ટટેંં..ટટટટટેં...ટટટટટેં...ટટટં...ટોંટોંટોં...ટોંટોંટોંટોં...
આ ખરેખર તો બ્યુગલનો અવાજ છે, જે અમુક રીતે લયમાં બોલાય તો તરત જ ખ્યાલ આવી જાય કે ઓહો! આ તો બિનાકા ગીતમાલાની સિગ્નેચર ટ્યુન. વરસો સુધી દર બુધવારે રાત્રે આઠ વાગ્યે શરૂઆતમાં અને રાત્રે નવ વાગ્યે સમાપનમાં આ ધૂન આખી સાંભળવાનો રોમાંચ હતો. આ ધૂનમાં મુખ્ય ધ્વનિ ટ્રમ્પેટનો હતો, તેની સાથે ડ્રમ હતા અને પર્ક્સશન તરીકે ડટ્ટાની જુગલબંદી. એ સમયે એવી ખબર નહોતી કે આને 'સિગ્નેચર ટ્યુન' કહેવાય. એટલે અમે એને 'બિનાકાનું મ્યુઝીક' તરીકે ઓળખતા. હું આ ધૂન મોંએથી પણ 'વગાડતો.'
એ સમયે અમારા મહેમદાવાદમાં એક જાદુગર આવ્યો. એનું નામ 'ભોપાલી'. મહેમદાવાદમાં કોઈ હૉલ કે ઓડિટોરિયમ નહોતું. આને કારણે આ પ્રકારના કાર્યક્રમો ઓછા થતા. થાય તો પણ કોઈ ને કોઈ જ્ઞાતિની વાડીમાં. વળાદરા વાડની બહાર આવેલી વળાદરાની વાડીમાં એક વાર 'વિનોદ ભાવસાર એન્ડ પાર્ટી'નો કાર્યક્રમ યોજાયેલો. એક વાર એક જાદુગર અમારી જ્ઞાતિની વાડીમાં પણ આવેલો. એ ઉંમરે હાથકરામતની તરકીબો જોઈને હું મુગ્ધ થઈ ગયેલો. આજે પણ જાદુના ખેલ પાછળના રહસ્ય જાણવા કરતાં મને એ ખેલ જોવા-માણવા વધુ ગમે છે.
મહેમદાવાદની ચાર દિશામાં આવેલા ચાર દરવાજા પૈકીના એક વિરોલ દરવાજા પાસે 'પટેલની વાડી' તરીકે ઓળખાતું સ્થળ હતું. કદાચ આજેય હશે. આમ તો, આ સ્થળ સાવ ઉજ્જડ હતું. તેની ફરતે ઊંચી દિવાલ બનાવાયેલી, અને એક છેડે મંચ જેવું ખરું. પણ બેસવાનું નીચે ધૂળમાં. એને 'માટી' કહીએ તો સન્માન ગણાય. અને આ સપાટી ઉબડખાબડ હતી, એટલું જ નહીં, પાછળના ભાગમાં તો ટેકરા જેવું હતું. એમાં પ્રવેશ માટે લોખંડનો દરવાજો બંધાયેલો, જે વાસી શકાય એમ નહોતો. આવા સ્થળે 'ભોપાલી'નો શો આવ્યો. ઘેરથી મંજૂરી લઈને અમે કેટલાક મિત્રો હોંશે હોંશે એ જોવા ઉપડ્યા. મારા ખ્યાલ મુજબ, જાદુનો આવો કોઈ શો કદાચ હું પહેલવહેલી વાર જોઈ રહ્યો હતો. હુંં તો મુગ્ધપણે એ માણતો હતો. પણ મારો મિત્ર વિપુલ રાવલ દરેક આઈટમની પાછળ રહેલું રહસ્ય જાણવા માટે પ્રશ્નો મૂકતો હતો. જેમ કે, 'પેલા બૉકસમાં કાણું હશે, એટલે ત્યાંથી માણસ જતો રહ્યો હશે.' વગેરે... જાદુના આ શોમાં સમાંતરે સંગીત પણ વાગતું હતું, પણ એ સ્પષ્ટ હતું કે રેકર્ડ કે ટેપ રેકોર્ડર પર એ વાગતું હશે. સંગીતની સમાંતરે જાદુનો શો માણવાનો રોમાંચ જ કંઈક ઓર હતો. એવામાં અચાનક અમારા સૌ મિત્રોના કાન ચમક્યા. કેમ કે, કોઈ સંગીત વાગી રહ્યું હતું એમાં અચાનક ઉપર લખ્યું એવો બ્યુગલનો અવાજ સંભળાયો. અમે બોલી ઉઠ્યા, 'અરે! આ તો બિનાકાનું મ્યુઝીક!'
એ સમયે અમને પહેલવહેલી વાર ભાન થયું કે અમે જેને 'બિનાકાનું મ્યુઝીક' કહીએ છીએ એ હકીકતમાં એટલું જ નથી, પણ કોઈક આખા સંગીતમાંથી લીધેલો ટુકડો છે. મતલબ કે, 'બિનાકાનું મ્યુઝીક એ હકીકતમાં બિનાકાનું મ્યુઝીક છે જ નહીં.' આમ છતાં, એ મ્યુઝીક પ્રત્યેનો અમારો ભાવ એવો ને એવો જ રહેલો.
એ પછી તો 'બિનાકા ગીતમાલા'નું 'સિબાકા ગીતમાલા' થયું, જેને ઘણા 'લબાકા ગીતમાલા' કહેતા. નિયમીત સાંભળવાનો ક્રમ પણ પછી તો તૂટ્યો. અમીન સાયાનીને એકાદ વાર અલપઝલપ મળવાનું બન્યું, ત્યારે પણ મનમાં પેલું બ્યુગલ- જેને અમીન સાયાની 'બિગુલ' કહેતા- જ વાગતું હતું. કુતૂહલવશ આ આખી ધૂનની તપાસ હવે ગૂગલ પર કરી અને ખબર પડી કે મૂળ આ ધૂન એડમન્ડો રોસની છે, જે મૂળ ટ્રિનીદાદના સંગીતકાર, ગાયક, નિયોજક અને બૅન્ડ લીડર છે. તેમના એક આલ્બમમાં 'બિનાકા મ્યુઝીક'વાળી આખી ધૂનને 'સ્પેનિશ જિપ્સી ડાન્સ' તરીકે ઓળખાવવામાં આવી છે.
અહીં ફક્ત એ આખી ધૂનની ક્લીપ મૂકવામાં આવી છે. આ ક્લીપમાં 'બિનાકા મ્યુઝીક' 1.45 થી 2.25 સુધી છે. માત્ર બ્રાસવાદ્યો અને ડ્રમનું વાદન ડોલી જવાય એટલી અદ્ભુત રીતે છે. આ કલાકારની અન્ય ટ્રેક યુ ટ્યૂબ પર આસાનીથી ઉપલબ્ધ છે. એ પણ સાંભળવાનો કાર્યક્રમ છે.
હજી એક ખોજ બાકી છે. 'બિનાકા'ના ચાહકોને 'સરતાજ ગીત કા બિગુલ' (ટરટં ટરટં ટરટં ટરટં ટટટં ટં, ટટટં ટં) યાદ હશે. એ કઈ ધૂનનો ટુકડો છે એ ખબર નથી. કોઈ મિત્રને ખ્યાલ હોય તો જણાવે. મને જડશે તો હું પણ અહીં મૂકીશ.
જૂની યાદો તાજી થઈ ગઈ ! નવી માહિતી પણ મળી. ખૂબ ખૂબ આભાર
ReplyDelete