Monday, August 15, 2011

‘તારી આંખનો અફીણી’: સર્જનની સફર


(આ પોસ્ટ વાંચતી વખતે વચ્ચે વચ્ચે મૂકેલી ક્લીપ પણ ક્રમમાં સાથે જ સાંભળતા જશો તો આ સર્જનકથાને બહેતર રીતે માણી શકાશે.)
સંગીતકાર અજિત મર્ચન્ટની આજે ૮૯મી જન્મતિથી છે. ૧૯૨૨માં જન્મેલા અજિતકાકાએ આજે ૮૯ વર્ષ પૂરાં કર્યાં હોત. દર વરસે ૧૫મી ઓગસ્ટે ફોન કરીને શુભેચ્છા પાઠવવાનો અને વારાફરતી ઘરના બધા સભ્યોએ વાત કરવાનો ક્રમ આ વરસે પહેલી વખત નહીં જાળવી શકાય. એમની વિદાયને હજી માંડ પાંચેક મહિના થવા આવ્યા છે (૧૮/૩/૧૧). મુંબઈમાં એમની સાથે ગાળેલા કલાકો, છેલ્લા થોડા વરસોમાં તો એક દિવસ માટે મુંબઈ જવાનું થાય તોય એમને મળવાનો અને ત્રણ-ચાર કલાક ગાળવાનો અચૂક જળવાતો ક્રમ.. આ બધુંય હવે સ્મૃતિના આલ્બમનાં પાનાં બનીને રહી ગયું છે. એમને મળવા જવાનું મારે થાય કે ઊર્વીશને, દર વખતે અમે તદ્દન નવી વાતોના ખજાનાથી સભર થઈને આવીએ.
એમની સાથે અસંખ્ય કલાકો બેઠા હોઈશું અને કેટલીય વાતો કરી હશે, પણ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈક વાત રિપીટ થઈ હોય. એય ખરું કે કોઈ પણ વાત હોય, એ ગમે ત્યારે, ગમે તેટલી વાર પૂછીએ તો પણ એનું વર્ઝન બદલાતું નહીં. અજિતકાકાની વાતો કદી હવામાં હોય નહીં, બલ્કે દરેક વાત નક્કર અને કોઈ ને કોઈ પ્રમાણ આધારિત જ હોય. કેટલીય વાતોનો ખજાનો એમણે લૂંટાવ્યો છે, જેમાંનો ઘણો બધો વિડીયોમાં સચવાયેલો છે. અજિતકાકા સાથે એટલી બધી વાતો સંકળાયેલી છે કે ઘણી બધી વાતો લખવાની લાલચ મહાપરાણે ખાળીને આજે વાત કરવી છે ફક્ત તેમના અતિ પ્રસિદ્ધ ગીત તારી આંખનો અફીણી વિષે, તેની સર્જનપ્રક્રિયા વિષે.
**** **** ****

