Sunday, August 17, 2025

પ્રેમના પાયા પર ચણાયેલો સગપણનો ત્રીજો માળ

આજે પૌલાનો જન્મદિવસ છે. અત્યારે એ પૌલા મારવાહા છે, પણ અમારો એની સાથેનો પરિચય એ પૌલા પરીખ હતી ત્યારનો. સગપણે અમે 'સેકન્ડ કઝીન' થઈએ. એટલે કે એના પપ્પા શૈલેષ પરીખ અને મારા પપ્પા અનિલ કોઠારી બન્ને મસિયાઈ ભાઈ થાય. પપ્પાના તમામ પિતરાઈઓ એકમેક સાથે ગાઢ રીતે સંકળાયેલા. અને મહેમદાવાદનું અમારું ઘર એટલે એમના ઊનાળુ વેકેશનનો અડ્ડો. પિતરાઈઓ તો ખરા જ, એમના ભાઈબંધો પણ મહેમદાવાદ આવતા અને રોકાતા. અલબત્ત, આ બધી અમારા જન્મ પહેલાંની વાતો. પણ અમે બહુ રસથી સાંભળેલી અને પપ્પાના પિતરાઈઓને મળીએ કે તેઓ પછી મહેમદાવાદ આવે ત્યારે અમને જણાવતા.

શૈલેષકાકા મુંબઈ રહેતા. એમના પિતાજી એટલે કે કાંતિલાલ પરીખ મારા પપ્પાના માસા, અને એમનાં માતાજી સરલાબહેન (અતિમાસી) મારા પપ્પાનાં માસી. આથી તેમનું ઘર 'માસીનું ઘર' તરીકે ઓળખાતું. અમારું મુંબઈ જવાનું શરૂ થયું ત્યારે તો અમારા સગા કાકા સુરેન્દ્ર કોઠારી સાન્તાક્રુઝ (મુંબઈ) રહેતા. અમારો ઊતારો એમને ઘેર હોય, પણ એક દિવસ અમારે 'માસીને ઘેર' જવાનું આમંત્રણ હોય. માસી પેડર રોડ રહેતાં. દક્ષિણ મુમ્બઈનો એકદમ ધનાઢ્ય વિસ્તાર. પણ માસીને ત્યાં જઈએ ત્યારે જે આવકાર અને ઉષ્મા જોવા મળે એ હજી આજેય મનમાં એમનો એમ છે.
આ સમગ્ર ચિત્રમાં પૌલા ક્યાંય નહોતી. એ કોણ? તો પપ્પાના માસીના દીકરાની દીકરી. પૌલા સાથે સ્વતંત્રપણે અમારો પરિચય થયો અને વિકસ્યો 1987-88થી. મુમ્બઈવાળા કાકાની દીકરી સુજાતાબહેનનું લગ્ન મહેમદાવાદ ખાતે રાખેલું ત્યારે અનેક સગાંવહાલાં અને કાકાના પરિચીતો મહેમદાવાદ આવેલાં. એ ક્રમમાં શૈલેષકાકા, રેખાકાકી અને પૌલા પણ આવેલાં. એ બે દિવસના રોકાણમાં પરિચયનો પાયો નંખાયો એ એવો મજબૂત નીવડ્યો કે આજે એની પર ત્રીજો માળ ચણાઈ ગયો છે.
