- સઈ પરાંજપે
અહીં મારે એ બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે 'સાઝ'નું નિર્માણ સહેજે આનંદદાયક અનુભવ નહોતો. વાસ્તવમાં એ એક જ ફિલ્મ એવી છે કે જે બનાવવામાં મને મજા ન આવી, તેમજ એ મારી પ્રિય ફિલ્મોમાંની એક પણ નથી.
'સાઝ'નું નિર્માણ પણ વિવાદાસ્પદ બની રહ્યું. ટી.વી. પર તેનું પ્રસારણ થયું ત્યારે નવેસરથી એની પર વિવાદ ચાલ્યો. ખરેખર તો આને કારણે ટિકિટોના વેચાણમાં વધારો થવો જોઈતો હતો, કેમ કે, પ્રેક્ષકોને વિવાદ બહુ ગમતો હોય છે. હકીકત શું છે એ જોવા-જાણવા પ્રેક્ષકોએ થિયેટર પર ધસારો કરવો જોઈતો હતો. પણ અફસોસ! 'સાઝ'ની નિયતિમાં થિયેટરની રજૂઆત લખાઈ નહોતી.
મારી પૂરેપૂરી ફી મને ન મળી, કે નિર્માણ પેટે મેં ખર્ચેલાં નાણાંની ચૂકવણી કરવામાં ન આવી. નસીબજોગે હું નિયમીતપણે નાણાં ચૂકવતી રહેતી હતી, આથી કેવળ શબાના (આઝમી)ને ચૂકવવાની રકમનો આખરી હપતો જ બાકી રહેલો. હું ગર્વભેર કહી શકું કે ફિલ્મ, થિયેટર અને ટી.વી.ની મારી સુદીર્ઘ કારકિર્દીમાં મેં કોઈ પણનું ચૂકવણું બાકી રાખ્યું નથી. છેતરપિંડી અને ધોખાધડી માટે કુખ્યાત એવા આ ગ્લેમર બિઝનેસમાં આ બાબતે હું બહુ સાવચેત રહી છું. પણ આ અપવાદે એ નિયમ પુરવાર કરવાનો દા'ડો દેખાડ્યો. મેં શબાનાને ફોન કરીને જણાવ્યું, 'આપણું કામ પતી ગયું છે. મારે તને છેલ્લો હપતો ચૂકવવાનો રહે છે.'
"શી ઉતાવળ છે?" શબાનાએ કહ્યું. "તેં ફક્ત આટલા માટે ફોન કરેલો?"
"ના. મારે એ કહેવું હતું કે એ રકમ હું ચૂકવી શકીશ નહીં."
"હેં? સોરી....શું કહ્યું?"
"મેં એ કહેવા ફોન કરેલો કે મારાથી એ વાયદો પૂરો થઈ નહીં શકે."
"પણ...પણ કેમ? શું થયું?"
મેં શબાનાને આખી વાત જણાવી. મેં કહ્યું કે મને મારા પોતાના ખર્ચેલાં નાણાં મળ્યા નથી- મારું મહેનતાણું અને પ્રોડક્શન ખર્ચ બન્ને. શબાનાએ અને મેં બન્નેએ ટીમમેટ્સ તરીકે સાથે મળીને આ ફિલ્મ કરી હતી. આથી મારી ખોટમાં એનો ભાગ હોવો જોઈએ. મારું આવું માનવું હતું. સ્વાભાવિકપણે જ એ મારી સાથે સંમત નહોતી. તેણે દૃઢતાપૂર્વક કહ્યું, 'જો સઈ, મને ઉતાવળ નથી. તારી પાસે બીજે ક્યાંકથી યા અન્ય પ્રોજેક્ટમાંથી પૈસા આવે ત્યારે ચૂકવજે.'
"મુદ્દો એ નથી." મેં તરત ધ્યાન દોર્યું. "તારું ચૂકવણું કરી શકું એટલા નાણાં મારી પાસે બેન્કમાં પડ્યા છે. પણ આપણે આ ચોક્કસ પ્રકલ્પની વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે સહિયારા દાખલ થયેલાં. મને પ્રામાણિકપણે લાગે છે કે તારે મને થયેલી ખોટમાં પણ ભાગ રાખવો જોઈએ, જેથી મારા માટે એ થોડી હળવી બની શકે. બસ, આટલી જ વાત છે."
આજે હવે પાછું વળીને જોતાં વિચારું છું કે મારો મુદ્દો યોગ્ય હતો કે નહીં. પણ એ વખતે એ બાબતે હું બહુ મક્કમ હતી. સ્વાભાવિકપણે જ શબાના નારાજ થઈ, પણ એ મુદ્દો ફરી કદી ઊખળ્યો નહીં. અત્યારે પણ અમે મળીએ ત્યારે એ જ પ્રેમ અને ઉષ્માથી મળીએ છીએ. અમે એકમેકને અવગણતા નથી.
(Excerpt from 'A Patchwork Quilt, a collage of my creative life by Sai Paranjpye)
(નોંધ: પુસ્તકના આ અંશનો અનુવાદ કેવળ પુસ્તક અંગેની જાણકારી અને આસ્વાદ પૂરતો કર્યો છે.)
(Published by: HarperCollins India, 2020)
No comments:
Post a Comment