આમ તો, કોઈ પણ કૃતિની સર્જનપ્રક્રિયાને જાણવી કે જણાવવી અસંભવ નહીં, તોય અતિ મુશ્કેલ છે. બહુ બહુ તો તેની સાથે સંકળાયેલી અમુક બાહ્ય બાબતો વિષે માહિતી મળી શકે. ઉપરાંત કોઈ  કૃતિની સર્જનપ્રક્રિયા જાણવાની જિજ્ઞાસા થાય કે એ જાણવામાં રસ પણ ત્યારે જ પડે જ્યારે એ કૃતિ અતિ લોકપ્રિય બને અને એ લોકપ્રિયતા કંઈક અંશે કાલાતીત બને. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી ગીત વિશે આવું ચોક્કસપણે કહી શકાય. એની લોકપ્રિયતા છ છ દાયકા પછીય અડીખમ રહી છે. એ એટલી અને એવી કે કંઈક લોકોને એ ગીત પોતાને નામે ચડાવવાનું મન થાય અને એમ કરેય ખરા.
મૂળ તો આ ગીત ૧૯૫૦ની ફિલ્મ દીવાદાંડીનું, જેના નિર્માતા પણ અજિતભાઈ પોતે જ હતા. તારદેવ (મુંબઈ)ની ફેમસ સિને લેબોરેટરીમાં લાગેલી આગમાં આ ફિલ્મની તમામ પ્રિન્ટ બળી ગઈ અને હાલ તેની એકેય પ્રિન્ટ પ્રાપ્ય નથી. ફિલ્મના નિર્માણની એ બધી વાતો વિગતે ફરી ક્યારેક. આજે તો ફક્ત આ ગીતની જ વાત.
અજિત મર્ચન્ટ
દીવાદાંડીનાં ગીતોની રેકર્ડ ૧૯૪૯માં બહાર પડી ગયેલી. તેનું વેચાણ પણ ચપોચપ થવા માંડેલું. જો કે, અજિતભાઈને નિર્માતા તરીકે ફિલ્મના શૂટિંગ દરમ્યાન એવા કપરા અનુભવો થયા કે તેમનું બજેટ ખોરવાઈ ગયું. અજિતભાઈ ફિલ્મમાં ત્રણ-ચાર ગીતો મૂકવાના મતના હતા, જેથી કથાની ગતિ અવરોધાય નહીં. એને બદલે છ ગીતો રેકોર્ડ થઈ ચૂકેલાં. ફિલ્મનું ઘણું બધું શૂટિંગ પૂરું થઈ ગયેલું, ત્યારે નિર્દેશક બળવંત ભટ્ટને ફિલ્મની એક સિચ્યુએશનમાં ગીત મૂકવાનો વિચાર આવ્યો. અજિતભાઈ આર્થિક તેમજ માનસિક રીતે ગળે આવી ગયા હતા. પણ આ તબક્કે નિર્દેશક સાથે રકઝક કરવાનું હિતાવહ નહોતું. બલ્કે મિત્ર બરકત વીરાણી અને દીવાદાંડીમાં કામ કરનાર અભિનેતા કમલકાન્ત લુવાણાએ મિત્રભાવે સલાહ આપી, હમણાં બળવંત ભટ્ટની વાત માની જાવ અને ગીત મૂકીને પિક્ચર પૂરું કરી દો. એવું લાગે તો ફાઈનલ પ્રિન્ટમાંથી ક્યાં નથી કઢાતું? આ વ્યવહારુ સલાહ અજિતભાઈએ અમલમાં મૂકી. એમણે બરકત વીરાણી બેફામને જ ગીત લખી આપવા કહ્યું. પણ બરકતભાઈ રેડિયોમાંય કામ કરતા હતા. સાથે રણજિત મુવીટોનમાં સંવાદો લખવાનું કામ કરતા. જો કે, આ બધું છાનુંછપનું કરવું પડતું. એટલે એમણે ના પાડી. એટલે વેણીભાઈ પુરોહીતને અજિતભાઈએ ગીતની સિચ્યુએશન કહી. અને ગીત લખી આપવા માટે વિનંતી કરી. શી હતી એ સિચ્યુએશન? 
'બેફામ' (*)
અફીણીયા પતિ (હીરો)નો પૌરુષીય જુસ્સો જાગ્રત કરવા માટે તેની પત્ની (હીરોઈન) વીલન સાથે ફ્લર્ટ કરે છે. આમ છતાં હીરોને ગુસ્સો ચડતો નથી, એટલે પત્ની તેને હતાશ થઈને કહે છે, ક્યાં ગયો તારો જુસ્સો? તને કશું થતું નથી?” હીરો તેને આશ્વાસન આપતાં કહે છે, હવેથી અફીણ લેવાનું બંધ, બસ?”
વેણીભાઈ પુરોહીત (*)
હીરોઈન જવાબમાં છણકો કરે છે, આવું તો તેં મને હજાર વાર કહ્યું. આના જવાબરૂપે હીરો કહે છે, જા, આજથી તારી સોગંદ. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી. આ સંવાદ લખ્યા હતા બેફામે’, જેના પછી બળવંત ભટ્ટે એક ગીતની માગણી કરી હતી. આ ગીત હીરો અરવિંદ પંડ્યા પર ફિલ્માવવામાં આવશે કે વિલન બાબુ રાજે પર, એય નક્કી નહોતું. વેણીભાઈએ ગીત એ રીતે લખી આપ્યું કે કોઈ પણ પર એ ફિલ્માવવામાં આવે તો વાંધો ન આવે. બે અંતરા સાથેનું આ ગીત વેણીભાઈએ ફક્ત કલાકમાં જ લખી આપેલું. તારી આંખનો અફીણી જેવા શબ્દો વેણીભાઈ જ લખી શકે, એવું માનનારા લોકોની જાણ સારું, વેણીભાઈ પ્રત્યેના સંપૂર્ણ આદર સહિત અજિતભાઈએ આ તથ્ય જણાવેલું.
ગીત લખાઈ ગયા પછી વારો આવ્યો તેની તર્જ બનાવવાનો. નિર્માતા અજિત મર્ચન્ટે કોઈકની જિદને વશ થઈને સમાધાન કરવું પડે એમ બની શકે, પણ સંગીતકાર અજિત મર્ચન્ટ માટે એમ કરવું મુશ્કેલ હતું.
એમના જ શબ્દોમાં આ વાત સાંભળીએ:

