Saturday, January 14, 2012

વિનોદ ભટ્ટ: હાસ્યનું અમૃત પીવડાવનાર હાસ્યલેખકનો અમૃતપ્રવેશ

-   બિનીત મોદી



  (જેમના લખાણો વાંચીને અમારા જેવા અનેકોની હાસ્યરૂચી કેળવાઈ હશે એવા હાસ્યલેખક વિનોદ ભટ્ટ આજે ઉત્તરાયણના દિવસે પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. અજાણ્યા વાચક્માંથી વિનોદભાઈનો અંગત સ્નેહી બની રહેલો મિત્ર બિનીત મોદી આ લેખક સાથેના પોતાના સંબંધની સફર વર્ણવે છે. આ વાત ભલે બિનીતની હોય, અમારા જેવા અનેકોને તેમાં પોતાની લાગણીનું પ્રતિબિંબ દેખાશે.)


શાળાના દિવસોમાં ઈતરવાંચનનો કેળવાયેલો શોખ આગળ કોલેજમાં પણ ચાલુ રહેલો. કોલેજમાં લીધેલા વૈકલ્પિક વિષયને કારણે મળતા ફાજલ સમયમાં ફરજિયાત લાઈબ્રેરીનાં પગથિયાં ઘસવાં પડતાં. પણ બહુ ઓછા વિદ્યાર્થીઓ આ વિકલ્પ અપનાવતા અને લાઈબ્રેરીમાં આવતા. આને કારણે લાઈબ્રેરીઅન હર્ષાબહેન નાન્દી (સંસ્કૃતના જાણીતા પ્રાધ્યાપક સ્વ. તપસ્વી નાન્દીનાં પત્ની) પુસ્તકોનાં કબાટના બારણા ખુલ્લા જ રાખતાં. છાપાં-મેગેઝિનોની લેવડ-દેવડનો તો કશો હિસાબ હોય જ નહીં ! આ પરિસ્થિતિ મને ફાવતી જડી ગઈ હતી. કોઈ રોક-ટોક વગર ભણવાની સાથે-સાથે ઇતરવાંચન પણ ભરપૂર થતું.

ઇદમ તૃતીયમ 
અગાઉ છાપામાં રવિવારની પૂર્તિઓ વાંચવાનું બનતું, તેને કારણે વિનોદ ભટ્ટ/Vinod Bhatt નું  નામ મનમાં નોંધાયેલું ખરું,પણ તેમની ખરી ઓળખ થઈ આ વરસોમાં. સંદેશની તેમની નિયમિત રવિવારીય કોલમ ઇદમ્ તૃતીયમહવે વધુ રસપૂર્વક વંચાતી, ઉપરાંત નવચેતનકે ગુજરાત જેવાં સામયિકોમાં આવતા તેમના લેખોનો પણ લાભ મળતો. તેમનાં પુસ્તકોય હાથમાં આવ્યાં અને એ વાંચ્યા એટલે તેમના હાસ્યલેખનની મનમાં બરાબર ઓળખ ઉપસી. તેમની શૈલી, હાસ્ય વગેરે ગમતું હતું અને અનાયાસે હાસ્યની સમજ કેળવાતી જતી હતી. (એક ઈન્ટરવ્યૂમાં એમણે કહેલું, મને સિંહ કરતાં કૂતરાની બીક વધુ લાગે છે. કેમ કે, સિંહ કરડે પછી આપણે કશું કરવાનું હોતું નથી.)


 તેમનાં લખાણો થકી અનેક નવાં નામોનો પરિચય પણ થતો જતો હતો. સઆદત હસન મંટો/Saadat Hasan Manto નું નામ પહેલવહેલી વાર તેમની કોલમમાં જ વાંચ્યું હોવાનું યાદ છે, તો દલિપ કૌર ટીવાણા/ Dalip Kaur Tiwana અને અજિત કૌર/ Ajit Kaur નાં નામો તેમજ તેમનાં પુસ્તકો વિષે પણ ઈદમ તૃતીયમમાં જ પહેલી વાર વાંચ્યું હતું. તેમણે લખેલી વિનોદની નજરેમાટે મારો આજેય એવો અભિપ્રાય છે કે ફક્ત આ એક જ પુસ્તક તેમણે લખ્યું હોત તો પણ હાસ્યલેખનમાં તેમનું સ્થાન આવું જ અગ્રણી હોત.


 એ રીતે હાસ્યસૂઝ ખીલવાની સાથેસાથે જ્ઞાનની ક્ષિતિજો પણ ઈદમ તૃતીયમ થકી વિસ્તરતી જતી હતી. આમ, પરોક્ષ પરિચય સારો એવો થઈ ગયેલો, છતાં તેમને રૂબરૂ મળવાનો વિચાર આવેલો નહીં. પણ એક વાર મોટે ભાગે ગુજરાતનો કે નવચેતનનો દિવાળી અંક વાંચતા લેખને અંતે છપાયેલું તેમનું સરનામું જોવા મળ્યું. સરનામું જોયું એટલે થયું કે એમને ઘેર ફોન તો હશે જ. ફોન નંબર શોધવા માટે હાથવગી હતી અમદાવાદ શહેરની ટેલિફોન ડિરેક્ટરી. એમાંબીનાં પાના પર જઈને ભટ્ટ વિનોદનું નામ શોધી કાઢ્યું. ડિરેક્ટરીમાં આપેલા સરનામા સાથે મારી પાસે હતું એ સરનામું સરખાવી જોયું અને ઝાઝો વિચાર કર્યા વિના લગાડ્યો ફોન.