પૌલાને પત્રો લખવા બહુ ગમતા, એમ અમને પણ. એટલે એના મુમ્બઈ ગયા પછી અમારો પત્રવ્યવહાર શરૂ થયો. અમારામાં આમ કશું સામાન્ય નહોતું. છતાં અમે આખો પત્ર ભરતા. એ પછીના અરસામાં મારી અને ઉર્વીશની મુમ્બઈયાત્રા આરંભાઈ. પણ એ પહેલાં અમે જે ફિલ્મકલાકારોને મળવા માગતા હતા એમનાં નામની લાંબી યાદી પૌલાને મોકલી. ટેલિફોન ડિરેક્ટરીમાંથી એ સૌના ફોનનંબર મેળવવા અમે એને કહ્યું. તેણે સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા, પણ સફળતા ન મળી, અમારા કરતાં એ વધુ નિરાશ થઈ. આના થોડા દિવસ પહેલાં મારાં મમ્મીને મુમ્બઈ જવાનું થયેલું. સાન્તાક્રુઝવાળા પુષ્પાકાકીને સર્જરી કરાવેલી અને તેમને પૌલાના ઘરથી નજીકની કોઈક હોસ્પિટલમાં રાખેલાં. આથી બપોરે મમ્મી આરામ કરવા માટે પૌલાને ઘેર જતાં. પૌલા તેમને કમ્પની આપતી. તેણે મમ્મીને ખાસ આગ્રહ કરીને કહેવડાવેલું, 'કાકી, તમે એ બન્નેને ખાસ કહેજો કે (ફોન નંબર નથી મળ્યા એટલે) આવવાનું કેન્સલ ન કરે.' અમે મુમ્બઈ ઊપડ્યા. કાકીની નાદુરસ્ત તબિયતને કારણે આ વખતે અમારો ઊતારો પૌલાના ઘેર હતો. અત્યાર સુધી જે 'માસીને ઘેર' અમે બે કલાક મળવા જતા એને બદલે હવે અમારે ત્યાં અઠવાડિયું રહેવાનું હતું. અમારી ઉંમરના એ ઘડતરનાં વરસોમાં આ રોકાણે મહત્ત્વનું પ્રદાન કર્યું એમ કહી શકાય. એ સમયે મનમાં બેઠેલી કેટલીક બાબતો આજે પણ અમારા અમુક વ્યવહારમાં સહજપણે વણાઈ ગઈ છે.
કોઈ કલાકારોના ફોન નંબર નહોતા મળ્યા હોવા છતાં અમારો ઉત્સાહ કમ નહોતો થયો. એ ઉત્સાહને પ્રોત્સાહન મળ્યું શૈલેષકાકાના કુટુંબીજનો દ્વારા. એમના એપાર્ટમેન્ટથી પંદરેક એપાર્ટમેન્ટ દૂર આવેલા આશા ભોંસલેના ઘેર પૌલાને લઈને અમે વગર અપોઈન્ટમેન્ટે ઊપડ્યા. મુલાકાત પહેલાંના અવરોધને પાર કરવામાં પૌલાની કમ્યુનિકેશન સ્કીલનો મહત્ત્વનો ફાળો. અમારું એ સંયુક્ત સાહસ આજીવન યાદગીરી બની રહ્યું. તેના આનંદની છાલક આટલા વરસે પણ અનુભવી શકાય છે.

