પુષ્પા હંસ
૩૦-૧૧-૧૯૨૬ થી ૮-૧૨-૨૦૧૧
હિંદી ફિલ્મોના સંગીતની વાત કરીએ તો એક વાત સૌ કોઈ સ્વીકારશે કે ૧૯૪૧ થી ૧૯૬૦ નાં વરસોનો સમયગાળો સંગીતની દૃષ્ટિએ સુવર્ણયુગ (અને એ પછીના કોઈ પણ ગાળાને સુવર્ણયુગ ગણો તો આ ગાળો પ્લેટિનમયુગ) સમાન હતો. આ સમયરેખા કંઈ ૧૯૪૧ થી જ શરૂ થઈને ૧૯૬૦માં પૂરી થઈ ગઈ એમ નથી. એ પહેલાં અને એ પછી પણ છેક હમણાં સુધી સારું સંગીત તો બનતું જ રહ્યું છે. પણ ખરા અર્થમાં ચિરંજીવ કહી શકાય એવાં ગીતો આ ગાળામાં રચાયાં, ગવાયાં અને લોકહૈયે વસ્યાં. એ પેઢીના લોકોને પોતાના જમાનાનું સંગીત અતીતરાગ લેખે ગમે એ વાત અલગ થઈ. પણ એ પછીની પેઢીના મારા જેવા અસંખ્ય લોકો છે, જેમને એ યુગના સંગીત સાથે કોઈ સાંદર્ભિક જોડાણ નથી. અને છતાંય એ યુગના સંગીતનું આકર્ષણ ઓસરવાનું નામ લેતું નથી. એવું નથી કે એ યુગમાં બધા જિનીયસ હતા કે ચોરી નહોતા કરતા અને સીધા આકાશમાંથી જ બધું શીખીને અવતરેલા. છતાંય સમગ્રપણે ગુણવત્તાનો માહોલ અને માપદંડ એવો હતો કે સાવ ગણીગાંઠી ફિલ્મોમાં સંગીત આપનાર સંગીતકારનું કદાચ નામ ભૂલાઈ ગયું હોય, પણ તેણે રચેલા ગીતનો જાદુ યથાવત હોય. આવું જ અમુક ગાયક ગાયિકાઓ વિષે કહી શકાય. લતા મંગેશકર યુગ શરૂ થયો એ અગાઉ કેટલી બધી ગાયિકાઓ ચાલીસના દાયકામાં હતી, અને કેટલું વૈવિધ્ય હતું તેમના સ્વરમાં! લતા મંગેશકરના પ્રવેશ પછીય અન્ય ગાયિકાઓનો જાદુ યથાવત રહેલો. કાનનદેવી, ઉમા શશી પછીના યુગમાં આવેલાં શમશાદ બેગમ, નૂરજહાં, સુરૈયા, ગીતા (રોય)દત્ત, સુરીન્દર કૌર, અમીરબાઈ કર્ણાટકી, ઝોહરાબાઈ અંબાલાવાલી, રાજકુમારી, પારૂલ ઘોષ, ખુરશીદ, હમીદાબાનો, ઝીનત બેગમ, સુધા મલ્હોત્રા, સુલોચના કદમ, મધુબાલા ઝવેરી, વિશ્ની લાલ, વીણાપાણી મુખરજી, કલ્યાણી … અહીં સંપૂર્ણ યાદી આપવાનો ઉપક્રમ નથી જ, પણ આ નામો પર નજર ફેરવવાથી ખ્યાલ આવશે કે કેવી કેવી સ્વરતારિકાઓએ સંગીતાકાશમાં પોતાનું તેજ રેલાવ્યું છે. રસ પડે એવી હકીકત એ છે કે અહીં ઉલ્લેખ છે એ ગાયિકાઓ ચાલીસના દાયકામાં સક્રિય હતી.
હિંદી ફિલ્મસંગીતના યુગમાં કદાચ આ દસકો એવો અપવાદરૂપ સમયગાળો હતો કે એકસાથે આટઆટલી ઉત્કૃષ્ટ ગાયિકાઓના ગાયનનો લાભ મળ્યો હોય. આ તમામ ગાયિકાઓના કુલ ગીતોનો સરવાળો પણ કદાચ આશા ભોંસલે કે લતા મંગેશકરે ગાયેલાં તમામ ગીતો જેટલો નહીં થતો હોય, પણ તેમનાં ગાયેલાં મોટા ભાગનાં ગીતો આજે પણ સંગીતરસિકોના કાનમાં ગૂંજી રહ્યાં છે. આવાં જ એક ગાયિકા પુષ્પા હંસનું તાજેતરમાં ૮ મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ ૮૫ વર્ષની પાકટ વયે અવસાન થયું.