નિર્ભેળ હાસ્ય 
ખરેખર તો એ વખતે વાચક તેના ગમતા લેખકને પત્ર લખી પ્રતિભાવ પાઠવે એ પ્રથમ સંપર્કનો સામાન્ય શિરસ્તો હતો. બીજે ક્યાંક રહેતો હોત તો મેં પણ એમ જ કર્યું હોત. પણ અમદાવાદમાં રહેતો હોવાના કારણે ફોન કરવાનો વિકલ્પ યાદ આવ્યો અને એને પસંદ કર્યો. સામે છેડે વિનોદભાઈ હતા. મેં તેમના લખાણ અંગે સામાન્ય વાત કરી,તેમના પૂછવાથી મારો પરિચય આપ્યો. જો કે, એવું લાગ્યું કે સાવ ઔપચારિક પૃચ્છા કરવાને બદલે વિનોદભાઈએ ઉમળકાભેર મને બધું પૂછ્યું હતું. થોડી વાતચીત પછી મેં સ્વાભાવિક ક્રમમાં રૂબરૂ મળવાની ઇચ્છા દર્શાવી. ફોનની આટલી વાતચીતમાં મારું રહેવાનું નારણપુરા છે અને પુસ્તકો માટે હું અવારનવાર ગાંધી રોડ આવું છું એટલું તેમણે જાણી લીધેલું, એટલે જરાય ખચકાટ વિના તેમણે મને મળવા આવવાનું આમંત્રણ આપી દીધા પછી જણાવ્યું કે તેમની ઑફિસ ગાંધી રોડથી નજીક હોવાથી ઑફિસે મળવું અનૂકુળ રહેશે. તો દોસ્ત આવી જાઓ એમ કહીને એમણે ઓફિસનું સરનામું પણ લખાવ્યું:‘પનાલાલ, ભટ્ટ એન્ડ કંપની, ખાડિયા ચાર રસ્તા.’ તેમની ઑફિસનો ફોન નંબર લેવાનું મને સૂઝ્યું નહીં. તેમને એ આપવાનું જરૂરી પણ ન લાગ્યું.
બહુ ઝડપથી એક દિવસ તેમને મળવા ઑફિસે પહોંચી જ ગયો. ખાડિયા ચાર રસ્તા પર એક અંધારી ખડકીની અંદર પ્રવેશીએ એટલે પહેલા માળે ઓફિસ તરીકે ઓળખાતી જગા. ચારેક લોકો ત્યાં બેઠા બેઠા કામ કરે અને બે કે ત્રણ નાની કેબિન. હજુ તો આ માહોલથી પરિચીત થયો ન થયો અને વિનોદ ભટ્ટનું  નામ બોલ્યો કે મને એક કેબિન તરફ આંગળી ચીંધવામાં આવી. કાં એ ભાઈ અતિશય વ્યસ્ત હશે, કાં મારા જેવા ઘણા વિનોદભાઈને મળવા ઑફિસે આવી ચડતા હશે. જો કે,આજે વિચારતાં લાગે છે કે બીજો વિકલ્પ લાગુ પડે એ શક્યતા વધુ હશે.
એમની કેબિનમાં મેં પ્રવેશ કર્યો અને ઓળખ આપી. વિનોદભાઈએ બહુ ઉમળકાથી મને આવકાર્યો. આ ક્ષણનો રોમાંચ મારા મનમાં એ હદે અકબંધ રહ્યો છે કે આજે 2012માં તેમની ઓફિસ એ જગાએ નથી રહી, એ જગાની સિકલ ફરી ગઈ છે, છતાં આજે વીસ વર્ષ પછીય એ તરફ જવાનું બને ત્યારે વિનોદભાઈ સાથેની એ પહેલી રૂ-બ-રૂ મુલાકાતનો રોમાંચ-ઉમળકો જેમનો તેમ અનુભવી શકું છું. તેમણે લાગણીપૂર્વક પૂછ્યું,‘ઓફિસની જગ્યા શોધવી પડી?’ મેં કહ્યું,‘આ જગ્યાએ અગાઉ હું સાઇકલ ખરીદવા આવી ગયો છું, એટલે વિસ્તાર જાણીતો હતો. વિનોદભાઈએ કહ્યું,‘ફરી ખરીદવાની થાય તો મને જોડે લઈ જજો. હું ડિસ્કાઉન્ટ અપાવીશ. આજે પણ જેમનું તેમ છે એ ખાડિયા ચાર રસ્તા – પાનકોરનાકાનું સાઇકલ બજાર આખેઆખું એમનું ઓફિસપાડોશી હતું. આ સિવાય પણ થોડીઘણી વાતો થઈ હશે, ચા-પાણી થયાં હશે, પણ એ બધું ખાસ યાદ નથી. થોડી વાર બેઠા પછી હું જવા માટે ઉભો થયો. હાથ મિલાવ્યા. તેમણે ટેબલનું ખાનું ખેંચ્યું. એમાંથી એક પુસ્તક કાઢ્યું અને મારા હાથમાં મૂક્યું. એ પુસ્તક હતું વિનોદવિમર્શ. મને કહે, ‘પ્રકાશકને ત્યાંથી આજે જ આવ્યું છે. આમાં હાસ્યલેખો નથી પણ હાસ્યના વિવિધ સ્વરૂપોની મીમાંસા છે. ગુજરાતી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓના અને વિશ્વના હાસ્ય સાહિત્યના સંદર્ભો છે. આટલું બોલીને સહેજ અટક્યા અને તેમની અસલ વિનોદબ્રાન્ડ હ્યુમરનો પરચો આપતાં બોલ્યા,‘મારા સિવાય બીજા કોને-કોને વાંચવા એ પણ તમે નક્કી કરી શકશો. હું હજી કંઈ કહું એ પહેલાં તેમણે કહ્યું,‘આપણે પહેલીવાર રૂ-બ-રૂ મળ્યા,એ નિમિત્તે મારા તરફથી ભેટ. બહુ નિખાલસતાપૂર્વક તેમણે એમ પણ ઉમેર્યું,‘મારું હાસ્યસાહિત્ય વાંચનારા અનેક લોકો હશે,પણ ખાસ અભ્યાસ કરીને ખંતપૂર્વક તૈયાર કરેલું આ પુસ્તક વાંચવામાં કોઈને ભાગ્યે જ રસ પડશે. એટલે તમે ખાસ વાંચજો અને પછી કહેજો કે કેવું થયું છે.તેમના આવા અભ્યાસપૂર્ણ પુસ્તક વિશે કશો અભિપ્રાય આપવાનું મારું ગજું ત્યારેય નહોતું અને આજેય નથી. હા, એટલું મને સમજાયું કે આંગણે મળવા આવેલા વાચકને ઊંચા આસને બેસાડવાની એ તેમની ગરવી ચેષ્ટા હતી.

જગન મહેતાએ લીધેલી તસવીર 
આ પહેલી મુલાકાત પછી અમારો સંપર્ક ચાલુ રહ્યો. હું તેમને ફોન કરતો, તો ક્યારેક ઓફિસે પણ જઈને મળતો. બન્ને એક જ શહેરમાં રહેતા હોવાના કારણે મારે તેમને પત્ર લખવાનું કદી ન બન્યું. કદાચ પત્રમાં હું તેમના લખાણ વિષે, મારા ઘડતરમાં તેમના અંશત: પ્રદાન વિષે લખી શક્યો હોત, જે રૂ-બ-રૂ મુલાકાતમાં કહી શકાય એવો મોકો ભાગ્યે જ મળે. એ બાબતનો મને બહુ રંજ રહેતો. એટલે નક્કી કર્યું કે મારા આ પ્રિય હાસ્યલેખકને પત્ર તો લખવો જ. ભલે ને અમારે રૂ-બ-રૂ મળવાનું બનતું હોય! એક વખત તેમના તાજા લેખ વિષે પ્રતિભાવ આપતો પત્ર મેં લખીને તૈયાર કર્યો અને એ જ દિવસે તેમની સાથેની મુલાકાતનો યોગ ગોઠવાઈ ગયો. છતાં પત્ર તેમને હાથોહાથ આપવાને બદલે પોસ્ટ જ કર્યો. પછી મળ્યા ત્યારે મેં આ વાત તેમને કરી.  એટલે તેમણે સાહજિકતાથી કહ્યું,ચાલે યાર. ફોનથી કે રૂબરૂ મળીએ ત્યારે વાત થાય જ છે ને!પછી ઉમેર્યું,‘મારે તો ઘરમાંને ઘરમાં જ પત્ર લખવા પડતા હતા. પિતાજીનો માર ન ખાવો પડે એટલે જાતે પત્ર લખીને કામ ચલાવતો.’ 


