'પેલેટ' નામના
આ બ્લૉગની આ બસોમી પોસ્ટ છે. 12 જૂન, 2011 ના
રોજ પહેલવહેલી પોસ્ટ 'કોંકણ ડાયરી-1 મૂકાઈ હતી. ત્યાર પછી નિયમીતપણે અનિયમીત લખાતા
રહેલા આ બ્લૉગમાં રસના અનેક વિષયોનો સ્વૈરવિહાર થતો રહ્યો છે. પચીસ, પચાસ, સો, સવાસો જેવા આંકડા ગુણવત્તાસૂચક બિલકુલ નથી, પણ સંખ્યાત્મક અવશ્ય છે. આંકડાઓના
આવા એક મુકામે પહોંચીને પાછળ નજર કરીએ તો એ ખ્યાલ આવે છે કે ભલે અનિયમીત તો અનિયમીત, પણ સાતત્યથી લખાતું રહ્યું છે, અને મઝા પડી રહી છે. આ સફરના મારા
અનેક સાથીઓ હશે. ઘણા અહીં કમેન્ટરૂપે દેખા દે છે, તો મોટા ભાગના અદૃશ્ય વાચક તરીકે. એ સૌનો આભાર.
લેખન જ્યારે શોખ મટીને વ્યવસાય બને ત્યારે બ્લૉગ
પર કેવળ નિજાનંદ ખાતર લખવું મુશ્કેલ બને છે. વૃત્તિની નહીં, સમય ફાળવવાની સમસ્યા મુખ્ય હોય છે.
પહેલાં બે વરસોમાં જે નિયમીતતાથી લખાયું, એ પછીનાં વરસોમાં જાળવી ન શકાઈ. આમ છતાં, મનમાં અનેક વિષયો ચાલ્યા કરતા હોય.
સોમી પોસ્ટની ઉજવણી વખતે મને
લગાડેલાં કેટલાંક કાજળનાં ટપકાં વીણીને પોસ્ટ તરીકે મૂક્યાં હતાં. બસોમી પોસ્ટમાં એક
એવી ચીજ મૂકવાનું વિચાર્યું કે જે મેં પોતે આટલા ધ્યાનથી આ નિમિત્તે જ જોઈ. તેની વાત
કરું.
****
**** ****
અમેરિકન હાસ્ય સામયિક ‘મૅડ’/MAD મારું અતિ પ્રિય છે. તેમાં સચિત્ર હાસ્ય નિયમીતપણે પીરસવામાં
આવે છે, અને
તેના કટાક્ષકારો માટે કોઈ કહેતાં કોઈ પવિત્ર ગાય નથી. આ સામયિકની ગુણવત્તા જળવાઈ રહેવાનું
સૌથી મહત્ત્વનું કારણ મારી દૃષ્ટિએ એ છે કે તેમાં હાસ્યલેખક અને વ્યંગ્યચિત્રકાર બન્ને
અલગ અલગ હોય છે. અહીં મોર્ટ ડ્રકર/Mort Drucker, જેક ડેવિસ/Jack Davis, અલ જેફી/Al Jaffee, ડૉનમાર્ટિન/Don Martin, સર્જિયો એરેગોનસ/Sergio Aragones, ડેવ
બર્ગ/Dave Berg, ડૉન ડક એડવિંગ/Don Duck Edwing, એન્જેલો ટોરસ/Angelo Torres, એન્તોનિયો પ્રોહીસ/Antonio Prohias સહિત અનેક કલાકારો સ્ટારનો
દરજ્જો ભોગવે છે અને આ સામયિકની અનુક્રમણિકામાં તેમનો સાગમટે ઉલ્લેખ ‘The usual gang of idiots’ તરીકે
થાય છે.
દરેક કલાકારની આગવી શૈલી અને ખાસિયત છે, જેને કારણે વ્યંગ્યની ધાર બેવડાઈ જાય છે.
નીચે મૂકેલા આ પાનામાં
પહેલી નજરે અનેક ઈલસ્ટ્રેશન દેખાશે, જે મુખ્ય કથાનો ભાગ હોવાથી વાચક અવશ્ય વાંચવાનો છે. પણ એ સિવાય
વચ્ચે રાખેલી ‘હાંસિયા’ની જગ્યાઓ જુઓ. પાનની શરૂઆતમાં, ટોચે, વચ્ચે કે તળીયે આવી જગ્યાઓ (space) કોઈ પણ સામયિકમાં હોય જ. તેમાં દોરાયેલાં ચિત્રો તરફ ભાગ્યે જ ધ્યાન જશે.