પુષ્પા હંસ/ Pushpa Hansનું નામ કાને પડતાં જ રસિયાઓને ‘શીશમહલ’(૧૯૫૦) , ‘અપના દેશ’ (૧૯૪૯), ‘કાલે બાદલ’ (૧૯૫૧) જેવી ફિલ્મોનાં ગીતો યાદ આવી જાય. આ ફિલ્મોમાં તેમણે અભિનય પણ કરેલો.
હકીકત એવી છે કે પુષ્પા હંસે ફક્ત આ ત્રણ હિન્દી ફિલ્મોમાં જ ગીતો ગાયાં છે, જેની સંખ્યા એક હાથના વેઢામાં સમાઈ જાય એટલી હશે, છતાં આજે પચાસ-સાઠ વરસ પછીય એ ગીતો તેમની ઓળખ સમાન બની રહ્યાં છે.
પુષ્પાનો જન્મ ૩૦ મી નવેમ્બર, ૧૯૨૬ના દિવસે થયો હતો. પંજાબનું નાનકડું નગર ફાઝિલ્કા/Fazilka તેમની જન્મભૂમિ હતું. પિતા રતનલાલ કપૂર વ્યવસાયે વકીલ હતા. પુષ્પા લાહોર યુનિવર્સિટી/Lahore University માંથી સ્નાતક થયેલાં અને દસેક વરસ સુધી તેમણે લાહોરના ‘પટવર્ધન ઘરાના’/ Patwardhan Gharana માં શાસ્ત્રીય ગાયનની તાલિમ લીધી હતી. લાહોરના ઓલ ઈન્ડીયા રેડીયો પરથી જ તેમની ગાયિકા તરીકેની કારકિર્દીનો આરંભ થયો. પુષ્પાનાં લગ્ન કર્નલ હંસરાજ ચોપરા સાથે થયાં હતાં.
મુંબઈ કયા સંજોગોમાં તેમને આવવાનું બન્યું એ અંગેની વિગત ઉપલબ્ધ થઈ શકી નથી. પણ હિન્દી ફિલ્મોમાં આવતાં અગાઉ પંજાબી ફિલ્મ 'ચમન' (૧૯૪૮) માં તેમનાં ગીતો બહુ મશહૂર થયાં હતાં.
હિન્દી ફિલ્મોમાં તેમનો પ્રવેશ થયો વી.શાંતારામ/ V.Shantaram નિર્દેશીત ફિલ્મ ‘અપના દેશ’/ Apna Desh થી. આ ફિલ્મમાં તેમની મુખ્ય ભૂમિકા હતી અને હીરો હતા ઉમેશ શર્મા. સંગીતકાર પુરુષોત્તમ/ Purushottam ના નિર્દેશનમાં આ ફિલ્મનાં કુલ નવ ગીતોમાંથી કુલ પાંચ ગીતો પુષ્પા હંસે ગાયાં, જે લખ્યાં હતાં દીવાન શરરે. ‘તોહે દિલ કી કસમ’, ‘બેદર્દ જમાના ક્યા જાને’, ‘મેરી ખુશિયોં કે સવેરે કી કભી શામ ન હો’ તેમજ ગાલિબની વિખ્યાત ગઝલ ‘કોઈ ઉમ્મીદ બર નહીં’, અને ‘દિલેનાદાં તુઝે હુઆ ક્યા હૈ’. આ ગીતો સાંભળવા જેવા છે. આ સિવાયનાં અન્ય ગીતોમાંના એક ગીતમાં મનમોહન કૃષ્ણનો સ્વર છે, એક ગીતમાં ઉમેશ શર્માનો સ્વર છે, તો એક ગીતમાં સંગીતકાર પુરુષોત્તમનો પણ સ્વર સાંભળવા મળે છે.
