ચીની ચાઉમાઉના રાજ્યમાં વીરપુરુષોની ખોટ નહોતી. એવા એક વીરની આ વાત છે.
એક વાર ચીની ચાઉમાઉના એક ગામ ઉપર દુશ્મનોએ હુમલો કર્યો. ગામમાં નાનકડી ઠકરાત હતી, અને ઠાકોર હતો ચાઉમાઉનો સાળો. એને બધા સાલા-ઠાકોરના નામે ઓળખતા. કારણ કે ચાઉમાઉ એને સાલા ઠાકોર કહી બોલાવતા. આ સાલા ઠાકોર ગામના લશ્કરના સેનાપતિ હતા. દુશ્મનોએ ગામ પર હલ્લો કર્યો કે સાલા ઠાકોરે પોતાના ઘરના આંગણામાં ઊભા રહી હાકોટો કર્યો: 'મારો, દુશ્મનોને મારી કાઢો!'
રિવાજ મુજબ આ હાકોટો સાંભળી લોકો પણ પોતપોતાના સ્થાને ઊભા રહી 'મારો, મારો, મારી કાઢો! દુશ્મનોને મારી કાઢો!'ની બૂમો પાડવા લાગ્યા.
બૂમો બરાબર શરુ થઈ ગઈ એટલે સાલા ઠાકોર મૂઠીઓ વાળી પોતાના ઘરમાં ઘૂસ્યા, ને છેક અંદરના ઓરડામાં જઈ ત્યાં એક લાંબી પેટી પડી હતી તેમાં ભરાઈ ગયા, ને નોકરને બૂમ પાડી બોલ્યા: 'ઝટઝટ પેટી બંધ કરી તાળું મારી દે! દુશ્મનો આવી ચડે ને ચાવી માગે તો આપતો નહીં!'
નોકરે ઝટઝટ તાળું મારી દીધું.
દુશ્મનો ગામ લૂંટીને પાછા વળી ગયા, ત્યારે નોકરે ધીરે રહીને પેટી ખોલી, સાલા ઠાકોર પેટીમાંથી બહાર નીકળ્યા.
દુશ્મનો ગામ લૂંટીને ગયા એ સાંભળીને તેમણે કહ્યું: 'લૂંટીને ભાગી ગયા કહો! અરે હું કહું છું, એમને ભાગતાં ભોં ભારે પડી ગઈ! બેટમજી આવ્યા ઘોડે ચડીને, પણ મારો એક બાલ પણ વાંકો કરી શક્યા નહીં! હા!હા!હા!'
સાલા ઠાકોરની આ બહાદુરીની વાત સાંભળી ચાઉમાઉ પણ ખુશ થઈ ગયા; તરત જ તેમણે હાઉવાઉને બોલાવ્યો ને સીધો જ સવાલ કર્યો: 'બોલ તેં કદી આવું વીરત્વ દેખાડ્યું છે?'
હાઉવાઉએ કહ્યું: 'જી, એક વખત.'
'એક વખત? તો ઘણું કહેવાય! ક્ય્રારે? કહે!'
હાઉવાઉએ કહ્યું: 'એક વાર મધરાતે મારી ઊંઘ ઊડી ગઈ. હું આંખો ચોળતો, માથાની ચોટલી રમાડતો બહાર અગાશીમાં આવ્યો. અજવાળી રાત હતી. હું ચાંદનીમાં ઊભો હતો. એવામાં અચાનક મેં મારી સામે જોયું તો ચૌદ ફૂટ લાંબો એક કાળો માણસ મારી સામે લાંબો થઈને સૂતો હતો. મારા પગને એના પગ અડતા હતા, ને એનું માથું અગાશીની દીવાલ પર હતું. હું હિંમતથી તેની સામે જોઈ રહ્યો. ત્યાં એણે માથા પરની ચોટલી હલાવવા માંડી- ગિલોડીની પૂંછડી જેવી! મને એની એ ગુસ્તાખી ગમી નહીં: એટલે દોડતા ઘરમાં ઘૂસી જઈ મેં અગાશીનું બારણું બંધ કરી દીધું ને મોઢે ગોદડું ઓઢી સૂઈ ગયો! સવારે ઊઠીને જોઉં છું તો અગાશીમાં કોઈ ન મળે! બેટમજી એમનું કાળું મોઢું લઈને ભાગી ગયા હતા! હારીને જ તો!'
ચાઉમાઉએ આ સાંભળી હાઉવાઉની પીઠ થાબડી કહ્યું: 'વાહ મારા બહાદુર!'
(રમણલાલ સોની લિખીત બાળવાર્તા સંગ્રહ 'ચીની ચાઉમાઉ, એનો દીવાન હાઉવાઉ'માંથી, પ્રકાશક: શ્રી હરિહર પુસ્તકાલય, સુરત, પહેલી આવૃત્તિ: 1967)
No comments:
Post a Comment