આ હાંસિયાઓમાં
પણ નાનાં નાનાં વ્યંગ્યચિત્રો બનાવાયાં છે, જે મોટે ભાગે સર્જિયો એરેગોનસ દ્વારા ચીતરાયેલાં છે. નીચેના પૃષ્ઠ પર આવાં ચિત્રો પર લાલ નિશાની કરવામાં આવી છે, જેથી તેમનું મૂળ કદ સમજાશે.
સામયિકની અનુક્રમણિકામાં આ વિભાગનો ઉલ્લેખ ‘Marginal Thinking Department’ તરીકે
નિયમીતપણે કરવામાં આવેલો હોય છે.
આ વ્યંગ્યચિત્રો જોવા
માટે બિલોરી કાચ જ જોઈએ. અને દર વખતે તે હાથવગો હોય નહીં. ‘પછી જોઈશું’ એમ વિચારીને પછી એ રહી જ જાય. આથી
વિચાર આવ્યો કે આ હાંસિયાનાં કેટલાંક ચિત્રોને મોટાં કરીને મૂકીએ. પૈસાવસૂલ હાસ્ય આપવું
એટલે શું એનો નમૂનો ‘મૅડ’નું એકાદું પાનું જોઈએ તો સમજાય.
બસોમી પોસ્ટની ઉજવણી નિમિત્તે મને એ વ્યંગ્યચિત્રો
જોવા મળે અને તમને પણ માણવા મળે એ આશયે કેટલાંક પસંદગીયુક્ત વ્યંગ્યચિત્રો અહીં મૂક્યાં
છે.
હાંસિયાની જગ્યામાં આ ચિત્રોને એ રીતે દોરવામાં
આવે છે કે લખાણ પણ તરત શરૂ થઈ જાય. આ કારણે ચિત્રને આખું લેવા જતાં લખાણનો અમુક ભાગ
ક્યાંક આવી જાય એમ બન્યું હશે. પણ અહીં કેવળ ચિત્રનું જ મહત્ત્વ છે, એ ધ્યાનમાં રાખવું. વધુમાં વધુ એક
આંગળીની પહોળાઈ અને એક વેઢાથી લઈને ત્રણ વેઢા સુધીની લંબાઈમાં આ ચિત્રો ગોઠવાયેલાં હોય છે.
આ ચિત્રો હાથે ચડ્યાં એ મૂકી દેવાને બદલે જે મને
વધુ ગમ્યા, અને
મારે કશું લખ્યા વિના પણ સમજાઈ જાય એવાં હોય એ રીતે પસંદ કરીને મૂક્યાં છે. આમ છતાં, અમુક ચિત્રો સમજવા માટે વધુ પડતાં
નાનાં લાગે તો તેને જતાં કરવાને બદલે ડાઉનલોડ કરીને એન્લાર્જ કરીને જોજો. છતાં કશી
તકલીફ હોય અને મને પૂછશો તો હું ચોક્કસ જણાવીશ. આશય એટલો જ કે મઝા આવવી જોઈએ.
અકલ્પનીય વિષયો અને પરિસ્થિતિઓ આ વ્યંગ્યકારોની
ખાસિયત છે.
'મૅડ'ના હાસ્યના પ્રેમમાં પડ્યા પછી 'સર્વ જગ થયું ખારું' લાગે એવો એનો પ્રતાપ છે.
(નોંધ: 'મૅડ'નાં તમામ વ્યંગ્યચિત્રો: અંગત સંગ્રહમાંથી)
(નોંધ: 'મૅડ'નાં તમામ વ્યંગ્યચિત્રો: અંગત સંગ્રહમાંથી)
સો ટકા નવો પ્રયોગ. અભિનંદન.
ReplyDeleteસરસ પ્રયોગ . હાંસિયા ચિત્રો વિશે આજે જ ખબર પડી.
ReplyDeleteઅતિશય આનંદદાયક ચીજ વહેંચી તમે તો! 'મેડ'ની 'ટીમ ઓફ ઇડિયટ્સ'ના આભાવર્તુળમાંથી બહાર નીકળાયું જ નથી. એમાં પણ સર્ગેઈ એરાગોનસ અને ડોન માર્ટિન ઉપર હજી સુધી ફિદા રહ્યો છું. તમારા બ્લોગનું નામ 'પેલેટ' બિલકુલ યોગ્ય છે. કેટલું વૈવિધ્ય માણવા મળે છે!
ReplyDeleteમેડ મારું પણ પ્રિય મેગેઝીન પણ એ કોઈની સાડાબારી નહોતું રાખતું તે યુગનો જાહેરખબર સ્વીકારવાની નીતિ સાથે અસ્ત થયો.
ReplyDeleteઆ નીતિ બદલાવના સ્પષ્ટ કારણો સમજી શકાય પણ શું હવે મેડ ની એ ગરિમા છે એમ કહી શકાય..?