વિનોદભાઈને મળું ત્યારે મારા મનમાં કશો ભાર ન હોય, તેમ એ પણ એવું લાગવા ન દે. અમારી ઉંમરમાં એક પેઢી જેટલો ફરક, છતાં તે મિત્રની જેમ જ વર્તે. વાચક કેવળ તેમનો જ વાચક કે પ્રશંસક બની રહે એવું એ ન ઈચ્છતા, બલ્કે વાંચનની વિશાળ સૃષ્ટિથી તે પરિચીત થાય એમ ઈચ્છતા. એટલે અમે મળીએ ત્યારે સાહિત્ય અને સાહિત્યકારો વિષે પણ અનાયાસે જ ચર્ચા નીકળતી. એવી જ વાતચીત દરમ્યાન મેં એક વાર કહ્યું,તમારી જેમ જ જેમની સાથે ફોનસંપર્ક છે અને જેમની વાર્તાઓનો હું ચાહક છું એ રજનીકુમાર પંડ્યાને મારે મળવું છે.તરત જ વિનોદભાઈ બોલી ઉઠ્યા,‘જરૂર મળો. એ દાદુ વાર્તાકાર છે. તમે મળશો તો એ બહુ રાજી થશે. પ્રેમાળ માણસ છે. એનું સરનામું-ફોન નંબર છે ને? લાવો હું ફોન પણ કરી દઉં.' હું કંઈ વિચારું એ અગાઉ તેમણે ફોન લગાડ્યો અને રજનીકુમારને મારો પરિચય આપ્યો એટલે રજનીભાઈએ કહ્યું, ‘હા, એના ફોન આવે છે. એ ચોક્કસ મળવા આવે. મને ગમશે. તેમની આ ચેષ્ટા બદલ  આભાર માનું એવી ઔપચારિકતા હવે અમારી વચ્ચે રહી નહોતી. એ દિવસે છૂટા પડતાં તેમણે મને અતિ મહત્વની ટીપ આપી. કહ્યું,‘એક કામ કરજે, દોસ્ત. તું એમને મળે તો એક વાચક લેખકને કરતો હોય એવું ઔપચારિક સંબોધન ન કરતો, તેને રજનીકાકા કહેજે.' પહેલાં તો મને લાગ્યું કે એ મજાક કરે છે, પણ તેમણે બહુ ગંભીરતાથી કહ્યું,’અને હા, તારે મને પણ હવેથી વિનોદકાકા જ કહેવાનું. એ ઠીક રહેશે. લાઈબ્રેરીમાં તેમનાં પુસ્તકો વાંચતી વખતે મને સપનેય ખ્યાલ નહોતો કે હાસ્યલેખક વિનોદ ભટ્ટનો હું આમસાહિત્યિક ભત્રીજો બનીશ. 
નમૂનારૂપ દામ્પત્યજીવન: અમે ત્રણ, અમારાં ત્રણ 
તેમની આ સલાહ હું શી રીતે અવગણું? આ એ જ લેખક છે, જેમણે પોતાનું પુસ્તક વિનોદવિમર્શ તેમની પત્નીને અર્પણ કરતાં લખ્યું છે- પ્રિય નલીનીને, જેની એક પણ સલાહ મેં અવગણી નથી, તેને પરણવાની સુદ્ધાં...’ [વડીલોની પસંદગીથી એ કૈલાસબેન સાથે પરણ્યા અને પછી નલિનીબેન સાથે પ્રેમમાં પડીને તેમની સાથેય લગ્ન કર્યા એ સંદર્ભે. તેમનો સહિયારો સંસાર નમૂનારૂપ હતો. પરિચયમાં વિનોદભાઈ કહેતા,અમે ત્રણ, અમારાં ત્રણ.]મારા આ લેખક જો પ્રિય પત્નીની સલાહને અવગણતા ન હોય, તો મારાથી આ પ્રિય લેખકની સલાહ શી રીતે અવગણી શકાય? એ પછી રજનીકુમાર પંડ્યા/ Rajnikumar Pandya ને મળવા ગયો ત્યારે તેમને સીધું રજનીકાકાનું જ સંબોધન કર્યું. એ જ ન્યાયે તેમને ત્યાં અવારનવાર મળતા જોસેફ મેકવાન/ Joseph Mackwan ને પણ જોસેફકાકા જ કહેતો. આમ, વિનોદકાકાની સલાહ મેં બરાબર પચાવી, અને તેનાં મીઠાં ફળ પણ મેળવ્યાં.
તેમની સાથે મુલાકાતો થતી રહી- અનિયમીતપણે નિયમીત. અનેક વિષયો છેડાતા- સાહિત્યના અને સાહિત્યેતર પણ. અને તદ્દન અનૌપચારિક ઢબે વાતો થતી. કોઈ મિત્રની સાથે ગપ્પાંગોષ્ઠિ કરીએ એ રીતે જ. આવી જ એક મુલાકાતમાં તેમણે મને માહિતી આપી,‘હવે તારે મને મળવા ખાડિયા સુધી લાંબા નહીં થવું પડે. આપણી ઓફિસ હવે નવરંગપુરા શિફ્ટ થાય છે.એમ કહીને તેમણે ફેરડીલ હાઉસ,સ્વસ્તિક ચાર રસ્તાના સરનામાવાળું પોતાની ઓફિસનું વિઝીટીંગ કાર્ડ મારા હાથમાં મૂક્યું, અને કહ્યું,‘મળતો રહેજે.મારા પક્ષે નાપાડવાનો સવાલ જ નહોતો.
દરમ્યાન મને સમાચાર મળ્યા કે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. એ પછી હું તેમને મળવા નવી ઑફિસે ગયો ત્યારે તેમણે મને ચંદ્રકપ્રદાન સમારંભનું આમંત્રણકાર્ડ આપ્યું. અને કહ્યું,‘તું આવીશ તો ગમશે. આવો મોકો કંઈ ચૂકાય? નિયત દિવસે હું કાર્યક્રમના સ્થળે પહોંચી ગયો.
રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન વખતે 
જે કોલેજમાં તેઓ ભણ્યા હતા એ એચ.કે.કોલેજ(જૂની રામાનંદ કોલેજ)ના સભાગૃહમાં જ ગુજરાતી સાહિત્યનું આ સર્વોચ્ચ સન્માન તેમને અર્પણ થવાનું હતું. તે બહુ રાજી દેખાતા હતા. અને કેમ ન હોય? એ સમારંભમાં તેમણે કરેલા પ્રવચનની વિગતો મને ખાસ યાદ નથી, પણ પહેલી હરોળની ખુરશીમાં પોતાનાં બાને બેઠેલાં જોઈને તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો, એ બરાબર યાદ છે. તેમ થોડા વર્ષ અગાઉ અવસાન પામેલા પિતા જસવંતલાલ ભટ્ટને યાદ કરી આ ક્ષણે એ હાજર નહીં હોવાનો વસવસો પ્રગટ કર્યો. આ આપણો વિનિયો સાવ કાઢી નાંખવા જેવો નથી એવી પિતાના મુખમાં મૂકેલી ઉક્તિ તેમણે આ પ્રસંગે જ પહેલી વાર કહી હતી. તેમના હાસ્યની આ જ ખૂબી મને ગમતી રહી છે. એક ક્ષણે એ ખડખડાટ હસાવે, અને બીજી જ ક્ષણે આંખ ભીની કરી દે. [મેડોના/ Madonna વિષેના એક લેખમાં તેમણે રમૂજપૂર્વક મેડોનાનો પરિચય આપીને હસાવ્યા હતા અને છેલ્લે લખેલું,રસ્તા પરની એક ભિખારણ જોઈ. એણે મેડોના જેટલાં જ કપડાં પહેર્યાં હતાં. બસ, એક જ વસ્ત્ર તેણે વધારાનું પહેરેલું. એ હતું લાચારીનું. ]
એ સમારંભના અન્ય વક્તાઓનાં વક્તવ્યો પૂરા થયા. સ્વાભાવિકપણે જ હૉલ બહાર અભિનંદન આપવા માટે તેમને મળનારાની ભીડ જામી. સગાં-સંબંધીઓ, મિત્રો,સાહિત્યકારોથી માંડીને વાચકો એમાં સામેલ હતા. મેં પણ તેમની નજીક જઈને અભિનંદન પાઠવ્યા ત્યારે એટલી ભીડમાંય એ પોતાના પરિવારજનોનો પરિચય મારી સાથે કરાવવાનું ચૂક્યા નહીં. આ પ્રસંગની યાદગીરીરૂપે કેમેરાની ચાંપો પણ દબાતી જતી હતી અને ફ્લેશના ઝબકારા પણ થયે જતા હતા. તેમને મળી લઈને હું થોડો પાછો ખસ્યો, તો વિનોદભાઈએ મને નજીક બોલાવ્યો અને મારા ખભે હાથ મૂકીને ફોટોગ્રાફરને કહે, ‘હવે પાડો ફોટો. 
રણજીતરામ સુવર્ણચન્દ્રક વખતે:  સન્માન એમનું, માન મારું
 (સૌથી ડાબે) બિનીત મોદી અને અન્ય ચાહકોની વચ્ચે વિનોદ ભટ્ટ 
પછી મને ઉદ્દેશીને બોલ્યા,‘યાર, યાદગીરી તો જોઇએને! ખરેખર તો આ વાક્ય મારે બોલવાનું હોય. પણ વિનોદભાઈએ પોતે ઉચ્ચાર્યું. મારા માટે આ કલ્પના બહારનું હતું. જરાય અતિશયોક્તિ વગર અને કાળક્રમે ગુજરાતી સાહિત્યજગતમાં રણજિતરામ સુવર્ણચંદ્રકનું મહત્વ જાણ્યા પછી આજે હું એમ કહી શકું કે આ ઘટનાનું મારે મન બહુ મહત્વ રહ્યું છે. જાણે કે મને પણ મારા પ્રિય લેખકની સાથે સન્માન મળતું ન હોય! ફરી વાર કહું કે વાચકને ઊંચા આસને બેસાડવાની આ તેમની ગરવાઈ હતી.
થોડા વરસ પછી તેમને ગંભીર બિમારી આવી. ડોક્ટરોએ પણ કેટલેક અંશે તેમના સાજા થવાની આશા છોડી દીધેલી. એવી ગંભીર ગણાયેલી અને લાંબી ચાલેલી તેમની માંદગી દરમિયાન ડોક્ટર તરફથી તેમને મળી શકવાની છૂટછાટ મળતાં જ હું કર્ણાવતી હોસ્પિટલ પહોંચી ગયો. અમારી વચ્ચે ખાસ વાતચીત થવાનો અવકાશ નહોતો. છતાં એ એટલું બોલ્યા,‘હવે ઓફિસે નહીં,ઘરે મળવા આવજે.વાત બરાબર હતી. હમણાં એ ઑફિસે આવી શકે એમ હતા નહીં.
ભૂપત વડોદરિયાના અભિનંદન સ્વીકારતા વિનોદભાઈ.
પાછળ (ડાબેથી )જલન માતરી અને રતિલાલ બોરીસાગર 
સાજા થઈને તે ઘેર આવ્યા, એના થોડા સમય પછી હું તેમને ઘેર મળવા ગયો. એ દિવસે તેમણે મારી સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. મને કહ્યું,‘તને સાહિત્યમાં, વાંચનમાં રસ છે,તો પરિષદનો (ગુજરાતી સાહિત્ય પરિષદ) સભ્ય થઈ જા. આ પ્રસ્તાવ મઝાનો હતો. પણ હું એ વખતે નોકરી માટે દુબઈ જવાની વેતરણમાં હતો. એ હકીકત જણાવીને મેં કહ્યું,‘ પછી સભ્યપદ મારા માટે કશા ખપનું નહીં રહે. વિનોદકાકાએ એનો ઉપાય સૂચવતાં કહ્યું, ‘તો પછી આજીવન સભ્ય થઈ જા ને! આટલું કહીને હસતાં હસતાં કહે,‘હવે પછીની પ્રમુખપદની ચૂંટણીનો હું ઉમેદવાર છું. તું સભ્ય બનું તો તારો મત મને મળશે ને! વાત બરાબર હતી. જરાય વરખ લગાડ્યા વિના વિનોદકાકાએ મને આમ કહ્યું, એટલે હું પણ પરિષદનો સભ્ય બની ગયો. તેમની સલાહથી, સૂચનથી કે ભલામણથી હું પરિષદનો સભ્ય બની ગયો એ પછી મને એમ જ લાગે છે કે હું વગર ચૂંટણીએ પરિષદનો પ્રમુખ બની ગયો હોઉં. કમ સે કમ,પરિષદના પટાંગણમાં ગયા પછી તો સાલું (આ એમનો પ્રિય શબ્દ) એવું જ લાગવા માંડે છે.

