ફૂંકાવા લાગ્યો કે વેઠવો મુશ્કેલ બને. અધૂરામાં પૂરું વાદળ ગગડાવા લાગ્યા. અમે ચા-નાસ્તો પતાવ્યો અને ગામમાં જવાનું નક્કી કર્યું.
તુર્તુકનું મ્યુઝિઅમ |
ઈશાને તુર્તુક ગામમાં જઈને ફોટા લેવા હતા. આથી અમે નક્કી કર્યું કે તે ગામની એક દિશામાં જાય અને અમે બીજી દિશામાં. બહાર જ એક મ્યુઝિયમનું પાટિયું લગાવેલું હતું. આથી અમે એ દિશામાં આગળ વધ્યા. તુર્તુક ગામના ઢાળવાળા, સાંકડા, પથરાળ અને વળાંકોવાળા રસ્તે અમે ચાલતા ગયા. સમાંતરે એક ઝરણું પણ સડસડાટ વહી રહ્યું હતું. રસ્તાની બન્ને બાજુ આવાસ હતા, જેમાં ઢોર પણ બંધાયેલાં નજરે પડતાં હતાં. આખરે અમે મ્યુઝિયમ પહોંચી ગયાં.
તુર્તુકનું મ્યુઝિઅમ |
છે. એની મુલાકાત લેજો.
તુર્તુક ગામમાં |
અમે એ જ રસ્તે આગળ વધ્યા. ફરી એક વાર વાંકાચૂકા, પથરાળ, ઢાળવાળા રસ્તા. રસ્તાની બન્ને બાજુએ આવતાં મકાનો. વચ્ચે 'યગ્બો પેલેસ' લખેલું પાટિયું વાંચવા મળ્યું એટલે ખ્યાલ
આવ્યો કે અમે યોગ્ય દિશામાં છીએ.
તુર્તુક ગામમાં |
'યબ્ગો પેલેસ' અમે પહોંચ્યા ત્યારે અમને જરાય અંદાજ નહોતો કે એ શી ચીજ છે. પણ ટિકિટ લઈને અંદર ગયા ત્યારે લાગ્યું કે આ સ્થળે ન આવ્યા હોત તો આપણો પ્રવાસ સાવ અધૂરો ગણાત! એ સ્થળનું માહાત્મ્ય શું હતું અને ત્યાં કોની સાથે અમારી મુલાકાત થઈ?
No comments:
Post a Comment