  હું અને દિલીપ (ધોળકીયા) એચ.એમ.વી.ના ઓટલે બેઠા હતા. મારી મોરિસ ગાડી મીના કપૂરને મૂકવા ગઈ હતી. એ વખતે અંગ્રેજી ફિલ્મ રોક રાઉન્ડ ધ ક્લોક અને તેના મ્યુઝીકમાં થયેલો ડ્રમનો ઉપયોગ મારા મનમાં રમતો હતો. એ સિવાય ન્યૂ થિયેટર્સની ફિલ્મ ચંડીદાસનું ઉમાશશીએ ગાયેલું ગીત બસંત ઋતુ આલી આલી મને ખૂબ ગમતું હતું. મને થયું કે એને ક્યાંક ગોઠવીએ. એટલે મસ્તીમાં ને મસ્તીમાં મેં ગીત બેસાડવાનું શરૂ કર્યું. બસંત ઋતુ આલી આલી, ફૂલ ખીલે ડાલી ડાલી એ કડી સામે રાખીને મેં પહેલો અંતરો બેસાડ્યો: આજ પીઉં દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો/તાલ પુરાવે દીલની ધડકન, પ્રીત બજાવે પાવો/ તારી મસ્તીનો મતવાલો આશક એકલો...
'ચંડીદાસ'ના આ ગીત બસંત ઋતુ આલી આલી'ની ઝલક સાંભળો.
 (*)

કમ્પોઝીશનની મઝા એ છે કે એક વાર એક લીંક પકડાય પછી મુખડું આપોઆપ આવવા માંડે. એ કેવી રીતે આવે એ સમજાવવું મુશ્કેલ છે. એમ કહીને વાત આગળ વધારતાં અજિતભાઈએ જણાવેલું, હું અને દિલીપ છૂટા પડ્યા. પછી રેગો નામનો એક બીજો મિત્ર આવી ચડ્યો. તે એકોર્ડીઅન બહુ સારું વગાડતો હોવાથી પારસી લગ્નોમાં એની સારી માંગ રહેતી. ગીત વિષે તેની સાથે વાત થઈ એટલે મેં એને તાલ પુરાવે દિલની ધડકન પંક્તિ વિશે કહ્યું. એટલે રેગો કહે, બીટ્સ-હાર્ટ બીટ્સ! ધેન વ્હાય ડોન્ચ્યુ સ્ટાર્ટ વીથ ડ્રમ બીટ્સ?” મને એની વાત જચી. ગીતના આરંભે ડ્રમનો પીસ આવ્યો, પણ એ કોઈ વેસ્ટર્ન ફિલ્મનો નથી. હકીકતમાં એ બિલકુલ કથ્થકનો ટુકડો છે. કથ્થકના ટુકડાના આ બોલ અજિતભાઈના ખુદના મોંએ સાંભળો.


