Tuesday, July 16, 2024

ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ (અનુસર્જન-1): મન 'ચોર' બની થનગાટ કરે....

 

ચીની રાજા ચાઉમાઉના રાજમાં પ્રજાને એય લીલાલહેર હતી. એમને બે ટંક પૂરતું ખાવા મળે કે ન મળે, મનોરંજન ભરપૂર મળી રહેતું. ચીનાઓ આમેય કામ કરવાના આળસુ હતા. એમની આ રગ પારખીને ચાઉમાઉ પોતે કશું કામ કરતો નહીં અને કોઈને કરવા દેતોય નહીં.
આ કારણે ચાઉમાઉના રાજમાં ધંધારોજગાર પુષ્કળ ફૂલ્યાફાલ્યા હતા. કોઈ બેનંબરી મિલકતને એકનંબરી બનાવવા વેચાણ કરે તો એની નોંધણી કરાવવાની રહેતી અને એમાંથી રાજને અમુક ભાગ આપવો પડતો. ઘણાખરા કિસ્સામાં નોંધણી કરાવ્યા પછી રાજને ભાગ ચૂકવી દેવામાં આવે ત્યારે ખબર પડતી કે રાજની જે કચેરીમાં ભાગ ચૂકવવામાં આવ્યો એ આખેઆખી કચેરી જ નકલી છે. પણ શું થાય? રાજાને ફરિયાદ કરી ન શકાય, કેમ કે, કાનૂનભંગની સજા મૃત્યુદંડ હતી અને રાજા સજાપાલનમાં બહુ ચુસ્ત હતો. ચીનાઓનો ખોરાક ભલે દેડકાં, વંદા કે ગરોળીઓ હોય, પણ તેઓ માનતા કે પોતાને કારણે કોઈનો જીવ જવો ન જોઈએ.
બધે હોય છે એમ આ રાજમાં પણ કેટલાક પ્રબુદ્ધ નાગરિકો હતા. તેઓ માનતા કે આ નકલી કચેરીઓ અસલમાં ચાઉમાઉના સગાંની જ છે. જો કે, આવું તેઓ બંધબારણે એકબીજાને કાનમાં કહેતા.
ચાઉમાઉને ખબર હતી કે પોતાની પ્રજા પોતાને દેવતા માને છે, પણ પોતે દેવતા નહીં, માનવ છે. ક્યારેક પ્રજાનો પ્રેમ વધુ પડતો ઊભરાઈ જાય અને પોતાનાથી એમાં વહી ન જવાય એ માટે ચાઉમાઉએ ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. આ જવાબદારી તેણે ચીનના લોકરંજક લેખકો અને કવિઓને સોંપી હતી. શાસન સારું ચાલે ત્યારે દરેક નાગરિકને કવિતા રચવાનું અને પોતાની એ કવિતા રાજાને સુણાવવાનું મન થઈ આવે છે. એ મુજબ ચીનનો દરેક નાગરિક ભાવિ કવિ, દર બીજો નાગરિક વર્તમાન કવિ અને દર ત્રીજો નાગરિક ભૂતપૂર્વ કવિ હતો. ચાઉમાઉએ ગોઠવેલી વ્યવસ્થામાં આવા કવિઓ ન હોય એ સ્વાભાવિક છે.
ચાઉમાઉએ નીમેલા ખાસ લેખક-કવિઓની કાર્યપદ્ધતિ 'સંસ્કૃતિ અને પરંપરા મંત્રાલય' દ્વારા તૈયાર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર હતી. એ મુજબ આ લેખક-કવિઓએ એક મહિનાના ત્રણ રવિવારે ચાઉમાઉના દરબારમાં આવીને તેની પ્રશસ્તિ કરવાની રહેતી. દર મહિનાનો ચોથો રવિવાર ચાઉમાઉના તાડનનો રહેતો. એ દિવસે આ લેખક-કવિઓ ઝાડુ લઈને આવતા. સામે વિશાળ મેદની ઉપસ્થિત હોય અને આ લેખક-કવિઓ પોતાના હાથમાં રહેલા ઝાડુ વડે ચાઉમાઉની પીઠ પર, હાથ પર, માથા પર એ ફટકારતા જતા હોય. અલબત્ત, આ ઝાડુ મોરપીંછના બનેલા રહેતા. જનતાને આ ખેલમાં બહુ મજા આવતી. તેઓ બૂમો પાડીપાડીને લેખક-કવિઓને બીરદાવતા અને જે ચાઉમાઉના માથા પર મોરપીંછ ફટકારે તેને તેઓ 'બહાદુર' ગણતા.
થોડા સમયમાં રાજ્યમાં એકાએક મોરની સંખ્યા ઘટવા લાગી. રાજાને આ વાત કહે કોણ? કેમ કે, દર મહિનાના ચોથા રવિવારે થતા તાડન કાર્યક્રમ અગાઉ શનિવારની સાંજે જે મિજબાની યોજાતી એમાં અનેક મોરનો ભોગ લેવાતો. એ જ મોરનાં પીંછાંમાંથી ઝાડુ બનાવાતું.
જો કે, એ લેખક-કવિઓમાં કેટલાક ખરેખર છાતીએ છપ્પન વાળ ઉગાડેલા હોય એવા બહાદુર અને નિર્ભિક હતા. એક તાડન કાર્યક્રમ શરૂ થતાં અગાઉ તેમાંના એકે કહ્યું, 'રાજન! હું આપને આ મોરના પીંછાથી નહીં ફટકારી શકું. મારો આતમરામ મને આમ કરવાનો નન્નો ભણે છે.' આ સાંભળીને ચાઉમાઉના ડોળા ફર્યા. તેણે આમતેમ જોયું. દીવાન હાઉવાઉ ઘણો દૂર ઊભેલો હતો. એ કશું વિચારે એ પહેલાં પેલા લેખકે કહ્યું, 'હે રાજા! હવે આપણા રાજમાં મોરની વસતિ નાબૂદ થવાને આરે છે. આપ મને આજ્ઞા આપો તો હું આપને 'ફૂલ કેરે દડૂલિયે અને લવિંગ કેરી લાકડીએ' ફટકારું.'
લેખકની આ મૌલિક વાત સાંભળતાં જ જનતાએ ચીચીયારીઓ પાડીને તેનું અભિવાદન કર્યું. કોક ખૂણેથી 'ટાઈગર અભી જિંદા હૈ', 'છપ્પનની છાતી', 'આ લેખક હવે મંત્રી બનવા માગે છે' વગેરે પોકારો સંભળાયા.
ચાઉમાઉને લેખકની વાત વિચારવા જેવી લાગી. તેણે આદેશ ફેંક્યો, 'આ ભાઈ....શું નામ એમનું....એ જે હોય એ...ની વાત સાચી છે. આપણે ત્યાં મોર જ નહીં રહે તો તમે ખાશો શું? હું હાઉવાઉને આદેશ આપું છું કે મોંગોલિયા સાથે ફૂલના દડાના અને મંચુરિયા સાથે લવિંગને લગતા એમ.ઓ.યુ. કરે.'
આ સાંભળીને પ્રજામાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો. સૌએ નવેસરથી હર્ષની ચીચીયારીઓ પાડી.
ચાઉમાઉના રાજમાં પ્રજાને લીલાલહેર હતી.
(રમણલાલ સોનીએ સર્જેલાં ચીની ચાઉમાઉ ને એનો દીવાન હાઉવાઉનાં મૂળ પાત્રો પર આધારિત નવી કથા)

No comments:

Post a Comment