આશા ભોંસલેના નિવાસસ્થાને
(ડાબેથી): ઉર્વીશ, બીરેન, પૌલા અને આશા ભોંસલે
એ જ રોકાણ દરમિયાન શૈલેષકાકાએ અમારી મુલાકાત નૌશાદ સાથે ગોઠવી આપી. તેમજ સુશીલ કુમાર નામના, જૂની ફિલ્મો સાથે સંકળાયેલા એક અભિનેતા તેમના ક્લાયન્ટ હતા, એમને પોતાને ઘેર નિમંંત્ર્યા. શૈલેષકાકાના એ પ્રયત્નોની ગંભીરતા, અને અમારી હજી કોઈ સ્વતંત્ર ઓળખ ઊભી થઈ નહોતી એવે સમયે અમને અપાયેલું આ પ્રોત્સાહન અમારે મન બહુ મોટું હતું.

મુંબઈની એક મુલાકાત દરમિયાન

પછીનાં વરસોમાં સાન્તાક્રુઝવાળા કાકા મહેમદાવાદ આવીને સ્થાયી થયા એટલે અમારા મુંબઈરોકાણનું સરનામું હવે પેડર રોડ બની રહ્યું છે. પૌલા સાથે પત્રવ્યવહાર નિયમીતપણે ચાલતો અને અમે પોતપોતાની પ્રવૃત્તિઓ વિશે લખતા. પૌલા મુખ્યત્વે અંગ્રેજીમાં પત્ર લખતી.
એવામાં એક સુખદ સમાચાર તરીકે અમને જાણવા મળ્યું કે પૌલાનું લગ્ન તેના જ ફ્લોર પર રહેતા કપિલ મારવાહા સાથે નક્કી થયું છે. તેઓ પરિચયમાં હતા અને વડીલોની સંમતિ પછી આ નિર્ણય પર આવ્યા હતા. કપિલભાઈને અમે પહેલી વાર મળ્યા અને તેમની સાલસતાની એ છાપ પડી એ આજેય બરકરાર છે. પૌલાને યોગ્ય જીવનસાથી મળ્યો એનો આનંદ હોય જ, પણ શૈલેષકાકાને યોગ્ય જમાઈ મળ્યા હોવાની વધુ ખુશી હતી. કેમ કે, અમારા પરિવારમાં શૈલેષકાકાની છાપ 'એકદમ ચોક્કસ' તરીકેની. પપ્પાના પિતરાઈ નરેન્દ્રકાકા કાયમ કહેતા, અને એમની પ્રકૃતિ મુજબ જાહેરમાં કહેતા, 'શૈલેષ અતિ ચોક્કસ, અને દીનીયો (પપ્પાના બીજા મસિયાઈ ભાઈ દીનેશ પરીખ) અતિ લબાડ. હું બેની વચ્ચેનો.' વયમાં પોતે બન્નેની વચ્ચે હોવાથી નરેન્દ્રકાકા આમ કહેતા, અને એમાં સંકળાયેલા પાત્રો પણ એની મજા લેતા.
હું અને ઉર્વીશ આવી જ એક મુંબઈયાત્રાએ ગયેલા અને એ અરસામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હોવાથી ટ્રેન વિરાર સ્ટેશને રોકાઈ ગયેલી. અમે સામાન સાથે રેલવેના પાટેપાટે વિરારથી વસઈ ચાલતા ગયેલા. એને કારણે ઉર્વીશના પગમાં છાલાં પડી ગયેલાં. એ પછી અમારે શૈલેષકાકાને ઘેર જવાનું હતું. અમારા જતાં પહેલાં અમારી 'પદયાત્રા'ની વાત ત્યાં પહોંચી ગયેલી. એટલે અમે પહોંચ્યા ત્યારે સૌએ અમારી પાસેથી અહેવાલ સાંભળ્યો. એ વખતે ઉર્વીશના પગના છાલાં જોઈને પૌલા ડઘાઈ ગઈ. એ તરત ગુલાબજળ અને રૂ લઈ આવી અને ઉર્વીશના પગે એ લગાવી આપ્યું. દક્ષિણ મુમ્બઈમાં રહેતી, માતાપિતાનું એક માત્ર સંતાન હોય એવી, લાડકોડમાં ઉછરેલી કોઈ છોકરી આવું કરી શકે એ અમારા માન્યામાં નહોતું આવતું. અને પૌલાની એ છબિ એની સરળતા અને સહજતા ઊપરાંત એની નિસ્બત અને પ્રેમ માટે થઈને અમારા હૃદયમાં આજેય એમની એમ સંઘરાયેલી છે.
અમારા નિયમીત પત્રવ્યવહારનો એક નમૂનો
એ પછીના અરસામાં મારા એક સહકર્મી કમલેશ પંડ્યાને જસલોક હોસ્પિટલમાં દાખલ થવાનું બન્યું. ગંભીર સર્જરી હતી. મેં કમલેશને જણાવ્યું કે એ બાજુમાં જ આવેલા કાકાના ફ્લેટ પર મળવા જાય. એમ મેં પૌલાને પણ પત્ર દ્વારા જણાવ્યું. પૌલાએ એમની બરાબર દેખભાળ રાખી.