હિન્દી ફિલ્મોમાં તેમનો પ્રવેશ થયો વી.શાંતારામ/ V.Shantaram નિર્દેશીત ફિલ્મ ‘અપના દેશ’/ Apna Desh થી. આ ફિલ્મમાં તેમની મુખ્ય ભૂમિકા હતી અને હીરો હતા ઉમેશ શર્મા. સંગીતકાર પુરુષોત્તમ/ Purushottam ના નિર્દેશનમાં આ ફિલ્મનાં કુલ નવ ગીતોમાંથી કુલ પાંચ ગીતો પુષ્પા હંસે ગાયાં, જે લખ્યાં હતાં દીવાન શરરે. ‘તોહે દિલ કી કસમ’, ‘બેદર્દ જમાના ક્યા જાને’, ‘મેરી ખુશિયોં કે સવેરે કી કભી શામ ન હો’ તેમજ ગાલિબની વિખ્યાત ગઝલ ‘કોઈ ઉમ્મીદ બર નહીં’, અને ‘દિલેનાદાં તુઝે હુઆ ક્યા હૈ’. આ ગીતો સાંભળવા જેવા છે. આ સિવાયનાં અન્ય ગીતોમાંના એક ગીતમાં મનમોહન કૃષ્ણનો સ્વર છે, એક ગીતમાં ઉમેશ શર્માનો સ્વર છે, તો એક ગીતમાં સંગીતકાર પુરુષોત્તમનો પણ સ્વર સાંભળવા મળે છે.
૧૯૫૦માં આવેલી સોહરાબ મોદીના મીનરવા મુવીટોન/ MInerva Movietone ની ફિલ્મ ‘શીશ મહલ’/ Sheesh Mahal માં પુષ્પા હંસના સહકલાકારો હતાં સોહરાબ મોદી, નસીમ, નિગાર સુલતાના, પ્રાણ, જવાહર કૌલ, લીલા મિશ્રા.
'શીશમહલ' ના ટાઈટલમાં |
આવા મોટા ગજાના કલાકારો હોવા છતાં આ ફિલ્મ આજે યાદ કરાય છે પુષ્પા હંસે ગાયેલાં ગીતોથી. આ ફિલ્મમાં પણ કુલ નવ ગીતોમાંથી તેમનાં ગાયેલાં પાંચ ગીતો હતાં. ‘આદમી વો હૈ જો મુસીબત સે પરેશાન ન હો’, ‘તકદીર બનાનેવાલે ને કૈસી તકદીર બનાઈ હૈ’, ‘તુમ દેખ રહે હો કિ મિટે સારે સહારે’, ‘હમ ખેતોં કે મહારાજ, હમેં ડર કાહે કા’ અને ‘ભૂલે જમાને યાદ ન કર’. ‘શીશમહલ’માં વસંત દેસાઈ/ Vasant Desai એ સંગીત આપેલું. આમાંના બે ગીતો.
આ કોરસમાં પુષ્પા હંસની સાથે મહંમદ રફી અને ગીતા રોય પણ છે.
આ બન્ને ફિલ્મોનાં ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યાં. ત્યાર પછી ૧૯૫૧માં આવેલી ફિલ્મ ‘કાલે બાદલ’/ Kale Badal માં કુલ નવ ગીતોમાંથી પુષ્પા હંસે બે ગીતો ગાયાં. આમાંનું એક ગીત.
બીજું ગીત હતું ‘દિલ કિસી સે લગા કે દેખ લીયા’. રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં આ ગીતો શ્યામસુંદરે સંગીતબદ્ધ કરેલાં. આ ફિલ્મમાં શમશાદ બેગમ અને સુલોચના કદમ જેવી ગાયિકાઓનાં પણ ગીતો હતાં. તેમનાં ગીતોની વચ્ચે પણ પુષ્પા હંસે પોતાના કંઠ વડે આગવું સ્થાન ઉભું કર્યું,
તેમની હિન્દી ફિલ્મોની કારકિર્દી આટલી જ રહી. કયા સંજોગોમાં તેમણે મુંબઇ છોડ્યું એની વિગત જાણવા મળી શકી નથી. જો કે, પંજાબી ફિલ્મમાં ગાવાનું ચાલુ રહ્યું. અગાઉ જણાવ્યું એમ ઓછા જાણીતા, પણ જિનીયસ સંગીતકાર (‘લારાલપ્પા’ ગીતથી ઓળખાતા, મૂળ નામ એરિક રોબર્ટ્સ) વિનોદ/ Vinod ના સંગીત નિર્દેશનમાં તેમને ‘ચમન’ નામની પંજાબી ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો હતો. આ ફિલ્મનાં ગીતો જબરદસ્ત લોકપ્રિય થયાં. વિનોદનું સંગીત હોય અને પુષ્પા હંસનો સ્વર હોય એવા ગીતને માણવામાં ભાષાનું બંધન ક્યાંથી નડે?
આ ગીત તો પુષ્પા હંસની જ નહીં, પંજાબી સંગીતની ઓળખ સમાન બની ગયું છે, જેને પછી તો અનેક ગાયકગાયિકાઓએ ગાયું છે અને હજીય તે ગવાઈ રહ્યું છે.