અને હવે સાંભળો આ બોલનું ડ્રમબીટ્સમાં રૂપાંતર.
દિલીપ ધોળકીયા
બે દિવસ પછી ગીતનું ફાઈનલ રેકોર્ડીંગ કરવાનું નક્કી થયું. એ અગાઉ રીહર્સલ ચાલતું હતું, ત્યારે રાજ કપૂર આવી પહોંચ્યો. ત્યારે તેનું બરસાતનું કામ ચાલતું હતું. રીહર્સલમાં વગાડાતું તારી આંખનો અફીણી ગીત સાંભળીને એ રીતસર નાચી ઉઠ્યો. પહેલાં તો લાગ્યું કે એ મશ્કરી કરે છે, પણ ગીતના શબ્દો સાથેનું વોઈસ રીહર્સલ શરૂ થતાં તેનું નાચવાનું વધ્યું. રેકોર્ડીંગ મશીન પર હતા મીનૂ કાત્રક. ફાઈનલ રેકોર્ડીંગ માટે બે માઈક હતાં. એક ગાયક દિલીપ ધોળકીયા માટે અને બીજું આખી ઓર્કેસ્ટ્રા માટે. ડ્રમના પીસથી શરૂ થયેલું ગીત દિલીપ ધોળકીયાએ એટલી સરસ રીતે ગાયું કે આખું ગીત એક જ ટેકમાં ઓ.કે.થઈ ગયું. ગીત પૂરું થતાં જ રાજ કપૂર અંદર આવીને અજિતભાઈને ભેટી પડ્યો. અને બોલી ઉઠ્યો, તમારું આ ગીત અમર થશે.
આ ગીતના વાદ્યવૃંદના વાદકોની નામાવલિ અજિતભાઈએ જ એક પત્રમાં ઉર્વીશને લખી મોકલી હતી. મુખ્ય સંગીતકાર-સ્વરકાર અજિતભાઈના હસ્તાક્ષરમાં આ ગીતના વાદકોની યાદી અહીં મૂકી છે.  

ફિલ્મના યુનિટની બહારના માણસ તરીકે આ ગીત પહેલવહેલું સાંભળનાર રાજ કપૂર હતો. ગીતની તર્જથી એ ઘણો પ્રભાવિત થયેલો. એ પછી ગીતનું ફિલ્માંકન પણ બધાએ જોયું અને કહ્યું કે આ ગીત ફિલ્મમાંથી કઢાય જ નહીં. એ રીતે એ ગીત દીવાદાંડીમાં રાખવામાં આવ્યું. જો કે, આ ગીતની તર્જે રાજ કપૂરને એટલો પ્રભાવિત કરેલો કે આ જ નોટેશન પર તેણે એક ગીતના મુખડાની તરજ બનાવડાવી અને ગીત લખાવીને પોતાની ફિલ્મમાં લીધું.
આ રહી એ ગીતની ઝલક.


ખેર! 'દીવાદાંડી' રિલીઝ થઈ. ફિલ્મ સમીક્ષકોએ આ ફિલ્મના સંગીતના છોતરાં કાઢી નાંખ્યા. હિંદી ફિલ્મના એક સંગીતકારે તો અજિત મર્ચન્ટને બેન્ડ માસ્ટરનું બિરૂદ આપી દીધું. પણ દસેક વરસ પછી આ જ સંગીતકારે આ ગીતની તરજ બેશરમીથી બેઠ્ઠી તફડાવી. એ પછી સંગીતકારોના એસોસીએશનની એક બેઠકમાં શંકર-જયકિશન, એસ.ડી.બર્મન, વસંત દેસાઈ જેવા ધુરંધરો હાજર હતા. અજિતભાઈ પણ પોતાના પરમ મિત્ર સી.રામચંદ્ર સાથે ત્યાં ગયેલા. પેલા સંગીતકારે અજિતભાઈને કહ્યું, માફ કરના, મુઝે મજબૂરી સે આપ કે ગાને કી કોપી કરની પડી. ત્યારે અજિતભાઈએ સહુની હાજરીમાં તેમને સંભળાવ્યું, આમેય તમે ક્યારે મૌલિક કમ્પોઝીશન આપ્યું છે!
'તારી આંખનો અફીણી'ની ધૂનની સીધી ઉઠાંતરી એવા 'નયા સંસાર' ફિલ્મના એ ગીતની ઝલક સાંભળો.
 (*)

'તારી આંખનો અફીણી' ની ધૂન જ એવી હતી કે કોઈને પણ એમાંથી પ્રેરણા લેવાનું મન થઈ આવે. લક્ષ્મીકાન્ત પ્યારેલાલે પણ ફિલ્મ રાજા ઔર રંકમાં એક ગીત આ ધૂનમાં થોડા ફેરફાર સાથે તૈયાર કરેલું.
એ ગીતનું મુખડું પણ સાંભળો.

