- સઈ પરાંજપે
મારી તલાશ દરમિયાન 'નયા દૌર'ના જાણીતા નિર્માતા બી.આર.ચોપડાને મળવાનું બન્યું. તેમણે મારી સ્ક્રીપ્ટ વાંચવા માટે લીધી અને મને ઘેર આમંત્રી. જુહુ તારા રોડ પર તેમનો આલીશાન બંંગલો આવેલો છે. તેના વિશાળ પ્રાંગણમાં હું પ્રવેશી ત્યારે મને ભાગ્યે જ અંદાજ હતો કે ભવિષ્યમાં અહીં મારે વારંવાર આવવાનું થશે. ઘણા, ઘણા સમય પછી મારી પોતાની ફિલ્મના કામ માટે બંગલાના પાછળના ભાગમાં આવેલા સાઉન્ડ સ્ટુડિયોમાં હું આવતી થયેલી. ચોપડાને ઘેર બહુ ઉષ્માસભર પંજાબી મહેમાનગતિ માણી, અને એ મહાન વ્યક્તિ સાથે મારે બહુ દિલથી વાતો થઈ. તેમના મત મુજબ, આ કથા બહુ સશક્ત, પણ પ્રાસંગિક હોવાથી ફિલ્મ માટે સુયોગ્ય નહોતી. તેઓ ખરેખર શું કહેવા માગે છે એ હું સમજી શકી નહીં, અને ખરું કહું તો આજે પણ 'પ્રાસંગિક' એટલે શું એ સમજતી નથી. પણ મને એ શબ્દ બરાબર યાદ રહી ગયો છે.
થોડાં વરસો પછી અમે તાશ્કંદ ફિલ્મ ફેસ્ટીવલમાં મળ્યાં. 'સ્પર્શ' જોઈને તેઓ થિયેટર હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. તેમણે મને ઉષ્માથી અભિનંદન આપતાં કહ્યું, 'તમે મને ખોટો ઠેરવ્યો. બહુ સુંદર ફિલ્મ છે. બ્રેવો!'
હું તારાચંદ બડજાત્યાને પણ મળેલી. 'સ્વચ્છ પારિવારિક' ફિલ્મો બનાવવાનું ગૌરવ લેતી નિર્માણસંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સના તેઓ પિતામહ. આગોતરો સમય લઈને હું તેમને તેમની ઓફિસે મળવા ગયેલી. મારા હાથમાં દળદાર સ્ક્રિપ્ટ જોઈને તેમણે સલૂકાઈથી મને કથા વાંચી સંભળાવાને બદલે કહેવા જણાવ્યું. મેં હા પાડી. પણ ત્રણ જ મિનીટમાં મને ખ્યાલ આવી ગયો કે તેમનું ધ્યાન આમાં નથી. એટલે હું અટકી ગઈ. તેમણે મને કહ્યું કે તેઓ મેલોડ્રામા પ્રકારની કથા વધુ પસંદ કરે છે. તેમણે લાક્ષણિક રાજશ્રી ફિલ્મની કથા મને સંભળાવી. 'અગાઉ હજારો વાર જોયેલી' હોય એવી, તદ્દન ધારી શકાય એવી વાર્તા હતી. પણ તેમણે બહુ ઉત્સાહથી સંભળાવી એટલે ખુરશીમાં આઘાપાછા થતાં થતાં મેં એ સાંભળી. વાર્તા પૂરી થઈ એટલે એ કહે, 'તમારે અમારી આ લેટેસ્ટ ફિલ્મ જોવી જ જોઈએ.' તેમના પેસેજમાં આવેલા પ્રોજેક્શન રૂમમાં ખાસ મારા માટે ફિલ્મ ચલાવવા તેમણે પ્રોજેક્શનિસ્ટને કહ્યું. એ ફિલ્મ હતી 'દુલ્હન વોહી જો પિયા મન ભાયે'. એ ફિલ્મ સુપરહીટ થયેલી. ફિલ્મ પતી એટલે હું ત્યાંથી છટકી, અને નક્કી કર્યું કે ફરી કદી મોટાં બેનર પાસે જવું નહીં.
અમારી ફિલ્મના હજી સુધી કોઈ લેવાલ નહોતા, એટલે મેં પ્રચંડ આશાવાદ સાથે બીજી તૈયારીઓ કરવા માંડી. અચાનક કશું થાય તો તૈયાર રહેવું સારું. મણિ કૌલની ફિલ્મ 'દુવિધા' માટે પ્રશંસા પ્રાપ્ત કરનાર સિનેમેટોગ્રાફર નવરોઝ કોન્ટ્રાક્ટરે અમારી ફિલ્મના સિનેમેટોગ્રાફર બનવા સંમતિ આપી. પૂણેના આર્કિટેક્ટ જયુ પટવર્ધને આર્ટ ડિરેક્ટર બનવાનું સ્વીકાર્યું. હવે અમે આ સાહસનું નામ નક્કી કર્યું- 'સ્પર્શ (ધ ટચ).' શોર્ટ, સ્વીટ અને સચોટ.
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)
No comments:
Post a Comment