એ પછી નોકરી માટે મારે દુબઈ જવાનું બન્યું. ત્રણેક વર્ષના એ ગાળામાં તેમની સાથે જીવંત સંપર્ક ન રહ્યો. જો કે,તેમને વાંચવાનું ચાલુ જ હતું. સાહિત્યિક કાર્યક્રમોમાં કદીક હાજર રહેતા મારા મમ્મી-પપ્પાને કે રજનીકાકાને તે મારા ખબર પૂછી લેતા. પરિષદ પ્રમુખના ઉમેદવાર લેખે એ ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે પણ હું દુબઈ જ હતો. મારા વતી પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સૂચના મારા પપ્પાને મેં આપેલી. જો કે, એની જરૂર જ ન પડી. વિનોદકાકા એ ચૂંટણી બિનહરીફ જીતી ગયાના સમાચાર મારા પપ્પાએ મને ખાસ દુબઈ ફોન કરીને આપ્યા હતા. એ પછી દુબઈમાં જ મને જન્મભૂમિ-પ્રવાસીમાં ફોટા સાથે સમાચાર વાંચવા મળ્યા કે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકારના વડા હોવાના નાતે પરિષદને રૂપિયા એકાવન લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં એ માટેનો ચેક પણ વ્યવસ્થા ગોઠવી પરિષદ પ્રમુખ વિનોદ ભટ્ટને ગાંધીનગર રૂબરૂ બોલાવી બનતી ત્વરાએ આપ્યો. આ વાંચીને મને થયું કે ચાલો,વિનોદકાકાને મેં (ન) આપેલો મત તો વસૂલ થઈ ગયો, પણ એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા એય વસૂલ થઈ ગયું. એ દિવસોમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભયંકર નાણાંભીડ અનુભવી રહી હતી, એ જગજાહેર હકીકત આજે ખાસ ઉલ્લેખવી રહી. એવામાં આ નાણાંકીય સહાય દુષ્કાળમાં ધોધમાર વરસાદ જેવી સાબિત થાય એ સમજી શકાય એમ છે.
પરદેશથી હું કાયમ માટે પાછો આવી ગયો. હવે હું અમદાવાદમાં જ હતો. વળી પાછો વિનોદકાકાને મળવાનો ક્રમ પૂર્વવત કરવાનો હતો. મેં તેમને ફોન કર્યો, એટલે તેમણે ઉમળકાભેર મારા ખબરઅંતર પૂછીને કહ્યું, ‘દોસ્ત,હવે તારે આપણે ઘરે જ મળવા આવવાનું. એ પછી તેમને મળવા ઘેર ગયો. ઓફિસ માટે આપણે હવે કોઈ કામના રહ્યા નથીએવું હસતાં હસતાં કહીને તેમણે સ્પષ્ટતા કરી કે વધતી ઉંમર અને તબિયતના સંજોગો જોતા હવે પોતે ઘેરબેઠા જ લેખનવાંચનમાં સક્રિય રહેવાનું નક્કી કર્યું છે.
અમારી અનૌપચારિક બેઠક 
હવે ફરીથી મળવાનો દૌર તેમના ઘરે શરૂ થયો. ઘેર તો સમયનું બંધન હતું નહીં. ઘડિયાળની જરૂર તેમને મળવાનો સમય નક્કી કરવા અને તેમને ઘેર પહોંચવા પૂરતી જ રહેતી. એક વાર ઘેર ગયા અને વાતો શરૂ થાય એ પછી ઘડિયાળને ખિસ્સામાં સેરવી દેવાની. કેટલો સમય વીત્યો એનો ખ્યાલ જ ન રહે, કેમ કે વાતો અને વિષય ખૂટે જ નહીં. પોતાને જ કેન્દ્રમાં રાખીને વાત કરવાનું તો એમને પોતાને જ ન ફાવે,તેમ પોતે જ બોલબોલ કર્યા કરવાનુંય એમના સ્વભાવમાં નહીં. એટલે કંઈ પૂછે એના જવાબમાં આપણે જે કહીએ તેને શાંતિથી સાંભળે અને રસપૂર્વક પૃચ્છા કરે. વચ્ચે વચ્ચે તેમના ઘરના ભાર વગરના આતિથ્યનો પણ લાભ મળતો રહે. ચા-નાસ્તો-શરબત-આઈસ્ક્રીમ વગેરે સમય અને જરૂરત મુજબ આવતાં જ રહે. દોસ્ત, બીજું શું છે જાણવા જેવું?’ આ એમની પૂછવાની શૈલી અને આપણે જાણવા જેવુંકહીએ એટલે એ ધ્યાનથી સાંભળે. તેમનાં પત્ની નલિનીકાકી, જેમને તેમાસ્તરકહીને સંબોધે છે, એ પણ ક્યારેક અમારી વાતોમાં જોડાય.
તેમને નિયમિત વાંચવાનું તો બનતું જ, પણ બને ત્યાં સુધી સાંભળવા પણ ખરા, એવું મારા મનમાં ગોઠવાઈ ગયું છે. વક્તા તરીકે એમનું નામ હોય એવા કાર્યક્રમમાં આજે પણ ખાસ જવાનો ક્રમ મેં જાળવી રાખ્યો છે. અત્યાર સુધીનો મારો અનુભવ રહ્યો છે કે વક્તવ્યમાં તેમણે મઝા જ કરાવી છે. પોતાની ફીરકી પણ ઉતારે, તેમ બીજાની પણ ખબર લેતા રહે. જો કે, આ બધું કોઈ ડંખપૂર્વક કે બદલાની ભાવનાથી નહીં જ. માત્ર ને માત્ર નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કરવા માટે. અમદાવાદમાં વક્તવ્ય હોય તો એ મારી હાજરીની, ખાસ કરીને ગેરહાજરીની નોંધ એ અવશ્ય લે. તેમના એક કાર્યક્રમમાં કોઈક કારણસર મારાથી હાજર રહેવાય એમ નહોતું. મંચ પર વિનોદકાકા બોલવા ઉભા થયા અને શ્રોતાઓની વચ્ચે તેમણે મારા મમ્મી-પપ્પા અને પત્ની શિલ્પાને બેઠેલાં જોયા. તેમણે માઇકમાં જ પૂછ્યું, ‘ક્યાં ગયો બિનીત? નથી આવ્યો કે શું? તમને અહીં બેસાડીને એ પોતે બહાર છુટ્ટો ફરતો ફરે છે. હશે એ તો. મારા ભાષણો સાંભળીને કંટાળી ગયો હશે. શું થાય? હું ય કંટાળ્યો છું, પણ શું કરું?’ આ સાંભળતાં જ ઉપસ્થિત સભાજનોમાં હાસ્યનું કેવું મોજું ફરી વળ્યું હશે, એની કલ્પના કરી જુઓ.