પૌલાના લગ્ન પછી તેણે ખરેખર તો એક જ ફ્લોર પર એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં શિફ્ટ થવાનું હતું. આથી અમે મુંબઈ જઈએ ત્યારે મળવાનું ઘટ્યું નહીં. મોટે ભાગે એમ થાય કે કાકીને ત્યાં અમે ચા પીતા હોઈએ એવામાં પૌલા સવારના ચા-પાણી પરવારીને આવી જાય અને અમારો ગપાટાનો દોર ચાલે. વચ્ચે વચ્ચે કશું કામ હોય તો જઈ પણ આવે. કપિલભાઈ મોટે ભાગે સાંજે મળવા આવે. અને એમની સાથે વાતોનો દોર ચાલે. કપિલભાઈ બહુ સંવેદનશીલ અને કેટલીય બાબતોમાં અમારી ફ્રિક્વન્સી મળતી હોવાથી વાતો જાણે કે ખૂટે નહીં. સામાન્યપણે ઓછાબોલાની છાપ ધરાવતા કપિલભાઈને અમારી સાથે આટલી બધી વાતો કરતા જોઈને ઘણા કુટુંબીજનોને આઘાત પણ લાગે.
એક અરસા સુધી એમની લગ્નતિથિએ અમે કોઈ ને કોઈ વિશિષ્ટ વસ્તુ બનાવતા અને એમને મોકલતા. એક વાર અમે એક કંપનીના વાર્ષિક અહેવાલની શૈલીએ તેમના લગ્નજીવનનો અહેવાલ અનાવેલો, એકાદ વાર એમનો એક ફોટો લઈને એ ટી.વી.ની અલગ અલગ ચેનલો પર શી રીતે આવે એવું બનાવેલું, તો એકાદ વખત એક સાદા ફોટાનો ઊપયોગ અલગ અલગ રીતે જાહેરખબરમાં શી રીતે થઈ શકે એવું બનાવેલું. કદાચ 'સાર્થક જલસો'નાં મૂળ આ બધામાં મળી આવે.
શૈલેષકાકા અને રેખાકાકીની દિનચર્યા એકદમ નિયમીત. સામાન્ય રીતે તેઓ રાતના સાડા નવે સૂઈ જનારા. પણ હું કે ઉર્વીશ ત્યાં જઈએ ત્યારે એ નિયમભંગ થાય. શૈલેષકાકા આગોતરી તૈયારી કરીને બપોરે કલાકેક આરામ કરી લે, જેથી રાત્રે જાગી શકાય. રેખાકાકીથી ન જગાય એટલે બગાસાં આવે, પણ વાતરસ એવો જામ્યો હોય કે સૂવા જવાનું મન ન થાય. આમ ને આમ, બાર-સાડા બાર થાય. આમાં ક્યારેક પૌલા પણ જોડાય. એ જોડાઈ ન શકે તો સવારે આવીને પૂછી જાય કે રાત્રે કેટલા વગાડેલા. કેમ કે, એને મન, કાકા અને કાકી રાતના દસ પછી સ્વેચ્છાએ જાગે એ જ મોટી ઘટના! અમારી આ બેઠકોમાં ભરપૂર હસીમજાક ચાલે, અનેક સગાંસંબંધીઓને યાદ કરાય, અને બીજી પણ જાતભાતની વાતો હોય.
લગ્ન પછી કપિલભાઈ અને પૌલાને અમેરિકા જવાનું અને થોડો સમય રહેવાનું બનેલું. એ વખતે તેણે અમને પૂછેલું કે અમારે કશું મંગાવવું છે કે કેમ. અમે એને જણાવ્યું કે (આર્થિક રીતે) અનુકૂળ હોય તો એ અમારા માટે 'મૅડ'નું લવાજમ ભરી શકે એમ હોય તો સારું. પણ એમ ન થાય તોય વાંધો નથી. પૌલા સાથેના સંબંધમાં કદાચ આ અનૌપચારિકતા સૌથી મહત્ત્વનું પરિબળ ગણાવી શકાય. એ અમેરિકા ગઈ અને એણે 'મૅડ'નું લવાજમ ભર્યું. અત્યાર સુધી 'મૅડ'ના જૂના અંકો જ ખરીદેલા અને સપનેય કલ્પના નહીં કરેલી કે 'મેડિસન એવન્યુ'ના સરનામેથી મહેમદાવાદના સરનામે 'મૅડ'નો અંક આવે. કલ્પનામાં ન વિચાર્યું હોય એ સપનું સાકાર કરવામાં પૌલાની નિસ્બત અને પ્રેમ જવાબદાર.