ફિલ્મ દુનિયામાંથી નિવૃત્ત થનારાં પુષ્પા હંસ દિલ્હીમાં રહેતાં હતાં, અને સંગીતના ક્ષેત્રે સક્રિય હતાં. ટી.વી. તેમજ સ્ટેજ શો સાથે તે સંકળાયેલાં હતાં. સ્ટેજ શોનું આયોજન પણ તે કરતાં.
લશ્કરના જવાનોના મનોરંજન માટે સરહદ પર જતા સુનિલ દત્તના જૂથ ‘અજન્ટા આર્ટ્સ’નાં તે અગ્રણી ગાયિકા હતાં. ‘ઈવ્ઝ વીકલી’ મેગેઝીનનું સંપાદન તેમણે સત્તરેક વરસ સુધી સંભાળેલું. છેલ્લે ‘હજરત નિઝામુદ્દીન ઓલીયા અને અમીર ખુસરો’ પર એક દસ્તાવેજી ચિત્ર બનાવી રહ્યાં હોવાનુંય સાંભળવા મળેલું. આમ, પરદાથી દૂર થયા પછી તે સક્રિય જીવન વીતાવતાં હતાં.
દિલ્હીની પંજાબી એકેડેમી દ્વારા ‘પંજાબીભૂષણ’નો એવોર્ડ તેમજ કલ્પના ચાવલા એક્સેલન્સ એવોર્ડ જેવાં પ્રાદેશિક સન્માનો ઉપરાંત ‘પદ્મશ્રી’ જેવા રાષ્ટ્રીય સન્માનથી તેમને નવાજવામાં આવ્યાં હતાં.
ફાઝિલ્કાના લોકો તેમને પોતાના નગરના ગૌરવ તરીકે ઓળખે કે પંજાબી સમાજ તેમને પંજાબના ગૌરવ તરીકે ભલે ઓળખે, હિન્દી ફિલ્મસંગીતના ચાહકોમાં તો પુષ્પા હંસ અત્યંત મર્યાદિત, છતાં સુમધુર અને ચિરંજીવ ગીતોનાં ગાયિકા તરીકે જ વસેલા રહેવાનાં.
('હિન્દુસ્તાન ટાઇમ્સ' માં પરિવારજનો દ્વારા પ્રકાશિત નોંધ) |
આ અનોખી ગાયિકાને કેવળ તેમનાં પરિવારજનો તરફથી જ નહીં, સૌ સંગીતપ્રેમીઓ તરફથી પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
(નોંધ:- 'કાલે બાદલ' પોસ્ટર સૌજન્ય: હરીશ રઘુવંશી, સુરત. અન્ય તમામ તસવીરો નેટ પરથી તેમજ ગીતો યૂ ટ્યૂબ પરથી લીધાં છે.
- આ પોસ્ટ તૈયાર થઈ રહી હતી એ દરમ્યાન પ્રિય કલાકાર-કાર્ટૂનિસ્ટ મારિઓ મિરાન્ડાના અવસાનના સમાચાર મળ્યા. મારિઓને ચિત્રાંજલિ ઉર્વીશના બ્લોગ પર અહીં ક્લીક કરવાથી વાંચી શકાશે.
बिलकुल बेखबर था में। जानकारी बदल आभार आपका।
ReplyDeleteપુષ્પા હંસ-ફક્ત એ નામ જ પહેલા ક્યારેક સાંભળ્યું હતું,પણ વધુ કંઇ જ નહી.આજે ઘણું બધુ જાણ્યું.એમના ગીતો સાંભળવાથી ખ્યાલ આવી શકે કે એ યુગના એ પ્રતિભાશાળી ગાયિકા હતાં.પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
ReplyDeleteA big thank you for this article.
ReplyDelete૧૯૪૯ મા અમારી ઉમર ૧૧ વરસની.હું ને મારો કઝીન ભાઇ આ ફિલમ જોઇ આવેલા.ખાસ કૈ સમજાણુ નોતુ પણ પહી અમે રમયા ત્યારે ગોગલ્સ પહેરી" કાલા ચશ્મા , કાલા ચશ્મા" એવુ બોલી એક બીજાનો પીછો કરતા !
ReplyDeleteAafrin!!
ReplyDeleteA person, who was, perhaps, not borne when Pushpa Hans was on the screen writes such a detailed account of her. Your interest in the history of Bollywood is very genuine and intense. I have seen all the three films of Pushpa Hans when I was studying in school, perhaps in the year 1949-1950, I stand corrected, a year more or a year less. But at that time I was not knowing that Pushpajee herself sings and she was such a good singer as illustrated by you.
Hats off to you.
Thank you very much.