મુંબઈમાં યોજાયેલા એમના એક વક્તવ્યમાં હું હાજર નહોતો, પણ સાંભળેલી વાત છે. વિનોદકાકાએ વક્તવ્ય શરૂ કર્યું. હજી બે-ચાર લીટી બોલ્યા હશે કે પહેલી હરોળમાં બેઠેલા એક સજ્જનનો સેલફોન રણકી ઉઠ્યો. સેલફોનને સાઈલન્ટ મોડ પર મૂકવાની વિનંતી કદાચ મંચ પરથી અગાઉ કરાઈ હશે કે નહીં એની જાણ નથી, પણ મોટા ભાગના લોકો એમ જ સમજે છે કે એ વિનંતી અન્યોને લાગુ પડે છે. પેલા સજ્જને સહેજ ઉંચા થઈને સેલફોન કાઢ્યો. એ સાથે જ વિનોદકાકા બોલતા અટક્યા અને પેલા સજ્જનની સામું જોઈ રહ્યા. પછી સાવ સહજતાથી પૂછ્યું, ‘કોનો, મારો ફોન છે?’ સભાજનોમાં ખડખડાટ હાસ્ય. વિનોદકાકા ગંભીરતાથી કહે,‘ના ના, આ તો મારો એક ફોન આવવાનો હતો. કદાચ તમારી પર આવ્યો હોય.જો કે, તેમનો ઈરાદો સામાનો માનભંગ કરવાનો જરાય ન હોય. એટલે જેના પર આવી રમૂજ થઈ હોય એ પણ તેનો આનંદ માણે.
એમના વક્તવ્યમાં હાસ્યની ગેરંટી 
અન્ય એક સભાનું એ સંચાલન કરતા હતા ત્યારે શ્રોતાઓમાં બેઠેલા એક ડૉક્ટર જોગ સંદેશો આવ્યો. એ ડૉક્ટરને પોતાના દવાખાને પહોંચવાનું હતું. સંચાલક હોવાથી એ સંદેશો વિનોદકાકાએ વાંચી સંભળાવવાનો હતો. પણ એમ સીધેસીધો વાંચી કાઢે તો એ વિનોદકાકા નહીં. તેમણે ચિઠ્ઠી વાંચતાં કહ્યું,‘ફલાણાભાઈ, જે પી.એચ.ડી. નથી, પણ ડૉક્ટર છે, તેમને માટે સંદેશો છે કે તેમના દવાખાને આવેલો દરદી પોતાની મેળે સાજો થઈને ઘેર જતો રહે એ પહેલાં ડૉક્ટરસાહેબે દવાખાને પહોંચી જવું.આવી શીઘ્ર રમૂજ એમને તદ્દન જીભવગી. અને એ કહ્યા પછી કેવી રહી જેવો પ્રશંસા ઉઘરાવવાનો ભાવ નહીં કે પોતે ભલે હાસ્યકાર રહ્યા, પણ હકીકતમાં તો વિદ્વાન છે, એવી સમજણ આપવાનોય પ્રયાસ નહીં. બસ, હાસ્ય માટેનો સાચુકલો પ્રેમ અને નિસ્બત.
જાહેર કાર્યક્રમોમાં વક્તા તરીકે વિનોદ ભટ્ટનો નંબર છેલ્લો અથવા સેકન્ડ લાસ્ટ જ રાખવો પડે. એ ક્રમ જાળવવામાં આયોજક ગોથું ખાઈ જાય અને એમનો નંબર કાર્યક્રમના પ્રારંભે રાખે તો પછીના વક્તાઓએ ઓછા શ્રોતાઓથી ચલાવી લેવું પડે એની ગેરન્ટી. વક્તા તરીકે એ પૂરા અર્થમાં ખીલે એટલું જ નહીં, શ્રોતાઓ સાથે સીધું સંધાન કરતું વક્તવ્ય આપે. તાજેતરનો જ દાખલો આપું.
ગયા શનિવાર, 7 જાન્યુઆરીએ અમદાવાદની કર્ણાવતી ક્લબમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટના બે કાવ્યસંગ્રહોનું વિમોચન મોરારિબાપુના હસ્તે હતું, જેમાં સંચાલન અંકિત ત્રિવેદીનું હતું (અહીંથી હસવા ન માંડતા, હસવાની વાત હજી આગળ આવે છે.) વક્તા તરીકે શોભિત દેસાઈ તેમજ રાજેશ વ્યાસ મિસ્કીનની સાથે વિનોદ ભટ્ટ પણ ખરા. વિનોદકાકાનો વારો આવતાં જ તેમની ફટકાબાજી શરૂ થઈ ગઈ.
હર્ષ બ્રહ્મભટ્ટ/ Harsh Brahmbhatt ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ જેવા અતિ મહત્વના વિભાગના અધિક સચિવપદે કાર્યરત છે. તેમના કાર્યક્રમમાં ભરચક શ્રોતાઓ વચ્ચે સંખ્યાબંધ સનદી અધિકારીઓની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી.
' દોસ્ત, બીજું શું છે જાણવા જેવું?'  
થોડા દિવસ અગાઉ આવા જ એક અધિકારી રાજીવ ગુપ્તા/ Rajiv Gupta એ જાહેર શિસ્ત સંદર્ભે લખેલા પુસ્તક પબ્લિક ડિસીપ્લીન’/ Public Discipline નું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે હતું. વિનોદકાકા એ કાર્યક્રમમાં પણ હાજર હતા. મુખ્યમંત્રી એ કાર્યક્રમમાં નિયત સમય કરતાં લગભગ પોણો કલાક મોડા આવેલા. જો કે, પોતાની આ હરકતની તેમણે એ જ કાર્યક્રમમાં નોંધ લીધી અને વક્તવ્યમાં કહેલું, ‘આપણા છાપાંઓમાં આજના કાર્યક્રમ વિશે એક લીટી નહીં છપાય, પણ હું મોડો પડ્યો એને હેડલાઇન ન્યુઝ બનાવી દેવાશે. શ્રોતાઓની હરોળમાં બેઠેલા વિનોદ ભટ્ટની હાજરીની નોંધ લઈને મુખ્યમંત્રીએ ઉમેરો કરતાં કહ્યું, આ વિનોદભાઈ જ તેમની હાસ્યની કોલમમાં કંઈક ટીકા-ટીપ્પણી કરશે.
વિનોદકાકાએ આ ઘટનાનો ઉલ્લેખ હર્ષભાઈવાળા કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં કરતાં કહ્યું,મુખ્યમંત્રીને જે બાબતનો ડર કે ભીતિ છે એવું કશુંય આપણે હજી સુધી તો લખ્યું નથી. પછી ઉમેર્યું, ‘લખ્યું ભલે નથી, પણ કહેવાય તો ખરું ને?’ એમ જાહેરમાં પૂછીને કહ્યું, મુખ્યમંત્રી મોડા પડ્યા એ તો સમાચાર છે જ નહીં. પણ મોડા પડ્યા પછી તેમણે સોરી કહ્યું એ જ ખરા સમાચાર છે.આખા હૉલમાં ખડખડાટ હાસ્ય. વળી પાછી વિનોદ બ્રાન્ડ હ્યુમરમાં કહ્યું, (એમની ડીક્ષનેરીમાંસોરીશબ્દ નથી એમ) નેપોલિયનની ડીક્ષનરીમાં પણ ઇમ્પોસિબલ શબ્દ ન હતો. તે ના હોય. જૂની કે ફાટેલી ડીક્ષનેરી લાવે તો ના જ હોય ને? આટલું કહી રહ્યા પછી પહેલી હરોળમાં બેઠેલા પ્રધાનમંડળના ચાર-પાંચ મંત્રીઓને ઉદ્દેશીને એક એક શબ્દ છૂટો પાડતાં કહ્યું, ‘નરેન્દ્રભાઈ ક્યારેક મળે તો કહેજો કે સોરી કહેવા બદલ ગુજરાતની છ કરોડ જનતાએ તેમનો આભાર માન્યો છે.વળી સહેજ અટકીને કહે, જો કે તમારે મળવાનું થશે ત્યાં સુધીમાં ગુજરાતની વસતી વધી ગઈ હશે એ વાતનોય ખ્યાલ રાખજો.
હવે વિનોદકાકાએ સુકાન મોરારીબાપુ તરફ ફેરવ્યું. તેમને પૂછ્યું,તમે બાપુ તરીકે ઓળખાવ છો. પણ મને તમે વિનુબાપા કહો છો. એ સારું તો લાગે છે, પણ બન્નેમાં મોટું કોણ ગણાય? બાપુ કે બાપા? એ મને ખબર નથી. સમજાવો.