 (*)


૧૯૬૧માં આવેલી તેલુગુ ફિલ્મ 'વેલુગુ નીદાલૂ' માં સંગીતકાર પી. નાગેશ્વર રાવ પણ આ ગીતની ધૂનથી પ્રભાવિત થયા,

(*) 

જો કે, અસલ ગીત જેવી સફળતા અને દીર્ઘાયુષ એકેય ધૂનને કે ગીતને પ્રાપ્ત ન થઈ શક્યાં. ખુદ અજિત મર્ચન્ટે પોતે હિંદી ફિલ્મ સપેરામાં આ જ ધૂનનો ઉપયોગ કર્યો. પણ એ ગીતની ખાસ નોંધ ન લેવાઈ. આ રહ્યું એ ગીત.
 (*)

તારી આંખનો અફીણી ગીતમાં કોઈ અજબ મોહીની છે કે એની લોકપ્રિયતા વરસોવરસ વધતી રહી છે. ગુજરાતી સિવાયના લોકોમાં પણ આ ગીત ખાસ્સું લોકપ્રિય છે. જુદી જુદી ચાલીસ-પચાસ ગુજરાતી ગાયનની કેસેટમાં આ ગીતની અનધિકૃત નકલો થઈ છે. એ કહેવાની જરૂર ખરી કે મોટા ભાગની કેસેટમાં સંગીતકાર તરીકે અજિત મર્ચન્ટ સિવાયના લોકોનાં જ નામ છે! બીજી વાત. અદભૂત ઓરકેસ્ટ્રેશન ધરાવતું આ ગીત અન્ય ગાયકો ટાઢીબોળ શૈલીમાં તબલાંના એકવિધ તાલે ગાય એ સાંભળીને જે ગુસ્સો આવે છે, એની શી વાત કરવી! એને સુગમ સંગીત કહેવામાં સુગમ સંગીતનું અપમાન છે. સાચા સંગીતપ્રેમી તરીકે આપણે બીજું કશું ન કરીએ તો પણ, મૂળ ગીતના કર્તાઓને યાદ કરીએ તોય ઘણું છે.
કોઈ સર્જક તેની એક જ લોકપ્રિય કૃતિ થકી ઓળખાય ત્યારે તેની પ્રતિભાને અન્યાય થતો લાગે અને અજિતભાઈના કિસ્સામાં પણ એમ જ બનેલું. તેમના વિષે અને તેમનાં બીજાં ગીતો વિષે ફરી ક્યારેક વાત.
આ ગીતના ગાયક દિલીપ ધોળકીયાએ પહેલી વિદાય લીધી (૨/૧/૧૧), તેના ત્રણેક મહીના પછી આ ગીતના સંગીતકાર અજિત મર્ચન્ટે વિદાય લીધી. બેફામ દ્વારા લખાયેલું મુખડું અને વેણીભાઈએ લખેલું આ ગીત, દિલીપ ધોળકીયાની ગાયકી, અજિત મર્ચન્ટની ધૂન- આ બધુંય આપણા સાંસ્કૃતિક વારસાનો હિસ્સો બની રહ્યાં છે. ભલે ને એના થકી સર્જકોને ખાસ લાભ થયો ન હોય!
જરા વિચારો. ન્યૂ થિયેટર્સના ચંડીદાસથી આરંભ થયેલી ગીતની સફર કેટલા પડાવો અને પરિવર્તન પછી તેની મૂળ ધૂન પર પહોંચી. બસંત ઋતુ આઈ આઈ’, તારી આંખનો અફીણી’, મેરા જૂતા હૈ જાપાની’, અને મેરા નામ હૈ ચમેલી માં દેખીતું કશું સામ્ય ન જણાય, પણ આ ગીતોનો પિંડ એક જ સૂરની માટીથી બંધાયેલો છે. દરેક સંગીતકારે પોતપોતાની ક્ષમતા અને કુશળતા મુજબ એના પર કસબ કર્યો છે. પણ તારી આંખનો અફીણી’માં બધાં તત્ત્વોનું એવું અજબ સંયોજન થયું છે કે એ ગીત અજરામર બની ગયું છે.
હવે છેલ્લે આ ગીત તેના મૂળ સ્વરૂપે.