અમેરિકાના ટૂંકા નિવાસ દરમિયાન પૌલાએ લખેલો પત્ર
કાકીને ત્યાં રોકાયા હોઈએ ત્યારે પૌલાના સાસરે પણ અમારું જમવાનું ગોઠવાય. અમારે તો એ જ ફ્લોર પર એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં જવાનું હોય, પણ ત્યાંય આ જ વાતાવરણનું એક્સ્ટેન્શન હોય. પૌલાનાં સાસુ સરલાબહેન અતિ શાલીન અને સૌમ્ય. તેઓ પણ વાતોમાં ભાગ લે.
મારી દીકરી શચિના લગ્ન વખતે રેખાકાકી અને પૌલા બન્ને ખાસ રોકાવાય એ રીતે આવેલાં. મા-દીકરીની આ જોડી અનેક સ્થળે ગીતોનો કાર્યક્રમ પણ યોજે છે. મારે ત્યાં તેઓ આવ્યાં અને આવું કંઈક ગાવાનું નક્કી થયું. એ વખતે મેં અને પૌલાએ મળીને મારા આઈ.વાય.સી.ના મિત્રો અને અમુક સગાંની લાક્ષણિકતાને લઈને તેમની ફીરકી ઉતારતાં જોડકણાં તૈયાર કરેલાં. એમાં પાછા અમેય એકબીજા પર બનાવેલાં. એ ગવાયાં ત્યારે બહુ મજા આવેલી અને શચિના લગ્નનું સંભારણું બની રહેલું.
સામાન્ય રીતે પપ્પાના પિતરાઈ સુધી સંબંધ જળવાય અને પછીની પેઢીએ એ ક્ષીણ થતો જાય, જો એ કેવળ સગપણ આધારિત હોય. પણ પૌલાને કારણે એ અમારી પેઢી સુધી લંબાયો. ખરી મજા એ છે કે પૌલાનાં સંતાનો પૂજા અને સાહિલ પણ હવે મોટાં થયાં. તેમનું અમારી સાથે સ્વતંત્ર સમીકરણ રચાતું ગયું. એમ અમારાં સંતાનો સાથે પણ સ્વતંત્ર સંપર્ક શરૂ થયો. મજાકમાં કહી શકાય કે એમને પૂછીએ કે આપણું સગપણ શું, તો કદાચ એમને મનમાં એ ગોઠવતાં વાર લાગે, પણ નિકટતા એવી કે એમને એ ગોઠવવાની જરૂર ન લાગે.
હમણાં મે, 2025માં 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદના વિમોચન નિમિત્તે રેખાકાકી અને પૂજા ખાસ મુમ્બઈથી આવીને ઉપસ્થિત રહેલાં. બીજા દિવસના અનૌપચારિક મિલનમાં પણ પૂજા સામેલ થયેલી. આ કંઈ માત્ર સગપણ કે 'સંબંધ સાચવવાના' હેતુથી ન બને.

પૌલાનો પરિવાર: (ડાબેથી) સાહિલ, પૌલા,
કપિલભાઈ અને પૂજા
આમ, ખરું જોતાં તો અમારું આ સગપણ ચોથી પેઢી સુધી વિસ્તર્યું છે, અને એ વધુ ને વધુ મજબૂત થતું ગયું છે. અમને ખબર છે કે કેવળ સગપણ હોવાથી આ શક્ય નથી. કશી અપેક્ષા વિના, માત્ર ને માત્ર પ્રેમનો સંબંધ હોય તો જ આમ થાય.
આવું થઈ શક્યું એનો આનંદ છે, પૌલા એમાં નિમિત્ત બની એટલું જ નહીં, એણે સભાનતાપૂર્વક આની પહેલ કરી એની વિશેષ ખુશી છે. સગપણે 'સેકન્ડ કઝીન', એવી અમારી આ મિત્રને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

No comments:

Post a Comment