મોરારીબાપુ કવિતાસર્જન કરનારાને દર વર્ષે નરસિંહ મહેતાના નામ સાથે સંકળાયેલું સન્માન આપે છે તેની વિનોદબાબુએ સહર્ષ નોંધ લીધી અને એ સન્માન અંતર્ગત આપવામાં આવતા ઈનામની રકમ પણ આગલી હરોળમાં બેઠેલા કવિ શોભિત દેસાઈને જાહેરમાં જ પૂછી. શોભિત દેસાઈએ એ રકમ રૂપિયા એક લાખ એકાવન હજારની છે એમ જણાવ્યું. એટલે વિનોદબાપાએ તત્ક્ષણ કહ્યું, જુઓ બાપુ, આને રકમ મોઢે છે. એનો મતલબ એ કે એને હજી એ સન્માન – ઇનામ મળ્યું નથી. તમે કંઈક વિચારજો.
આટલી ફટકાબાજી પછી વારો નીકળ્યો રઘુવીર ચૌધરીનો. પોતાને સાહિત્યની, એ કામ સાથે સંકળાયેલી પરિષદ (ગુજરાતી સાહિત્ય પરિષદ)ની ખૂબ ચિંતા છે એમ જણાવતાં  શ્રોતાઓને વિનોદકાકાએ કહ્યું,(મને ચિંતા) કેમ ન હોય? એ સંસ્થાનો હું ભૂતપૂર્વ પ્રમુખ છું. અરે, એ તો ઠીક, અત્યારે તેનો ટ્રસ્ટી પણ છું. આટલું કહીને પહેલી હરોળમાં બેઠેલા રઘુવીર ચૌધરીને તેમણે ગંભીરતાપૂર્વક પૂછ્યું ,‘હું હજી ટ્રસ્ટી છું ને? ના, આ તો એટલા માટે પૂછું છું કે આજે બપોરે થયેલી મિટિંગમાં હું ગેરહાજર હતો. એટલે પૂછી રાખવું સારું. જરા વિચારી જુઓ. આ બધી ફટકાબાજી તો એક જ વક્તવ્યમાં તેમણે કરી હતી. એટલે જ તેમનું વક્તવ્ય સાંભળવાનો જલસો પડે છે. જો કે, શ્રોતાઓની નાડ પારખી જાણનાર વિનોદકાકા તેમને વક્તવ્ય માટે ફાળવાયેલો સમય પૂરો થવા આવે એટલે અટકી જાય. સાથી વક્તાઓ કે આયોજકને સમયની અનુકૂળતા કે બંધન વિશે જાહેરમાં પ્રશ્ન પણ કરી લે અને એ રીતેય સૌને હસાવે.
૭૨મા જન્મદિને નાનકડું સ્નેહમિલન
(ડાબેથી) વિપુલ કલ્યાણી, વિનોદ ભટ્ટ (પાછળ બિનીત) પ્રકાશ ન. શાહ 
હું તેમના રૂબરૂ સંપર્કમાં આવ્યો લગભગ એ જ અરસામાં મહેમદાવાદના કોઠારીબંધુઓ (બીરેન અને ઉર્વીશ) પત્ર દ્વારા વિનોદકાકાના સંપર્કમાં આવેલા. એ બન્નેએ પણ એક વાચક લેખે જ પત્ર દ્વારા તેમનો સંપર્ક કરેલો અને પછી એ સંપર્ક ધીમે ધીમે આગળ વધતો રહેલો. રજનીકાકાને મળવા એ બન્ને આવ્યા ત્યારે એક વાર રજનીકાકાએ તેમની સાથે મારો ભેટો પણ કરાવી દીધો. (રેસ્ટ ઈઝ હીસ્ટરી એવું કોણ બોલ્યું?) એ બન્ને જણ કદીક વિનોદકાકાને મળવા પણ જતા હશે, છતાં અમે સાથે મળીને વિનોદકાકાને ત્યાં જઈએ એવા સંજોગો ભાગ્યે જ ઉભા થયા. જો કે, અમે વિનોદકાકાને ભલે અલગ અલગ રીતે મળીએ, છતાં વાતચીતમાં એકબીજાની હાજરી હોય જ.