[ નોંધ: (*) નિશાનીવાળી તસવીરો તેમજ વિડીયો ને પરથી લીધેલી છે.]

10 comments:

 1. Maza aavi gai! Wagonful of thanks.

  ReplyDelete
 2. chandrashekhar vaidyaAugust 16, 2011 at 5:14 PM

  biren babu.
  aa aakhoy e mail tame kahela kram ma joyo, khub maza avi.tame khub mahenat kari .
  dhanyawad.

  ReplyDelete
 3. yr article was very informative.

  ReplyDelete
 4. Uttam and Madhu GajjarAugust 17, 2011 at 11:09 AM

  મઝા આવી...ખુબ ધન્યવાદ...કેટલી જહેમત કરી છે તમે..!!!!
  આભાર...

  ReplyDelete
 5. વાહ બિરેનભાઈ, ખુબ મજા આવી ગઈ.મુખડુ 'બેફામ સાહેબે' લખેલુ એ આજે ખબર પડી.

  ReplyDelete
 6. બધું એકસાથે સાંભળવાની ખરી મઝા પડી. આમ જોઇએ તો બધું સાથે આ રીતે આજે પહેલી વાર સાંભળ્યું. એના માટે ભાઇ ટીમ બર્નર્સ લીને જ ધન્યવાદ આપવા પડે. (wwwનો શોધક)

  ReplyDelete
 7. Birenbhai.su kahu? Koi j shabdo nthi,dilna bhavo ne zilva... nishabdpane anjli ajitkakane,ne tamne khub khub khub j dhanyvad.!

  ReplyDelete
 8. બીરેન કોઠારીAugust 20, 2011 at 1:24 PM

  પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર.
  સંગીતપ્રેમી, લેખક અને મિત્ર ડૉ. પદ્મનાભ જોશીએ આ પોસ્ટ વાંચીને પત્રકાર રાજુ ભારતને લખેલો એક લેખ મોકલ્યો છે, જે 'મેરા જૂતા હૈ જાપાની'ની સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે. રાજુ ભારતનને શંકરે જણાવ્યા મુજબ : "આર.કે.ની પ્રથા એવી હતી કે ફિલ્મના થીમ સોંગની ધૂન શંકર તૈયાર કરતા. 'શ્રી ૪૨૦'ના આ થીમ સોંગ માટે એક પછી એક એમ ત્રણ ધૂન શંકરે રાજ કપૂરને સંભળાવી, પણ રાજે એકેય પસંદ ન કરી. સામાન્ય રીતે આવું બનતું નહીં. પહેલી કે બહુ બહુ તો બીજી ધૂન પસંદ થઈ જતી. શંકર નર્વસ થઈ ગયા. તેમણે ચોથી ધૂન શરૂ કરી એ સાથે જ રાજ કપૂરે એને મંજૂર કરી દીધી."
  આમ, આ ધૂનની પ્રેરણા 'તારી આંખનો અફીણી' હોવાનો કશો ઉલ્લેખ નથી. આ શક્ય પણ છે. 'મેરા જૂતા હૈ'નું મુખડું અને 'તારી આંખનો અફીણી'ના મુખડાનું મીટર એક સરખું હોવાથી અને 'મેરા જૂતા હૈ' ગીત 'તારી આંખનો અફીણી'ના બન્યા પછી આવ્યું હોવાને કારણે અજિતભાઈને એવું લાગ્યું હોય એમ બને .
  સર્જનપ્રકિયાના આવા અજાણ્યા પાસા જાણવાનીય મઝા હોય છે.
  આ જાણકારી માટે પદ્મનાભભાઈનો આભાર.

  ReplyDelete
 9. આવાં રોમહર્ષક ગીતોની સર્જન પ્રક્રીયા કેવી રોમાંચક હોય, એનો અંદાજ આવે છે. તમે ક્યાં ક્યાંથી આવા ખજાના ભરી લાવ્યા છો!

  ReplyDelete