૧૪ મી જાન્યુઆરીનો દિવસ ઉત્તરાયણનો ખરો, પણ પછીના વરસોમાં મને એ દિવસ વિનોદકાકાના જન્મદિવસ તરીકે વધારે યાદ રહી ગયો છે. વર્ષભરની મારી નિયમિત મુલાકાતો ઉપરાંત ઉત્તરાયણે, તેમના જન્મદિવસની સાંજે વિનોદકાકાને ખાસ મળવા જવાનો ક્રમ મેં પાંચેક વર્ષથી રાખ્યો છે. અમદાવાદમાં જ રહેતો હોવાથી આ અવસર હું ચૂકતો નથી. બીરેન કે ઉર્વીશે માત્ર ફોનથી વિનોદકાકાને અભિનંદન આપીને સંતોષ માનવો પડે છે. એવું જ પ્રણવ અધ્યારૂનું. એ તો અમદાવાદમાં જ છે, પણ પોળની ઉત્તરાયણનો ઘરેડ ચાહક. વરસના બાકીના દિવસે ઉર્વીશ કે પ્રણવ ભલે વિનોદકાકાને ત્યાં બેઠક જમાવતા હોય, પણ વિનોદકાકાના જન્મદિને એમને ત્યાં એ આવી શકે એવી શક્યતા નહીંવત છે, જેનો સીધો અને દેખીતો ફાયદો મને મળે છે. અમુક મિત્રોની હાજરી આપણને ફળે,તો અમુકની ગેરહાજરી આપણને ફળે. કોઠારી બંધુઓ કે પ્રણવના ભાગનો નાસ્તો અને મીઠાઈ મારા ભાગે આવે છે અને હું સમૃદ્ધ થતો જાઉં છું. બિનસત્તાવાર લંબગોળો (વર્તુળો હવે ક્યાં પહેલા જેવા રહ્યા છે?) પાસેથી મને ખબર મળ્યા છે કે એ લોકો ઉત્તરાયણના તહેવારની તારીખ બદલાવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભલે એ લોકો એમાં અટવાતા, ત્યાં સુધી મારામાં એમનો ભાગ પડવાનો નથી.
૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ના દિવસે જન્મેલા વિનોદ ભટ્ટ આજે ઉત્તરાયણ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૨ ના દિવસે ચુંમોતેરમું વર્ષ પૂરું કરીને પંચોતેરમા વરસમાં પ્રવેશશે. મારા જેવા અનેકના જીવનમાં હાસ્ય પાથરનાર આ હાસ્યપ્રેમી હાસ્યલેખકને હાર્દિક શુભેચ્છાઓ.
વિનોદકાકાને ફોનથી શુભેચ્છા પાઠવવા માંગતા મિત્રો તેમને (079) 2545 2700 પર સવારે 10 થી 12માં અને સાંજે 5 થી 7 માં ફોન કરી શકે.

11 comments:

  1. વિનોદ ભાઈને હાર્દિક અભિનંદન...
    તેમનો ટૂંક પરિચય ..

    http://sureshbjani.wordpress.com/2006/09/08/vinod_bhatt/

    ReplyDelete
  2. આનંદો– ગુરુજીને વધાઈ–શતમ્ જીવમ્ શરદમ.

    ReplyDelete
  3. Vinod sir
    shatam jivam sharad
    drpatel
    Baroda

    ReplyDelete
  4. ક્યા બાત હૈ! બિનીતભાઈએ લખેલા ચરિત્રો વાંચવાની હવે આદત પડતી જાય છે... બહુ મજા આવી.

    ReplyDelete
  5. Khajit Purohit

    વિનોદ સરને જન્મદિને વધાઇ તો આપુ જ છું, આજે આ પોસ્ટ વાંચવાની પણ મજા આવી. એમના વિષે ઘણુ જાણવાનુ પણ મળ્યું.

    ReplyDelete
  6. રજનીકુમાર પંડ્યાJanuary 14, 2012 at 6:20 PM

    ભાઇ બીનીત, આવા સરસ લેખો વાંચ્યા પછી તારી વિશેષ કંઇક વિશેષ નિખાર પામી હોય તેમ વરતાય છે. વિનોદ બહુ ચાલાક માણસ છે.પણ તેની ચાલાકી હંમેશા સારા કાર્યો માટે જ વપરાય છે.બહુ પ્રેમાળ અને હમેશા બીજા લેખકોને પ્રોત્સાહિત કરવાનું તેનું વલણ બહુ ઉમદા વૃત્તિનુ પરિચાયક છે. તેણે હઠ કરીને મારો વારતા સંગ્રહ બહાર પડાવ્યો . મારી દિકરીના એડ્મિશન માટે તે ખરાબ તબિયતે પણ મારી સાથે આવેલો અને એ કામ કરી આપેલું.
    આવા સરસ લેખ બદ્લ અભિનંદન-રજનીકુમાર પંડ્યા

    ReplyDelete
  7. ભરત કુમારJanuary 15, 2012 at 12:14 AM

    બિનીતભાઇ,વિનોદકાકાનો સરસ પરિચયાત્મક લેખ આપવા બદલ ધન્યવાદ.વિનોદ ભટ્ટ એ નામ આમ જુઓ તો બહુ જ પ્રસિદ્ધ નામ છે.એ પરિચયનુ મોહતાજ ના જ હોય,પણ તમારા સ્મરણો એ પ્રતીતિ કરાવી કે એ ફક્ત સરસ લેખક જ નહી,પણ મળવા જેવા પ્રેમાળ વ્યક્તિ પણ છે જ.તમારી આ સફર યાત્રામાં બિરેનભાઇ એ કહ્યું તેમ અમારી લાગણીય ધબકે જ છે.મારા જેવા કંઇ કેટલાય વાચકો એમને વાંચીને જ મોટા થયા છે.ગુજરાતી સાહિત્યમાં હાસ્યને લગતું સાહિત્ય જરાક ઓરમાન જ ગણાય છે,ત્યારે કંઇક ઉપેક્ષિત ને થોડા મુશ્કેલ ગણાતા આ સાહિત્યિક પ્રકારમાં વિનોદ ભટ્ટનું પ્રદાન અણમોલ ગણી શકાય.'ઇદ્દમ..'ની સાથે 'મગનું નામ મરી' કોલમ(ગુજરાત સમાચાર)નો પણ ઉલ્લેખ સહર્ષ કરી શકાય.તેઓએ હાસ્યને પણ ગંભીરતાથી લીધું છે.ને સાથે સાથે આપણને મંટો,ચાર્લી જેવા કેટલાય સર્જકોનો મેળાપ કરાવ્યો છે.આવા સર્જકો જ આપણી ગરવી ગુજરાતી ભાષાની અમીટ ઓળખાણ છે.ભાષા આવા લેખકોથી જ મહાન બનતી હોય છે.વિનોદકાકાને જન્મદિન પર વ્યક્ત કરી શકાય એ સઘળી ને તો ય જે અવ્યકત રહી જાય,એ બધી શુભેચ્છાઓ.

    ReplyDelete
    Replies
    1. બીનીતભાઇ વાહ ભઇ! મજો ૫ડી ગયો હો કે!!! વીનોદકાકાને રૂબરૂ મળ્યાનો આનંદ આ૫નો આ લેખ વાંચીને મળ્યો. વિનોદકાકાને ખૂબખૂબ અભિનંદન.... તેમના હાસ્યસભર લેખોનો લાભ હંમેશા સૌને સદાય મળતો રહે તેવી શુભેચ્છા.

      Delete
    2. Binitbhai
      By reading your article I feel I mat personally Vinodbhai.Congratulation.
      Himanshu Pathak

      Delete
  8. હું જૂનાગઢમાં વિનોદ ભટ્ટના લેખમાં અમદવાદના કોઈ સ્થળ (જેમ કે ગુજરાત કોલેજ) નો ઉલ્લેખ વાંચતો તો એમ થતું કે અમદાવાદ જઈને આ બધી જગ્યા જોવી પડશે. હવે તો એ જોઈ નાખી છે. પણ વિનોદ દાદા નામ પ્રમાણે જ વિનોદી છે. બહુ ઓછા લેખકો એવા છે જેને મળ્યા પછી એમ લાગે કે આ લખે છે એવું જ નિર્દંભ જીવે છે! વિનોદ ભટ્ટ એમના એક છે. સરળ અને મજાના. એમની સાથેની મુલાકાત ઉત્સાહની બેટરી ચાર્જ કરી દે.. ઈશ્વર એમને મોજ પડે ત્યાં સુધી જીવાડે...

    ReplyDelete
  9. રતિલાલ ભાઈ આપ મારા વિનોદ ભટ્ટ છો? એટલે મારા સાંહૃદય સ્નેહ મિત્ર છો? આપની કોઈ કૃતિ વાંચેલ નથી. આજે એક કલાક નો રતિલાલ બોરીસાગર નો વિનોદ ભટ્ટ વિષે નો વિડીયો સાંભળી મિત્ર માની લીધા? મારી જન્મ તારીખ 08/06/1954 છે ઓગણો તેર મુ ચાલે છે રતિલાલ ભાઈ સાથે શક્ય હોઈ તો વાત કરવી છે મારો mo.9428259317 છે રસિક ધામી, જેતપુર

    ReplyDelete